(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે. તેમણે લખેલ પુસ્તક ‘અનંતરૂપિણી’માંથી કરેલ સંકલન અહીં પ્રસ્તુત છે. – સં.)
કોઆલપાડા આશ્રમમાં લોકસેવાની વિવિધ પ્રવૃત્તિઓ માટે ઘણા સાધુ-સંન્યાસીઓ જોડાયા હતા. તેમાંના એક સાધુ જેમનું નામ રાજનબાબુ હતું, તેઓને તેમના આશ્રમના ઉપરી સાથે કામ કરતાં કરતાં ઘર્ષણ ઊભું થયું હતું. પરિણામે તેમનું મન અશાંત થઈ ગયું હતું. તેમની તબિયત પણ સારી રહેતી નહોતી. તેથી કોઈક શાંત જગ્યાએ તપસ્યા કરીને તેઓ મનની શાંતિ અને તંદુરસ્તી પાછી મેળવવા ઇચ્છતા હતા. તેઓ શ્રીમા પાસે તપ કરવા જવા માટે રજા માગવા આવ્યા. શ્રીમાએ રાજનબાબુને તપસ્યા માટે જવાને બદલે થોડા દિવસ પોતાની સાથે રહેવાનું કહ્યું. શ્રીમા રોજ સવારે ઠાકુરની પૂજા કરીને નૈવેદ્ય ઠાકુરને ધરાવતાં. તેમાંથી સાકરનું શરબત પોતે લઈને આશ્રમના કામમાં મંડી પડતાં. રાજનબાબુની તબિયત ઠીક રહેતી ન હોવાથી પોતા માટે વપરાતા શરબતનો મોટો ભાગ માએ રાજનબાબુને આપવા માંડ્યો. આ વ્યવસ્થા માએ એવી કુનેહથી કરી કે બીજા ભક્તોને અને આશ્રમના વહીવટ સંભાળનારાઓને ઈર્ષ્યા ન થાય કે ન કોઈને ખરાબ લાગે કે ન અંદરોઅંદર ઘર્ષણ ઊભું થાય. થોડા દિવસ બાદ માએ આશ્રમના મુખ્ય વહીવટ સંભાળતા સાધુને એકલા બોલાવીને રાજનબાબુની તબિયત અને અન્ય મુશ્કેલીઓની વાત કરતાં કહ્યું કે, તેમની તબિયત સુધરે એ માટે તેઓ રાજનબાબુને રોજ પ્રસાદનું શરબત આપે છે. શ્રીમાએ આશ્રમના ઉપરીને એકલાને જ પોતાની પાસે બેસાડીને કરુણા અને કોમળતાથી સઘળી વાત સમજાવી. વિગત સાંભળીને વહીવટ સંભાળતા આ સાધુનું હૃદય પીગળી ગયું અને તેઓ પણ શ્રીમા સાથે સંમત થઈ ગયા. શ્રીમાનો એમના શિષ્યો તરફનો માતૃપ્રેમ જોઈ તેમનું હૃદય ઝૂકી ગયું.
મૂલ્યોની જાળવણી: શ્રીમાએ સ્વાર્થ કે સગવડોની પરવા કર્યા વગર આપેલા નિર્ણયોના ઘણા પ્રસંગો છે. આ પ્રસંગ બનેલો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે. તે વખતે બજારમાં સ્પિરિટ મળવું દુર્લભ હતું. પરિણામે આશ્રમ દ્વારા ચાલતા દવાખાનામાં દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલીઓ ઊભી થતી. વળી, શ્રીમા શારદાને પણ પગે વાનો સોજો રહેતો અને ખૂબ પીડા થતી, સ્પિરિટનું માલિશ કરવાથી એમને આરામ લાગતો. એક વખત એક ભક્તે દવાખાના માટે સ્પિરિટની વ્યવસ્થા કરી આપી. સ્પિરિટ લાવનાર ભક્તે થોડું સ્પિરિટ શ્રીમાને માટે જુદું રાખવાનું કહ્યું. આથી શ્રીમા રાજી તો ન થયાં, પરંતુ એમણે જવાબ આપ્યો, “આ સ્પિરિટ આવ્યું છે દવાખાનામાં આવતા દર્દીઓ માટે. તેમને વંચિત રાખી મારી સુખાકારી માટે એનો ઉપયોગ હું નહીં કરું.”
એક આશ્રમ કે જ્યાં શ્રીમા રહેતાં હતાં ત્યાંના રસોડાનો આ એક પ્રસંગ છે. આ રસોડામાં કામ કરતા એક રસોઇયાને અમુક કારણોસર કાઢી મૂકવાની વાત હતી. પરંતુ શ્રીમાને ખાવાપીવામાં અગવડ ન પડે એટલે ત્યાંના વહીવટકર્તાઓ થોડું ઢીલું મૂકતા હતા. માતાજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે વહીવટકર્તાઓને પોતાની અડચણોનો અને અગવડોનો વિચાર કર્યા વગર રસોઇયાને છૂટો કરવાનો આદેશ આપી દીધેલો.
એક પ્રસંગ છે, સગાંવહાલાંના મોહમાયામાં તણાયા વગર લીધેલ નિર્ણય અંગેનો. માતાજીના કુટુંબની માલિકીની જમીન કે જ્યાં શ્રીરામકૃષ્ણદેવનો જન્મ થયેલો, ત્યાં મંદિર બંધાવવાની અને બીજી સંપત્તિના વહીવટની ચર્ચા ચાલી રહી હતી. એક દિવસ તેમના ભત્રીજા શ્રી રામલાલ અને તેમની દીકરી લક્ષ્મીદેવીને જાણવાની ઇચ્છા થઈ કે મંદિર બંધાયા પછી તે સંપત્તિ તેમનાં કુટુંબીજનોના કાબજામાં રહેશે કે કેમ? માતાજીએ જવાબ આપ્યો: “એ કેવી રીતે બને?…..” તદુપરાંત માતાજીએ કહ્યું કે “બેલુર મઠના સાધુઓ જ ઠાકુરના જન્મસ્થાનની અને મંદિરની જવાબદારી લેશે. રામલાલ વગેરે કુટુંબીજનો માટે મિશનના સાધુઓ પતરાનાં છાપરાંવાળાં મકાનો બંધાવી આપશે.” માતાજીએ તેમનાં કુટુંબીજનો અને સગાંવહાલાંને ખરાબ લાગશે, ઓછું આવશે કે કુટુંબની મિલકત ઓછી થઈ જશે એવો સ્વાર્થી વિચાર ન કરતાં તટસ્થ રીતે નિર્ણય આપ્યો. આમ, પોતાના સ્વાર્થ અને સગવડ કે સગાંવહાલાંની મોહમાયામાં તણાયા વગર શ્રીમાએ નેતૃત્વનો આદર્શ પૂરો પાડ્યો.
અંતઃદૃષ્ટિ: સ્વામી વિવેકાનંદને ભારતભ્રમણ દરમિયાન દેશની કંગાળ પરિસ્થિતિ તેમજ પશ્ચિમના દેશોના વિકાસની વાતો સાંભળીને શિકાગોમાં યોજાયેલી વિશ્વધર્મ-પરિષદમાં હાજરી આપીને જાણે કે વિશ્વશાંતિ માટે કંઈક કરવાની ઇચ્છા ઉદ્ભવેલી. તેમના કેટલાક શિષ્યોએ પણ તેમની આ ઇચ્છાને અનુમોદન આપ્યું અને જરૂરી ફંડફાળો ભેગો કરવાની તૈયારી બતાવેલી. આ સમયે સ્વામીજીના મનમાં દ્વિધા ઉદ્ભવેલી. આ દ્વિધાના ઉકેલ માટે તેમજ યોગ્ય નિર્ણય લેવા તેમણે શ્રીમાને પત્ર લખેલો. શ્રીમાએ તુરત જ આશીર્વાદ આપતો પત્ર લખીને સ્પષ્ટ નિર્ણય આપતો જવાબ મોકલી આપેલો.
માર્ચ, ૧૮૯૮ની સાલમાં કોલકાતામાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળેલો. હજારો લોકો આ મહામારીનો ભોગ બન્યા અને પોતાનાં ઘરબાર છોડીને બીકના માર્યા ભાગી જવા માંડ્યા. દુઃખી લોકોનાં દર્દોએ સ્વામી વિવેકાનંદના હૃદયને વીંધી નાખ્યું. તેમણે મઠના સાધુ-સંન્યાસીઓ અને શિષ્યોને સેવાકાર્યમાં જોડી દીધા. આ સેવાકાર્ય માટે મઠની પાસે પૂરતા પૈસા ન હતા. સ્વામી વિવેકાનંદે તેમના ગુરુભાઈઓને કહ્યું કે, ‘આપણે હમણાં મઠ માટે જે જમીન ખરીદી છે તે જરૂર પડ્યે વેચી દઈશું. આપણે તો બધા સાધુઓ જ છીએ. આપણે બધાએ અગાઉ જેમ ભીખ માગીને રહેતા તેમ રહેવાની અને ઝાડ નીચે સૂવાની તૈયારી પણ રાખવી જોઈએ. આટલા હજારો લોકો આપણી સમક્ષ પીડાઈ રહ્યા છે ત્યારે આપણે પોતાના મઠ અને જમીનની પરવા ન કરવી જોઈએ.’ સ્વામીજીનું વ્યક્તિત્વ એટલું તો પ્રભાવશાળી હતું કે તેમના આ વિચારને બદલવો સહેલો ન હતો. તેમના ગુરુભાઈ શિવાનંદજીને વિચાર આવ્યો અને તેમણે સ્વામીજીને કહ્યું કે તમે અગત્યની વાતોમાં હંમેશાં શ્રીમાના અભિપ્રાય પ્રમાણે કરતા આવ્યા છો તો આ મઠની મિલકત વેચી દેવા માટે શ્રીમાનો અભિપ્રાય નહીં પૂછો! સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો, “હા, તારી વાત સાચી છે, ચાલો આપણે અત્યારે જ શ્રીમા પાસે જઈએ.” સ્વામી વિવેકાનંદ તેમના ગુરુભાઈઓ સાથે શ્રીમા પાસે પહોંચી ગયા. શ્રીમાને પ્રણામ કર્યા બાદ સ્વામીજીએ શ્રીમાની સમક્ષ હકીકત રજૂ કરી અને કહ્યું કે અમે તમારી મંજૂરી લેવા આવ્યા છીએ. શ્રીમાએ હંમેશાં સ્વામીજીના બધા જ પ્રોજેક્ટોમાં સહકાર આપેલો. પરંતુ આ બાબતમાં સ્વામીજીના વિચાર સાથે સહમત ન થયાં. તેમણે કહ્યું, “દીકરા, ના, આ મઠની મિલકત તું વેચી શકે નહીં. આ મઠ તારો નથી. તે તો ઠાકુરનો છે. તમે બધા તો ઝાડ નીચે રહીને આખી જિંદગી પસાર કરી શકવા સક્ષમ છો, પરંતુ જે શિષ્યો ભવિષ્યમાં આવશે તે લોકો ઝાડ નીચે રહી શકશે નહીં. આ મઠ તે લોકો માટે છે. આ મઠ જે હેતુ માટે નિર્મિત થવાનો છે, તે માત્ર એક રાહતકાર્યથી થઈ જશે? ઠાકુરનું આ મિશન શરૂ કરવા પાછળના ઘણા હેતુઓ છે. ભવિષ્યમાં તેમનો સંદેશ આખી દુનિયામાં ફેલાશે અને યુગો સુધી તેની અસર ચાલુ રહેશે.”
સ્વામીજી તરત જ માતાજીનો આ નિર્ણય સાંભળીને, આનંદપૂર્વક સ્વીકાર કરીને, શ્રીમાને પ્રણામ કરીને નીકળી ગયા. સ્વામીજીએ ત્યારબાદ ગુરુભાઈઓને કહ્યું, “શ્રીમાની વાત સાચી છે! મને મઠની જમીન વેચવાનો કોઈ હક નથી. ગરીબ લોકોનાં દુ:ખોને દૂર કરવાની લાગણીમાં તણાઈ જવાથી મને આ વિચાર આવેલો.” પછીથી સ્વામીજીએ આનંદપૂર્વક શ્રીમાના નિર્ણયનો સ્વીકાર કરી લીધો.
Your Content Goes Here