(તા. 6 એપ્રિલના રોજ રામનવમી નિમિત્તે રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજે લખેલ આ લેખ અત્રે પ્રસ્તુત છે. – સં.)
મારીચ રાક્ષસ હતો પરંતુ મૃત્યુ સમયે ભગવાનનો ભક્ત બની જાય છે. આપણા સૌમાં આ રાક્ષસવૃત્તિ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા, અહંકાર અને વેરભાવ આ બધી રાક્ષસવૃત્તિ છે. પરંતુ ભગવાનનું નામ જપવાથી, ભગવાનનું ચિંતન કરવાથી આ રાક્ષસવૃત્તિનો નાશ થાય છે અને ભગવદ્વૃત્તિનો પ્રકાશ થાય છે. મારીચ, સુબાહુ અને બીજા રાક્ષસો ઋષિ–મુનિઓના યજ્ઞનો ધ્વંસ કરતા, ઋષિ–મુનિઓને મારી નાખતા. જ્યાં જ્યાં પુણ્યકાર્યો થતાં ત્યાં જઈને તેઓ તેનો નાશ કરતા હતા. વિશ્વામિત્ર મુનિ જ્યારે જ્યારે યજ્ઞ કરતા ત્યારે રાક્ષસો આવીને યજ્ઞનો ધ્વંસ કરતા હતા. વિશ્વામિત્ર મુનિએ વિચાર્યું કે આ રાક્ષસો મારાથી મરશે નહીં. વિશ્વામિત્ર મુનિને ખબર પડી ગઈ હતી કે અયોધ્યામાં ભગવાન શ્રીરામનો જન્મ થયો છે. હું દશરથ રાજા પાસે જઈને પ્રભુને માગીને લઈ આવીશ. તેઓ આવીને રાક્ષસનો નાશ કરશે. આવું વિચારીને મુનિએ અયોધ્યામાં જઈને સરયૂ નદીમાં સ્નાન કર્યું અને દશરથ રાજાના દરબારમાં જઈને ઉપસ્થિત થયા.
રાજાએ જ્યારે મુનિના આગમન વિશે સાંભળ્યું, ત્યારે તે બ્રાહ્મણોના સમુદાયને સાથે લઈને મળવા ગયા અને દંડવત્ પ્રણામ કરીને મુનિને સન્માનપૂર્વક પોતાના રાજસિંહાસન પર બેસાડ્યા.
ચરણો ધોઈને ઘણી પૂજા કરીને કહ્યું, ‘મારા જેવો ધન્ય આજે બીજો કોઈ નથી.’ પછી વિધ-વિધ પ્રકારનું ભોજન કરાવ્યું, જેથી મુનિએ હૃદયમાં ઘણો જ હર્ષ અનુભવ્યો. પછી રાજાએ ચારેય પુત્રોને મુનિના ચરણોમાં મૂકી દીધા. શ્રીરામને જોઈને મુનિ પોતાના દેહનું ભાન ભૂલી ગયા. તે શ્રીરામજીના મુખની શોભા જોતાં જ એવા લીન થઈ ગયા, જાણે ચકોર પૂર્ણ ચંદ્રમાને જોઈને લોભાઈ ગયું હોય. ત્યારે રાજાએ મનમાં હર્ષિત થઈને કહ્યું, ‘હે મુનિ! આ રીતે કૃપા તો આપે કદીય કરી નથી. આજે કયા કારણથી આપનું શુભાગમન થયું છે? કહો, હું તેને પૂરું કરવામાં વાર લગાડીશ નહીં.’
મુનિએ કહ્યું, ‘હે રાજન્! રાક્ષસોનો સમૂહ મને ખૂબ સતાવે છે. એટલે હું તમારી પાસે કંઈક માગવા આવ્યો છું. નાના ભાઈ લક્ષ્મણ સહિત શ્રીરઘુનાથજીને તમે મને આપો.’ મુનિની અપ્રિય વાણી સાંભળીને રાજાનું હૃદય કંપી ઊઠ્યું અને તેમના મુખની કાંતિ ઝાંખી પડી ગઈ. રાજાએ કહ્યું, ‘હે મુનિ! આપે આ વાત વિચારીને કહી નથી. આપ પૃથ્વી, ગાય, ધન અને ખજાનો માગી લો. હું આજે ઘણા આનંદ સાથે સર્વસ્વ આપી દઈશ. દેહ અને પ્રાણથી અધિક પ્રિય કંઈ પણ હોતું નથી. હું તે પણ એક પળમાં આપી દઈશ. હું પોતાનો પ્રાણ આપવા તૈયાર છું પણ મારો રામ આપવા તૈયાર નથી.’
પ્રેમરસમાં તરબોળ થયેલ રાજાની વાણી સાંભળી જ્ઞાની મુનિ વિશ્વામિત્રજીએ હૃદયમાં હર્ષ અનુભવ કર્યો. મુનિ મનમાં વિચારે છે, ‘આહાહા! રામ પ્રત્યે કેટલો પ્રેમ! પોતાનો પ્રાણ આપવા તૈયાર છે, પરંતુ રામને આપવા તૈયાર નથી. પ્રાણથી પણ રામજી વધારે વહાલા છે.’ આવો પ્રેમ પ્રભુ સાથે થઈ જાય તો જીવન ધન્ય થઈ જાય.
આ પછી વશિષ્ઠ મુનિએ રાજાને અનેક રીતે સમજાવ્યા, જેથી રાજાનો સંશય નાશ પામ્યો. રાજાએ ઘણા આશીર્વાદ આપીને રામ–લક્ષ્મણને ઋષિને સોંપીને કહ્યું, ‘હે મુનિવર! આ બંને પુત્રો મારા પ્રાણ છે. હવે આપ જ એમના પિતા છો, અન્ય કોઈ નથી.’ મુનિ મનમાં વિચારે છે, ‘હું એનો પિતા નથી, આ તો જગતના પિતા છે. હું જાણી ગયો છું કે પ્રભુ બ્રાહ્મણના ભક્ત છે. મારા માટે પ્રભુ પોતાનો સુંદર મહેલ છોડી દઈને વનગમન કરી રહ્યા છે.’
માર્ગમાં ચાલ્યા જતાં મુનિએ તાડકાને બતાવી. અવાજ સાંભળતાં જ તે ક્રોધ કરીને દોડી. શ્રીરામજીએ એક જ બાણથી તેના પ્રાણ હરી લીધા અને દીન જાણીને તેને નિજપદ આપ્યું. ત્યારે ઋષિએ પોતાના સ્વામીને ઓળખી લીધા હોવા છતાંય લીલાને પૂર્ણ કરવા માટે એવી વિદ્યા આપી, જેથી ભૂખ–તરસ ન લાગે અને શરીરમાં અતુલિત બળ અને તેજનો પ્રકાશ રહે. બધાંય અસ્ત્ર–શસ્ત્ર આપીને મુનિ પ્રભુ શ્રીરામજીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને ભક્તિપૂર્વક કંદ, મૂળ અને ફળનું ભોજન કરાવ્યું.
સવારે શ્રીરામે મુનિને કહ્યું, ‘આપ જઈને નીડર બનીને યજ્ઞ કરો. અમે યજ્ઞની રક્ષા કરીશું.’ આ સાંભળીને બધા મુનિ હવન કરવા લાગ્યા. શ્રીરામ અને લક્ષ્મણ યજ્ઞની ચોકી કરવા લાગ્યા. આ સમાચાર સાંભળીને મુનિઓનો શત્રુ ક્રોધી રાક્ષસ મારીચ પોતાના સહાયકોને લઈને દોડ્યો.
શ્રીરામજીએ ફણા વગરનું બાણ તેને માર્યું, જેનાથી તે સો યોજનના વિસ્તારવાળા સમુદ્રની પાર જઈને પડ્યો. પછી સુબાહુને અગ્નિબાણ માર્યું. આ બાજુ લક્ષ્મણજીએ રાક્ષસોની સેનાનો સંહાર કરી દીધો. યજ્ઞ પૂર્ણ થયો. આ રીતે શ્રીરામજીએ રાક્ષસોને મારીને બ્રાહ્મણોને નિર્ભય કરી દીધા.
શ્રીરામજીએ મારીચને મારી ન નાખ્યો. ફણા વિનાનું એવું બાણ માર્યું કે જેથી કરીને તે એક સો યોજન દૂર જઈને પડ્યો. હવે મારીચનું શું થયું? મારીચ જ્યાં પડ્યો ત્યાં પણ એને શ્રીરામ અને લક્ષ્મણ દેખાવા લાગ્યા. ભગવાન શ્રીરામ ધનુષ્ય–બાણ હાથમાં લઈને તેના તરફ જુએ છે, એવું એને દેખાવા લાગ્યું. પહેલાં તો ખૂબ જ ડર લાગતો, પરંતુ પછી ભગવાનનું ચિંતન કરતાં કરતાં એનામાં ભગવાન પ્રત્યે પ્રેમ જાગી ગયો. હવે તે રાક્ષસના દળનો ત્યાગ કરીને જંગલમાં કુટિર બનાવીને પ્રભુ શ્રીરામનું નામ કરવા લાગ્યો. પરંતુ રાવણને જ્યારે સીતાજીનું હરણ કરવું હતું ત્યારે તેણે મારીચને શોધી કાઢ્યો. મારીચ માયા જાણતો હતો. ગમે તે રૂપ ધારણ કરી શકતો હતો, તેનો રાવણને ખ્યાલ હતો. રાવણ જ્યાં મારીચ હતો ત્યાં ગયો અને તેને શીશ નમાવ્યું. નીચનું નમવું પણ અત્યંત દુઃખદાયક હોય છે, જેમ અંકુશ, ધનુષ્ય, સાપ અને બિલાડીનું નીચે નમવું. શિવજી પાર્વતીને કહે છે, ‘હે ભવાની! દુષ્ટની મીઠી વાણી પણ ભય આપનાર હોય છે.’ ત્યારે મારીચે રાવણની પૂજા કરીને આદરપૂર્વક પૂછ્યું, ‘હે તાત! આપનું મન કયા કારણે આટલું અધિક વ્યગ્ર છે અને આપ અત્યારે કયા કારણે આવ્યા છો?’
રાવણે કહ્યું, ‘તમે છળ કરનારા કપટ–મૃગ બનો, જે ઉપાયથી હું સીતાજીનું અપહરણ કરી લઉં.’ ત્યારે મારીચે કહ્યું, ‘હે દશાનન! સાંભળો, તેઓ મનુષ્યરૂપમાં ચરાચરના ઈશ્વર છે. હે તાત! તેમની સાથે વેર ન કરો. તેમના મારવાથી મરવું અને તેમના િજવાડવાથી જીવવાનું હોય છે. હું વિશ્વામિત્ર મુનિનો યજ્ઞ ધ્વંસ કરવા માટે ગયો હતો. તે સમયે શ્રીરામજીએ ફણા વગરનું બાણ મને માર્યું હતું, જેનાથી હું પળવારમાં જ સો યોજન દૂર આવી પડ્યો. તેમની સાથે વેર કરવામાં ભલાઈ નથી. મારી દશા તો ભમરીના કીડા જેવી થઈ ગઈ છે. હવે, હું ચારે બાજુ શ્રીરામ-લક્ષ્મણ બંને ભાઈઓને જોઉં છું. અને હે તાત! જો તમે એમને મનુષ્ય માનો તો પણ તેઓ શૂરવીર છે. તેમની સાથે વિરોધ ન કરાય. જેણે દશ હજાર હાથીઓનું બળ ધરાવતી તાડકાને મારી, સુબાહુને માર્યો. જે શિવનું ધનુષ્ય જનકપુરીમાં આપ જઈને ઉપાડી શક્યા ન હતા, તેમણે એ શિવજીનું ધનુષ્ય તોડી નાખ્યું. જે ખર-દૂષણને આપ તમારા જેટલા જ બળવાન સમજતા હતા, શ્રીરામજીએ તેનો પણ વધ કરી નાખ્યો. આ બધું શું મનુષ્યનું કાર્ય છે? આથી આપના કુળનું કુશળ વિચારીને આપ ઘરે પાછા વળી જાઓ.’ આ સાંભળીને રાવણ ગુસ્સે થઈને ગાળો આપવા લાગ્યો અને કહ્યું, ‘અરે મૂર્ખ! તું ગુરુની જેમ મને જ્ઞાન આપે છે. કહે જો, સંસારમાં મારા સમાન યોદ્ધો કોણ છે?’
તબ મારીચ હૃદયઁ અનુમાના।
નવહી વિરોધે નહિં કલ્યાના॥
ત્યારે મારીચે તે અનુમાન કર્યું કે નવ પ્રકારના માણસો સાથે જો વિરોધ કરીએ તો કલ્યાણ થાય નહીં. જેવા કે શસ્ત્રધારી, મર્મી (ભેદ જાણનાર), સમર્થ સ્વામી, મૂર્ખ, ધનવાન, વૈદ્ય, ભાટ, કવિ અને રસોઇયા. મારીચે જોયું કે રાવણમાં ઘણા બધા પ્રકાર છે. મારીચને બંને બાજુ મરણ દેખાયું. જો હું રાવણની વાત નહીં માનું તો રાવણ મારી નાખશે અને જો વાત માનીશ તો શ્રીરામજી મારી નાખશે. રાવણના હાથથી મરવા કરતાં પ્રભુ શ્રીરામના હાથે મરવું સારું. મારીચે વિચાર્યું કે પ્રભુએ ફણા વિનાનું બાણ માર્યું તો મને ચારે બાજુ રામનાં દર્શન થવા લાગ્યાં. હવે મને પૂરું બાણ મારશે તો હું તો શ્રીરામમાં જ સમાઈ જઈશ. જેવી રીતે કોઈએ ખૂબ મીઠી કેરીનો ટુકડો આપ્યો હોય તો તે ખાઈને એવું થાય કે આખી કેરી મળી જાય તો કેટલું સારું. અહીં મારીચ એવું જ વિચારે છે.
મારીચ દશાનનની સાથે ચાલે છે પણ મનમાં ખૂબ જ હર્ષ થાય છે. પરંતુ બીક લાગે છે કે રાવણને મારા આનંદની ખબર ન પડી જાય. શ્રીરામજીના ચરણોમાં તેનો અખંડ પ્રેમ છે. મારીચ મનમાં વિચારવા લાગ્યો, ‘આહાહા! આજ મારા પરમ સ્નેહી શ્રીરામજીનાં દર્શન થશે. આજે મારા પરમ પ્રિયતમ પ્રભુનાં દર્શન કરીને મારાં નેત્રો સફળ થશે. નેત્રોની સફળતા ત્યારે જ છે જ્યારે પ્રભુનાં દર્શન થાય. ફક્ત પ્રભુ શ્રીરામનાં દર્શન નહીં, આજે હું માતા જાનકી અને લક્ષ્મણજીનાં ચરણોનાં દર્શન કરીશ. પ્રભુનો ક્રોધ પણ મોક્ષ આપનારો છે અને તેમની ભક્તિ ભગવાનને વશ કરનારી છે. શ્રીહરિ પોતાના હાથે જ બાણ સંઘાત કરીને મારો વધ કરશે. હું તો સુખસાગરમાં સમાઈ જઈશ. હું જે મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરું છું તે પ્રભુ શ્રીરામના હાથમાં ધનુષ્ય-બાણ છે અને મારી તરફ જુએ છે. એ જ પ્રભુ એવી જ રીતે ધનુષ્ય-બાણ ધારણ કરીને મારી પાછળ પાછળ દોડશે અને હું પાછળ વળીને વારંવાર પ્રભુનાં દર્શન કરીશ. મારા સમાન ધન્ય બીજો નથી.’
જ્યારે રાવણ તે વનની પાસે પહોંચ્યો, ત્યારે મારીચ કપટ મૃગ બની ગયો. તે અત્યંત વિચિત્ર હતો. તેનું કંઈ વર્ણન કરી શકાતું નથી. સોનાના શરીરમાં મણિ જડેલા હતા.
સીતાજીએ તે પરમ સુંદર હરણને જોયું, જેના અંગે-અંગની છટા અત્યંત મનોહર હતી. તેઓ કહેવા લાગ્યાં, ‘હે દેવ, હે કૃપાળુ રઘુવીર! સાંભળો, આ મૃગનું ચામડું ઘણું જ સુંદર છે. આનો વધ કરીને એનું ચામડું લાવી આપો.’ ત્યારે શ્રીરામજી સઘળાં કારણો જાણતા હોવા છતાંય દેવતાઓનું કાર્ય કરવા માટે હરખાઈને ઊઠ્યા. વેદ જેમના વિશે ‘નેતિ-નેતિ’ કહીને રહી જાય છે અને શિવજી પણ જેમને ધ્યાનમાં પામી શકતા નથી તે પ્રભુ શ્રીરામ લક્ષ્મણજીને સમજાવીને માયાથી બનેલા મૃગની પાછળ દોડી રહ્યા છે. તે ક્યારેક પાસે આવી જાય છે અને પાછો દૂર નાસી જાય છે, ક્યારેક તે પ્રગટ થઈ જાય છે અને ક્યારેક તે છુપાઈ જાય છે. મારીચ વારંવાર પાછું વળીને પ્રભુ શ્રીરામજીને નિહાળે છે અને પોતાને ધન્ય માને છે.
મારીચ પ્રભુનું ચિંતન કરતાં કરતાં રામમય બની ગયો. શ્રીરામજીએ તાકીને કઠોર બાણ માર્યું. રાવણે કીધું હતું કે મરતાં પહેલાં ‘હે લક્ષ્મણ, હે લક્ષ્મણ’ કરીને ચીસ પાડજે. મારીચને જ્યારે બાણ વાગ્યું ત્યારે મારીચે ખૂબ જોરથી ચીસ પાડી, ‘હે લક્ષ્મણ, હે લક્ષ્મણ’. મારીચ પ્રભુનું ચિંતન કરતાં કરતાં રામમય બની ગયો હતો. કહેવાય છે કે મારીચનો કંઠસ્વર હૂબહૂ શ્રીરામજીના જેવો જ હતો. સીતાજીને પણ ભ્રમ થઈ ગયો કે આ તો પ્રભુનો જ કંઠસ્વર છે. તેમણે લક્ષ્મણજીને કહ્યું કે હું મારા પતિનો કંઠસ્વર ઓળખું છું. આ કંઠસ્વર તેમનો જ છે. તમે જલદી જાઓ. અહીં કહે છે કે,
લછિમન કર પ્રથમહિ લૈ નામા।
પાછેં સુમિરેસી મન મહુઁ રામા॥
પ્રાણ તજત પ્રગટેસિ નિજ દેહા।
સુમિરેસી રામુ સમેત સનેહા॥
અંતર પ્રેમ તાસુ પહિચાના।
મુનિ દુર્લભ ગતિ દિન્હિ હે સુજાના॥
પહેલાં લક્ષ્મણજીનું નામ લઈને તેણે પછી મનમાં શ્રીરામજીનું સ્મરણ કર્યું. પ્રાણ ત્યજતી વખતે તેણે પોતાનું રાક્ષસી શરીર પ્રગટ કર્યું અને પ્રેમ સહિત શ્રીરામજીનું સ્મરણ કર્યું. સુજાન શ્રીરામજીએ તેના હૃદયના પ્રેમને ઓળખીને તેને પોતાનું પરમપદ આપ્યું, જે મુનિઓને પણ દુર્લભ છે.
મારીચ હતો રાક્ષસ પરંતુ ભગવત્-ચિંતન કરતાં કરતાં તેની રાક્ષસવૃત્તિ ભગવદ્વૃત્તિમાં પરિણત થઈ ગઈ.
આપણા સૌમાં રાક્ષસવૃત્તિ છે પરંતુ પ્રભુનું ચિંતન કરવાથી તે ભગવતદ્વૃત્તિમાં ફેરવાઈ જશે. તુલસીદાસ લખે છે,
હે મન, તું શ્રીરામચંદ્રનું ભજન કર, ‘શ્રીરામચંદ્ર કૃપાલુ ભજ મન’. તેનાથી શું થશે? પ્રભુ શ્રીરામ આપણા હૃદયમાં બિરાજમાન થશે અને પછી ‘મમ હૃદયકંજ નિવાસ કુરુ કામાદિ ખલ દલ ગંજનં’. આપણા હૃદયમાં રહેલા કામ, ક્રોધાદિ રાક્ષસોનો સંહાર કરે, પ્રભુ પાસે એ જ પ્રાર્થના.
Your Content Goes Here