(7 એપ્રિલ, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં અંગ્રેજી વિષયનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા કુ. સીમાબેન માંડવિયા, ચાલીસ વર્ષ અંગ્રેજી શીખવી હવે બાળકો, યુવાનો તથા બહેનોની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેઓ રામકૃષ્ણ મઠ-મિશન તથા સારદા મઠ-મિશનની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. – સં.)
માનસિક સ્વાસ્થ્ય કે માનસિક સ્વસ્થતા એ આજના યુગના બહુચર્ચિત શબ્દો છે, જેમાં બે શબ્દોનો સમાવેશ થાય છે, મન અને તેનું સ્વાસ્થ્ય કે સ્વસ્થતા. સ્વસ્થતા પણ એક શબ્દસમૂહ છે—સ્વ+સ્થ—પોતામાં સ્થિર રહેવું. પોતે એટલે? પોતાનું અંતરતમ તત્ત્વ—આત્મા. એનો અર્થ છે જેનું મન નિજમાં સ્થિર છે, નિયંત્રણમાં છે, તેનું માનસિક સ્વાસ્થ્ય ઉત્તમ ગણાય. કેમ કે મન એ અખૂટ શક્તિનો ધોધ છે પરંતુ તેને સાચી દિશામાં વાળેલ હોય તો. નહિતર આ જ મન આપણને તોડી-ફોડી નાખી શકે છે. ગીતાનો શ્લોક છે ને કે મનથી જ બધું છે. મનથી જ મુક્ત, મનથી જ બદ્ધ, મન જ આપણો મિત્ર તેમજ મન જ શત્રુ. જેમ શરીરને સુદૃઢ કરવા, તેનું સ્વાસ્થ્ય જાળવવા આપણે યોગ્ય ખોરાક, વ્યાયામ, આરામ વગેરે ઉપર ધ્યાન આપીએ છીએ તે જ રીતે મનને સુદૃઢ કરવા, દરેક પરિસ્થિતિમાં સમતુલા જાળવવા તેની કેળવણી પણ અનિવાર્ય થઈ પડે છે. તો જ આ કેળવાયેલું મન આપણને આપણા ઉચ્ચતમ ધ્યેય—શાશ્વત શાંતિ, સુખ અને આનંદ મેળવવા માટે મદદરૂપ થઈ શકે.
આજે આપણે ટેક્નોલોજીના યુગમાં પદાર્પણ કરી ભૌતિક વિકાસને જ પોતાનું ધ્યેય માની લીધું હોવાથી, આપણું માનસિક સ્વાસ્થ્ય કથળી ગયું છે. આજના યુગમાં ગળાકાપ હરીફાઈ વધુને વધુ પોતા માટે એકઠું કરવું, બહુલ-ત્વનો વ્યાધિ, જાહેરાતો દ્વારા બજારુ ચીજવસ્તુઓની વધતી જતી માગ—આ બધું વધતું જ જાય છે. વધુને વધુ લોકો ડિપ્રેશનનો ભોગ બનતા જાય છે.
ભૂતકાળમાં જોઈએ તો આપણા ઋષિમુનિઓની પરંપરાથી માંડી આપણા બાપ-દાદાઓ (૫૦-૬૦ વર્ષ પહેલાં) સુધી આપણે શાંત, સમતોલ જીવનની વાતો સાંભળી-જોઈ છે. તે લોકોનું જીવન શાંત, સુખભર્યું, તણાવમુક્ત, આનંદી હતું. જીવન જીવવાની કળા તેમને હસ્તગત હતી. કોઈ વર્ગમાં જઈને તે શીખવાની તેમને જરૂરત નહોતી, કેમ કે તેઓ આજની હરીફાઈ કે જેમાં ઈર્ષ્યા, સ્વાર્થ, ક્રોધ જેવાં દૂષણો ભરેલાં છે—તેનાથી મુક્ત હતા. ભારતીય સમાજની કરોડરજ્જુ સમાન આધ્યાત્મિકતાના વારસા પર સમાજ-ઘડતર થયેલ, જેમાં સાદગીભર્યું નિયમિત જીવન, નિઃસ્વાર્થતા, બીજા માટેનો વિચાર, જતું કરવાની વૃત્તિ, પ્રેમ-કરુણા જેવાં આપણાં શાશ્વત મૂલ્યો સમન્વિત હતાં. આખો વખત કામકાજમાં વ્યસ્ત રહેવાથી, નવરાશના સમયે ગપ્પાં મારવાં કે ટીવી જોઈ ખોટા-ખરાબ વિચારોથી મગજને ભરી દેવાથી દૂર હતા. તેથી તે લોકોનું માનસિક સ્વાસ્થ્ય સુદૃઢ હતું. પરંતુ આજે ઊલટું જ ચિત્ર જોવા મળે છે. તો આ સંજોગોમાં આપણા જેવી વિચારશીલ વ્યક્તિઓની એક નૈતિક જવાબદારી બની જાય છે કે આપણે વર્તમાનમાં રહી ભૂતકાળ (આપણા બાપ-દાદાઓ) અને ભવિષ્ય (આપણી આવનાર પેઢી) એ બંને વચ્ચેની સાંકળ બની, આપણા સંનિષ્ઠ પ્રયત્નોમાં લાગી પડીએ.
મનની કેળવણી: માનસિક સ્વાસ્થ્ય માટે મનની કેળવણી જરૂરી છે; એટલે કે મનને પોતે નિયંત્રિત કરવું પડે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણે અર્જુનને બતાવેલા બંને ઉપાયો આપણા માટે જ છે. ૧. અભ્યાસ અને ૨. વૈરાગ્ય. દુનિયામાં બધું જ મેળવવા માટે અભ્યાસ, મહેનત કરવી જ પડે છે. સારા ગુણ મેળવવા, ટોપર બનવા, પૈસા કમાવા, સુખ-સગવડ મેળવવા, અવકાશમાં જવા, વૈજ્ઞાનિક શોધખોળ કરવા, સૌંદર્ય સામ્રાજ્ઞી બનવા, શારીરિક સ્વાસ્થ્ય મેળવવા વગેરે વગેરે કયા કયા અભ્યાસ નથી કરતા? તો મનને નિયંત્રણમાં રાખવા માટે પણ તે કરવું જ પડે. મહેનત કર્યા વિના કંઈ મળતું નથી અને મહેનત કરવાથી કંઈ મળ્યા વિના રહેતું નથી. આ એક સાર્વત્રિક સિદ્ધ થયેલ વાત છે. બીજું, વૈરાગ્ય. મારા માટે જે વસ્તુ, પરિસ્થિતિ, વ્યક્તિ કે વિચાર સારી નથી તેને છોડવી—તે વૈરાગ્ય.
આ ઉપરાંત, રામકૃષ્ણ મિશનના સ્વામી અમર્ત્યાનંદજી કે જેઓ આવા વિષયો ઉપર પ્રવચન આપે છે તથા પુસ્તકો લખે છે, તેમણે એક SDM Theoryની વાત કરી છે, જે બધાએ પોતાના જીવનમાં લાગુ પાડી, અત્યંત ક્રિયાશીલ કે મેધાવી બાળકોને નાનપણથી તેમાં વાળવા પ્રયત્નો કરી, દેશનું ભાવિ ઉજ્જ્વળ બનાવવા પ્રયત્નશીલ થવું જોઈએ. જેમાં S = Satsang, D = Discipline, M = Meditation આ ત્રણને વિગતવાર સમજીએ.
૧. સત્સંગ: સત્સંગ એટલે સારો સંગ. શાબ્દિક અર્થ—સારા લોકો, સારું વાંચન, સારા વિચારોનો સંગ કરવો તે સત્સંગ, જેના દ્વારા આપણું મન બળવાન અને શુદ્ધ બને. સમૂહમાં વાંચન, ધ્યાન, ભજન, કીર્તન, શ્રવણ કરવું. અવતારો કે સંત-પુરુષોના જીવનકવનનું વાંચન, ચિંતન, મનન કરી તેમના ગુણો પોતામાં ઉતારવા, તેનો પણ સત્સંગમાં સમાવેશ થાય છે.
શંકરાચાર્યના ‘ભજ ગોવિંદમ્’માં એક શ્લોક છે:
सत्संगत्वे निस्संगत्वं, निस्संगत्वे निर्मोहत्वं।
निर्मोहत्वे निश्चलतत्त्वं, निश्चलतत्त्वे जीवन्मुक्तिः॥
અર્થાત્ સત્સંગથી અનાસક્તિ આવે છે, અનાસક્તિથી મોહનો નાશ થાય છે. (સ્વાર્થીપણું નથી રહેતું) નિર્મોહી થવાથી સ્થિરતા (આત્મસંતોષ, ઇચ્છામુક્તિ) આવે છે અને સ્થિરતાથી જીવનમુક્તિ સાધી શકાય છે, જેને આપણે જીવનની સાર્થકતા કહી શકીએ.
સત્સંગથી અદ્ભુત શક્તિ પ્રાપ્ત થાય છે, જેનાથી આપણી આસપાસ એક નિર્ભેદ દીવાલ બંધાય છે. પરંતુ તે નિયમિત રીતે થવો જોઈએ.
૨. શિસ્ત: શિસ્ત એટલે પોતાનાં દૈનંદિન પ્રવૃત્તિઓ, કામકાજને નિયત સમયપત્રક પ્રમાણે વ્યવસ્થિત રીતે કરવાં. કોઈકે કહ્યું છે કે એ માણસ સૌથી દયાજનક સ્થિતિમાં જીવે છે, જેની પાસે જીવન જીવવાની વ્યવસ્થિત યોજના નથી, અને જે વર્તમાનની પ્રત્યેક ક્ષણને આવનારી ક્ષણમાં પોતે શું કરશે તેમાં જ ખર્ચી નાખે છે. જો આપણે શિસ્તબદ્ધ હોઈએ તો આપણી પ્રવૃત્તિ કે કાર્યનું ફરી ફરીને આયોજન કરવામાં સમય તથા શક્તિનો બગાડ થતો નથી. જે નક્કી છે, તે મુજબ કર્યે જ જવાનું હોય છે. આપણે આપણા મનના તરંગો પ્રમાણે ન વર્તીએ, તેથી મન સહજ રીતે શાંત રહે છે. કોઈ ઉચાટ અનુભવાતો નથી. મન નિયંત્રિત થતાં કાર્યની ગુણવત્તા પણ વધે છે. કોઈ નિયત સમયે કાર્ય પૂરું કરવાનું હોય ત્યારે, આપણા મનમાં ખોટા કે નબળા વિચારો પણ નથી આવતા. આમ, શિસ્તથી માનસિક સ્વાસ્થ્ય જળવાય જ છે.
૩. ધ્યાન: આમ તો પતંજલિના યોગસૂત્ર પ્રમાણે યોગના અષ્ટાંગમાં ધ્યાનનો સમાવેશ થાય છે અને તે પણ સાતમા સ્થાને. આજકાલ ધ્યાનના જે વર્ગો થાય છે, તેનાથી ભલે માર્ગદર્શન મળે પરંતુ મનની શુદ્ધિ પછીનું ધ્યાન સિદ્ધ થવું તે તો અતિ મુશ્કેલીભર્યું છે અને ઘણાં વર્ષોના અભ્યાસ બાદ તે સિદ્ધ થાય છે. પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાનની પૂર્વતૈયારી રૂપે જ આપણે એક સાદી રીત દરરોજ સવારે અને સાંજે દસ મિનિટ માટે ચોક્કસપણે એક પણ દિવસ છોડ્યા વિના કરીએ તો ચોક્કસ મનને કેળવણી મળે જ. જે રીતે પાણીનો સ્વભાવ ઉપરથી નીચે તરફ વહેવાનો છે તે જ રીતે મનનો સ્વભાવ ઉચ્ચ સ્થિતિમાંથી નીચેની સ્થિતિ તરફ જવાનો છે. જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ ત્યારે મન સમય (ભૂત-ભવિષ્ય), વસ્તુ, સ્થાન વગેરેના ચકડોળમાં ભમ્યા જ કરશે. પરંતુ અભ્યાસ દ્વારા સાધ્ય કરવું પડે. પ્રથમ તો વિચારોને જોવાના જ છે, તેની સાથે તાદાત્મ્ય કેળવવાનું નથી. દા.ત. કંઈ પણ ઇરાદા વિના ટીવીની ચેનલો ફેરવીને જોવી, ફક્ત એક પછી બીજાં દૃશ્યો સ્ક્રિન પરથી પસાર થાય છે. બીજો દાખલો છે, મોટી ઓફિસના દરવાજે બેઠેલા ચોકીદારનો. તે અસંખ્ય લોકોને અંદર-બહાર આવતા-જતા જોયા કરે છે, પરંતુ જો કદાચ તેમાં તેની પત્ની આવી જાય તો ઊભો થઈ વાતચીત કરવા મંડી પડે, આને કહેવાય કોઈ એક વિચાર સાથે ઐક્ય સાધી લેવું. તે ન થવા દેવું, પરંતુ ફક્ત વિચારોને પડદા પરથી પસાર થવા દેવાના. દરરોજ પલાંઠી વાળી, શાંત જગ્યાએ સ્થિર બેસી, (કરોડરજ્જુ ટટાર રહેવી જોઈએ) શરીરનો કોઈ પણ અવયવ હલનચલન રહિત રહે, આંખો બંધ રાખી ફક્ત શ્વાસ લેવો-બહાર કાઢવો. ફક્ત મનમાં કયા કયા વિચારો આવે છે તે જોયા જ કરવાનું. કોઈ વિચાર સામે પ્રતિક્રિયા નહીં આપવાની કે એકત્વ નહીં સાધવાનું. આ રીતે ધીમે ધીમે સમય વધારતા જવાથી નિર્વિચાર ચેતના સધાશે અને ધ્યાન થશે, નિયમિતપણે કરવાથી થાય જ.
આ રીતે પ્રયત્નપૂર્વક મનને કેળવવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે. ઉપનિષદમાં પણ રથનું એક રૂપક છે, જેમાં રથ એટલે શરીર, સારથિ એટલે બુદ્ધિ, મન એ લગામ, ઘોડા એ ઇન્દ્રિયો, જે રસ્તે રથ ચાલે છે તે વિષયોપભોગ છે અને છેવટે રથનો સ્વામી એટલે કે રથી છે આપણો આત્મા—પરમ તત્ત્વ. આમ, લગામ (મન) ભલે સારથિ (બુદ્ધિ)ના હાથમાં હોય, પરંતુ સ્વામી (આત્મા) કહે ત્યાં જ જવાનું હોય. આત્માનો અવાજ દોરે ત્યાં જ જવાનું. સ્વામી વિવેકાનંદ કહે છે કે મન એ મરકટ જેવું છે, જેને દારૂ પિવડાવી સામે અરીસો આપવાથી તેની જે સ્થિતિ થાય તેવી જો આપણા મનની સ્થિતિ હોય તો માનસિક સ્વાસ્થ્ય ક્યારેય ન કેળવાય. આમ, ખોરાક, વ્યાયામ, આરામ દ્વારા કેળવી શરીરને સુદૃઢ બનાવી શકાય છે. તેમ જ મનને પણ ઉપરોક્ત ઉપાયે કેળવીને સુદૃઢ મનોબળ સાધી શકાય. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન દ્વારા જ કાર્યસિદ્ધિ થઈ શકે. આજના યુગની તે તાતી જરૂરિયાત છે. પ્રસિદ્ધ લેખક મધુ રાયની નવલકથા ‘કલ્પતરુ’માંથી નીચેનું અવતરણ લઈ લખાણ પૂરું કરું,
“અત્યાર સુધી માણસ શોધતો રહ્યો છે, હળ શોધ્યું, પાવડો, કોદાળી, પૈડું, યંત્રો, કારખાનાં… બેફામ બનીને એણે જગતનાં જંગલો કાપી નાખ્યાં. સમુદ્રો ઝેરીલાં દ્રાવણોથી ડહોળી નાખ્યા, વાતાવરણમાં વિષ ફેલાવ્યું. શોધવાની વસ્તુઓ તો બહાર શોધતો રહ્યો. મને થાય છે કે વિધાતાએ સુખ માણસના મનમાં જ સંતાડી રાખ્યું છે. એ મનની ભીતર શોધ કરવાને બદલે માણસે મનની બહાર શોધ આદરી અને સુખથી દૂર અને દૂર જતો રહ્યો. હવે, આજે માણસને કરોડો, અબજો, સહસ્ર પ્રકાશવર્ષ દૂર ઊભેલા તારા વિશે બધી જ માહિતી છે. પણ પોતાના મન વિશે, પોતાના વિશે, કશી જ માહિતી નથી. મન તે કેવળ વિચારવાનું સાધન નથી, મન જ સાધ્ય છે.”
Your Content Goes Here