૧. આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવ્યાં હોત, તો મારી ખાતરી છે કે અત્યારનાં અનિષ્ટો અને દુઃખોનો ઘણો મોટો ભાગ અદૃશ્ય થઈ ગયો હોત.

૨. મનુષ્ય મનુષ્ય વચ્ચે ભેદ પાડનાર આ તેની શ્રદ્ધાનો તફાવત છે, બીજું કાંઈ નહીં. આ શ્રદ્ધા એક માણસને મહાન અને બીજાને નબળો તથા નીચો બનાવે છે.

૩. માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં સઘળાં મહાન નરનારીઓનાં જીવનમાં કોઈ પણ પ્રેરક બળ બીજા કરતાં વધુ શક્તિશાળી નીવડ્યું હોય તો તે આત્મશ્રદ્ધાનું છે. પોતે મહાન થવાને જન્મ્યો છે, એવા ભાન સાથે જન્મેલા હોવાથી જ તેઓ મહત્તાને પામ્યા.

૪. માણસ ભલે ગમે તેટલો પતિત બની નીચે ગયો હોય, પરંતુ એક એવો કાળ જરૂર આવશે જ્યારે તે કેવળ નિરુપાય થઈને પણ ઉચ્ચ માર્ગ ગ્રહણ કરશે અને પોતાનામાં શ્રદ્ધા રાખતાં શીખશે. પરંતુ આપણે જો પ્રથમથી જ એ જાણીએ તો વધુ સારું. આપણને પોતાનામાં શ્રદ્ધા જન્મે એટલા ખાતર આ બધા કડવા અનુભવો શા માટે લેવા જોઈએ?

૫. વીર યુવકો ! શ્રદ્ધા રાખો કે તમારો સહુનો જન્મ મહાન કાર્યો કરવા માટે થયો છે ! કુરકુરિયાંના ભસવાથી ડરી જશો નહિ; અરે, આકાશના વજ્રપ્રહારથી પણ ભયભીત થશો નહિ. પણ ઊભા થઈને કામે લાગો !

૬. તમારા રક્તમાં ઉત્સાહ ભરીને ઊઠો. એવો વિચાર જ ન કરો કે તમે ગરીબ છો, અગર તમારો કોઈ મિત્ર નથી. અરે, પૈસાથી માણસને તૈયાર થતો કદીયે કોઈ કાળે કોઈએ જોયો છે? માણસ તો પૈસાને પેદા કરનાર છે. આખી દુનિયા માણસની શક્તિથી બનેલી છે, ઉત્સાહની શક્તિથી- શ્રદ્ધાની શક્તિથી બનેલી છે.

૭. એક વાર માણસ પોતાની જાતને તિરસ્કારવા લાગ્યો એટલે તેની પડતીના તમામ દરવાજા ખુલ્લા થયા એમ માનવું. આ વસ્તુ રાષ્ટ્ર માટે પણ એટલી જ સાચી છે.

૮. આત્મશ્રદ્ધા ખોવી એટલે ઈશ્વરમાં શ્રદ્ધા ખોવી. તમારી અંદર અને તમારા દ્વારા કામ કરી રહેલ એ અનંત, મંગલમય વિધાતામાં તમે માનો છો ? જો તમે માનતા હો કે આ સર્વવ્યાપક અંતર્યામી અણુએ અણુમાં વ્યાપેલ છે, દેહ, મન ને જીવમાં તે ઓતપ્રોત છે, તો તમે નાહિંમત કેમ બની શકો ?

૯. આપણા પૂર્વજોના અંતરમાં આ આત્મશ્રદ્ધા હતી; આ આત્મશ્રદ્ધાની પ્રેરક શક્તિએ તેમને સંસ્કૃતિની કૂચકદમમાં આગળ ને આગળ ધપાવ્યા; અને જો અધઃપતન આવ્યું હોય, જો ખામીઓ આવી હોય, તો મારા શબ્દો નોંધી લેજો કે એ અધઃપતનની શરૂઆત જ્યારથી આપણી પ્રજાએ આ આત્મશ્રદ્ધા ખોઈ ત્યારથી થઈ છે.

૧૦. શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા! મહત્તાનું આ જ રહસ્ય છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories