પ્રશ્ન એ છેઃ સર્વોચ્ચ સ્થિતિએ પહોંચવા માટે બધી નીચલી અવસ્થાઓમાંથી પસાર થવું જરૂરી છે કે એકદમ કૂદકો મારી શકાય છે? આધુનિક અમેરિકન જીવન, જે મેળવતાં તેના બાપદાદાને સેંકડો વર્ષો લાગ્યાં હતાં તે પચીસ વર્ષમાં મેળવે છે; આજનો હિંદુ તેના પૂર્વજોએ જે ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચતાં આઠ હજાર વર્ષો લીધાં હતાં, તે વીસ વર્ષમાં મેળવી શકે છે. ભૌતિક બાજુએ, ગર્ભાશયમાં હોય છે ત્યારે જ ગર્ભ પ્રારંભિક જીવકોષ (અમીબા Amoeba)થી માંડીને માનવ સુધીની અવસ્થામાં પસાર થાય છે. આધુનિક વિજ્ઞાન આ શીખવે છે. વેદાંત તેથી વધુ આગળ જાય છે અને કહે છે કે આપણે કેવળ ભૂતકાળની સમગ્ર માનવજાતનું જીવન જીવવું પડે છે તેટલું જ નહિ પણ ભવિષ્યની સમગ્ર માનવજાતનું જીવન પણ જીવવું પડે છે. જે મનુષ્ય ભૂતકાળની સમગ્ર માનવજાતનું જીવન જીવે છે તે શિક્ષિત મનુષ્ય છે; બીજો ભાવિ માનવજાતનું જીવન જીવનારો મનુષ્ય જીવનમુક્ત છે, સદાને માટે મુક્ત છે (જીવિત હોવા છતાં).

કાળ એ માત્ર આપણા વિચારોનું માપ છે; અને કલ્પના પણ ન કરી શકીએ એટલો ત્વરિત વિચાર હોવાથી આપણે ભાવિ જીવન કેટલી ઝડપથી જીવી શકીએ તેની કોઈ મર્યાદા જ નથી. તેથી સમગ્ર ભાવિ જીવન જીવવા માટે કેટલો સમય જોઈશે તે કહી શકાય નહિ. તે એક ક્ષણમાં પણ બને અને પચાસ જન્મો પણ લાગે. ઇચ્છાની ઉત્કટતા ઉપર તેનો આધાર છે. માટે ઉપદેશ લેનારની જરૂરિયાત મુજબ ઉપદેશને તેને અનુરૂપ બનાવવો જોઈએ. ભડભડ બળતો અગ્નિ સૌને માટે તૈયાર છે; એવો કે પાણી અને બરફનાં ચોસલાં પણ તેમાં જલદી ભરખાઈ જાય. ગોળીઓની રમઝટ બોલાવો; તેમાંની એકાદી લક્ષ્યને લાગી જ જશે. માણસને સત્યોનું એક આખું સંગ્રહસ્થાન આપો; તે તરત જ પોતાને જે માફકનું હશે તે લેશે. ભૂતકાળનાં જીવનોએ આપણી વૃત્તિઓને ઘડી હોય છે; શિષ્યને તેના વલણ પ્રમાણે જ આપો. બૌદ્ધિક, યૌગિક, ભક્તિમય, વ્યાવહારિક – ગમે તે એકને ભૂમિકા બનાવો, પણ બીજીઓને પણ તેની સાથે શીખવો. પ્રેમ સાથે બુદ્ધિની સમતુલા જાળવવી જોઈએ, યોગાનુભવની સમતુલા તર્ક સાથે જાળવવી જોઈએ, જ્યારે તાલીમ એ દરેક રીતનો એક ભાગ બનવી જોઈએ. જે જ્યાં ઊભેલ હોય ત્યાંથી લઈને તેને આગળ ધપાવો. ધાર્મિક શિક્ષણ સર્વદા રચનાત્મક હોવું જોઈએ, ખંડનાત્મક નહિ.

દરેક વૃત્તિ ભૂતકાળમાં કરેલાં કાર્યોનું વલણ, એટલે કે જે રેખા યાને ત્રિજયા અનુસાર માણસે ચાલવું જોઈએ તે બતાવે છે. બધી ત્રિજયાઓ મધ્યબિંદુ તરફ જ દોરી જાય છે. બીજાની વૃત્તિઓને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કદી ન કરો, એવું કરવું તે શિષ્ય અને ગુરુ બંનેને પાછા પાડે છે. જ્યારે તમે ‘જ્ઞાન’નો ઉપદેશ કરો ત્યારે તમારે ‘જ્ઞાની’ થવું જોઈએ અને માનસિક રીતે જે ભૂમિકાએ શિષ્ય હોય, બરાબર તે જ ભૂમિકાએ તમારે ઊભા રહેવું જોઈએ. તે જ પ્રમાણે બીજા બધા યોગોમાં સમજવું. શિષ્યમાં જાણે કે તે એક જ વૃત્તિ હોય તેવી રીતે દરેક વૃત્તિનોે વિકાસ કરો; સમન્વયયુક્ત વિકાસનું સાચું રહસ્ય આ છે. એટલે કે ગહનતાની સાથે વિશાળતા કેળવો પણ તે ગહનતાને ભોગે નહિ. આપણે અનંત છીએ. આપણામાં કશી મર્યાદા નથી. ચુસ્તમાં ચુસ્ત મુસલમાન જેવા જ આપણે ચુસ્ત થઈ શકીએ અગર બહુ ગર્જના કરતા નિરીશ્વરવાદી જેવા વિશાળ પણ આપણે થઈ શકીએ.

આ કરવાનો માર્ગ મનને કોઈ એક વિષય ઉપર મૂકવાનો નથી. પણ મનનો પોતાનો વિકાસ અને નિગ્રહ કરવાનો છે, ત્યાર પછી તમે તેને તમને ઠીક પડે તે બાજુ ફેરવી શકશો. આ રીતે તમે ગહનતા અને વિશાળતા બંને જાળવી શકશો. જ્ઞાનમાર્ગનું અવલંબન કરતા હો ત્યારે એમ જાણો કે જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહિ; ત્યાર પછી ભક્તિયોગ, રાજયોગ તથા કર્મયોગ વિષે પણ એ જ રીત અખત્યાર કરો. તરંગોને છોડીને તમે સાગર તરફ જાઓ; પછી તમને પસંદ પડે તેવી રીતના તરંગો રાખી શકો. તમારા પોતાના મનરૂપી ‘સરોવર’નો નિગ્રહ કરો, નહિ તો તમે બીજાના મનરૂપી સરોવરને સમજી નહિ શકો.

ખરો ગુરુ તે જ છે કે જે પોતાની સઘળી શક્તિ પોતાના શિષ્યની વૃત્તિમાં રેડી શકે. સાચી સહાનુભૂતિ સિવાય આપણે સારી રીતે શીખવી શકીએ નહિ. માણસ જવાબદાર વ્યક્તિ છે તે ખ્યાલ મૂકી દો; કેવળ પૂર્ણ મનુષ્ય જ જવાબદાર છે. અજ્ઞાનીઓએ તો ભ્રમનો પ્યાલો પૂરેપૂરો પીધો છે અને મગજ ઠેકાણે નથી. પરંતુ તમે જે ‘જ્ઞાની’ છો; તેમણે તો આ અજ્ઞાનીઓ સાથે અખૂટ ધીરજથી કામ લેવું જોઈએ. તેમના વિષે પ્રેમ સિવાય બીજી કોઈ લાગણી ન રાખો અને જે રોગને લીધે તેઓ જગતને ખોટી દૃષ્ટિથી જુએ છે તે રોગને શોધી કાઢીને તેમને સાજા થવામાં અને સાચી દૃષ્ટિએ જોવામાં મદદ કરો. હંમેશાં યાદ રાખજો કે જે મુક્ત હોય તેને જ સ્વતંત્ર ઇચ્છાશક્તિ હોઈ શકે. બીજા બધા બંધનમાં છે; તેઓ પોતે જે કરે છે તેને માટે તેઓ જવાબદાર નથી. ઇચ્છાશક્તિ ઇચ્છારૂપે બદ્ધ જ છે. હિમાલયના શિખર પરના બરફનું પ્રવાહી બનતું જળ સ્વતંત્ર છે,પણ નદી બનતાં તે કિનારાઓથી બદ્ધ છે; છતાં પ્રારંભિક વેગ તેને સમુદ્રમાં લઈ જાય છે અને ત્યાં તે પોતાનું સ્વાતંત્ર્ય પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રથમ અવસ્થા છે ‘આદિ માનવનું પતન’ અને બીજી અવસ્થા છે ‘પુનરુત્થાન.’ એક પણ અણુ જ્યાં સુધી મુક્ત ના થાય ત્યાં સુધી સ્વસ્થ રહી શકે નહીં.

કેટલીક કલ્પનાઓ બીજી કલ્પનાઓનાં બંધનો તોડવામાં મદદગાર બને છે. જો કે આખું વિશ્વ એક કલ્પના જ છે, છતાં એક પ્રકારની કલ્પનાઓ બીજા પ્રકારની કલ્પનાઓમાંથી બચાવી લેશે. જે કલ્પનાઓ આપણને કહે છે કે દુનિયામાં પાપ, શોક અને મૃત્યુ છે, તે કલ્પનાઓ ભયંકર છે; પણ બીજા પ્રકારની કલ્પનાઓ કે જે હંમેશાં એમ કહે છે કે ‘હું પવિત્ર છું; ઈશ્વર છે; દુઃખ જેવું કંઈ નથી’ તે કલ્પનાઓ સારી છે અને બીજાનાં બંધન તોડવામાં મદદ કરે છે. આ સાંકળની સઘળી કડીઓ તોડી શકે એવી સર્વોચ્ચ કલ્પના છે વ્યક્તિરૂપ ઈશ્વરની.

માયાથી પર એવી એકમાત્ર વસ્તુ છે ॐ तत्सत्. પણ ઈશ્વર નિત્ય છે. જ્યાં સુધી નાયગરાનો ધોધ હયાત છે ત્યાં સુધી મેઘધનુષ્ય રહેવાનું જ; પણ પાણી તો નિરંતર વહી જ જાય છે. વિશ્વ તે ધોધ છે, વ્યક્તિરૂપ ઈશ્વર તે મેઘધનુષ્ય છે અને બંને નિત્ય છે. જ્યાં સુધી વિશ્વ છે, ત્યાં સુધી ઈશ્વર છે જ. ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે, સૃષ્ટિ ઈશ્વરને બનાવે છે અને બંને નિત્ય છે. માયા એ નથી અસ્તિ કે નથી નાસ્તિ. નાયગરાનો ધોધ અને મેઘધનુષ્ય બંને નિત્ય પરિણામી છે, એટલે કે માયા દ્વારા દેખાતું બ્રહ્મ છે. ઈરાનીઓ અને ખ્રિસ્તીઓ માયાને બે ભાગમાં વહેંચી નાખે છે; સારા અર્ધા ભાગને ‘ઈશ્વર’ કહે છે અને ખરાબ અર્ધા ભાગને ‘શેતાન’ કહે છે. વેદાંત માયાને સમગ્રરૂપે લે છે અને તેની પેલી પારની એકતારૂપે બ્રહ્મને સ્વીકારે છે…

* * *

મહંમદ સાહેબે જોયું કે ખ્રિસ્તી ધર્મ સેમિટિક સંપ્રદાયમાંથી ખસી જાય છે; એટલે સેમિટિક ધર્મ તરીકે ખ્રિસ્તી ધર્મ કેવો હોવો જોઈએ; તથા એક જ ઈશ્વરને તેણે વળગી રહેવું જોઈએ તે બતાવવા માટે તેમણે ઉપદેશ આપ્યો. ‘હું અને મારા પિતા એક જ છીએ’ એ આર્ય ભાવના તેમને ખરાબ અને ભયંકર લાગતી. વાસ્તવમાં મનુષ્યથી સદાય ભિન્ન, જેહોવાહની દ્વૈતવાદની ભાવનાથી ત્રિમૂર્તિની ભાવના ઘણી જ આગળ પડતી હતી. ઈશ્વર અને મનુષ્યની એકતાના સ્વીકાર તરફ લઈ જનારા વિચારોની પરંપરામાં અવતારવાદ એ પ્રથમ કડી છે. પ્રથમ એ માનવશરીરમાં પ્રકટ થતો ઈશ્વર, પછી જુદે જુદે સમયે જુદાં જુદાં મનુષ્યરૂપો ધારણ કરીને ફરી પ્રગટ થતો ઈશ્વર અને છેવટે બધાં માનવરૂપોમાં રહેલા અગર બધા માનવીઓમાં રહેલા તરીકે ઈશ્વર સ્વીકારવામાં આવ્યો. અદ્વૈતવાદ સર્વોચ્ચ ભૂમિકા છે; એકેશ્વરવાદ એ નીચેની ભૂમિકા છે. કલ્પના તમને તર્ક કરતાંયે વધારે ઝડપથી અને સહેલાઈથી સર્વોચ્ચ અનુભવે લઈ જશે.

ભલે થોડા લોકો સંસારથી બહાર નીકળી પડે અને એકલા ઈશ્વર માટે જ જીવે અને જગતને માટે ધર્મનું રક્ષણ કરે. જ્યારે માત્ર ભ્રમણાના જ ‘જનક’ હો ત્યારે (રાજા) જનક જેવા થવાનો ડોળ ન કરો. (જનક શબ્દનો અર્થ થાય છે ‘ઉત્પાદક’; વળી તે એક રાજાનું નામ પણ હતું. એ રાજા પ્રજાને માટે રાજ્ય કરતા હતા, છતાં તેમણે સર્વસ્વનો મનથી ત્યાગ કર્યો હતો.) પ્રામાણિક બનો અને કહો કે ‘આદર્શને હું જોઉં છું, છતાંય હું તેને પહોંચી શકતો નથી.’ પણ તમે જ્યારે ત્યાગ કરી શકતા ન હો, ત્યારે ત્યાગ કરવાનો ડોળ ન કરો. જો ત્યાગ કરો જ તો તેને દૃઢતાથી વળગી રહો. યુદ્ધમાં સેંકડો ખુવાર થાય તો પણ ધ્વજ પકડી રાખો અને તેને આગળ લઈ જાઓ; કોણ નિષ્ફળ નીવડે છે તેની કોઈ પરવા ન રાખો. ઈશ્વર તો સત્ય જ છે. જે પડે તે ધ્વજને આગળ લઈ જવા માટે અન્યને સોંપે; ધ્વજ કદીયે નીચે પડવો ન જોઈએ.

જો હું નાહીધોઈને શુદ્ધ બન્યો હોઉં તો મારામાં અશુદ્ધિ શા માટે ઉમેરાય? સ્વર્ગનું સામ્રાજ્ય પ્રથમ શોધો; બીજું બધું જવા દો. ‘તમારામાં ઉમેરો કરવામાં આવે તેવું’ કાંઈ જ ન ઇચ્છો; ઊલટું એનાથી છૂટો એટલે રાજી થાઓ. ત્યાગ કરો; પછી નક્કી જાણજો કે ભલે તમે જાતે સફળતા કદી ન જુઓ, તો પણ તે જરૂર આવવાની. ઈશુ કેવળ બાર જ માછીમારોને પાછળ રાખી ગયા હતા છતાં એ થોડાઓએ રોમન સામ્રાજ્યને ઉડાડી મૂક્યું.

પૃથ્વી પરનું જે પવિત્રમાં પવિત્ર અને શ્રેષ્ઠ હોય તેનું ઈશ્વરની વેદી ઉપર બલિદાન આપો. કદીય પ્રયત્ન નહિ કરનાર કરતાં જે પ્રયત્ન કરે છે તે સારો છે. જેણે ત્યાગ કર્યો છે તેના દર્શનમાત્રથી પણ પાવનકારી અસર થાય છે. ઈશ્વરને માટે ખડા રહો; દુનિયાને જવા દો. કશી બાંધછોડ ન કરો. દુનિયા છોડો, તો જ તમે દેહમાંથી છૂટા થશો; જ્યારે દેહ પડશે, ત્યારે તમે ‘આઝાદ’ થશો. મુક્ત બનો. એકલું મૃત્યુ જ આપણને કદી મુક્ત નહિ કરી શકે. જીવન દરમિયાન આપણા પોતાના પ્રયાસોથી જ મુક્તિ મેળવવી જોઈએ; પછી જ્યારે શરીર પડે ત્યારે મુક્ત પુરુષને માટે પુનર્જન્મ રહેશે નહિ.

સત્યનો ન્યાય સત્યથી જ થવો જોઈએ, બીજા કશાથી નહિ. સારું કરવું તે સત્યની કસોટી નથી; સૂર્યને જોવા માટે કોઈ મશાલની જરૂર હોતી નથી. સત્ય જો આખા વિશ્વનો વિનાશ કરી નાખે તો પણ તે સત્ય જ છે; તેને વળગી રહો.

ધર્મનાં સ્થૂળ સ્વરૂપોનું આચરણ સહેલું છે અને જનતાને આકર્ષે છે; પણ ખરી રીતે બાહ્ય રૂપમાં કંઈ જ નથી હોતું.

‘જેમ કરોળિયો પોતાની જાળ પોતામાંથી રચે છે અને પાછી પોતામાં ખેંચી લે છે, તેમ આ વિશ્વ ઈશ્વરમાંથી સર્જાય છે અને પાછું તેનામાં સમાઈ જાય છે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories