અનેકાનેક કથાપ્રસંગો સમાવિષ્ટ કરતી એમની લીલાગાથા પુસ્તકાકારે અંગ્રેજીમાં ‘Sri Sarada Devi and Her Divine Play’ ‘વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈસ, યુ.એસ.એ.’ના મિનિસ્ટર ઇન્ચાર્જ સ્વામી ચેતનાનંદે શબ્દબદ્ધ કરી છે.
આપણો નારીત્વનો આદર્શ છે સીતા, સાવિત્રી અને દમયંતી. આ સતીત્વ અને માતૃત્વના આદર્શને સુસ્થાપિત કરવા માટે શ્રીમા શારદાદેવીએ માનવદેહ ધારણ કર્યો હતો. વળી શ્રીમાએ વેદાંત કથિત નિવૃત્તિમાર્ગ અને પુરાણ પ્રબોધિત પ્રવૃત્તિમાર્ગનું પોતાના જીવનમાં સુભગ સંમિલન કરી બતાવ્યું હતું. તેઓ ન તો સંન્યાસિની હતાં, ન તો ગૃહસ્થ—પરંતુ તેમને બંને આદર્શોનું પોતાના જીવનમાં નિદર્શન કરી બતાવ્યું છે. શ્રીમાએ પોતાનાં માતા-પિતા, ભાઈઓ-ભાભીઓ, ભત્રીજીઓ, અન્ય સાસરિયાં અને પિયેરિયાં, ભક્તો-શિષ્યો—કે જે સૌ વિભિન્ન સ્વભાવનાં હતાં—સાથે સુમેળભર્યું જીવન જીવીને માનવજાતને અનુપમ આદર્શ બતાવ્યો છે. સર્વ પ્રકારની સાંસારિક ફરજો બજાવતા રહીને જીવનનું ઈશ્વરદર્શનનું પરમલક્ષ્ય કેવી રીતે સાધી શકાય છે એ પણ તેમણે પોતાના જીવન દ્વારા બતાવ્યું છે. વળી તેઓએ ઈશ્વરમાતૃત્વની વિભાવનાને સિદ્ધ કરવા સતી, કાલી, જગદ્ધાત્રી, સીતા, રાધા, બગલા એવાં વિવિધ ભગવતી રૂપો પોતાના ભક્તો-શિષ્યો સમક્ષ યથાસમયે ઉદ્‌ઘાટિત કર્યાં હતાં.