તા. ૩૧ મે, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદ મુંબઈથી શિકાગો વિશ્વધર્મસભામાં ભાગ લેવા જવા માટે ‘પેન્નીસુલર’ સ્ટીમર દ્વારા રવાના થયા. જુલાઈના પ્રારંભમાં તેઓ જાપાન પહોંચ્યા. જાપાનના યોકોહામાથી તેઓ ‘એસ.એસ.એમ્પ્રેસ ઑફ ઇન્ડિયા’ સ્ટીમર દ્વારા ૧૪મી જુલાઈએ રવાના થયા અને ૨૫મી જુલાઈના રોજ વેનકુંવર (કેનેડા) પહોંચ્યા. સ્ટીમરમાં કુલ ૭૭૦ મુસાફરો હતા, જેમાં ૬૦૦ સામાન્ય વર્ગના, ૫૦ બીજા વર્ગના અને ૧૨૦ પ્રથમ વર્ગના મુસાફરો હતા. પ્રથમ વર્ગમાં ઈશ્વરની દિવ્ય યોજનાને કારણે બે મુસાફરો ભેગા થઈ ગયા, સ્વામી વિવેકાનંદ અને સર જમશેદજી તાતા. સ્વામી વિવેકાનંદની ટિકિટ બીજા વર્ગની હતી, પણ ખેતડીના મહારાજા શ્રી અજિતસિંહજીએ તે ટિકિટને પરિવર્તિત કરીને, સ્વામી વિવેકાનંદના વિરોધ છતાં પ્રથમ વર્ગની ટિકિટ કરી આપી, એમ કહીને કે ‘મારા જેવા રાજાના ગુરુ રાજાની જેમ જવા જોઈએ’. આભાર માનીએ ખેતડીના મહારાજાનો, કેમ કે જો તેઓ આમ ન કરત તો આ બે મહાન વિભૂતિઓનો મેળાપ સ્ટીમરમાં ન થાત અને બંને વચ્ચે જે મહત્ત્વની વાતચીત થઈ તે ન થાત.

કોલંબસે અમેરિકાની શોધ કરી, તેનાં ચારસો વર્ષોની પૂર્તિમાં શિકાગોમાં ૧૮૯૩માં વર્લ્ડ કુલમ્બીયન એક્સપોઝીશન (World Columbian Exposition)નું આયોજન થયું હતું, જેમાં વિરાટ ઔદ્યોગિક પ્રદર્શનો, વિજ્ઞાન વિશેની વિવિધ કોન્ફરેન્સો, અને અનેકવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન થયું હતું. તેના જ એક ભાગ રૂપે વિશ્વધર્મસભાનું આયોજન થયું હતું. તેમાં ભાગ લેવા માટે સ્વામી વિવેકાનંદજી જઈ રહ્યા હતા. જમશેદજી તાતા ઔદ્યોગિક પ્રદર્શનો જોવા અને પોતાના વ્યવસાયને વિકસાવવાની તક માટે શિકાગો જઈ રહ્યા હતા.

બંને વચ્ચે આ અગિયાર દિવસોની યાત્રામાં અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત થઈ હશે, પણ તેની વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી. કેટલાંક સૂત્રો પ્રમાણે સ્વામી વિવેકાનંદે જમશેદજી તાતાને માચીસની આયાત ન કરી, તેનું ઉત્પાદન ભારતમાં કરવાનું સૂચન કર્યું હતું. ત્યાં સુધી જમશેદજી તાતા ખરીદ-વેચાણના કમિશનના વેપારી રૂપે વધારે કાર્ય કરી રહ્યા હતા. ઉદ્યોગોનો પ્રારંભ કર્યો ન હતો, (કાપડની બે મિલો સિવાય). સ્વામીજીએ સમજાવ્યું હતું કે માચીસ બનાવવાની ફેક્ટરીઓમાંથી નફો વધુ થશે અને દેશના લોકોને રોજગાર મળશે. સ્વામીજીએ પોતે જાપાનમાં માચીસની ફેક્ટરીઓ જોઈ હતી, જેનો ઉલ્લેખ તેમણે આલાસિંગા પેરુમલને લખેલ તા. ૧૦ જુલાઈ, ૧૮૯૩ના પત્રમાં કર્યો છે.

સ્વામી વિવેકાનંદ માનતા કે આપણા દેશના વિકાસ માટે પાશ્ચાત્ય વિજ્ઞાન અને વેદાંતો સમન્વય આવશ્યક છે. અનુમાન કરી શકીએ કે બંને દેશભક્તો વચ્ચે દેશ માટે વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઔદ્યોગિક વિકાસના મહત્ત્વ વિશેની ચર્ચા થઈ હશે. કારણ કે સ્વામી વિવેકાનંદનું વિદેશ જવાનું એક વધુ કારણ હતું, વિદેશથી ટેક્નોલોજી લાવી દેશનો આર્થિક વિકાસ કરવો અને ગરીબોનાં દુ:ખ દૂર કરવાં. અમેરિકાથી પ્રકાશિત થતા ‘ડેઈલી ગેઝેટ’ના ૨૯ ઓગસ્ટ, ૧૮૯૩ના અંકમાં સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનનો સાર આપતાં લખ્યું હતું, “વક્તાએ પોતાનું મિશન સમજાવતાં કહ્યું હું કે તેઓ સંન્યાસીઓને ઔદ્યોગિક ઉદ્દેશો માટે સંગઠિત કરવા માગતા હતા, જેથી દેશના લોકો ઔદ્યોગિક શિક્ષણનો લાભ લઈ શકે અને પોતાનો ઉદ્ધાર કરી શકે અને પોતાની સ્થિતિ સુધારી શકે.”

જમશેદજી તાતાએ ૧૮૯૨માં ટ્રસ્ટની સ્થાપના કરી, જેના દ્વારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે વિદેશ જવા માટે લોન આપવાની યોજના હતી. સ્વામી વિવેકાનંદે આ વાત જાણી પ્રસન્નતા વ્યક્ત કરી હશે અને આપણા દેશમાં જ ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ સંબંધિત સંસ્થાઓનો પ્રારંભ કરવાની પ્રેરણા જમશેદજી તાતાને આપી હશે.

અમેરિકાથી ભારત પરત થઈ જમશેદજી તાતાએ ઔદ્યોગિક વિકાસ પર વધુ ધ્યાન આપ્યું અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાની યોજના બનાવી. ઈ.સ. ૧૮૯૮માં તેમણે રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયની સ્થાપનાની યોજના બનાવી. (પછીથી આ યોજના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં પરિણમી.) આ યોજનાની જાહેરાત થતાં જ સમસ્ત દેશમાં ઉત્તેજના ફેલાઈ ગઈ. ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ૨૮ સપ્ટેમ્બર, ૧૮૯૮ના અંકમાં આ વિશે લેખ પ્રકાશિત થયો, જેનો સારાંશ હતો, “મુંબઈના પ્રસિદ્ધ વેપારી જે.એમ. તાતા નિયમાનુસાર ગઠિત થયેલ એક કમિટિના હાથમાં થોડી શરતો સાથે પોતાની ત્રીસ લાખની સંપત્તિ દઈ દેવા માગે છે. તેનો ઉદ્દેશ છે, ઉચ્ચ શિક્ષણ માટે એક સંસ્થાની સ્થાપના.”

બ્રિટિશ સરકારે વિશેષ કરીને લોર્ડ કર્ઝને આ યોજનાનો વિરોધ કર્યો. ભારતીય લોકો ગુલામ જ રહે અને કારકુન બનાવવાની શિક્ષણપ્રણાલીમાં તૈયાર થાય તેમાં જ સરકારને રસ હતો.

ત્યારના વખતમાં ત્રીસ લાખ રૂપિયા એક બહુ મોટી રકમ હતી. તેમ છતાં જ્યારે આ યોજનાનો પ્રારંભ ન થઈ શક્યો ત્યારે જમશેદજી તાતા નિરાશ થયા. તેમણે વિચાર્યું કે આ માટે લોકોને જાગ્રત કરવા પડશે, ત્યારે દેશવાસીઓ પર સ્વામી વિવેકાનંદનો જબરો પ્રભાવ હતો.

જે સમયે સ્વામીજી પોતાના સંકલ્પ પ્રમાણે વનના વેદાંતને નગરના કર્મ-કોલાહલની વચ્ચે પણ સ્થાપવાના પ્રયત્નમાં લાગેલા હતા અને તેમાં ધીમે ધીમે સફળતા તરફ આગળ વધી રહ્યા હતા, એ સમયે તેમને આ ભાવનો એક પ્રસ્તાવ ઉદ્યોગપતિ જમશેદજી એન. ટાટા તરફથી પણ મળ્યો હતો. એ પ્રસ્તાવનો પત્ર આ પ્રમાણેનો હતો :

એસ્પ્લેનેડ હાઉસ, મુંબઈ
૨૩ નવેમ્બર ૧૮૯૮

પ્રિય સ્વામી વિવેકાનંદ,

આશા રાખું છું કે આપને જાપાનથી શિકાગો સુધીના આપના આ સહયાત્રીની યાદ હશે જ. આપના એ વિચારો અત્યારે મને વિશેષરૂપે યાદ આવી રહ્યા છે કે ભારતમાં ત્યાગ-તપસ્યાનો જે ભાવ ફરીથી જાગ્રત થઈ રહ્યો છે, તેનો નાશ કરવાનો આપણો ઉદ્દેશ નથી પણ તેને રચનાત્મક માર્ગે ગતિમાન કરવાની ખાસ જરૂર છે.

મારી વૈજ્ઞાનિક શોધસંસ્થાના સંદર્ભમાં હું આપના એ વિચારોને યાદ કરી રહ્યો છું, જેના વિશે આપે જરૂર સાંભળ્યું કે વાંચ્યું હશે. મારા મત પ્રમાણે જો એવા આશ્રમો કે નિવાસોની સ્થાપના કરવામાં આવે કે જ્યાં ત્યાગ વ્રતધારી લોકો, સાદું જીવન વિતાવીને ભૌતિક અને માનવીય વિજ્ઞાનોની ચર્ચા-વિચારણામાં પોતાનો જીવનવિકાસ સાધે તો ત્યાગ-ભાવનાની આનાથી વધારે ઉપયોગિતા બીજી કઈ હોઈ શકે?

મારું માનવું છે કે આ પ્રકારની ચળવળની જવાબદારી જો કોઈ યોગ્ય નેતા લે, તો એનાથી ધર્મ અને વિજ્ઞાન બંનેનો વિકાસ થશે અને આપણા દેશની કીર્તિ પણ ફેલાશે. આ અભિયાન માટે વિવેકાનંદ કરતાં વધુ યોગ્ય સેનાપતિની હું કલ્પના નથી કરી શકતો. શું આ માર્ગે આપણી રાષ્ટ્રીય પરંપરાઓને નવજીવન આપવામાં આપ અગ્રેસર બનશો? આ દિશામાં લોકોને જાગ્રત કરવા માટે સર્વપ્રથમ આપ આપની અગ્નિમય વાણીમાં એક ચોપાનિયું લખો અને તેના પ્રકાશનનો ખર્ચ હું આનંદપૂર્વક ઉઠાવીશ.

આદરપૂર્વક,
આપનો વિશ્વાસુ,
જમશેદજી એન. ટાટા

આ પત્ર અત્યંત મહત્ત્વનો છે. શ્રી જમશેદજી તાતાની સ્વામી વિવેકાનંદ વિશે અત્યંત ઉચ્ચ ધારણા હતી તે આ પત્રમાં પુરવાર થાય છે. તેઓ લખે છે, “આ અભિયાન માટે વિવેકાનંદ કરતાં વધુ યોગ્ય સેનાપતિની હું કલ્પના નથી કરી શકતો.”

આ યોજના માટે સ્વામી વિવેકાનંદની સહાયતા લેવા તેઓ એટલા આતુર હતા કે તેમણે તેમના નિકટના સલાહકાર શ્રી બરજોરજી પાદશાહને જાન્યુઆરી, ૧૮૯૯ના અંતિમ સપ્તાહમાં સ્વામી વિવેકાનંદને મળવા બેલુર મઠ મોકલી દીધા. સ્વામીજીએ સિસ્ટર નિવેદિતાને આ કાર્ય માટે નિયુક્ત કરી દીધાં. આ યોજનામાં જોડાવા માટે લોકોને આહ્વાન કરવા માટે તેમણે ચોપાનિયાના પ્રકાશનને બદલે પોતે પ્રારંભ કરેલ અંગ્રેજી માસિક ‘Prabuddha Bharat’ના એપ્રિલ, ૧૮૯૯ના અંકમાં લખ્યું (અથવા લખાવ્યું), “આધુનિક ભારતમાં સમસ્ત દેશ માટે આટલી કલ્યાણકારી યોજના આજ સુધી જોવામાં આવી નથી. માટે બધા દેશવાસીઓનું કર્તવ્ય છે કે જાતિ અથવા સંપ્રદાય સંબંધિત સ્વાર્થથી અલગ રહીને એને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન પ્રદાન કરે.”

આ લેખમાં યોજનાના લાભો વિશે વિગતવાર લખ્યા પછી તેમાં ઉમેરવામાં આવ્યું, “ઘણા લોકોને લાગે છે કે આ યોજના સારી તો છે પરંતુ બહુ ખર્ચાળ છે, એને કાર્યાન્વિત કરવા લગભગ ૭૪ લાખ રૂપિયા લાગશે. અમારો પ્રશ્ન એ છે કે એકલો માણસ
(શ્રી જમશેદજી તાતા) જો સૌથી વધુ ધનવાન ન હોવા છતાં ૩૦ લાખ રૂપિયા આ પ્રોજેક્ટ માટે આપવા તૈયાર હોય, તો બાકીના રૂપિયા શું કરોડો દેશવાસી ન આપી શકે! જ્યારે એ ખબર છે કે આ પ્રોજેક્ટને કારણે આખા દેશની સૂરત પલટાઈ જશે ત્યારે આટલી મહત્ત્વપૂર્ણ યોજના માટે નકારાત્મક વલણ અપનાવવું એ
મૂર્ખતા છે…”

આમ છતાં બ્રિટિશ સરકારનું વલણ અત્યંત નકારાત્મક રહ્યું. શ્રી જમશેદજી તાતા આ યોજનાનો સ્વીકાર કરાવવાના ઉદ્દેશથી ઇંગ્લેન્ડ ગયા અને સિસ્ટર નિવેદિતાને મળ્યા. સિસ્ટર નિવેદિતાએ શ્રીમતી ઓલી બુલની સાથે રહીને એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું, જેમાં તેમણે બ્રિટિશ શિક્ષણ વિભાગના સર જ્યોર્જ વર્ડવુડને નિમંત્રણ આપ્યું. આનું પણ કંઈ પરિણામ ન આવ્યું. શ્રી જમશેદજી તાતા નિરાશ થઈ ગયા. પણ સિસ્ટર નિવેદિતાએ અમેરિકાનાં મિસ મેક્લાઉડની સહાયતાથી પ્રયત્નો ચાલુ રાખ્યા.

મિસ મેક્લાઉડનો અમેરિકાના ઉચ્ચ વર્ગમાં ખૂબ પ્રભાવ હતો. તેઓ મુંબઈ જઈ શ્રી જમશેદજી તાતાને મળ્યા ત્યારે તેમણે સ્વામી વિવેકાનંદને મુંબઈ આવવા માટે નિમંત્રણ આપ્યું. મિસ મેક્લાઉડે સ્વામી વિવેકાનંદને આ વિશે જણાવતાં એક લાંબો પત્ર લખ્યો, જેના ઉત્તરમાં સ્વામી વિવેકાનંદે ૧૭ ફેબ્રુઆરી, ૧૯૦૧ના બેલુર મઠથી લખ્યું, “હમણાં જ તમારો લાંબો પત્ર મળ્યો… મને એ જાણીને આનંદ થયો કે તમે શ્રી જમશેદજી તાતાને મળ્યાં અને તમને તેઓ દૃઢ અને ઉમદા વ્યક્તિ લાગ્યા. જો મારું સ્વાસ્થ્ય સારું હશે તો અવશ્ય તેમનું મુંબઈ આવવાનું નિમંત્રણ સ્વીકારીશ.” પણ આ પછી સ્વામી વિવેકાનંદનું સ્વાસ્થ્ય સારું ન રહ્યું અને ૪થી જુલાઈ, ૧૯૦૨ના રોજ તેમણે મહાસમાધિ લીધી. ૧૮ મે, ૧૯૦૪ના રોજ શ્રી જમશેદજી તાતાનું પણ નિધન થઈ ગયું.

‘પ્રબુદ્ધ ભારત’માં તેમને શ્રદ્ધાંજલિ આપતાં લખવામાં આવ્યું, “કોઈ પણ દેશને સમૃદ્ધ બનાવવા માટે શ્રી જમશેદજી તાતા જેવા હૃદય અને મસ્તિષ્ક હોવા આવશ્યક છે. તાતા જેવી કેટલીક વ્યક્તિઓ આપણા દેશની સૂરત પલટાવી શકે છે.”

જમશેદજી તાતાએ વિદાય લીધી. પણ તેમનું સ્થાન સાકાર કરવા તેમના વંશજો અને સિસ્ટર નિવેદિતા મથતાં રહ્યાં. ૧૯૦૫માં લોર્ડ કર્ઝનને બદલે લોર્ડ મિન્ટો ગવર્નર જનરલ બનીને આવ્યા અને ૧૯૦૯માં આખરે આ યોજનાનો સ્વીકાર થઈ ગયો. ૨૭ મે, ૧૯૦૯ના રોજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલોરની સ્થાપના થઈ અને ૨૪ જુલાઈ, ૧૯૧૧થી પ્રવેશ-પ્રક્રિયા પ્રારંભ થઈ. ૧૩ ઓક્ટોબર, ૧૯૧૧ના રોજ સિસ્ટર નિવેદિતાએ દાર્જિલિંગમાં સંતોષની લાગણી સાથે છેલ્લો શ્વાસ લીધો.

એ અદ્‌ભુત સંયોગ છે કે આ સંસ્થા માટે ૩૭૨ એકર જમીન (રૂપિયા પાંચ લાખના અનુદાન સાથે) મૈસૂર રાજ્ય દ્વારા ફાળવવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદે મૈસૂરના મહારાજા ચામરાજેન્દ્ર વાડિયાર (૧૮૬૩-૧૯૯૪)ને શિકાગોથી તા. ૨૩ જૂન, ૧૮૯૪ના પત્રમાં લખ્યું હતું, “મારા પ્રિય મહારાજા, આ જીવન અલ્પકાલીન છે. સંસારના મોજશોખો ક્ષણભંગુર છે. જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે, બાકીના બધા તો જીવતા કરતાં વિશેષ મરેલા છે.”

ખરેખર છ મહિનાની અંદર ૨૮મી ડિસેમ્બર, ૧૮૯૪ના રોજ મહારાજાનું અચાનક નિધન થઈ ગયું. પણ મહારાણીએ અને પાછળથી રાજકુમારે (પછીથી મહારાજા કૃષ્ણરાજા વાડિયાર ચતુર્થ) આ સંદેશનું બરાબર પાલન કર્યું અને સ્વામી વિવેકાનંદની પ્રિય યોજના માટે પોતાનો સંપૂર્ણ સહકાર આપ્યો. એટલું જ નહીં, ઈ.સ. ૨૦૨૨માં આ સંસ્થા અંતર્ગત પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સ્કૂલ માટે મૈસૂરના મહારાજા કૃષ્ણરાજા વાડિયાર ચતુર્થે રૂપિયા ૪૨૫ કરોડનું દાન પણ આપ્યું.

સ્વામી વિવેકાનંદના મુંબઈના ગુજરાતી યજમાન શ્રી છબીલભાઈ લલ્લુભાઈ ભણસાલીએ પણ આ યોજના માટે મલાડ (મુંબઈ)માં ૩૦૦ એકર જમીન (રૂપિયા ૫ લાખના અનુદાન સાથે) આપવાની ઇચ્છા દર્શાવી હતી. પણ વિવિધ કારણોસર આ સંસ્થાનો મુંબઈને બદલે બેંગલોરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલોર આપણા દેશનું ગૌરવ છે. નોબેલ પુરસ્કારથી વિભૂષિત શ્રી સી. વી. રામન, શ્રી હોમીભાભા, શ્રી વિક્રમ સારાભાઈ જેવા અનેક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો આ સંસ્થામાં તૈયાર થયા છે. આજે લગભગ બે હજાર વૈજ્ઞાનિકો આમાં રિસર્ચ કરી રહ્યા છે.

એક વાર શ્રી જમશેદજી તાતાએ સિસ્ટર નિવેદિતાને કહ્યું હતું, કે સ્વામી વિવેકાનંદ જ્યારે જાપાનમાં હતા ત્યારે જાપાનના લોકો તેમનાથી બહુ પ્રભાવિત થયા હતા અને ભગવાન બુદ્ધના ચહેરા સાથે તેમના ચહેરાની સામ્યતા જોઈ આશ્ચર્યચકિત થયા હતા.

આમ, શ્રી જમશેદજી તાતા અને સ્વામી વિવેકાનંદ બંનેને એકબીજા પ્રત્યે અહોભાવની લાગણી હતી. ભારત માતાના આ બંને મહાન સપૂતોને વંદન.

Total Views: 181

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.