૧. મારા મિત્રો ! તમારા એક સગા ભાઈ તરીકે, જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે, હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય, સામર્થ્ય અને હર સમયે સામર્થ્ય !

૨. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે પોતાને સબળ માનશો તો તમે સબળ બનશો.

૩. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો.

૪. જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ મને વધારે ને વધારે લાગે છે કે મર્દાનગીમાં જ સઘળું રહેલું છે. આ મારો નવો સંદેશ છે.

૫. મારાં બાળકો ! યાદ રાખજો કે ડરપોકો અને નિર્બળ માણસો જ પાપ કરે છે અને અસત્ય બોલે છે. બહાદુર માણસો હંમેશાં નીતિવાન હોય છે. નીતિવાન બનો, બહાદુર બનો અને સહૃદયતાવાળા બનો.

૬. શક્તિ જ જીવન છે, નિર્બળતા એ મૃત્યુ છે. શક્તિ આનંદરૂપ છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા સતત બોજો અને દુઃખ છે, મૃત્યુ છે.

૭. લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારાં ચરણમાં પડે.

૮. બહાદુર બનો. વાસ્તવિકતાનો વાસ્તવિકતા તરીકે સામનો કરો. અનિષ્ટથી ડરીને વિશ્વમાં નાસભાગ કરો નહિ.

૯. ઊઠો, જાગો, હવે વધારે ઊંઘો નહિ; બધી ખામીઓ અને બધાં દુઃખોને દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે.

૧૦. ચમત્કારોની ઘેલછા અને વહેમીપણું એ હંમેશાં નબળાઈનાં ચિહ્નો છે; આ બધી અધઃપાત અને મોતની નિશાનીઓ છે. એટલા માટે એમનાથી સાવચેત રહો; સમર્થ બનો અને તમારા પોતાના પગ પર ઊભા રહો.

૧૧. શીખવાનો પહેલો પાઠ આ છે; બહારની કોઈ બાબતને નહિ ભાંડવાનો, બીજા કોઈ માણસ ઉપર દોષનો ટોપલો નહિ ઓઢાડવાનો નિશ્ચય કરો. મર્દ બનો અને ટટ્ટાર રહીને દોષ પોતા ઉપર વહોરી લો. તમને જણાશે કે એ હંમેશાં સાચું જ હોય છે.

૧૨. તમારા પોતાના જ દોષોને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહિ; તમારા પોતાના પગ પર ખડા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો. એમ બોલો કે ‘જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.

૧૩. મારા યુવક મિત્રો ! સુદૃઢ બનો; મારી તમને એ સલાહ છે. ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ રમવાથી સ્વર્ગની વધુ નજીક જશો. આ શબ્દો આકરા છે, પણ મારે તમને તે સંભળાવવા પડે છે, કારણ કે હું તમને ચાહું છું. પગરખું ક્યાં ડંખે છે એ મને ખબર છે. મેં થોડોક અનુભવ લીધો છે. તમારાં બાવડાં અને સ્નાયુઓ જરા વધુ મજબૂત હશે તો તમે ગીતા વધુ સારી રીતે સમજી શક્શો. તમારામાં જરા તાકાતવાળું લોહી હશે તો શ્રીકૃષ્ણની શક્તિશાળી પ્રતિભા અને મહાન સામર્થ્ય વધુ સારી રીતે સમજી શક્શો. જ્યારે તમારું શરીર તમારા પગ ઉપર ટટ્ટાર ઊભું રહેશે અને તમને લાગશે કે તમે માણસ છો, ત્યારે ઉપનિષદો અને આત્માનો મહિમા વધુ સારી રીતે સમજશો.

૧૪. શ્રદ્ધાવાન બનો; બીજું સર્વ આપોઆપ પાછળથી આવવાનું જ છે… કોઈ વસ્તુથી ડરો નહીં. તમે અદ્ભુત કાર્ય કરી શકશો. જે ઘડીએ તમે ડર્યા તે ઘડીએ તમે કંઈ જ નથી. આ દુનિયામાં દુઃખનું મોટું કારણ ભય છે; મોટામાં મોટો વહેમ હોય તો તે ભય છે; આપણી આપત્તિઓનું કારણ કોઈ હોય તો તે ભય છે અને પળવારમાં અહીં સ્વર્ગ ખડું કરનાર કોઈ હોય તો તે નિર્ભયતા છે. એટલા માટે, ‘ઊઠો, જાગો અને ધ્યેયે પહોંચો નહીં ત્યાં સુધી અટકો નહીં !’

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories