સંસારનાં કામકાજની વચ્ચે પણ સાધના માટે સમય કાઢવો જોઈએ.

ભગવાનમાં ભક્તિ એ જ અસલ વસ્તુ છે.

જપ – તપ કરવાથી કર્મનાં બંધનો કાપી શકાય. પણ પ્રેમ અને ભક્તિ સિવાય ભગવાન ન મળે. જપ, તપ એ શું છે જાણો છો? એનાથી ઈંદ્રિયોનો પ્રભાવ ઘટી જાય.

સમયસર આળસનો ત્યાગ કરીને જપ-ધ્યાન કરવાં જોઈએ.

જપ, ધ્યાન, પ્રાર્થના વગેરેની તો ખાસ જરૂર છે. ઓછામાં ઓછા સવાર-સાંજ તો તે કરવા બેસવું જ જોઈએ. એ જાણે હોડીનું સુકાન છે. સાંજના બેસો તો આખા દિવસમાં સારાનરસાં શાં કામ કર્યાં એનો વિચાર આવે. પછી આગલે દિવસે મનની કેવી સ્થિતિ હતી, એની સાથે આજની મનની સ્થિતિની તુલના કરવી જોઈએ.

જપના સમય માટે કોઈ વિધિનિષેધ નથી તો પણ સવાર-સાંજનો વખત સારો ગણાય છે. સમય ગમે તે હોય પણ જપ દરરોજ કરવા જોઈએ. કોઈપણ દિવસ ખાલી ન જવા દેવો.

માણસ અજ્ઞાની જીવ છે એટલે એના બધા દોષો ભગવાન માફ પણ કરે છે.

કેવળ ભગવાનની કૃપાથી જ થાય. તોપણ ધ્યાન-જપ વગેરે કરવાં જોઈએ. એનાથી મનનો મેલ ધોવાઈ જાય છે. જેમ ફૂલ હલાવવાથી અને સુખડ ઘસવાથી સુગંધ નીકળે તેમ ભગવત્ તત્ત્વ વિષે ચર્ચા કરતાં કરતાં તત્ત્વજ્ઞાનનો ઉદય થાય છે. પણ જો વાસના દૂર કરી શકો તો તરત જ થાય.

સારું કંઈ કરો તો તમારાં દુષ્કર્માેની અસરનો છેદ ઊડી જાય. કોઈ પ્રાર્થના કરે, ભગવાનનું નામ લે અને ભગવાનનું ચિંતન કરે એટલે પાપની અસર ધોવાઈ જાય.

જરાય ચિંતા નહિ કર! આંખનું અને કાનનું છે તેમ ચંચળતા મનનું લક્ષણ છે. નિયમિત અભ્યાસ કર. પ્રભુનામ ઇંદ્રિયો કરતાં વધારે શક્તિશાળી છે. ઠાકુરનું નિત્ય સ્મરણ કર. તે તારી સંભાળ રાખે છે. તારા દોષોથી મુંઝાઈ ન જા.

ડર નહિ, તને કહું છું કે કળિયુગમાં માનસિક-પાપ એ પાપ નથી. આ બાબતે બધી ચિંતા છોડી દે, જરાય ડર મા.

પોતાનાં કર્માેનાં ફળ માણસને ભોગવવાં જ પડે. પણ પ્રભુના નામનો જપ કરીને, એની તીવ્રતા ઓછી કરી શકાય. હળ જેટલો મોટો ઘા વાગવાનો હોય તેને બદલે માત્ર સોય ભોંકાય. જપતપથી કર્મની અસરનો ઠીક ઠીક સામનો કરી શકાય.

પૂર્ણ પ્રેમથી, નિષ્ઠાથી અને સમર્પણ ભાવનાથી જપ કરવો. નિત્ય ધ્યાન કરતાં પહેલાં તમારી તદ્દન નિઃસહાયતાનો વિચાર કરો ને પછી જ, તમારા ગુરુ ચિંધ્યા માર્ગે સાધના કરો.

જપ કરતી વેળા પોતાના ઇષ્ટનું ધ્યાન કરવું. ધ્યાનમાં ઇષ્ટનું મુખારવિંદ પ્રથમ આવે. પણ એનાં ચરણથી માંડી પૂર્ણ આકૃતિનું ધ્યાન કરવું.

સમય વીતતાં મન જ ગુરુ થાય છે. ધ્યાન વિના લાંબા સમય સુધી બેસવા કરતાં પૂર્ણ ધ્યાન સાથે બે મિનિટ ધ્યાનમાં બેસવું વધારે સારું છે.

ઈશ્વરથી મન દૂર રાખીને એનું નામ લાખવાર લેવું અને મનને વશમાં રાખીને ઈશ્વરનું નામ એકવાર પણ લેવું તે બંને બાબત એક સરખી છે. તું ભગવાનનું નામ આખો દિવસ લીધા કર પણ, મન બીજે હોય તો ખાસ પરિણામ ન આવે. જપ સાથે એકાગ્રતા જોઈએ જ, તો જ પ્રભુકૃપા પ્રાપ્ત થશે.

કોઈ નિર્જન સ્થળે તમે સાધના કરો તો, તમને લાગશે કે તમારું મન દૃઢ બન્યું છે અને પછી સમાજથી જરાય લેપાયા વિના તમે ગમે ત્યાં રહી શકશો. છોડ નાજુક હોય ત્યારે, એની આસપાસ વાડ કરવી જોઈએ. એ મોટો થાય ત્યારે ગાયબકરાં એને કશું કરી શકે નહિ. નિર્જન સ્થળે સાધના કરવી જરૂરી છે.

પ્રાર્થના ને ધ્યાન, યાત્રા કે પૈસા કમાવાનું જિંદગીના શરૂઆતના દિવસોમાં કરી લેવું જોઈએ… ઘડપણમાં આપણી શારીરિક અને માનસિક શક્તિ ક્ષીણ થઈ ગઈ હોય છે. એ શું કોઈ પ્રકારના સંઘર્ષનો સમય છે? આ અમારા છોકરાઓ સામે જુઓ, એમણે જુવાનીમાં જ પોતાનું મન ઈશ્વર તરફ વાળ્યું છે. એ બરાબર છે. આ જ યોગ્ય સમય છે. દીકરા, તારાં જપધ્યાન તારે આ વયમાં જ સાધવાં જોઈએ. તારી જુવાનીના કાળમાં જ. શું પછીથી કરી શકીશ એમ તું માને છે? તારે જે કાંઈ કરવું હોય તે માટેનો આ જ યોગ્ય સમય છે.

બધુંયે, બેશક ઈશ્વરની ઇચ્છાથી જ થાય છે છતાં, માનવીએ પ્રવૃાિ કરવી જ જોઈએ, કારણ ઈશ્વર પોતાની ઇચ્છા માનવીનાં કર્મ દ્વારા પ્રગટ કરે છે. સાધનામાં ઢીલા ન પડો.

તમારા હૃદયના અંતસ્તલમાં પ્રભુ-નામનું રટણ કરો અને સાચા હૃદયથી ઠાકુરનું શરણ લો. આજુબાજુના પદાર્થાે પ્રત્યે તમારું મન જે પ્રતિભાવો આપે તેની ચિંતા નહિ કરો અને તમે આધ્યાત્મિક પંથે પ્રગતિ કરો છો કે નહિ એની ચિંતા નહિ કરો, એની પાછળ સમય ન બગાડો. પોતાની પ્રગતિ માપવી એ અહંકાર છે. તમારા ગુરુમાં અને ઇષ્ટમાં શ્રદ્ધા રાખો.

આરંભમાં જે સચેત હોય છે, તે જ અંતે જીવે છે.

ધ્યાન હૃદયમાંથી આરંભાય છે ને મસ્તકમાં પૂરું થાય છે. મંત્ર કે શાસ્ત્ર કશાં કામનાં નથીઃ ભક્તિ- પ્રેમ વડે જ બધું સિદ્ધ થાય છે.

મન પવિત્ર હોય તો શા માટે વ્યક્તિને ધારણા અને ધ્યાન ન થાય? તેને ઈશ્વરની ઝાંખી શા માટે ન થાય? જ્યારે મનુષ્ય જપ કરવા બેસે ત્યારે સ્વાભાવિક રીતે જ અને અનાયાસે તેના મનમાંથી ઈશ્વરના નામનું સ્તવન થવા લાગશે.

જપ કરવો, સંખ્યા ઉપર ધ્યાન આપવું, હાથ ઉપર ગણતરી કરતા રહેવું – આ બધું માત્ર એકાગ્રતા કેળવવા માટે જ છે. ચિત્ત તો ભટકવા ઇચ્છે છે, પણ આ બધાથી કદાચ તે એકાગ્ર બને. જો મનુષ્ય નિરંતર નામસ્મરણથી ઈશ્વરદર્શન પામે અને ધ્યાનમગ્ન બને તો પછી તેને જાપની જરૂર પડતી નથી. જો મનુષ્ય ધ્યાન કરી શકે તો તેમાં બધું આવી ગયું.

ચિત્ત તો ચંચળ છે જ, તેથી મનુષ્યે શરૂઆતમાં તો થોડા સમય માટે પોતાના શ્વાસને અંકુશમાં રાખવો અને ધ્યાન કરવાનો પ્રયત્ન કરવો. તે ચિત્તશાંતિ માટે મદદરૂપ બને છે. પણ મનુષ્યે આ પ્રમાણે હદ ઉપરાંત ન કરવું, તેનાથી મગજમાં ગરમી ચડે છે.

ઈશ્વરનો સાક્ષાત્કાર થવો અથવા તો ધ્યાન, આ બધું મન ઉપર આધારિત છે. એકાગ્ર બનો એટલે બધું પસાર થઈ જશે.

અરે, મારાં બાળકો, શરણાગતિ સ્વીકારો, માત્ર શરણાગતિ સ્વીકારો પછી જ માત્ર તે કૃપાથી રસ્તો સાફ કરશે.

ઉપાસનામાં આવતી અનેક અડચણો બહારની નથી હોતી, અંદરની હોય છે.

ધ્યાનની વૃત્તિ જાગે તો સારું. ન જાગે તો જોરજુલમથી ધ્યાન કરવું નહીં.

મંત્રજાપથી માનવી સમત્વ, ત્યાગ અને સંન્યાસ પ્રાપ્ત કરે છે.

જપના અભ્યાસ દ્વારા માણસ શ્રેષ્ઠ ધ્યેય પ્રાપ્ત કરી શકે છે. જપ સફળતા આપે છે, આપે જ છે.

ધ્યાન કરો એટલે તમને ખાતરી થાય છે કે જે મારામાં છે તે તમારામાં પણ છે અને નાનામાં નાના નજીવા માણસમાં પણ છે, ત્યારે જ તમારા મનમાં નમ્રતા જન્મ પામશે.

આ પુસ્તક ઓનલાઇન ખરીદો

About the author : eshop

Leave A Comment

Related posts

Popular products

Product categories