પ્રિય અજય,

આજે શિક્ષણનું ધો૨ણ કથળતું જાય છે, બાળકો ૫૨ અનહદ બોજ લાદવામાં આવે છે, બીજા ધોરણમાં ભણતું બાળક તેનાં પુસ્તકો – નોટો ભરેલા દફતરના ભારથી વાકું વળી જાય છે, પહોંચે કે ન પહોંચે દરેક માવતરે ટયૂશનની જોગવાઈ ક૨વી પડે છે. આજે કોઈને અંગ્રેજી આવડતું નથી. એમ.એ. થયેલ ભાઈ-બહેનને અંગ્રેજીમાં અરજી કરતાં પણ આવડતું નથી તેવી ફરિયાદ સંભળાય છે. આઝાદી આવી છે પણ અંગ્રેજીનો મહિમા વધતો જાય છે. પટાવાળો પણ મોંઘીદાટ અંગ્રેજી માધ્યમવાળી શાળામાં મોકલી, તેનું બાળક twinkle twinkle little star – બોલે ત્યારે (ગર્વભેર કૉલ૨) ઊંચો રાખે છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની સંખ્યા પૂરતી નથી ને હોય તો એમને કામ કરવું નથી. માધ્યમિક ને કહેવાતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના આ જ હાલ છે. વિનયન-વાણિજ્ય કૉલેજોમાં અધ્યાપક ત્રણ કલાક ભાગ્યે જ હાજર રહેતો હોય છે! માધ્યમિક ક્ષેત્રે વિજ્ઞાન વિષયોમાં, અંગ્રેજીના વિષયમાં, વિજ્ઞાન કૉલેજોના બધા વિષયોમાં, વાણિજ્ય કૉલેજોમાં એકાઉન્ટન્સી તથા નામાના વિષયોમાં અધ્યાપકો પગા૨ ક૨તાં ટ્યૂશન દ્વારા વધારે મેળવે છે.

કૉલેજોમાં ન ભણતા વિદ્યાર્થીઓ હજારો રૂપિયા ખર્ચી “શિક્ષણવર્ગો”માં જાય છે. ત્યાં એના એ અધ્યાપકો ભણાવતા હોય છે છતાં ઉચ્ચતર માધ્યમિક કક્ષા માટે કલ્પનામાં ન આવે તેટલી રકમ મા-બાપ ખર્ચે છે. અનુશાસન ખાડે જતું જાય છે.

સૌથી મહત્ત્વની વાત એ છે કે આપણે ઝડપથી પરદેશી થતા જઈએ છીએ. સંસ્કૃતિપ્રેમ, દેશપ્રેમ, આત્મગૌરવ વિસરાતાં જાય છે.

આવું ઘણું કહી શકાય ને આપણે મળીએ ત્યારે એની વાત પણ થાય છે. પત્રોમાં ય ચર્ચા કરીએ છીએ. તને ખબર છે મારા એક વાક્યની?

“જે દેશમાં શિક્ષક બગડ્યો, તે દેશના બૂરા હાલ!

આજે દેશમાં લાગવગ, લાંચ-રુશ્વતખોરી, અંધાધૂંધી, આતંકવાદ, દાણચોરી, કરચોરી જેવાં દૂષણો ફેલાયાં છે, ફરજ ન બજાવવાનો ચેપ લાગ્યો છે, તેના મૂળમાં શિક્ષક છે. વિદ્યાર્થીના ચિત્ત ૫૨ શિક્ષકના વાણી-વર્તનની બહુ ઊંડી છાપ પડે છે. એ શિક્ષકને નિષ્ઠાવાન, પ્રામાણિક, સંસ્કૃતિપ્રેમી તરીકે જુએ તો એ ગુણ તેનામાં ઉતરવાના.

આ માટે શું કરવું? શિક્ષકે ભૂખ્યા મરવું? તેણે અકિંચન રહેવું? તેણે ‘‘ઢીલા શાં પોતિયાને વીલાં શાં મોં, રખેને તમે પંતુજી હો!” એવાં વાક્યોનાં ભાગ અનુસારી બનવું કે તેણે પ્રતિષ્ઠાવિહીન જીવન જીવવું? ના, ખબર છે કે હું વર્ગમાં કહેતો રહ્યો છું કે માણસને શું જોઈએ? હું ટોલ્સ્ટોયની વાર્તાના નાયકની વાત નથી કરતો. માણસને પાંચ હાથ જમીન જોઈએ એમ નથી કહેતો. મને ખબર છે કે માણસને જોઈએ અન્ન, વસ્ત્ર, આશ્રય અને માંદગી વખતે ઉપાય થઈ શકે તેટલું ધન, કદાચ આટલું તો આજે મળી રહે છે. શું ખાવું, શું પહેરવું, કેવા મકાનમાં રહેવું, કેવા સોંઘા-મોંઘા દાક્તર પાસે ઈલાજ કરાવવો તે અંગે ભિન્ન ભિન્ન મત હોવાના! આપણી સંસ્કૃતિનું હાર્દ સાદાઈ-સાદું જીવન ને ઉચ્ચ વિચાર તેનું આજે વિસ્મરણ થયું છે. તેથી જ આવી દશા થઈ છે.

શિક્ષક ધારે તો આજની પરિસ્થિતિ પલટાવી શકે. શિક્ષક રાષ્ટ્રીય ભાવના પ્રેરી શકે. પ્રામાણિક જીવન જીવવાના ખ્યાલ પેદા કરી શકે,

આ માટે હું ત્રણ સૂત્રોની વાત કરું છું તેની તો તને ખબર છે.

આ ત્રણ સૂત્રોનો અમલ કોઈ પણ શિક્ષક કરે તો એ આદરપાત્ર બને. તેને વિદ્યાર્થીઓનું વહાલ મળે. તેને વિદ્યાર્થીઓ સાંભળે ને સંસ્થા અનુશાસનયુક્ત બને.

આ ત્રણ સૂત્રો છેઃ

વિષય-નિષ્ઠા, વિદ્યાર્થી-નિષ્ઠા, સંસ્થા-નિષ્ઠા.

શિક્ષક – પછી તે પ્રાથમિક શિક્ષક હોય, માધ્યમિક શિક્ષક હોય કે કૉલેજ શિક્ષક હોય – પોતાના વિષયમાં સજ્જ હોય, પોતાના વિષય પર પ્રભુત્વ હોય, હંમેશા તૈયાર થઈને એ વર્ગમાં જતો હોય, પોતાના વિષય અંગે વધુમાં વધુ જાણવાની તાલાવેલી ધરાવતો હોય ને એ રીતે પોતાનું જ્ઞાન પરિપુષ્ટ કરતો રહેતો હોય, જ્ઞાનનું બરાબર વિતરણ કરતાં તેને આવડતું હોય, વિદ્યાર્થીને ગળે સરળતાપૂર્વક અઘરામાં અઘરો મુદ્દો કેમ ઉતારવો તેની આવડત તેની પાસે હોય તો વિદ્યાર્થીઓ વર્ગમાં બેઠા વિના રહે જ નહિ. Coaching Classesમાં જવાની જરૂર તેમને રહે જ નહિ. વિદ્યાર્થી વર્ગમાં પ્રેમથી બેસે, અર્ધો કિલ્લો સર થઈ જાય.

વિદ્યાર્થી-નિષ્ઠા એટલે વિદ્યાર્થી પ્રત્યેનો પ્રેમ. ‘પ્રેમ’ શબ્દ પ્રયોજાય છે ખૂબ, પણ એ વસ્તુ – એ ભાવ આજે દુર્લભ થઈ ગયેલ છે. બાળક ઘરમાં માતા-પિતાના સ્નેહથી, શેરીમાં મિત્રોના સ્નેહથી, શાળામાં શિક્ષકના સ્નેહથી, મોટી વયે પતિ-પત્નીના સ્નેહથી – સાથીઓના સ્નેહથી વંચિત રહે છે. એટલે તેનામાં વિકૃતિ આવે છે. જીવન પરથી શ્રદ્ધા એ ગુમાવી બેસે છે. શાળા-કૉલેજમાં ભણનાર વિદ્યાર્થી ગમે તેવી ભૌતિક સંપત્તિ ધરાવતો હોય, ગમે તે જાતિનો હોય, રૂપાળો હોય કે ખોડ-ખાંપણવાળો હોય તેને શિક્ષકનો સ્નેહ મળે તો એનું જીવન ભર્યું ભર્યું બને. પોતે પામ્યો હોય તે બીજાને આપવાનું મન થાય. જીવનતરાહ પલટાઈ જાય. કબીર સાહેબની વાણી યાદ આવે છે:

‘ઢાઈ અક્ષર પ્રેમકે પઢે સો પંડિત હોય!’

સંસ્થાપ્રેમ એટલે જે સંસ્થામાં પોતે કામ કરતા હોય તે સંસ્થા માટેનો પ્રેમ – આત્મીય ભાવ. આ સંસ્થા મારી છે. સંસ્થા વગોવાય તો હું વગોવાઉં, સંસ્થાનું ગૌરવ એ જ મારું ગૌરવ, પોતે સંસ્થામાં અરજી કરીને જોડાયો છે. જાહેરાતમાં વળતરનો પૂરેપૂરો ખ્યાલ આપવામાં આવ્યો હતો, એ જાણીને અરજી કરી છે, પસંદગી પામવા માટે કદાચ પ્રયત્નો પણ કર્યા છે, પણ એક વખત જોડાયા પછી વિષય સજ્જતા ન કેળવવી, વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ ન રાખવો, સંસ્થાને વગોવવી એવી વૃત્તિ જોવા મળે છે એ બરાબર નથી. સંસ્થાનો પોતે એક અંશ છે, પોતે જ સંસ્થા છે, એવો ભાવ સદા જાગૃત રહેવો જોઈએ.

આમ તો આ ત્રણેય બાબતો પરસ્પર સંકળાયેલી છે. વિષયમાં સજ્જ શિક્ષક વિદ્યાર્થીનું ધ્યાન ખેંચવાનો, એનું ધ્યાન ખેંચાય એટલે આદર પામવાનો, વિદ્યાર્થી આદર આપે તો એના પ્રત્યે મન સહજ રીતે ઢળવાનું. જે સંસ્થામાં વિદ્યાર્થી ભણે છે, તે શાળામાં પોતે શીખવે છે એટલે તેના પ્રત્યે પણ ભાવ જાગવાનો. અને આગળ ચાલીને કહું તો જે ગામમાં આ શાળા આવેલી છે એ ગામ-નગર પ્રત્યે પણ આત્મીયતા જન્મવાની. ગામ કે નગરની સંસ્કારિતામાં શિક્ષકનું મહત્ત્વનું પ્રદાન હોવું જોઈએ. આમ બને તો શિક્ષક ગામ કે નગરનું મહત્ત્વનું અંગ બનવાનો.

આમ થાય તો આપણી કાલ ઊજળી હોય કે નહિ?

સ્નેહાધીન,

(ભાવનગર, તા. ૧૦- ૧૦-’૯૪)

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.