પોરબંદરમાં પુરાતત્ત્વ સંશોધન મંડળના સ્થાપક અને સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી મણિભાઈ વોરા અહીં પોરબંદરની ગઈ કાલ, આજ અને આવતી કાલની ઝાંખી આપે છે. – સં.

બીજા વિશ્વયુદ્ધના સમય પછી પોરબંદરના નવસર્જનમાં મહારાણા નટવરસિંહજી અને રાજરત્ન નાનજી કાલિદાસ મહેતાનો હિસ્સો સૌથી વિશેષ છે. સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો કરતાં આ શહેરની શોભા અને સફાઈ ધ્યાન ખેંચનાર બન્યાં છે, તેનું શ્રેય આ બે વ્યક્તિને ફાળે સવિશેષ જાય છે. અંગ્રેજી કેળવણીથી સ્વસ્થ થયેલા, શિલ્પ સ્થાપત્ય શોખીન મહારાણાએ શહેરના મકાનની બાંધણી, રસ્તા, ફુવારા વગેરે ઉત્તમ પ્રકારે યોજ્યાં છે, તો શેઠ નાનજીભાઈએ ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય પ્રકારની સુંદર ઈમારતોથી નગરને સાંસ્કૃતિક મહત્ત્વ પ્રદાન કરેલું છે. સ્ત્રીઓ માટે દવાખાનું અને પ્રસૂતિગૃહ વાડિયા કુટુમ્બની દેણ છે.

પોરબંદરના વેપારીઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો, વિદ્વાનો, ભક્તો, કવિઓ અને કેળવણીકારોએ દેશ પરદેશમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે. સૌરાષ્ટ્ર ગુજરાતના નહિ પરંતુ ભારતની લોકશાહી સહકારી પ્રવૃત્તિઓમાં અગ્રણી ‘લૅન્ડ ડેવલપમેન્ટ બેંક’ના અધ્યક્ષપદે પોરબંદરના યુવરાજ શ્રીમાન રંજ ‘પદ્મશ્રી’ ઉદયભાણસિંહજી હતા. રોકડિયા હનુમાનનું વિશાળ મંદિર શ્રી ગણપતરાય કામદાર તેમ જ મ્યુનિસિપલ સૅક્રેટરી હિંમતસિંહ રાણાના અને સ્થપતિ કાર્યકર્તા દાભીની સેવાથી થયું છે.

પહેલા વસ્તી કોમકોમના ધર્મ પ્રમાણે ધંધા કરતી. પાઘડી, કેડિયું, ધોતિયું, ચોરણી પહેરવેશ હતાં. સ્ત્રીઓ સાડલા, કપડાં, ચણિયા પહેરતી. આજે જે મળ્યો તે ધંધો કરતી અને વિવિધ પહેરવેશવાળી પ્રજા દેખાય છે. પહેલાં નગરમાં એક પણ ભૂખ્યું – દુખ્યું જન મળવું દુર્લભ હતું. આજે બેકારી, ગુંગળામણ અને અન્ન, વસ્ત્ર, રહેઠાણ વિનાના સંખ્યાબંધ માણસો બાગ – બગીચે કે સમુદ્રકિનારે પડેલાં દેખાય છે. મોટા મોટા કારખાનાઓએ શહેરની આજુબાજુની ખેતીને ભારે ધક્કો પહોંચાડ્યો છે. તેમ જ શહેરના માણસો માટેના હવાપાણીના પુરવઠા ઉપર પણ તરાપ મારી છે.

રેકડીમાંથી રસ્તા પર ઊભા ઊભા ચવાણું, ચટણી ચાટતા યુવાનોના મોઢા પર કારખાનાના ધુમાડાની કાળાશ દેખાય છે. વાડીની વનસ્પતિનો લીલો કસુંબલ રંગ વિદાય લેતો જણાય છે. શહેરના પંખીઓથી કલરવ કરતા બગીચા ત્રવડા, જેલ બગીચો, રાજવાડી, ચોબારી, ઝૂરી બાગ, સુદામા બાગ, ભોજેશ્વર બગીચો, હજૂર કોટનો બાગ, ભાવસિંહજી પાર્ક, રાણી બાગ, ઝૂંડાળા, કૈલાસ બાગ, સુંદર બાગ, ગોપાલ બાગ, મહારાજ બાગ, રસ્તા પરનાં વૃક્ષો વગેરેનો સતત નાશ થતો ચાલ્યો છે. માણસ વૃક્ષશત્રુ બનેલો જણાય છે અને છેલ્લે ૧૯૭૫ના ભયંકર વાવાઝોડાએ શહેરની વનસ્પતિનો સદંતર નાશ કરેલો છે.

આજે પૂર્વમાં ખાડી પાર નરસંગ ટેકરી, ઉદ્યોગનગર, માધવાણી કૉલેજ પૉલિટેકનિક સુધી વસ્તી વસવા લાગી છે. તરવડા, નવી સિમેન્ટ ફૅક્ટરીની કૉલોની, છાયા પ્લૉટ અને છાયા ગામ એક થઈ ગયાં છે. અગ્નિ ખૂણે રાજમહેલ, બિરલા કોલોની વસી ગયાં છે; છાયા પ્લૉટ અને બિરલા વર્કસ વચ્ચે પક્ષીતીર્થ દયાજનક હાલતમાં જીવતું જણાય છે. રણ પૂરાઈને માનવ વસવાટમાં પરિવર્તન પામે છે; મીઠાના અગર સહિતના મહાઉદ્યોગો હવે શહેરની બહાર નથી. ઇશાને ઉદ્યોગનગર, રોકડિયા, જ્યુબિલી પ્લૉટસ ખાપટને પહોંચી ગયા છે; ઉત્તરમાં જ્યુબિલી, બોખીરા એક થયાં છે. ખાડીના બન્ને કાંઠે પ્લૉટો છે. દક્ષિણ બંદર ઉપર સામે કાંઠે નવીનો ખારવાવાસ સુભાષનગર બની વિકસી રહ્યો છે. રાણાવાવ પાસેના ભતવા૨ી ડુંગરની પાકી પથ્થરની શિલાઓથી દરિયાને નાથી, દરિયામાં અંદર સુધી લાંબી તોતિંગ પટ્ટી બંધાઈ છે, જેને અડીને માલવાહક મોટાં જહાજો નાંગરી શકાશે. આમ પોરબંદરનો બારમાસી બંદર તરીકે વિકાસ થઈ રહેલ છે. શહેરની આસપાસની વાડીઓ અને ખેતજમીનને સારા પ્રમાણમાં નષ્ટ થવું પડ્યું છે; આજનો વિકાસ એટલો ભોગ તો માગે જ ને!

ગમે તેમ ખોરાક વેચાવો શરૂ થયો છે, છૂટછાટ વધી છે. ગુપ્ત રીતે થતો લૂંટફાટનો ધંધો જાહેરમાં થતો જોવા મળે છે. વસવાટ અને વાતાવરણમાં માણસાઈ ગુંગળાઈ રહેલી માલુમ પડે છે. ‘ગેંગ’ની ગંદકી વધી રહી છે.

શહેરી વસ્તી અને રહેઠાણ માટે લોકસભાએ નવેસર વિચાર કરવાની ઘડી આવી રહી છે. વ્યક્તિગત સ્વાર્થ પાછળ સમગ્ર સમાજ તરફ દુર્લક્ષ આપતો આજનો માનવ દાનવતા દાખવે છે અને સમાનતા ઝંખતો સમાજ વ્યક્તિના સ્વતંત્ર વિકાસની તક ઉપર તરાપ મારી સાચા સમાજવાદના મૂળમાં જ ઘા કરી રહેલ છે. ‘વાદ’થી ભરપૂર ઝેરી વાતાવરણમાં જનતા જનાર્દનનો અર્થ સરતો નથી. આધુનિક વિકાસમાં અણસમજનાં આ કટુફળ પોરબંદરને પણ ચાખવા મળે છે.

વસ્તી એક લાખની સંખ્યાએ પહોંચી છે. પાઘડીપને વસેલા શહેરમાં વસવાટ માટે તસુ જમીન વધી નથી. શહેરની કિનારી પર જ કારખાના જામી ગયાં છે, વિકસી રહ્યાં છે. વૃક્ષો વગરની ઊંચી ઇમારતો, કારખાનાના કાચામાલના ઢગ, મીઠાના અગર, ચીમનીઓ અને ટાવરો, તારના થાંભલા અને દોરડાં, ધુમાડા અને ધમધમાટ – કુદરત ક્યાંય ગોતી જડતી નથી. જળ, વાયુ અને વસવાટની ગુંગળામણનો જનતા અનુભવ કરે છે. આધુનિક સુવિધાથી સજ્જ દેખાતો સમાજ કીટજીવન તરફ જતો ભાસે છે.

દૂધ, ઘીની અછતથી કસવાળા ખોરાકનો પ્રશ્ન વનસ્પતિ ઘી, મત્સ્ય ઉદ્યોગ અને મરઘાં ઉછેરથી હલ થાય છે. સુખ, શાંતિ અને મોકળાશ માટે ખાટાંમીઠાં પીણાં, રેડિયો, પંખા અને સિનેમાના પડદાનો આશરો લેવાય છે, પણ અકુદરતી વાતાવરણ અંદરના ઉકાળાને શાંત કરવા સમર્થ નથી.

બારમાસી બંદર થતાં પોરબંદરની ભૌતિક પ્રગતિ વિશેષ થશે અને તેનું ભવિષ્ય ઊજળું છે પણ અર્થકારણ ઉપર વધારે પડતો ભાર ‘જીવન’ જેવું કંઈ રહેવા દેશે કે નહિ તે પ્રશ્ન સૌ સામે મોં ફાડીને ઊભો છે. સિમેન્ટ સોડાઍશના ઉદ્યોગો માટેના કાચામાલની વિપુલતા આ ક્ષેત્રે હોવાથી બરડાના આ ભાગનો પથ્થર, તેની ઉપરની ભોં માટી એકઠી કરવા જતાં વનસ્પતિનો નાશ અને જંગલ, ગોચરનો ધ્વંસ તથા ખેતીની જમીન ઓછી થઈ રહેલ છે, રસહીન થતી જાય છે. ખેડૂતો ઊંડા જતાં પાણીને પહોંચવા દીર્ઘ પ્રયાસ કરી બને તેમ રોકડિયા પાક પાછળ પડ્યા છે. પરિણામે વિશેષ સમૃદ્ધ થયા છે પણ સહજ જીવનની શાંતિ દેખાતી નથી. મધ્યમવર્ગ વિકસવાથી ગરીબ તવંગર વચ્ચેનું અંતર ઓછું થતું જણાય છે, સાધન સંપત્તિ વધતી જણાય છે. જો કે વૃદ્ધિ એ વિકાસ નથી, ગતિ હંમેશાં પ્રગતિ નથી.

જમીન, સમુદ્ર અને વાયુમાર્ગે વ્યવહાર વધતાં આધુનિક ટ્રાન્સપોર્ટનાં સાધનોથી ધમધમતું પોરબંદર, આસપાસનાં ગામડાં અને તેની સીમને પોતાનામાં સમાવતું વિશાળ ફેલાવો પામી રહેલું છે. કુછડી, ઝાવર, બોખીરા, ખાપટ, કોલીખડા, કાજાવદરી, કાળાઠાંસા, વનાણા, રાંઘાવા, છાયા, રતનપર, વગેરેને પોતાના કરી પછી ઓડદર, રાણાવાવ, અમરદડ અને આદિત્યાણાને પોતાનાં ઉપનગર બનાવશે.

સમૃદ્ધ પોરબંદર વિશેષ સમૃદ્ધ બનશે, શિક્ષણ અને સંસ્કારની અદ્યતન સંસ્થાઓથી સંપન્ન થશે, અને એ સમૃદ્ધિ વચ્ચે સુદામાના ભક્તિભાવ તથા ગાંધીબાપુનાં સત્ય, અહિંસા દુઝતાં રહેશે તો પોરબંદરની જનતા શાંતિ, સખ્યભાવ અને આત્યંતિક સુખ જેવી માવનજીવનની સનાતન આકાંક્ષાઓને ચરિતાર્થ કરી શકશે, અને આમ બને એવી પરમાત્મા પાસે પ્રાર્થના!

(લય સાંસ્કૃતિક સંસ્થા, પોરબંદર દ્વારા પ્રકાશિત પુસ્તક ‘પોરબંદર’માંથી સાભાર ગૃહીત)

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.