(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં.)
(ગતાંકથી આગળ)
રાખના ઢગલામાંથી જેમ અચાનક જ અગ્નિ પ્રજ્જ્વલિત થઈ ઊઠે, તેમ બ્રાહ્મણોની વચ્ચેથી અર્જુન ઊભા થયા. તેમણે હાથમાં ધનુષ ઉઠાવ્યું, મનમાં જ સમસ્ત દેવતાઓનું આવાહન કર્યું અને શીઘ્ર ગતિથી તે પાંચેય તીર ચલાવ્યાં, જે ફરતા ચક્રના છિદ્રમાંથી પસાર થઈ એટલા વેગપૂર્વક લક્ષ્યને વીંધી ગયાં કે તે લક્ષ્ય જમીન પર આવી પડ્યું. દ્રૌપદી અર્જુનના આકર્ષક વ્યક્તિત્વ પર મુગ્ધ થઈ ગઈ. તે અત્યંત પ્રસન્નતાપૂર્વક તેની પાસે પહોંચી અને વરમાળા તેના ગળામાં પહેરાવી દીધી. તેથી ત્યાં ઉપસ્થિત બધા રાજકુમારોએ પોતાને બહુ જ અપમાનિત અનુભવ્યા. તે લોકોએ દ્રુપદનો બદલો લેવાનો નિશ્ચય કર્યો. પરંતુ ભીમ અને અર્જુન તેમની રક્ષા કરવા માટે આગળ આવ્યા અને તે સૌને હરાવી દીધા. અર્જુન સભામંડપમાંથી નીકળી પેલા કુંભારના ઘર તરફ ચાલી નીકળ્યો. દ્રૌપદી અને અન્ય ભાઈઓ પણ તેમની પાછળ પાછળ ચાલી રહ્યાં હતાં.
ઘેર પહોંચીને તેઓ બહારથી જ આનંદમાં બૂમ પાડી ઊઠ્યા, ‘મા, અમે લોકો તમારે માટે એક વિશેષ ભેટ લાવ્યા છીએ.’ કુંતીએ અંદરથી જ જવાબ આપ્યો, ‘તમે લોકો એને અંદરોઅંદર જ વહેંચી લો.’ તેમને બિચારાંને શું ખબર કે એ ભેટ કઈ પ્રકારની છે! પરંતુ જ્યારે તેમના પુત્રોએ રાજકુમારી દ્રૌપદીને તેમની સમક્ષ ઉપસ્થિત કરી તો તેમને ઘણું દુઃખ અને પશ્ચાત્તાપ થયો. તેમણે પોતાની ભાવનાઓ પર સંયમ રાખી તે યુવતીને ગળે વળગાડી લીધી અને બોલ્યાં, ‘અમારા ઘરમાં તારું સ્વાગત છે. અંદર આવો, બેટી.’ દ્રૌપદીએ તેમનો ચરણસ્પર્શ કરીને ચરણરજ લીધી. કુંતી તેને અંદર લઈ ગયાં. હવે કુંતીનું વચન કેમ કરી નિભાવવું? અન્ય કોઈ ઉપાય ન જણાતાં પાંચેય પાંડવોએ તેની સાથે લગ્ન કરવાં પડ્યાં. તે જ સમયે ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના ભાઈ બલરામ પણ ત્યાં આવી પહોંચ્યા.
શ્રીકૃષ્ણ પાંડવોના નજીકના સગા હતા, કારણ કે પાંડવોની માતા કુંતી શ્રીકૃષ્ણના પિતા વસુદેવનાં બહેન થતાં હતાં. પાંડવો સાથે મેળાપ થવાથી તેમણે અને બલરામે કહ્યું કે તેઓ ‘સ્વયંવર’ વખતે જ તેમને ઓળખી ગયા હતા. તેઓ પાંડવોને આશીર્વાદ આપી દ્વારકા પાછા ફર્યા. આમ એ પ્રાચીન યુગમાં, જો કોઈ વ્યક્તિ પરિણામથી અજાણ હોવા છતાં કોઈ વચન આપી દે તો પણ તે કોઈ પણ કીમતે તે સત્યનું પાલન કરતા હતા.
પાંડવોને ખબર ન હતી કે રાજકુમાર ધૃષ્ટદ્યુમ્ન પણ તેમનો પીછો કરતાં તે કુંભારના ઘર સુધી પહોંચ્યા હતા. તેમણે પાંડવો અને કુંતી તેમજ યુધિષ્ઠિર અને શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ સાંભળી લીધો હતો. તેઓ પાંડવો છે તે જાણીને ધૃષ્ટદ્યુમ્ન આનંદથી પ્રફુલ્લિત થઈ ગયા અને દ્રુપદને આ સમાચાર પહોંચાડવા પોતાના મહેલ તરફ દોડી ગયા. તેમને પણ આ માહિતી સાંભળી પરમ આનંદ થયો. તેઓએ તત્કાલ કુંતી અને પાંડવોના રાજકીય સન્માનની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો. ત્યારે જ એ અવસરની શોભામાં અભિવૃદ્ધિ કરતાં મહામુનિ વ્યાસદેવ પણ ત્યાં આવી લાગ્યા. દ્રુપદના નિમંત્રણ પર કુંતી અને દ્રૌપદીને સાથે લઈને પાંડવો તેમના મહેલમાં આવી પહોંચ્યા. પરંતુ દ્રૌપદીનાં એક સાથે પાંચ પાંડવો સાથે લગ્ન તેમને મંજૂર ન હતાં. વ્યાસદેવે સમાધાન કરતાં કહ્યું, ‘દ્રૌપદીએ પૂર્વજન્મમાં ભગવાન શિવજીને પ્રાર્થના કરી સારો પતિ પામવા માટે પાંચ વખત વરદાન માગ્યું હતું. ભગવાન શિવે તેને વરદાન આપ્યું હતું કે પછીના જન્મમાં તે પાંચ સર્વશ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરશે. તેથી પાંચેય પાંડવો સાથે લગ્ન કરવાથી દ્રૌપદીને કોઈ પાપ નહીં લાગે.’ હવે એ જટિલ સમસ્યાનું સમાધાન થઈ ચૂક્યું હતું. દ્રૌપદીનાં પાંચેય પાંડવો સાથે લગ્ન સંપન્ન થયાં. વિદ્વાન પુરોહિત ધૌમ્યે આ લગ્નના અનુષ્ઠાનને સંપન્ન કરાવ્યું. પહેલા દિવસે યુધિષ્ઠિરે દ્રૌપદીનું પાણિગ્રહણ કર્યું અને પછીના ચાર દિવસોમાં બાકીના ચાર ભાઈઓએ. રાજા દ્રુપદે ખૂબ ઉદારતાપૂર્વક બધા જમાઈઓને સ્વર્ણ-પતાકાયુક્ત સો રથ, સો હાથી અને સો સુંદર યુવાન દાસીઓ પ્રદાન કરી. કુંતીએ દ્રૌપદીને આશીર્વાદ આપતાં કહ્યું, ‘મારી પુત્રી, હંમેશાં પ્રસન્ન રહો. પોતાના પતિઓ પ્રત્યે નિષ્ઠાવાન રહો અને અતિથિઓ તેમજ આગંતુકો પ્રતિ દયાળુ બની રહો.’
(ક્રમશ:)
Your Content Goes Here