(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ. દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે. મૂળ બંગાળીમાં લખાયેલ આ ગ્રંથના ૧૬ ભાગોના હિન્દી અનુવાદ પરથી ગુજરાતી ભાષાંતરનું કાર્ય શ્રીરામકૃષ્ણદેવનાં ભક્ત શ્રીમતી સમતાબહેન રાજ્યગુરુએ કર્યું છે. અહીં તેમાંથી કેટલાક અંશો વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.)
શ્રી મ. — જુઓ, ઠાકુર કહે છે, કર્મ જોઈએ. પુરુષાર્થ આવશ્યક. પ્રયત્ન વિના કોઈનું કશું પણ થતું નથી. ધ્યાન-જપ, કીર્તન-પ્રાર્થના—આ કરતાં કરતાં એમનામાં ભક્તિ થાય છે. ભક્તિ પછી જ વ્યાકુળતા આવે છે. વ્યાકુળતા પછી જ દર્શન. ઠાકુર કહેતા કે જેમ અરુણોદય પછી સૂર્યોદય, તેમ વ્યાકુળતા પછી જ તેઓ દર્શન આપે છે. કશું કર્યા વિના કંઈ ન થાય. કંઈક કરવું જોઈએ.
શ્રી મ. — પુસ્તક વગેરે તો ગાઇડ બૂક. એમનાં દર્શન થયાં પછી આ બધાંનું શું પ્રયોજન? એટલે ઠાકુર ઘાસફૂસ કહેતા. ઘાસફૂસ અર્થાત્ અનાવશ્યક વસ્તુઓ, તુચ્છ વસ્તુઓની આપણે હવે જરૂર નથી. તો પણ લોકોને ઉપદેશ આપવા માટે જરૂરી છે. વળી, તેઓ કહેતા, એમનો સાક્ષાત્કાર થયા પછી જ્ઞાનનો અભાવ રહેતો નથી. તેઓ જ્ઞાનનો ઢગલો આગળ ધકેલી દે છે. ગાડાં ભરીને પુસ્તકો વાંચવા કરતાં દસ વાર ‘રામ, રામ’ ભજવું સારું.
શ્રી મ. — સાંભળો! ઠાકુર કહે કે નિરાકાર, નિરાકાર કરવાથી શું થાય? કળિયુગમાં અન્નગત પ્રાણ—આયુષ્ય ઓછું. હવે એમનું નામ-ગુણકીર્તન કરવું, પોકારવા, પ્રાર્થના કરવી.
ઠાકુરે કહ્યું હતું, કળિયુગમાં ભક્તિયોગ. એમને પોકારવા, એમનાં નામ–ગુણકીર્તન કરવાં, પ્રાર્થના કરવી. એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. ક્યારેક ક્યારેક ભજન ગાઈ લીધાં, ક્યારેક ક્યારેક નામસ્મરણ કરી લીધું. અને પ્રાર્થના પણ ખૂબ જરૂરી. ઈશુએ પણ પ્રાર્થના કરવા પર બહુ જોર આપ્યું છે. નવદ્વીપમાં ચૈતન્યદેવે પણ આ જ ભક્તિયોગની વાત કહી છે. એમણે ભક્તિયોગનો પ્રચાર કર્યો છે.
દુર્ગાપદ (શ્રી મ.ને) — પચાસ વર્ષ થઈ ગયાં, પરંતુ કંઈ પણ થયું નહીં. આપની આટલી વાતો સાંભળું છું, સંગ કરું છું. આવી કઠોર પ્રકૃતિ!
શ્રી મ. (વિશ્વાસપૂર્વક) — કેવી રીતે જાણ્યું કે તમારું કશું થયું નથી? તમે ગાડીમાં ઊંઘી રહ્યા છો. ગાડી તો કાશી પહોંચી ગઈ છે. તમે તો જોઈ શકતા નથી. વિચારો છો કે, હાવડામાં જ બેઠો છું. હમણાં જ તો અવતાર આવ્યા હતા. ભગવાન મનુષ્ય બનીને આવ્યા હતા. આ જ દક્ષિણેશ્વરમાં કેટલી લીલાઓ કરીને ગયા છે! તમે લોકો તો એમના આશ્રિત છો. તેઓ તો આવ્યા જ છે તમારા લોકો માટે. ગાડીને એમની સાથે જોડી દીધી છે.
એન્જિન ખેંચીને ગંતવ્યસ્થળ પર લઈ જઈ રહ્યું છે. ચિંતા શું? એમનું નામ લો અને આનંદ કરો. ઠાકુર અવતાર છે કે નહીં, એ એમણે સ્વયં તો જણાવી દીધું છે.
શ્રી મ. — તેઓ જ્યારે લાકડું ખેંચી લે છે ત્યારે બધું ઠંડું. લાકડું હતું એટલે દૂધ ફસ્ ફસ્ કરતું હતું. ખેંચતાં જ ફસ્ ફસ્ બંધ થઈ ગયું. ભગવાન જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી જ મનુષ્ય એમનું કામ કરી શકે છે. એમની ઇચ્છા વગર કંઈ થતું નથી.
શ્રીકૃષ્ણે દેહ છોડતાં પૂર્વે અર્જુનની સંપૂર્ણ શક્તિનું હરણ કરી લીધું. કામ પૂર્ણ થયું, ધર્મ-સંસ્થાપનનું કામ. અર્જુનને હવે એની જરૂર નથી. કુરુક્ષેત્રનું યુદ્ધ થઈ ગયું, ધર્મરાજ્ય પર પાંડવો બેઠા છે. પછી શક્તિની શું આવશ્યકતા? એટલે શક્તિનું હરણ કરી લીધું.
ઠાકુર તો સદાય માના યંત્ર બનીને કાર્ય કરે છે. વારે વારે ભક્તો પાસે એને જાણે પ્રત્યક્ષ કરાવતા રહે છે. વિજ્ઞાનનો યુગ છે ને, એટલે સંશય–સમાધાનનો ઉપાય પણ સંપૂર્ણ વિજ્ઞાન-સંમત છે. વિવેકાનંદે કહ્યું કે, ‘તમારાં ઈશ્વરીય-દર્શન મનનો ભ્રમ છે.’ તરત જ બધાની સામે જ કહે છે, ‘હે, મા! શું આ બધું મારા મનનો ભ્રમ છે? નરેન્દ્રના કહેવા મુજબ—તારાં દર્શન, તારી સાથે મારો વાર્તાલાપ—આ બધું.’ માએ જવાબ આપ્યો, ‘એ કેવી રીતે, બેટા? હું જ તો તારા મુખ દ્વારા વાતો કરું છું. અને તું જે બોલે છે, તે સત્ય સાથે મેળ ખાય છે. તો પછી આ બધાને મનનો ભ્રમ કેવી રીતે કહી શકાય?’ એથી બે કામ થયાં. એક તો જાણે માને પ્રત્યક્ષ કરાવી દીધાં; બીજું, પોતાની અધીનતાનો સ્વીકાર થઈ ગયો.
શ્રી મ. — એક જણ બહુ પરિશ્રમ કરીને પગપાળા છ મહિનામાં પુરી પહોંચ્યો. પગ તો લોહીલોહાણ. એ જ સ્થિતિમાં જગન્નાથ મંદિરમાં હાજર થયો. અરુણસ્તંભની નજીક ઊભા રહીને બે હાથ જોડીને પ્રણામ કરે છે. મનમાં આનંદ છે કે આટલા દિવસનો પરિશ્રમ સફળ થયો.
એ જ વખતે એક બળદગાડી એની નજર સામેથી પસાર થઈ. પૂછતાં જાણવા મળ્યું કે ગાડી કલકત્તા જાય છે. ભક્તે કહ્યું, ‘એ તો સારું થયું. હું પણ તમારી સાથે આવું છું.’ ગાડીવાળાએ જવાબ આપ્યો, ‘તો પછી બેસી જાઓ.’
ભક્તે કહ્યું, ‘હમણાં જ આવું છું. થોડી વાર ઊભા રહો, એક વાર જગન્નાથનાં દર્શન કરી આવું.’ ગાડીવાળાએ કહ્યું કે ‘ના, હું રાહ નહીં જોઉં.’ એમ કહીને ગાડી હાંકવા લાગ્યો. માર્ગના થાકથી કંટાળેલો એ માણસ દોડીને ગાડીમાં બેસી ગયો. એના નસીબે દર્શન ન થયાં. દેહસુખને કારણે આટલા દિવસનો પરિશ્રમ પાણીમાં ગયો. આ બધી એમની મહામાયાની લીલા—માનયશ, દેહસુખ કઈ બાજુથી ટપકી પડે કંઈ ખબર ન રહે. તેથી ઠાકુર પ્રાર્થના કર્યા કરતા, ‘મા, તમારી ભુવનમોહિની માયામાં મુગ્ધ ન કરો, શરણાગત, શરણાગત મા.’
ઠાકુરે શા માટે પ્રાર્થના કરી? ભક્તોને ઉપદેશ આપવા. જેમની માયાથી જગત મુગ્ધ છે, એ જ માયાના શરણાગત થઈને રહેવું.
શ્રી મ. — આ જ મનુષ્ય-જીવન, આનું નામ જ સંસાર. કશું પણ ટકતું નથી. તોપણ એના માટે આટલો મોહ કેમ? મૃત્યુ તો અવશ્યંભાવિ છે, તો પછી આ બધામાં આટલા મગ્ન કેમ? આટલી ભાગદોડ કેમ—આ અનિત્ય વસ્તુને લઈને?
લોકો પોતાને બહુ બુદ્ધિશાળી સમજે છે, પરંતુ આ શું બુદ્ધિનું કામ, કે બુદ્ધિશાળીનું કામ? કેટલી બધી નકામી ચીજવસ્તુઓને લઈને ડૂબ્યા રહેવું. રામ, રામ.
આંખો સામે જોઈ રહ્યા છો કે કોણ, ક્યારે ચાલ્યું જાય છે. આ જ વાત કહેવા માટે તો અવતારગણ આવે છે. તેઓ વારંવાર આવીને એક જ વાત કહે છે—અનિત્ય વસ્તુઓને લઈને આટલી ભાગદોડ ન કરો. નિત્યવસ્તુ ઈશ્વરનું સ્મરણ કરો.
જો એમ કહો કે એમની વાત શું કામ સાંભળું, શું પ્રમાણ છે કે આ બધું એક ભ્રમ નથી? સૂર્યકિરણ જોવા માટે શું બીજા પ્રકાશની જરૂર છે? સૂર્ય સ્વયંસિદ્ધ—પોતાનું તેજ જ પોતાનું સાક્ષી. એવો જ અવતારગણ. તેઓ સ્વયં શાંત છે—બીજાને પણ શાંતિ આપે છે, અભય આપે છે. જે એમની વાત સાંભળે છે, તેઓ જ નિઃસ્વાર્થ, અભય, અને પ્રશાંત. એમનું કામ, એમનું નામ જ જગતની અક્ષય કીર્તિ છે.
એથી તો જે અનંતકાળના સાથી છે, એમનું જ સ્મરણ કરવું ઉચિત. સમય વીતી રહ્યો છે, ક્યારે તેડું આવી જાય એનું નક્કી નથી. તેથી જલદી જલદી કરી લેવું જોઈએ. આ પણ ઠાકુરનું બીજું એક મહાવાક્ય છે—ताडाताडि सेरे न्याओ। (જલદી જલદી કરી લો.)
જે એમને જેટલા સમજશે, એટલા જ ઉપર ઊઠશે. ઠાકુરનું આ બધું કાર્ય પક્ષીનાં બચ્ચાંને શિખવાડવા જેવું છે. બચ્ચાં કઈ રીતે આત્મરક્ષા કરશે, કઈ રીતે ભોજન–સંગ્રહ કરશે, કઈ રીતે સંઘર્ષ કરશે, એ બધું શિખવાડે છે.
ભક્તોએ સંસારમાં કઈ રીતે રહેવું જોઈએ, એનું પણ ઠાકુર માર્ગદર્શન આપે છે. કહે છે કે સંસારમાં એકદમ નિર્લિપ્ત રહેજો. જે જરૂરી હોય તે બધું કરજો, પરંતુ બીજા લોકોની જેમ વધુ પડતી ચિંતા ન કરો. ચિંતા શા માટે કરવી? કેમ કે, મા બધું જાણે છે. અને મા બધું મંગળ કરશે. તમારામાં અહંકાર છે, માટે કંઈક પ્રયત્ન કરો છો. પછી જ્યારે પ્રયત્નો પણ નિષ્ફળ જાય છે, શરીર–મનમાં શક્તિ રહેતી નથી, ધનસંપત્તિ, સ્વજન નથી, ત્યાર પછી એમની પર નિર્ભર રહીને બેસી રહો. હવે મા બધું કરશે. તેઓ મંગલમયી છે ને, બસ.
શ્રી મ. — ભક્તિલાભનાં સોપાનો કયાં કયાં છે, જે ઠાકુરે બતાવ્યાં છે. ૧. સત્સંગ; ૨. સત્સંગથી ઈશ્વરીય કથામાં શ્રદ્ધા; ૩. ઈશ્વરમાં નિષ્ઠા; ૪. સેવા; ૫. ભક્તિ; ૬. ભક્તિ પાકવાથી થતો ભાવ; ૭. મહાભાવ; ૮. પ્રેમ; ૯. વસ્તુલાભ. નવ સોપાનો—નવ પગથિયાં.
શ્રી મ. — ઠાકુર કહેતા, જીવને ભાવ સુધીની ભક્તિ થાય છે. પરંતુ ઈશ્વરકોટિને, જેમ કે, ચૈતન્યદેવ, ઠાકુર, એમનો મહાભાવ, પ્રેમ. એ બધાનું મૂળ સાધુસંગ. એટલે સાધુસંગ કરવો આવશ્યક છે.
અને વળી જુઓ, કેવી વ્યવસ્થા! ઠાકુરે શું કેવળ સાધુસંગની વાત કહી છે? તેઓ સાધુઓ તૈયાર પણ કરી ગયા છે—જેથી બીજાનું કલ્યાણ થાય. આટલી ચિંતા છે એમને ભક્તો માટે, જગત માટે. આ સાધુઓ જાણે સમાજરૂપી શરીરનું મસ્તક છે. તેઓ સમાજ-શરીરને ચલાવે છે. મસ્તક જેમ શરીરનું શ્રેષ્ઠ અંગ છે, એવી જ રીતે સાધુઓ સમાજ-શરીરના શ્રેષ્ઠ અંગ છે. એ લોકો પોતાના જીવનનું બલિદાન આપીને સમાજને ઉપદેશ આપે છે—ઈશ્વરમાં મન રાખીને બીજું બધું કરો.
(ક્રમશ:)
Your Content Goes Here