૧. ધ્યાન શું છે ? ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાંનો સામનો કરવાને આપણને શક્તિમાન બનાવે છે. પ્રકૃતિ આપણને કહે છે, ‘હવે બેસીને રડ ! દુઃખના દરિયામાં પડ !’ હું (ધ્યાન કરનાર) કહું છું: ‘નથી પડતો, જા.’ અને ઊભો થઈ જાઉં છું… એ શક્તિ ધ્યાનની છે.

૨. દરેક પ્રકારના સ્વભાવ માટે તેનો (ધ્યાનનો)પોતાનો અલગ માર્ગ છે. પરંતુ સર્વસાધારણ સિદ્ધાંત આ છે: મનને કાબૂમાં લો. મન એક સરોવર જેવું છે; તેમાં નાખેલો દરેક પથરો તરંગો ઉત્પન્ન કરે છે. આ તરંગો આપણે શું છીએ તે આપણને જોવા દેતા નથી… એને સ્થિર થવા દો; પ્રકૃતિને તરંગ ઉત્પન્ન કરતી અટકાવો. શાંત રહો; થોડાક સમય પછી એ તમને છોડી દેશે. ત્યારે આપણે જાણી શકીએ કે આપણે શું છીએ.

૩. ધ્યાન એટલે એકાદ વિષય પર ચિત્ત કેન્દ્રિત કરવું તે. મન જો એક વિષય ઉપર કેન્દ્રિત થઈ શકે તો તેને ગમે તે વિષય ઉપર કેન્દ્રિત કરી શકાય… એકાદ તુચ્છ બાહ્ય વિષય પરના ધ્યાનનો અભ્યાસ પણ ચિત્તને એકાગ્રતા તરફ લઈ જાય છે. છતાં એ સત્ય હકીકત છે કે જે વિષય પર મનનું વલણ સહજ રીતે સ્થિર થવાનું હોય તેના પર જ ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે તો મન બહુ સહેલાઈથી શાંત બની જાય છે.

૪. બધા અવતારી પુરુષો, કવિઓ અને શોધકોમાં મહાન કલ્પનાશક્તિ હતી… ‘કલ્પનાશક્તિ એ પ્રેરણાનું દ્વાર છે અને સઘળા વિચારનો આધાર છે.’… (યોગાભ્યાસની સફળતા માટે) ત્રણ અતિ આવશ્યક વસ્તુઓ નીચે પ્રમાણેની છેઃ

પહેલી પવિત્રતા: શારીરિક અને માનસિક; હરેક પ્રકારની અપવિત્રતા જે કશાથી મનની અવનતિ થાય તે સર્વનો ત્યાગ કરવો જોઈએ.

બીજી ધૈર્ય: … જો તમારામાં ધૈર્ય હશે તો અંતે સફળતા ચોક્કસ છે.

ત્રીજી ખંત: સારી કે નરસી ગમે તેવી પરિસ્થિતિમાં, સાજા હોઈએ, માંદા હોઈએ, છતાં ખંતપૂર્વક વળગી રહો. અભ્યાસમાં એક દિવસનો પણ અંતરાય પાડો નહિ.

સ્નાન કર્યા પછી, આસન સ્થિર કરીને બેસો; એટલે કે એવી કલ્પના કરો કે તમે ખડકની જેમ દૃઢ છો, કશું પણ તમને હલાવી શકે નહિ. માથું, ખભા અને બેઠક સીધી લીટીમાં રાખો અને કરોડને મુક્ત રાખો… સમગ્ર શરીરને કોઈપણ પ્રકારની ખામી વગરનું માનો, સત્ય પ્રાપ્તિ માટે ઈશ્વરે તમને આપેલું સાધન માનો… આમ કર્યા પછી બંને નસકોરાં વડે ઊંડો શ્વાસ લો. પછી બહાર કાઢો અને પછી બની શકે ત્યાં સુધી શ્વાસને બહાર રોકી રાખો. ચાર વાર આવા બહિઃપ્રાણાયામ કરો.

૫. આપણે આ અસ્થિર મનને પકડવાનું છે અને ભટકવામાંથી ખેંચીને તેને એક વિચાર પર કેન્દ્રિત કરવાનું છે. આમ વારંવાર કરવું જોઈએ.

૬. મનને પકડવાનો, સૌથી સરળ માર્ગ છે પ્રથમ શાંત બેસવાનો અને થોડોક સમય તેની ઇચ્છા મુજબ તેને ભટકવા દેવાનો. ‘મારું મન ભટક્યા કરે છે, હું તેનો દ્રષ્ટા છું; મન એ હું નથી’ – એ વિચારને મક્કમ રીતે વળગી રહો. પછી મન જાણે કે તમારી જાતથી જુદી વસ્તુ હોય તે પ્રમાણે તેને વિચાર કરતું જુઓ.

૭. શ્વાસ જ્યારે ડાબા નસકોરામાંથી વહેતો હોય ત્યારે આરામ લેવાનો સમય છે. જમણામાંથી વહે ત્યારે કાર્ય કરવાનો સમય છે અને બન્નેમાંથી વહે ત્યારે ધ્યાનનો સમય છે એમ જાણવું. આપણે જ્યારે શાંત હોઈએ અને બંને નસકોરામાંથી સરખો શ્વાસ લેતા હોઈએ ત્યારે નીરવ ધ્યાન માટેની યોગ્ય સ્થિતિમાં છીએ.

૮. જેના પ્રત્યે તમને પૂજ્યભાવ હોય, જેને તમે સંપૂર્ણ વીતરાગ થયેલા જાણતા હો તેવા કોઈક પવિત્ર પુરુષ, કોઈક સંત મહાત્માનો વિચાર કરો. તેના પવિત્ર હૃદયનું ચિંતન કરો. એ હૃદય આસક્તિરહિત બન્યું છે, તમે તેના પર ધ્યાન કરો; એથી મન શાંત થશે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories