(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૬ એપ્રિલના રોજ શ્રીરામનવમી નિમિત્તે લેખ પ્રસ્તુત છે. – સં.)
रामान्नास्ति परो देव:।
શ્રીરામ સિવાય અન્ય પરમ દેવ નથી.
શ્રીરામનામ મહામંત્ર છે, જેનો ભગવાન શંકર જપ કરે છે. ‘રામ’નો અર્થ છે –
रकारोऽनलबीजं… स्याद् ये सर्वे वडवानल:।
‘ર’કાર અગ્નિનું મૂળ છે. ‘ર’કારથી મોહ ઇત્યાદિ શુભાશુભ કર્મ ભસ્મ થાય છે. અજ્ઞાન-પાપાદિનો નાશ થાય છે.
अकारो मानुबीजं… स्याद् वेदशास्त्र प्रकाशक:।
‘અ’કાર વેદ-શાસ્ત્રાદિનું પ્રકાશન કરીને અવિદ્યાનો નાશ કરે છે.
मकारश्चन्द्र बीजं च… सदम्बुपरिपूरणम्।
‘મ’કાર ત્રિતાપનું હરણ કરીને શાંતિ પ્રદાન કરે છે. ‘ર’કાર વૈરાગ્યનું કારણ છે, ‘અ’કાર જ્ઞાનનું અને ‘મ’કાર ભક્તિનું કારણ છે. રામનામના જપથી ઇહલોકમાં લાભ અને પરલોકમાં નિર્વાહ થાય છે. શ્રીરામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે –
लोक बाहु परलोक निबाहु।
અન્ય વ્યાખ્યા અનુસાર ‘ર’કારનો અર્થ ઐશ્વર્ય-સમુદ્ર શ્રીરામ સગુણ છે. ‘મ’કારનો અર્થ સર્વ પ્રકારની સેવામાં દક્ષ જીવ છે. બંને વચ્ચેનો ‘અ’કાર સીતા-રૂપક છે, જે બેઉ વચ્ચે સંબંધ સ્થાપિત કરે છે.
સાચું કહીએ તો ‘રામ’ શબ્દના અદ્ભુત અર્થને શ્રીરામજી જ પૂર્ણરૂપે જાણે છે. રામનામનો જપ કરતી વખતે નામાક્ષરોનું મનમાં ચિંતન કરતાં કરતાં વારંવાર સ્મરણ કરવું જોઈએ. તદુપરાંત મૂર્તિ-કલ્પના કરીને તેની આવૃત્તિ કરવી એ પણ માનસ-જપનો એક પ્રકાર છે. જે સર્વ જીવોમાં ચલ-અચલરૂપે અંતર્યામીપણે વ્યાપ્ત છે, તેને રામ કહેવાય છે.
‘रां रामाय नम:’ એ ષડાક્ષર મંત્રરાજ મૂલમંત્ર છે. ‘श्रीराम: शरणं मम’ એ અષ્ટાકાર શરણાગતિ-મંત્ર છે. રામમંત્રમાં સીતા સમાહિત છે, સીતા-નામમાં શ્રીરામ સમાહિત છે.
‘श्रीराम जय राम जय जय राम’ એ તેર અક્ષરનો શ્રીસીતારામજીનો પ્રસિદ્ધ સિદ્ધ મંત્ર છે. હનુમાનજી આ મંત્રનો નિત્ય નિરંતર જપ કરે છે. છત્રપતિ શિવાજીના ગુરુ સમર્થ રામદાસજીએ પવિત્ર ગોદાવરી નદીના તટ પર આ મંત્રનો જપ કરીને તે મંત્રને સિદ્ધ કર્યો હતો. જપ ગુપ્ત રીતે કરવો જોઈએ. પરંતુ નામ-સંકીર્તન ઉચ્ચસ્વરે કરવું જોઈએ.
ભગવાન શ્રીરામના તત્ત્વસ્વરૂપનું વિવેચન કરીએ તો રામ જ પરબ્રહ્મ છે, રામ જ શ્રેષ્ઠ તપસ્યા છે. રામ જ પરતત્ત્વ છે તથા શ્રીરામ જ બ્રહ્મતારક છે. જે અનંત સચ્ચિદાનંદ પરમાત્મામાં યોગીઓ રમણ કરે છે, જેનું ધ્યાન કરે છે, તે જ પરબ્રહ્મ પરમાત્મા રામનામે પ્રસિદ્ધ છે. રામ પરમાત્મા સચ્ચિદાનંદ વિગ્રહ છે. તુલસીદાસ શ્રીરામચરિતમાનસમાં શ્રીરામ-તત્ત્વનું નિરૂપણ કરતાં લખે છે –
रामब्रह्म व्यापक जग जाना।
અર્થાત્ જગત જાણે છે કે વ્યાપક બ્રહ્મ રામ છે. ઇક્ષ્વાકુ વંશમાં ઉત્પન્ન રામ જ વેદ-વેદાંતમાં પુરુષોત્તમ તત્ત્વ છે. વળી ‘માનસ’માં તુલસીદાસ લખે છે –
अगुन अरूप अलख अज जोई।
भगत प्रेमबस सगुण सो होई।
અર્થાત્ જે બ્રહ્મ ગુણરહિત, રૂપરહિત, દૃશ્યરહિત, જન્મરહિત છે; તે જ ભક્તોના પ્રેમવશ થઈને સગુણ થાય છે. કરાળ કળિકાળમાં કરણીય કર્તવ્ય એકમાત્ર શ્રીરામની ઉપાસના છે. શ્રીરામની ઉપાસના ચતુર્વિધ પ્રકારે થઈ શકે છે—નામ, રૂપ, લીલા અને ધામ. શ્રીરામના નામનો અર્થ, રૂપનું ધ્યાન, ચરિત્રનું ચિંતન તથા ધામનું માનસ-ચિંતન કરતાં કરતાં રામનામનું રટણ કરવું જોઈએ, રામનામમાં રમમાણ થઈ જવું જોઈએ. ધ્યાનવિધિ માટેનો મંત્ર છે –
वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे।
मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्।।
અર્થાત્ કલ્પવૃક્ષ નીચે, સુવર્ણમંડપમાં પુષ્પો પર મણિમય આસન પર વીરાસનમાં બેઠેલ શ્રીસીતાજી સહિત ધ્યાન કરો.
અયોધ્યા, મિથિલા, ચિત્રકૂટ વગેરે દિવ્ય ભગવદ્-ધામોમાં શ્રીરામ સર્વદા નિવાસ કરે છે. શ્રીરામની ઉપાસનામાં પાંચ પ્રકારે સંબંધ સ્થાપિત કરી શકાય.
શાંતભાવની ઉપાસનામાં ઋષિમુનિઓની જેમ શમ-દમપૂર્વક ભગવાનની આરાધના કરવી જોઈએ. દાસ્યભાવમાં રામજીના અનન્ય સેવક થઈને સેવા-પૂજા કરવાં જોઈએ. સખ્યભાવના અનુસરણ માટે સુગ્રીવ, ઉદ્ધવ, અર્જુન વગેરે અનુસરણીય છે. વાત્સલ્યભાવ નિમિત્તે શ્રીરામ સાથે પુત્ર કે શિષ્યનો ભાવ સ્થાપિત કરવો. મધુરભાવ અર્થે ગોપીભાવ કેળવવો જોઈએ.
યુધિષ્ઠિરે વ્યાસમુનિને પ્રશ્ન પૂછ્યો હતો –
किं तत्त्वं किं वरं जाप्यं किं ध्यानं मुक्तिसाधनम्।
મુક્તિના ઉપાયરૂપ કયું તત્ત્વ છે, કયો સર્વોત્તમ જપ છે અને કયું ધ્યાન સર્વશ્રેષ્ઠ છે?
श्रीरामेति वरं जाप्यं तारकं ब्रह्मसंज्ञकम्।
ब्रह्महत्यादि पापघ्नमिति वेदविदो विदु:॥
શ્રીરામજી સર્વાધિક જપનીય બ્રહ્મતારક છે. તે બ્રહ્મહત્યા આદિના નાશક છે, એવું વેદજ્ઞ પંડિતો માને છે.
શ્રીરામકૃષ્ણદેવના જીવનમાં પણ ભગવાન શ્રીરામનું સર્વાધિક પ્રાધાન્ય છે. તેમના વંશપરંપરાના પૂર્વજો તથા અનુજોનાં નામ ‘રામ’ અભિધાયક હતાં. જેમ કે પિતા ખુદીરામ, ફોઈ રામશીલા, કાકા નિધિરામ તથા કાનાઈરામ કે રામકનાઈ, રામશીલાનો પુત્ર રામચાંદ; ભાઈઓ રામકુમાર અને રામેશ્વર; ભાણેજ હૃદયરામ, ભત્રીજા રામલાલ અને શિવરામ ઇત્યાદિ. તેમના કુળદેવતા હતા રઘુવીર રામચંદ્ર. બાળપણમાં, પિતાના મૃત્યુબાદ, તેઓ કુળદેવતાની પૂજા કરતા હતા. દક્ષિણેશ્વરમાં આવીને જગદંબાનાં દર્શન કર્યા બાદ તેઓનું ચિત્ત સૌ પ્રથમ કુ્ળદેવતા શ્રીરઘુવીર તરફ આકર્ષાયું હતું. શ્રીરામચંદ્રનાં દર્શનનો લાભ પામવા તેઓએ દાસ્યભાવનો આધાર લઈને પોતાનામાં હનુમાનભાવનું આરોપણ કર્યું અને સાધનામાં પ્રવૃત્ત થયા હતા.
એક વખત ધન્યભૂમિ દક્ષિણેશ્વરમાં તીર્થભ્રમણ કરતાં કરતાં એક જટાધારી આવી ચડ્યા. તેમની પાસે બાળ રામચંદ્રની મૂર્તિ હતી. જટાધારીનું મન ભાવરાજ્યમાં એટલું બધું આરૂઢ થયું હતું કે રામનો જ્યોતિર્ઘન બાળવિગ્રહ સાચે જ તેમની સન્મુખ પ્રગટ થતો હતો અને તેમનો નિત્ય સહચર બની ગયો હતો. દક્ષિણેશ્વરમાં આગમન પછી પ્રથમ મુલાકાતમાં જ જટાધારી પ્રત્યે શ્રીરામકૃષ્ણદેવ શ્રદ્ધાસંપન્ન બની ગયા હતા. રામચંદ્રજીની ભાવઘન મૂર્તિનાં હરપળે થતાં દર્શનનું શ્રીરામકૃષ્ણદેવ ભક્તિપૂર્વક નિરીક્ષણ કરતા. કાળક્રમે શ્રીરામકૃષ્ણદેવનું હૃદય વાત્સલ્યરસથી છલકાઈ ઊઠ્યું. અપૂર્વ હેતના ઉમળકા અને અનોખા પ્રેમના આકર્ષણને કારણે એ બાળ રામલાલાનું ઝળહળતું સ્વરૂપ મીઠી મીઠી બાલચેષ્ટાઓ કરીને શ્રીરામકૃષ્ણને પોતાની પાસે પકડી રાખવાનો પ્રયત્ન કર્યા જ કરતું. આ હતું શ્રીરામકૃષ્ણદેવની શ્રીરામ પ્રત્યેની સાધનાવિહીન સાધનાનું ફળ. શું શ્રીરામ અને શ્રીરામકૃષ્ણદેવ ભિન્ન હતા? ના. જે રામ, જે કૃષ્ણ, તે જ આ વખતે શ્રીરામકૃષ્ણ. પરંતુ વેદાંતની દૃષ્ટિએ નહીં. અર્થાત્ શ્રીરામનું પરબ્રહ્મ તત્ત્વ એ જ વર્તમાનમાં શ્રીરામકૃષ્ણદેવનું ઈશ્વરત્વ, અવતારત્વ.
અત્યારના કાળમાં રામનામની પરમ ઉપાદેયતા અને ફળદાયક યથાર્થતા સમજીને શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર સ્વામી બ્રહ્માનંદજીએ રામકૃષ્ણ મઠ અને મિશનના કેન્દ્રોમાં દર એકાદશીના પાવન દિને ‘શ્રીરામનામસંકીર્તન’નું પ્રવર્તન કરાવ્યું હતું.
Your Content Goes Here