૧. પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીરને સુદૃઢ બનાવવું જોઈએ; ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સૂક્ષ્મ ભાગ જ છે.

૨. મોટા ભાગનાં જે દુઃખો આપણે અનુભવીએ છીએ તેને માટે આપણો ખોરાક જવાબદાર છે. આપણે જાણીએ છીએ કે પચાવવો મુશ્કેલ પડે તેવો ભારે ખોરાક ખાધા પછી મનને કાબૂમાં રાખવું મુશ્કેલ બને છે.

૩. ખોરાક જેમાં પોષક તત્ત્વ વધારે હોય તેવો પણ ઓછા પ્રમાણમાં લેવો જોઈએ; ઢગલો એક ભાત ખાઈને પેટ ભરવું એમાં આળસનું મૂળ છે.

૪.યોગ્ય ખોરાક એટલે સાદો ખોરાક, ખૂબ મસાલાયુક્ત ખોરાક નહિ.

૫. જાપાનીઓને જુઓ; એ લોકો મટરની દાળ સાથે દિવસમાં બેત્રણ વાર ભાત ખાય છે. પણ મજબૂત બાંધાવાળા માણસો સુધ્ધાં એકીસાથે થોડુંક જ ખાય છે, જો કે તેઓ જમે છે વધારે વાર.

૬. બહુ તેલ-ચરબીવાળો આહાર લેવો સારો નથી. પૂરી કરતાં રોટલી વધારે સારી.

૭. ખોરાક તે કહેવાય કે જે ખાધા પછી શરીરમાં એકરૂપ થઈ જાય; ગમે તે ખાઈને પેટની કોથળી ભરવા કરતાં તો ખાધા વિના રહેવું વધુ સારું છે. કંદોઈની દુકાનની મીઠાઈઓમાં પોષણ આપે એવું કાંઈ જ નથી હોતું; ઊલટું એમાં તો વિષ હોય છે !

૮. ભૂખ લાગે તો મીઠાઈઓ અને તળેલા પદાર્થાે ન ખાતાં ચણા-મમરા ખાઓ કે જે સસ્તા પણ પડશે અને પોષણ પણ થશે. ભાત, દાળ, રોટલી, માછલી, શાકભાજી અને દૂધ: આટલી ચીજો પૂરતી પોષણદાયક થશે.

૯. આપણા દેશમાં જે માણસ સ્થિતિસંપન્ન હોય છે તે પોતાનાં બાળકોને તરેહતરેહની મીઠાઈ અને ઘીમાં તળેલી ચીજો ખવરાવે છે; કારણ કે બાળકોને સાદાં દાળ, ભાત, રોટલી, શાક જ ખવરાવવાં એ કદાચ નાનમ જેવું લાગતું હોય અને વળી લોકો શું કહેશે એવું પણ હોય ! આવી રીતે ખવરાવીને મોટાં કરેલાં બાળકો પ્રમાણ વગરનાં શરીરવાળાં, આળસુ, નિર્માલ્ય, પોતાના મેરુદંડ વિનાનાં અને બુદ્ધિહીન નીવડે એમાં શી નવાઈ ?

૧૦. સ્વાદેન્દ્રિયને છૂટી મૂકો એટલે બીજી ઇંદ્રિયો પણ નિરંકુશપણે દોડશે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories