માના પ્રેરણાદાયી પ્રસંગો

અમે બે, સફેદ કિનારવાળાં કપડાં પહેરીએ છીએ, તે ધ્યાનમાં લઈને, તેમણે (શ્રીમાએ) ટીકા કરી, ‘આ શું? તમે સફેદ કિનારવાળાં કપડાં શા માટે પહેર્યાં છે? તમે યુવાન છો, તેથી રંગીન કિનારવાળાં કપડાં પહેરો, નહીંતર મન વૃદ્ધ બની જશે. માણસનું મન હંમેશાં તાજું હોવું જોઈએ.’

એક દિવસે સવારના લગભગ નવ કે દસ વાગ્યે શ્રીમા સ્નાન કરવાની તૈયારી કરી રહ્યાં હતાં. આંગણામાં કોઈએ સફાઈ કરી લીધા બાદ સાવરણી એક બાજુ ખૂણામાં ફેંકી દીધી. આ જોઈને શ્રીમા બોલી ઊઠ્યાં, ‘બેટા, કેવું વિચિત્ર! કામ પૂરું થયું અને તમે સાવરણીને બેદરકારીથી ફેંકી દીધી! તેને ધીમેથી લઈ સંભાળપૂર્વક મૂકવામાં લગભગ તેટલો જ સમય જાય છે. તે વસ્તુ નજીવી છે માટે જ તેને શું તુચ્છ ગણવી?.. ફરી તમને તેની જરૂર નહીં પડે? વળી આ વસ્તુ પણ આપણા ઘરસંસારનો જ એક ભાગ બનેલી છે. તે દૃષ્ટિબિંદુથી પણ, તેનું ધ્યાન રાખવું ઘટે. દરેક વસ્તુનું યોગ્ય મહત્ત્વ આંકી તેને માન આપવું જોઈએ. નાનામાં નાનું કાર્ય પણ પૂજ્યભાવથી થવું જોઈએ.’

લોકોને પોતાના બનાવવાની કળાઃ એક દિવસે મા પાનનાં બીડાં બનાવતાં હતાં ત્યારે નોબતખાને હું (યોગિનમા) બાજુમાં બેઠી હતી. મેં જોયું કે કેટલાંક બીડાઓમાં તેઓ એલચીના દાણા નાખતાં હતાં અને બીજાં કેટલાંક માત્ર સોપારી અને ચૂનાવાળાં જ હતાં. મેં પૂછ્યું, ‘આમાં કેમ તમે એલચી નથી નાખતાં?’ માએ જવાબ આપ્યો, ‘યોગિન, આ સુગંધી બીડાં ભક્તો માટે છે, એમને મારે પોતાના કરવા છે. આ સાદાં ઠાકુર માટે છે, તેઓ તો મારા જ છે.’

જયરામવાટીની બાજુના ગામમાં રેશમનું વણાટકામ કરતા મુસલમાનોની મોટી વસ્તી હતી. પણ પરદેશથી રેશમી કાપડની આયાત થવા માંડી એટલે આ બધાનો ધંધો પડી ભાંગ્યો. પરિણામે મોટાભાગના તો ચોર અને ડાકુ બની ગયા. જયરામવાટીમાં માતાજી મકાન બંધાવતાં હતાં ત્યારે કેટલાક મુસલમાનો પણ કામ કરવા આવતા. આ બધામાં અમજદ નામનો એક ભયંકર ડાકુ પણ કામે આવતો. માતાજીએ આ અમજદને એકવાર જમવા બોલાવ્યો. એ દિવસોમાં ચુસ્ત હિંદુઓ મુસલમાનોથી દૂર રહેતા. એટલે અમજદ જમવા આવ્યો ત્યારે માતાજીની ભત્રીજી નલિનીએ એની પાતળમાં ઊંચેથી ખાવાનું પીરસ્યું. માતાજી આ જોઈ ગયાં એટલે નલિનીને કહ્યુંઃ ‘જો કોઈને ઉપેક્ષાથી જમાડીએ તો જમનાર જમે કેવી રીતે? હવે તું રહેવા દે. અમજદને હું જ પીરસીને જમાડીશ.’ અમજદે જમી લીધું એટલે માતાજીએ જાતે જ એ જગ્યા સાફ કરી. નલિનીએ આ જોયું એટલે તેની તો રાડ ફાટી ગઈઃ ‘ફઈબા, તમારી જાત તો ગઈ!’ માતાજી ઠપકો આપતાં બોલ્યાંઃ ‘બસ, હવે રાડો પાડ મા. શરદ જેમ મારો દીકરો છે, તેમ અમજદ પણ મારો જ દીકરો છે.’ શરદ એટલે શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદ અને અમજદ એટલે લૂંટારો! પણ ‘મા’ના તો બંને દીકરાઓ જ હતા!

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories