૧. પ્રેમ, અંતરની સચ્ચાઈ અને ધીરજ સિવાય બીજું કાંઈ જરૂરનું નથી. વિકાસ, એટલે કે વિસ્તાર અથવા પ્રેમ, એ સિવાય જીવન બીજું શું છે ? માટે સર્વ પ્રકારનો પ્રેમ એ જ જીવન છે. જીવનનો એક જ નિયમ છે. સર્વ પ્રકારનું સ્વાર્થીપણું એ જ મૃત્યુ છે.

૨. મારા શિષ્યો ! ડરો નહીં. પેલા અનંત તારામંડિત આકાશના ઘુમ્મટ તરફ એ જાણે કે કચડી નાખશે એવી ભયભીત દૃષ્ટિથી જુઓ મા. જરા થોભો; થોડા જ વખતમાં એ આખું તમારા પગ તળે આવી જશે. થોભો; પૈસાથી કંઈ વળતું નથી, નામથી પણ નહીં, યશથી પણ નહીં, વિદ્યાથી પણ નહીં, માત્ર પ્રેમથી લાભ થાય છે; માત્ર ચારિત્ર્ય જ મુશ્કેલીઓની વજ્ર જેવી દીવાલો તોડીને તેમાંથી માર્ગ કાઢે છે.

૩. જે પોતે માણસ હોવા છતાં અન્ય માનવીને માટે જેમના હૃદયમાં લાગણી નથી, તેમને કોઈ પણ રીતે માણસ ગણી શકાય ખરા ?

૪. કર્તવ્ય ભાગ્યે જ કોમળ હોય છે. એનાં પૈડાંઓમાં પ્રેમનું તેલ પુરાય ત્યારે જ એ સરળતાથી વહે છે; નહીં તો સતત ઘર્ષણ થયા જ કરે. પ્રેમ ન હોય તો માબાપ પોતાનાં બાળકો પ્રત્યેનાં, પતિ પોતાની પત્ની પ્રત્યેનાં અને પત્ની પોતાના પતિ પ્રત્યેનાં કર્તવ્યો શી રીતે બજાવે ? આપણા જીવનમાં દરરોજ ઘર્ષણ થતાં હોય એવા દાખલાઓ શું આપણે જોતા નથી ? પ્રેમ હોય તો જ કર્તવ્ય મધુર થઈ શકે.

૫. પ્રેમ કદાપિ નિષ્ફળ જતો નથી; આજે, આવતીકાલે કે યુગો પછી પણ સત્યનો જ જય થવાનો છે… પ્રેમની સર્વ સમર્થ શક્તિમાં શ્રદ્ધા રાખો. કીર્તિના આ મિથ્યા ચળકાટવાળા પરપોટાઓની કોણ દરકાર કરે છે ? છાપાંઓ શું કહે છે તેના ઉપર હું કદાપિ લક્ષ આપતો નથી. શું તમારામાં પ્રેમ છે ? જો એ હશે તો તમે સર્વશક્તિમાન બનશો. શું તમે સંપૂર્ણતઃ નિઃસ્વાર્થી છો ? જો હશો તો કોઈપણ વ્યક્તિ તમને રોકી શકશે નહિ. ચારિત્ર્ય જ સર્વત્ર સફળ નીવડે છે.

૬. હવામાં જતો તોપનો ગોળો ઘણે દૂર સુધી જઈને નીચે પડે છે અને બીજો ગોળો ભીંત સાથે અથડાય છે, એની ગતિ અટકે છે અને દીવાલ સાથેની એની અથડામણથી સખત ગરમી ઉત્પન્ન થાય છે. આ રીતે બહાર જતી શક્તિઓ જો સ્વાર્થી હેતુથી વપરાતી હોય તો નિરર્થક જાય છે. એના પરિણામે કોઈ શક્તિ તમે પ્રાપ્ત કરી નહિ શકો; પણ જો એ અંકુશસહિત હોય તો એનું પરિણામ શક્તિના વિકાસમાં આવશે. આ અંકુશ, આ સંયમ એક પ્રબળ ઇચ્છાશક્તિ પેદા કરશે.

૭. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે.જે એમ વિચારે છે કે ‘હું પહેલો ખાઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ,’… તે મનુષ્ય સ્વાર્થી છે. નિઃસ્વાર્થ મનુષ્ય કહે છે, ‘હું છેલ્લો રહીશ;.. આ નિઃસ્વાર્થવૃત્તિ જ ધર્મની કસોટી છે. જેનામાં આ નિઃસ્વાર્થવૃત્તિ વધુ હોય છે તે વધુ ધાર્મિક છે.

૮. સર્વ સ્થળે નિઃસ્વાર્થતાનું પ્રમાણ માનવીની સફળતાનું પ્રમાણ નક્કી કરે છે.

૯. નિઃસ્વાર્થવૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એવી વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિઃસ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક છે. પ્રેમ, સત્ય અને નિઃસ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા ઊંચામાં ઊંચા આદર્શના ઘડવૈયા છે, એવાઓમાં જ શક્તિ પ્રગટ થાય છે.

૧૦. હંમેશાં વિસ્તાર પામે તે જ જીવન છે, સંકુચિતતા એ મૃત્યુ છે. જે સ્વાર્થી માણસ પોતાના જ સુખની પરવા કરે છે અને આળસુ જીવન ગાળે છે, તેને માટે નરકમાં પણ સ્થાન નથી.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories