૧. એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો નેવું ટકા ભાગ વ્યર્થ જાય છે અને તેથી તે સતત ભૂલો કર્યા કરે છે; કેળવાયેલું મન અથવા માણસ કદી ભૂલ કરે નહીં.

૨. મન એકાગ્ર થયું છે તે જાણવું કેવી રીતે ? મન એકાગ્ર થાય એટલે સમયનો ખ્યાલ ચાલ્યો જાય. ખ્યાલ રહ્યા વિના જેટલો વધારે સમય ચાલ્યો જાય તેટલી એકાગ્રતા વધારે. સામાન્ય જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણને કોઈ પુસ્તકમાં ખૂબ રસ પડે છે ત્યારે આપણને સમયનો ખ્યાલ બિલકુલ રહેતો નથી.

૩. મન જ્યારે ઘણું શાંત અને એકાગ્ર હોય ત્યારે જ તેની સમગ્ર શક્તિ સારું કામ કરવામાં વપરાય છે. જગતે ઉત્પન્ન કરેલા મહાન કાર્યકર્તાઓનાં જીવનચરિત્રો જો તમે વાંચશો, તો તમને જણાશે કે એ વ્યક્તિઓ અસાધારણ શાંત સ્વભાવની હતી.

૪. સ્વતંત્ર ! આપણે એક ક્ષણને માટે પણ આપણા પોતાના મન પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી શકતા નથી, બીજી બધી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા પર એકાગ્ર કરી શકતા નથી ! છતાં આપણે પોતાને સ્વતંત્ર માનીએ છીએ ! જરા વિચાર તો કરો !

૫. એકાગ્રતાની શક્તિ કેવી રીતે મેળવવી તે શીખવવાનું વિજ્ઞાન છે રાજયોગ.

૬. ધન મેળવવામાં કે ઈશ્વરની આરાધના કરવામાં કે કોઈ કાર્યમાં એકાગ્રતાની શક્તિ જેટલી વધારે તેટલું તે કાર્ય વધારે સારું થશે.

૭. મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે. તેને કાબૂમાં લાવવું હોય તો તેની પવિત્રતા માટે ખાસ આગ્રહ રાખવો જોઈએ.

૮. મનને એક વસ્તુ પર એકાગ્ર કર્યા પછી આપણી મરજી મુજબ તેને તેમાંથી અલગ પાડી દઈ શકાતું નથી. આ અવસ્થા બહુ દુઃખદાયક નીવડે છે. અલગ થવાની શક્તિ ન હોવાને લીધે જ આપણાં લગભગ તમામ દુઃખો ઊભાં થાય છે. તેથી એકાગ્રતાની શક્તિ સાથે જ અલગ થવાની શક્તિ પણ કેળવવી જોઈએ. આપણે મનને એક જ વસ્તુ પર પૂરેપૂરું કેન્દ્રિત કરતાં શીખવું જોઈએ એટલું જ નહિ, પણ એક ક્ષણમાં જ તેને તેનાથી વેગળું કરી દઈને બીજી કોઈ વસ્તુ પર પણ લગાડતાં આપણને આવડવું જોઈએ.

૯. બાલ્યાવસ્થામાં જ એકાગ્રતાની તેમજ અલિપ્તતાની શક્તિ સાથોસાથ જ કેળવવી જોઈએ.

૧૦. નિયમિત પ્રાણાયામ શરીરને સંવાદી સ્થિતિમાં લાવે છે અને ત્યારે મનને હાથમાં લેવું સહેલું બને છે… આ બાબતમાં ફક્ત સાદો પ્રાણાયામ જ જરૂરી છે… પછી શરીરની સૂક્ષ્મ ક્રિયાઓનો, સૂક્ષ્મ અને વધુ અંદરની ક્રિયાઓનો અનુભવ થાય છે… નિયમિત અને પદ્ધતિસરના પ્રાણાયામથી, પહેલાં સ્થૂળ શરીર પર નિયમન લાવીને અને પછી સૂક્ષ્મ શરીર પર કાબૂ મેળવીને મનને કાબૂમાં લાવવામાં આવે છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories