(સ્વામી અખંડાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ હતા. શ્રી રામકૃષ્ણ મઠ ચેન્નાઈ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક ‘From Holy Wanderings to Service of God in Man’ માંથી આ લેખનું સંકલન કરાયું છે. તેનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદક વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. -સં.)
એકાકી વિચરવાની સ્વામીજીની ખેવના
સ્વામીજી એકલા દિલ્હી જવા નીકળ્યા. દશ દિવસ પછી, બીજા તેમની જેમ રવાના થયા.
જ્યારે સ્વામીજી દિલ્હી જવા નીકળ્યા ત્યારે મેં કહ્યું, “તમારા વચન ખાતર મેં મધ્ય એશિયાની મુલાકાતે જવાનું માંડી વાળ્યું અને વરાહનગર પાછો ગયો અને હવે તમે મૂકીને જઈ રહ્યા છો!” સ્વામીજીએ કહ્યું, “ગુરુભાઈનો સંગાથ તપસ્યા આડેનું મોટું વિઘ્ન છે. તમે જોતા નથી કે તમે ટિહરીમાં બીમાર પડ્યા અને હું સાધના કરી શક્યો ન હતો, જ્યાં સુધી હું ભ્રાતૃભાવનું બંધન તોડી ન શકું ત્યાં સુધી સાધના નહીં કરી શકું. જ્યારે જ્યારે હું તપસ્યાનો વિચાર કરું છું, ત્યારે ત્યારે ઠાકુર વિઘ્ન નાખે છે. આ વખતે હું એકલો જવા નીકળીશ. મારી કોઈનેય ભાળ નહીં મળે.” મેં કહ્યું, “તમે પાતાળમાં જશો તોયે જો હું તમને શોધી ન કાઢું તો મારું નામ ગંગાધર નહીં!”
શરત મહારાજ અને સંન્યાલ દિલ્હીથી ઇટાવા જવા નીકળ્યા; રાખાલ મહારાજ અને હરિ મહારાજ પંજાબ જવા ઊપડ્યા અને હું વૃંદાવન-વ્રજધામ જવા નીકળ્યો. હું ત્યાં ત્રણ-ચાર મહિના રોકાયો હતો ત્યારે મને બ્રોંકાઈટિસ થઈ ગયો હતો, તુલસી મહારાજ વૃંદાવન આવ્યા. હું તેમની સાથે આગ્રા થઈને ઇટાવા ગયો.
ઇટાવામાં હું પાંચ મહિના તાવમાં સપડાયો. જ્યારે સ્વામી ત્રિગુણાતીતાનંદ આવ્યા એટલે તુલસી મહારાજ મઠ જવા નીકળ્યા અને સ્વામી ત્રિગુણાતીતાનંદ સાથે હું આગ્રા આવ્યો. તેઓ વ્રજ જવા નીકળ્યા અને સ્વામીજીની શોધમાં હું જયપુર ગયો.
જયપુર ખાતે ગોપીનાથજીના મંદિરમાં સરદાર ચતુર સિંઘનો ભેટો થયો. તેમની પાસેથી મને જાણવા મળ્યું કે રાજાને મંત્રદીક્ષા આપ્યા પછી સ્વામીજી ખેતડીમાં બે-ત્રણ માસ રોકાયા હતા અને ત્યાંથી અજમેર ગયા હતા. જયપુર થઈને હું અજમેર ગયો.
અજમેરમાં
સરદાર ચતુર સિંઘે અજમેર જવા મારી સાથે તેમના વૃદ્ધ સંબંધીને મોકલ્યા. રેલગાડીમાં મુસાફરી કરતી વખતે તે વૃદ્ધ સજ્જને કોથળીમાંથી થોડું અફીણ કાઢ્યું અને ગળી ગયા. પછી તો આંખો બંધ કરીને તેઓ ઝોકાં ખાવા લાગ્યા. મેં પૂછ્યું, “તમારી કોથળીમાં શું છે?” જવાબ હતો, “અમલ (અફીણ).” મેં પૂછપરછ કરી, “ઝાઝુ લેતા લાગો છો? અફીણનો લાભ શો?” આંખો બંધ રાખીને વૃદ્ધ માણસે કહ્યું, “એના ચાર લાભ છે. ‘અમલી’ (અફીણ ખાનાર)ને કૂતરું ક્યારેય કરડતું નથી. તે કદાપિ પાણીમાં ડૂબી જતો નથી. તેના ઘરમાં ચોર ઘૂસતો નથી અને સ્ત્રી કદાપિ તેના પર ભૂરકી નાખી શકતી નથી.” કારણ એ છે કે અફીણ ખાનાર કાયમ હાથમાં લાકડી લઈને ચાલે છે. તે ભાગ્યે જ પાણીનો ઉપયોગ કરે છે. તે રાતભર જાગતો રહે છે તેથી ચોર આવી શકતો નથી અને એવું બધું.
પછી તેણે પોતાનું દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, “મહારાજ, મને બ્રિટિશ રાજ્યમાં ગોઠતું નથી.” મેં એનું કારણ પૂછ્યું એટલે તેણે કહ્યું, “વાત એવી છે કે અમારી પાસે પહેલાં ખેતીલાયક જમીન હતી. તેમાં ભાગલા પડતાં પડતાં, મારા ભાગે કંઈ આવ્યું નહીં. પરંતુ મારે તો કુટુંબનો નિર્વાહ કરવાનો હતો. પુરાણા દિવસોમાં હું હાથમાં તલવાર લઈને નીકળતો અને થોડું ઘણું રળી લેતો.” મેં પૂછ્યું, “એવું કેવી રીતે?” તેણે કહ્યું, “મેં રસ્તા પર ધાડ પાડવા માંડી અને મને થોડા સમય માટેની ખર્ચી પૂરતું મળી જતું. ફરી પાછી જરૂર લાગે ત્યારે હું લૂંટફાટ કરતો. મહારાજ, આમ ચાલ્યા કર્યું; પરંતુ હવે બ્રિટિશ શાસનમાં આમ કરવું શક્ય નથી.”
અજમેરમાં મને જાણવા મળ્યું કે સ્વામીજી અમદાવાદ જવા નીકળ્યા છે. હું પુષ્કર આવ્યો. ત્યાં મને સારદા (ત્રિગુણાતીત) મળ્યા અને અમે બંને પાછા અજમેર ગયા. અહીં સારદા બીમાર પડ્યા અને મારે તેમની સેવા ચાકરી કરવી પડી. આમ અમે ત્યાં એક પખવાડિયું રોકાયા.
સારદા સાજા થયા એટલે તેમણે ખંડવા જવા ઇચ્છા કરી. અમારા એકેય પાસે કોડીય ન હતી. મને એની લગારેય ચિંતા ન હતી, પરંતુ સારદા એટલા બધા દુર્બળ થઈ ગયા હતા કે ચાલવું મુશ્કેલ હતું. શરમનો માર્યો હું પૈસા માગી શકતો નહીં. મેં બંગાળી બાબુઓને માત્ર એટલું જ કહ્યું, “મહાશય, અમે પરમ દિવસે નીકળવાના છીએ.”
મને આશા હતી કે ‘અમે નીકળવાના છીએ’ એવું સાંભળીને તેઓ જાતે રેલભાડું આપશે. તેઓએ કહ્યું, “ભલે, સ્વામી.” પરંતુ તેઓએ કશુંય આપ્યું નહીં. પરમ દિવસ નજીક આવતો જતો હતો અને અંતે ખરેખર તો તે દિવસ પણ આવી પહોંચ્યો.
ફરી પાછું મેં કહ્યું, “અમે આવતીકાલે નીકળીશું.” પૂર્વનો જ જવાબ હતો, “બરાબર છે સ્વામી, બરાબર છે.”
ખાલી ખિસ્સે મુસાફરી કરવાનું મારું વ્રત હતું. જો કોઈ મને રેલભાડું આપવાનું કહેતું તો હું પૈસા લેતો નહીં, મારે માટે ફક્ત રેલવેની ટિકિટ ખરીદી આપવાનું કહેતો. પરંતુ અજમેરના બાબુઓનું ‘ઠીક છે, બરાબર છે’ એ શબ્દોએ મને ચિંતામાં મૂકી દીધો.
જ્યારે હું પહેલી વાર અજમેર આવ્યો હતો ત્યારે ચતુર સિંઘના સાળા મૌર સિંઘે પ્રણામ કરીને મને પૈસા આપવા કહ્યું હતું. હું ધનનો સ્પર્શ કરતો ન હતો. હવે મેં સારદા માટે ટિકિટ ખરીદી આપવાની તેમને વિનંતી કરવા વિચાર્યું. મેં એવું કર્યું. મારી વિનંતીને માન આપીને મૌર સિંઘે ખંડવાનું રેલભાડું આપ્યું. અરેરે! હવે એ પૈસા મારે પાઘડીના છેડે બાંધવા પડ્યા હતા. પછી મેં સારદાને ખંડવા રવાના કર્યા.
મિ. વિલિયમ્સ : એક ખ્રિસ્તી
અજમેરમાં મને એક ખ્રિસ્તી મિ. વિલિયમ્સ મળ્યા. તેઓ માનતા કે શ્રીરામકૃષ્ણ ઈશુનો અવતાર હતા. મને મળ્યા એટલે તેમને ઠાકુર વિશે આમ કહેવા માંડ્યું, “હું ઠાકુર પાસે પહેલવહેલો આવ્યો ત્યારે તેમણે મારા માટે એક સાદડી પાથરી અને બીજી તેમના માટે. તેમણે કહ્યું, ‘જુઓ, બે સાદડી વચ્ચે એક ઇંચનું અંતર છે.’ મેં કહ્યું, ‘બે સાદડીઓ અલગ અલગ છે, પરંતુ આપણા હૃદય વચ્ચે અંતર નથી.’ ઠાકુરને જોતાંવેંત તેમનામાં ઈશુ પ્રત્યેના ભાવમાં વૃદ્ધિ થઈ હતી અને વિશેષ આધ્યાત્મિક પ્રેરણા મળી હતી.
રાજપૂતાના, આબુ, ગુજરાત, વડોદરા
સારદાને વિદાય આપ્યા બાદ મેં વિચાર્યું, “પગપાળા હું સ્વામીને નહીં પહોંચી શકું. પરંતુ રેલવેમાં મુસાફરી કેવી રીતે કરવી?” આકસ્મિકપણે કોઈકે આઠ આના આપ્યા અને મેં બ્યાવરની ટિકિટ લીધી. ત્યાં પહોંચીને સાંભળ્યું કે સ્વામીજી ત્યાં આવીને અજમેર ગયા છે. બ્યાવરથી હું આબુ જવા નીકળ્યો. લોકો રેલભાડું આપતા અને હું મુસાફરી કરતો હતો. આબુમાં જોવાલાયક સ્થળો જોઈને હું અમદાવાદ જવા નીકળ્યો. ત્યાં પહોંચીને મને જાણવા મળ્યું કે સ્વામીજી (ગુજરાત જવા) નીકળી ગયા હતા. એક સજ્જન મને અમદાવાદથી ડાકોર લઈ આવ્યા. ત્યાંથી હું વડોદરા અને ભરૂચ થઈને ખંભાતના અખાત પહોંચ્યો અને નર્મદાના સંગમસ્થાને ડૂબકી લગાવી.
નર્મદાના સંગમસ્થાન પર
નર્મદાના સંગમસ્થાને હું એક ગામડાના ખેડૂતનો અતિથિ બન્યો હતો. બપોરનું ભોજન લીધા પછી ઘરમાલિક પરિવાર સાથે પાક લણવા ખેતરે ગયો અને હું એક સુઘડ ઓરડામાં રોકાયો. આખુંય ઘર ખુલ્લું હતું. આખોય દિવસ તેઓ ઘેર ન હતાં એટલે મેં વિચાર્યું, “તેમને મારામાં કેવો અગાધ વિશ્વાસ છે! એક અજાણ્યા સંન્યાસીના ભરોસે ઘર ખુલ્લું મૂકીને તેઓ જાય છે!”
સૂર્યાસ્ત થતાં તેઓ ઘેર આવ્યાં એટલે મેં વૃદ્ધ ગૃહપત્નીને કહ્યું, “મા, હું અજાણ્યો છું. આખોય દિવસ ઘર ખુલ્લું મૂકીને જવામાં તમને મારામાં આવો વિશ્વાસ કેવી રીતે આવ્યો?” તેમણે જવાબ આપ્યો, “દીકરા, થોડા દિવસ પહેલાં તમારા જેવા એક સંન્યાસીને ઘેર મૂકીને અમે ખેતરમાં ગયાં હતાં. અમે ઘેર પાછાં આવીને જોયું તો સંન્યાસી વિદાય થઈ ગયા હતા. અમે એમની શોધખોળ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહીં. મને યાદ આવ્યું છે સંન્યાસી જે ખાટલામાં સૂતા હતા, તેના ગાદલા નીચે રૂપિયા ત્રીસની કિંમતની ચાંદીની બંગડી હતી. જોયું તો સંન્યાસી બંગડી લઈ ગયા હતા. સંન્યાસીનાં વસ્ત્રોમાં સાચો સંન્યાસી છે, એમ માનવાનું ગૃહસ્થનું કર્તવ્ય છે; જુઓ, કોઈકને માટે એથી વિપરીત વિચારવું એ કર્તવ્ય-ભંગ બરાબર ગણાય. એ સંન્યાસીમાં વિશ્વાસ મૂકીને મેં ગૃહસ્થે જે કરવા યોગ્ય છે તે કર્યું હતું, પરંતુ તે સંન્યાસી પોતાનું વ્રત નિભાવવામાં નિષ્ફળ નીવડ્યો. મેં તો ત્રીસ રૂપિયાની બંગડી ગુમાવી, પણ તેથી હું ભિખારી નથી બની ગઈ.”
વડોદરા
સંગમસ્થળેથી હું વડોદરા પાછો ફર્યો અને રાત્રી એક ખેડૂતને ત્યાં રોકાયો. બીજા દિવસે મહારાષ્ટ્રીયન બ્રાહ્મણોએ કહ્યું, “તમે દંડી સંન્યાસી થઈને એક શૂદ્રને ત્યાં રોકાવ, એવું કેમ બને?” તેઓ મને એક બ્રાહ્મણને ત્યાં લઈ ગયા અને ત્યાં મારો સારો સત્કાર થયો. પરંતુ તે ઘર અત્યંત ગંદું હોવાથી હું અન્ય રહેવાલાયક સ્થાનની શોધ કરવા લાગ્યો.
વડોદરા રાજ્યમાં સંન્યાસી શિવ કે વિષ્ણુ મંદિરમાં ન રોકાઈ શકે. એક સ્થળ જોતાં મને લાગ્યું કે તે સાનુકૂળ થશે. તે વડોદરા રાજ્યની માલિકીનું હતું. તે ઉચ્ચાધિકારી બંગાળી અમલદારના કબજામાં હતું. ત્યારે તે ઘેર ન હતા.
હું તેમની શોધમાં નીકળ્યો. તેમને મળીને લાગ્યું કે તેઓ માયાળુ અને પરોપકારી વૃત્તિના છે. તેઓ મને ઘેર લઈ ગયા અને કહ્યું, “હું અહીં એકલો જ રહું છું. ઘણા બધા ઓરડા ખાલી છે. તમને ગમે તે ઓરડામાં તમે રહી શકો છો.”
તેમણે મારા માટે ફળ અને મીઠાઈ લઈ આવવા માટે એક માણસને મોકલ્યો. તેમણે પૂછ્યું, “તમે જ્ઞાતિબંધનમાં માનો છો?” મેં કહ્યું, “ના, એવું કેમ કરીને બની શકે? હું તો સંન્યાસી છું.” મારા માટે મીઠાઈ લેવા મોકલેલ નોકરને પાછો બોલાવ્યો અને કહ્યું, “તો પછી તમારે બજારમાંથી લાવેલ મીઠાઈ શા માટે ખાવી જોઈએ? તમે મારી સાથે ભોજન કરી શકો છો.” હું સંમત થયો.
પરંતુ જ્યારે ભોજન પીરસવામાં આવ્યું ત્યારે જોયું તો પીરસનારને જોતાં જ મને અણગમો થયો. તે ગોવા પ્રાંતનો ખ્રિસ્તી હતો. તેનાં પોશાક અને હાવભાવ જોઈને મને અગણમો ઊપજતાં ભોજન પ્રત્યેની મારી રુચિ અદૃશ્ય થઈ. પહેલાં ચા આપી. તેમાંથી થોડીક હું ગમે તેમ કરીને પી ગયો. જે હાથે તેણે ‘અમૃત’ પીરસ્યું હતું તે જોઈને મને ઊબકા આવવા લાગ્યા. પછી ભાત અને દાળ આવ્યાં અને કંઈક બહાનું કાઢીને હું મેજ છોડી જવા માગતો હતો.
મારા યજમાન એ જ મેજ પર બેઠા હતા અને અડધું ભાણું મૂકીને ઊભા થઈ જવું એ શિષ્ટાચારનો ભંગ ગણાય. પરંતુ મારા શિષ્ટાચાર પર એકાએક ઊલટીએ અધિકાર જમાવ્યો અને મારા કાનમાં શબ્દો અથડાયા, “ભાતનો એક દાણો તારા પેટમાં જવા દે, અન્યથા અન્નપ્રાશન (બાળકે ગ્રહણ કરેલ અન્નનો પ્રથમ કોળિયા)થી માંડીને અત્યાર સુધી લીધેલું અન્ન બહાર આવી જશે!” મારે એ સજ્જનને કહેવું પડ્યું, “હવે હું વધુ લઈ શકીશ નહીં. મને ઠીક નથી, હું જઈ શકું છું?” વિસ્મયપૂર્વક સજ્જને મારી સામું જોયું અને ગંભીરપણે કહ્યું, “હું જોઉં છું કે તમે જ્ઞાતિબંધનના પૂર્વગ્રહને ત્યજી દેવા હજુ સમર્થ બન્યા નથી. તમે હજુય જ્ઞાતિબંધનમાં માનો છો.”
મેં કહ્યું, “હા, હું જેવો છું, તેવો છું.” પછી તો મારા ભોજનની વ્યવસ્થા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ સાથે ગોઠવાઈ. હું તે સજ્જન સાથે જ રહેતો.
(ક્રમશ:)
Your Content Goes Here