સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડો. નરોત્તમ પલાણ ઐતિહાસિક પુરાવાઓ આપી અહીં પૂરવાર કરે છે કે પોરબંદરની સ્થાપના એક હજાર વર્ષો પૂર્વે શ્રાવણી પૂનમના દિને થઈ હતી. -સં

ઇતિહાસ અને પુરાતત્ત્વના સંશોધકો કહે છે કે સમગ્ર એશિયામાં સૌરાષ્ટ્ર પ્રાચીનમાં પ્રાચીન ભૂમિ છે. સૌરાષ્ટ્રનો ગિરનાર કરોડો વર્ષથી અસ્તિત્વ ધરાવે છે, જ્યારે એની તુલનામાં હિમાલયને માત્ર પચાસ લાખ વર્ષ થયાં છે! સૌરાષ્ટ્ર જેમ પ્રાચીનતમ ભૂભાગ છે, તેમ તેની સંસ્કૃતિ પણ હડપ્પા, મોહેંજોદડોથી પ્રાચીન છે! સૌરાષ્ટ્રમાં સિન્ધુ સભ્યતાનાં દોઢસોથી વધુ સ્થાનો પુરાતત્ત્વવિદોએ શોધી કાઢ્યાં છે. આ જ પ્રમાણે એક સંશોધન મુજબ સૌરાષ્ટ્રમાં એક હજાર વર્ષથી પ્રાચીન શહેરો અને ગામોની કુલ સંખ્યા બસો સાઠ થાય છે! દ્વારકા, પ્રભાસ, સોમનાથ, જૂનાગઢ, વલભી, વઢવાણ, ઢાંક અને ઘૂમલી તો બે બે હજાર વર્ષથી પણ પ્રાચીન નગરો છે.

સૌરાષ્ટ્રનાં પ્રાચીન શહેરોમાં પોરબંદર પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે. પોરબંદર વિશેની ‘મિથ’ને ધ્યાનમાં લઈએ તો પોરબંદર, ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાની ભૂમિ છે. જો કે જેમ શ્રીકૃષ્ણ વિશે તેમ સુદામાજી વિશે પણ અદ્યાપિ કોઈ ઐતિહાસિક પ્રમાણ પ્રાપ્ત નથી. હાલમાં દ્વારકામાં થઈ રહેલાં સામુદ્રી સંશોધનો આ પૌરાણિકો પાત્રો વિશે નજીકના ભવિષ્યમાં કંઈક અવનવો પ્રકાશ જરૂર પાડશે, અને ત્યારે ‘સુદામાપુરી’ વિશે આ સ્થાનનો વધુ વિચાર શક્ય બનશે. હાલ પોરબંદરનો જે ઇતિહાસ પ્રાપ્ત છે, તે પણ નાનો સૂનો નથી. ઘણી લાંબી પરંપરાથી પોરબંદરમાં ઊજવાતો આવેલો નાળિયેરી પૂનમનો લોકોત્સવ, ચોમાસા પછી બારું ખૂલે અને સમુદ્ર પૂજન સાથે મોસમનું પહેલું વહાણ હંકારાય તેનો ઉત્સવ છે, તેમ પોરબંદરની સ્થાપનાનો ઉત્સવ પણ છે. અનુશ્રુતિ એવી છે કે આ જ દિવસે પોરબંદરની સ્થાપના થયેલી અને વર્ષ ફેરે પણ આજ દિવસે રાજધાની તરીકે પોરબંદરનું તોરણ બાંધવામાં આવેલું.

અનુશ્રુતિ મુજબ શ્રાવણી પૂનમ એ પોરબંદરનો સ્થાપના દિન છે, એટલું સ્વીકારી લીધા પછી પણ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે આ પૂનમ ક્યા વર્ષની? આ પ્રશ્નના ઉત્તર માટે અત્યારે આપણી પાસે બે સંદર્ભો છે : એક છે ઘૂમલીના મહારાજ બાલદેવનું તામ્રપત્ર અને બીજો છે જેઠવાના રાજબારોટનો ચોપડો. આ બન્ને સંદર્ભો લગભગ મળતી આવે એવી માહિતી આપી જાય છે. મહારાજ ખાખલદેવનું તામ્રપત્ર વિ. સં. ૧૦૪૫ ની વૈશાખી પૂનમનું છે અને રાજબારોટની નોંધ વિ. સં. ૧૦૪૬ની શ્રાવણી પૂનમની છે. બન્ને નોંધોમાં માત્ર એક વર્ષનો તફાવત છે! આ બન્ને નોંધ એટલું તો પુરવાર કરે જ છે કે પોરબંદર એક હજાર વર્ષનું પ્રાચીન શહેર છે. તામ્રપત્ર મુજબ વિ.સં. ૨૦૪૬ની શ્રાવણી પૂનમ અને રક્ષાબંધનના દિવસે પોરબંદરને એક હજાર એક વર્ષ પૂરાં થયાં અને રાજબારોટની નોંધ મુજબ બરાબર એક હજાર વર્ષ પૂર્ણ થયાં.

હવે સંભાવના એ ઊભી રહે છે કે કદાચ પોરબંદર હજાર વર્ષથી પણ વધુ પ્રાચીન હોય તો? મહારાજ બાલદેવનું તામ્રપત્ર, જે એ સમયે પોરબંદર હોવાનો માત્ર ઉલ્લેખ જ આપે છે, ત્યાં પોરબંદરની સ્થાપનાનો કોઈ નિર્દેશ નથી, પરંતુ દામોદર નામના અધ્વર્યુ બ્રાહ્મણને ઘૂમલીના રાજવીએ ‘ચરલી’ નામનું ગામ દાન આપ્યું તેને લગતું આ તામ્રપત્ર છે. આ તામ્રપત્રમાં દાન દીધાની હકીકત રાજાની સહી અને સિક્કા સાથે કોતરાયેલી છે. જેમાં ‘ચરલી’ ગામની ચતુઃસીમા ગણાવતાં પૂર્વમાં વંદાણા ગામ, દક્ષિણમાં છાઇયા ગામ, પશ્ચિમમાં પૌરવેલાકુળ અને ઉત્તરમાં દેવગ્રામ આવેલ હોવાનું જણાવાયું છે. ચતુઃસીમાનાં આ બધાં જ ગામો આજે હયાત છે અને બધાં જ હજાર વર્ષ જૂનાં ગામો ઠરે છે.

આ તામ્રપત્રમાં વિ.સં. ૧૦૪૫માં ‘પૌરવેલાકુળ’ હોવાની નોંધ છે. ‘પૌર’એ વેપારી પ્રજાના સમૂહને સૂચવતો શબ્દ છે અને ‘વેલાકુળ’એ બંદર માટેનો સંસ્કૃત શબ્દ છે. ‘પૌર’ ઉપરથી ‘પઉર’ થઈને ‘પોર’ શબ્દ આવેલો છે. જ્યારે ‘વેલાકુળ’ માટે મુસ્લિમશાસનમાં રાજભાષા બનેલી ફારસીના પ્રભાવથી ‘બંદર’ શબ્દ પ્રચલિત થઈ ગયો જણાય છે.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.