૧. આ દુનિયામાં તમે આવ્યા છો તો કંઈક નામ રાખી જાઓ; નહિતર તમારામાં અને પેલાં ઝાડ કે પથ્થરમાં ફરક શો રહ્યો ? એ પણ જન્મે છે, જીર્ણ થાય છે અને નાશ પામે છે.

૨. જગતના સર્વ દેવો સમક્ષ તમે રડયા છો. તેથી દુઃખ દૂર થયું છે ખરું ? છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણાં રડે છે અને છતાં કૂતરાને મોતે મરે છે. એ દેવો કયાં છે ?… તમે સફળ થાઓ ત્યારે જ દેવો તમારી મદદમાં આવે છે. તો એથી લાભ શો ?

૩. ઘણા કાળ સુધી આપણે રોતલ રહ્યા છીએ; હવે રોવાનું છોડી દઈને તમારા પોતાના પગ પર ખડા થાઓ અને મર્દ બનો. મર્દ બનાવનારા ધર્મની આપણને જરૂર છે; મર્દ બનાવનારા સિદ્ધાંતોની આપણને જરૂર છે.

૪. આ દુનિયા કાયરો માટે નથી. તેમાંથી નાસવાનો યત્ન ન કરો. વિજય કે પરાજયની પરવા ન રાખો.

૫. જ્યારે મગજ અને હૃદય વચ્ચે સંઘર્ષણ હોય, ત્યારે હૃદયને અનુસરજો.

૬. તમે ગરીબ છો એવું ધારશો નહિ; ધન એ કંઈ ખરી શક્તિ નથી, પણ સૌજન્ય અને પવિત્રતા એ જ ખરી શક્તિ છે.

૭. ‘ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી.’ તમારી સામે અનંત ભાવિ પડેલું છે.

૮. માણસ મરે છે માત્ર એક જ વાર. મારા શિષ્યો નિર્માલ્ય ન હોવા જોઈએ.

૯. તમારા મિત્રોના અભિપ્રાય સાથે બાંધછોડ કરવા હંમેશાં તત્પર રહેજો અને સર્વદા સમાધાનભર્યું વલણ દાખવવાનો પ્રયાસ કરજો. આમાં બધું આવી જાય છે.

૧૦. હું જે કંઈ ઉપદેશ આપું છું તે સર્વમાં પ્રથમ આવશ્યકતા તરીકે હું આ મૂકું છું કે જે કોઈ બાબત આધ્યાત્મિક, માનસિક યા શારીરિક નિર્બળતા લાવે તેને તમારા પગની આંગળીથી પણ સ્પર્શ કરશો નહીં.

૧૧. દુનિયા ચારિત્ર્ય માગે છે. જેમનું જીવન એક નિઃસ્વાર્થ જ્વલંત પ્રેમરૂપ છે, તેવા પુરુષોની દુનિયાને જરૂર છે. એવા પ્રેમનો શબ્દ વજ્ર જેવી અસર કરશે.

૧૨. વિકાસ સાધવાનો પ્રયત્ન કરો. ખ્યાલમાં રાખજો કે ગતિ અને વિકાસ એ જ જીવનનું એક માત્ર લક્ષણ છે.

૧૩. સખત પરિશ્રમ કરો. પવિત્ર અને શુદ્ધ બનો, એટલે ઉત્સાહ આવશે જ.

૧૪. પોતે જ્યાં હોય ત્યાં પડયા રહેવાનો (વિકાસ નહીં પામવાનો) સ્વભાવ પશુનો છે; સારું શોધવું અને ખરાબ તજવું એ સ્વભાવ મનુષ્યનો છે.

૧૫. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે !’ આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યાે પ્રયાસ.

૧૬. દરેક વસ્તુની મજાક ઉડાડવાનો, જીવન પ્રત્યે ગંભીરતાથી જોવાના અભાવનો જે આ ભયંકર રોગ આપણા રાષ્ટ્રના લોહીમાં ધીરે ધીરે પ્રવેશી રહ્યો છે તેનો ત્યાગ કરો, એને હાંકી કાઢો. મજબૂત બનો, આ શ્રદ્ધા રાખો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે.

૧૭. ફરી એક વખત હું તમને યાદ આપું કે ‘ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો !’ ડરો નહીં, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે.

૧૮. વાંદરનકલ કરવી, એથી પ્રગતિ કદી થતી નથી. એ તો સાચેસાચ માણસમાં આવેલા ભયાનક અધઃપતનની નિશાની છે.

૧૯. આપણે નિષ્ફળતાઓમાંથી જ ડહાપણ મેળવીએ છીએ. કાળ અનંત છે. આ દીવાલ તરફ જુઓ. તે કદીય અસત્ય બોલી હતી ? છતાં તે સદાને માટે દિવાલ જ છે. મનુષ્ય અસત્ય પણ બોલે છે અને દેવ પણ બને છે. કંઈક કરવું એ સારું છે.

૨૦. અહોરાત્ર પ્રાર્થના કર ‘હે ગૌરીપતે, હે જગત્ જનનિ અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હઠાવ! મને મર્દ બનાવ!’

૨૧. આપણાં જીવન સારાં અને પવિત્ર હોય, તો જ દુનિયા સારી અને પવિત્ર થઈ શકે.

૨૨. આ જીવન આઘાતોથી ભરપૂર છે; પરંતુ તેમની અસરો, કોઈપણ રીતે ચાલી જાય છે; જીવનમાં એ જ આશા છે.

૨૩. ‘સારા કાર્યમાં સો વિઘ્નો હોય છે.’ એ તદ્દન સ્વાભાવિક છે. ઊંડામાં ઊંડી મનની સમતુલા જાળવજો. ક્ષુદ્ર જીવો તમારા વિરુદ્ધ શું બોલે છે તે તરફ જરા પણ ધ્યાન ન દેતા. ઉપેક્ષા, ઉપેક્ષા, માત્ર ઉપેક્ષા !

૨૪. આપણે અજ્ઞાનનો અને અશુભનો નાશ કરવાનો બનતો પ્રયત્ન કરવો જોઈએ. માત્ર આપણે એટલું જાણવાનું છે કે અશુભનો નાશ થાય છે શુભના વિકાસથી.

૨૫. આશાવાદી થાઓ, હતાશ બનશો નહિ. આવી સરસ શરૂઆત કર્યા પછી જો તમે હતાશ થાઓ તો તમે મૂર્ખ છો.

૨૬. તમારામાં નિષ્ઠા છે ? તમે મરણપર્યંત નિઃસ્વાર્થ રહી શકો છો ? તમારામાં પ્રેમભાવના છે ? તો પછી કશી બાબતનો ડર ન રાખો; ખુદ મૃત્યુનો પણ નહિ ! આગળ ધપો યુવકો ! સમસ્ત જગતને પ્રકાશની જરૂર છે; તેને માટે એ આશાભરી મીટ માંડી રહ્યું છે !

૨૭. વીરતાભર્યાં વચનો અને એથીય વધુ વીરતાભર્યાં કાર્યોની જ આપણે જરૂર છે. જાગો, ઓ મહાનુભાવો ! જાગો, દુનિયા દુઃખમાં બળી રહી છે; તમારાથી સૂઈ રહેવાય કે ?

૨૮. મૈત્રી, કરુણા, પ્રીતિ અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્તની સ્થિરતા આવે છે. આ ચાર પ્રકારની ભાવનાઓ આપણામાં હોવી જ જોઈએ. આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ; જેઓ દુઃખી હોય તેમના પ્રત્યે દયા દાખવવી જોઈએ; જેઓ સુખી હોય તેમનું સુખ જોઈને આપણે સુખી થવું જોઈએ; અને દુષ્ટો પ્રત્યે આપણે ઉપેક્ષા રાખવી જોઈએ.

૨૯. તમારે જીવવું જ હોય તો યુગને અનુકૂળ બનવું જ પડે. આપણે જો જીવવું જ હશે તો વૈજ્ઞાનિક વિચારોવાળી પ્રજા બનવું પડશે.

૩૦. જેઓ પોચા દિલના કે ડરપોક હોય છે તેમની જ જીવનનૌકા કિનારા પાસે સાગરનાં તોફાની મોજાંઓથી ડરીને ડૂબી જાય છે. જે વીર હોય છે તેઓ આ તોફાનો તરફ નજર પણ નથી નાખતા. ‘ગમે તે થાય મારે મારા આદર્શે પહોંચવું જ છે !’ આ છે પુરુષાર્થ, મર્દાઈભર્યાે પ્રયાસ. આવા વીર્યવાન પુરુષાર્થ વિના તમારી જડતા દૂર કરવામાં, ગમે તેટલી દૈવી સહાય પણ કામ નહીં આવે.

૩૧. જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે તેઓ કશું કરી શકતા નથી. જન્મે જન્મે શોક અને વિલાપ કરતા તેઓ આવે છે ને જાય છે. ‘વીરભોગ્યા વસુંધરા’ એટલે કે વીર નરો જ પૃથ્વીને ભોગવે છે.

૩૨. હંમેશાં હૃદયને ઉન્નત બનાવો; હૃદય દ્વારા ઈશ્વર બોલે છે, જ્યારે બુદ્ધિ દ્વારા તમે પોતે બોલો છો.

૩૩. જીવનમાં તમને માર્ગદર્શક બને એટલા માટે હું તમને થોડુંએક કહીશ. ભારતમાંથી જે બધું આવે તેને સાચું માનજો, સિવાય કે તેમ ન માનવાનાં તમારી પાસે બુદ્ધિપુરઃસરનાં કારણો હોય; યુરોપમાંથી જે બધું આવે તેને ખોટું માનજો, સિવાય કે તેવું માનવાનાં તમારી પાસે બુદ્ધિપુરઃસરનાં કારણો હોય.

૩૪. જો મૃત્યુ અનિવાર્ય છે, તો લાકડાં કે પથ્થરની માફક જીવવા કરતાં વીરની માફક મરવું શું વધારે સારું નથી ? વળી આ ક્ષણભંગુર જગતમાં એકાદ – બે દહાડા વધારે જીવવાથી પણ શો લાભ છે ? પડ્યાં પડ્યાં કટાઈ જવા કરતાં, ખાસ કરીને બીજાનું જે થોડું પણ ભલું થઈ શકે તે કરતાં કરતાં ઘસાઈ મરવું વધુ સારું !

૩૫. સહુ પ્રથમ બળવાન, ચેતનવંતા અને અંતરમાં ઊંડી શ્રદ્ધાવાળા નવયુવકોની આવશ્યક્તા છે. એકસો આવા નવલોહિયા યુવકો મળે તો દુનિયામાં ક્રાંતિ આવી જાય !

૩૬. સૌથી પહેલું આ સમજવાનો પ્રયાસ કરો: માણસ કાયદા બનાવે છે કે કાયદા માણસને બનાવે છે ? માણસ પૈસાને બનાવે છે કે પૈસો માણસને બનાવે છે ? માણસ નામ યશને બનાવે છે કે નામ-યશ માણસને બનાવે છે ? મિત્ર ! પ્રથમ માણસ બનો. પછી તમે જોશો કે એ બધા અને બીજું સર્વ કાંઈ તમારી પાછળપાછળ આવશે. એ ધિક્કારપાત્ર દ્વેષ, એ કૂતરાં જેવો એક બીજા પ્રત્યેનો ઘુરઘુરાટ અને ભસવું મૂકી દઈને સારી ભાવના, સાચાં સાધનો, નૈતિક હિંમત વગેરે શીખો અને બહાદુર બનો. જો માણસનો અવતાર પામ્યા છો તો પાછળ કાંઈક સુવાસ મૂક્તા જાઓ.

૩૭. કોઈપણ સંજોગોમાં માણસે જાતનું રક્ષણ કરવું જોઈએ. ‘ભગવાન દયા કરો’ એ વાત સાચી; પરંતુ ઈશ્વર સ્વાશ્રયીને જ મદદ કરે છે.

૩૮. વત્સ ! વ્યવહારદક્ષ બનવાનું શીખી લો. હજી ભવિષ્યમાં આપણે મહાન કાર્યો કરવાના છીએ.

૩૯. દરેકે દરેક સ્ત્રીપુરુષ અને બાળકને કોઈ પણ પ્રકારની જ્ઞાતિની કે વંશની, સબળતાની કે નિર્બળતાની ગણતરી વગર સંભળાવો અને શીખવો કે સબળા અને નબળાની પાછળ, ઊંચા અને નીચાની પાછળ, દરેકે દરેકની પાછળ, સર્વ કોઈને સારા અને મહાન થવાની અનંત શક્યતા અને અનંત શક્તિની ખાતરી આપનારો પેલો સનાતન આત્મા બિરાજી રહ્યો છે. આપણે એકેએક જીવને ઘોષણા કરી સંભળાવીએ છીએ.. ‘ઊઠો, જાગો અને અટક્યા વગર ધ્યેયે પહોંચો.’

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories