પ્રૉ. પી. એમ. જોષી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાણિજ્ય ફેકલ્ટીના ડીન છે તેમ જ માધવાણી આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજ, પોરબંદરના પ્રિન્સિપાલ છે. – સં.

છેક ‘મહાભારત’ના સમયથી પોરબંદર એક ઐતિહાસિક બંદર તરીકે જાણીતું છે. ભારતના પશ્ચિમ કિનારા અને યુરોપના બંદરો વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર તે આવેલું છે.

ભારત વર્ષના પરમ આરાધ્ય દેવ ભગવાન શ્રીકૃષ્ણના પરમ સખા સુદામાની આ ભૂમિ ભારતભરના યાત્રિકોની તીર્થભૂમિ છે. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર સકલ વિશ્વની ગૌરવગાથા છે. શ્રીરામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય અને વિશ્વભરના યુવાનોના રાહબર સ્વામી શ્રી વિવેકાનંદજીની ચિંતનભૂમિ પોરબંદર એ સંતો અને -શાંતિના ચાહક દેવદૂતોની ભૂમિ છે. ‘સુદામાપુરી’, ‘ગાંધીપુરમ’ અને ‘વિવેકાનંદધામ’ જેવાં ત્રિવિધ નામ ધરાવતી આ નગરીની માટીમાં મર્દાનગી અને મહોબ્બતની મીઠાશ ધબકે છે.

પોરબંદરની ધરતી અને તેને અડીને ઘૂઘવતો સાગર, લેતાં આવડે તો આજે અને આવતીકાલે પણ સમુદ્રમંથનથી નીકળેલા અનેક રત્નોની જેમ સમૃદ્ધિ અને સુખનું વરદાન આપી શકે તેમ છે.

પોરબંદરને પ્રકૃતિએ સૌન્દર્યનું વરદાન આપ્યું છે. માનવ પુરુષાર્થે તેને સમૃદ્ધ બનાવ્યું છે. અનેક સાહસિકો અને શાહ સોદાગરોએ તેના ઐશ્વર્યમાં ઓર વધારો કર્યો છે. આ સંતભૂમિનો કલા, સાહિત્ય, સંગીતનો વારસો અને વૈભવ અનોખો અને અપૂર્વ છે.

આ પોરબંદરને પામવું હોય તો અલગ અલગ દૃષ્ટિકોણથી જોવું પડે. આ શહેરના ગૌરવભર મહાનુભાવોની એક આછી ઝલક અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે.

સ્વામી વિવેકાનંદજી જેમના મહેમાન તરીકે ચાર માસ રહેલા તે પોરબંદરના રાજવી રાણા વિકમાતજી સંગીતના મર્મજ્ઞ, ધાર્મિક અને શિવના ઉપાસક હતા, તેઓ રાજ્યની આવકમાંથી નિર્વાહ પૂરતા ખર્ચનો જ ઉપાડ કરતા.

નામદાર મહારાણાશ્રી નટવરસિંહજી કે.સી.એસ.આઈ. ભારતની સૌ પ્રથમ ક્રિકેટ ટીમના પહેલા કૅપ્ટન હતા. ઇંગ્લેંડ સામે ઈ.સ. ૧૯૩૨માં શ્રી સી.કે. નાયડુ સાથે તેઓ રમેલા.

શ્રી નટવરસિંહજી વાયોલિનના પ્રખર આર્ટિસ્ટ હતા. બી.બી.સી. એ સંગ્રહી રાખેલી તરજો આજે પણ લંડનથી વખતોવખત રીલે થાય છે. ઈ. સ. ૧૯૨૮માં કાઠિયાવાડ રાજકીય પરિષદ શ્રી ઠક્કરબાપાના પ્રમુખ સ્થાને પોરબંદરમાં ભરાયેલી, તેમાં તેઓએ ગાંધીજીની બાજુમાં બેસી સંબોધન કરેલું. તેઓએ ‘ઈન્ટ્રૉસ્પર્કૅટ’, (આંતર નિરીક્ષણ) અને પ્રૉબ્લૅમ્સ ઑફ ઈન્ડિયા, જેવાં પુસ્તકો પણ લખેલાં છે. દુલિપ ક્રિકેટ સ્કૂલ જે એશિયામાં ઉત્તમ ગણાય છે તેની તેઓએ સ્થાપના કરી. તેઓ ચિત્રકળા ઉપર પણ હથરોટી ધરાવતા. પોરબંદરથી જેતલસર સુધીની પોતાની રેલવે શરૂ કરેલી. પોરબંદરને સૌરાષ્ટ્રનું પ્રથમ કક્ષાનું ૨૧ તોપની સલામીનું રાજ્ય બનાવેલું. ઍરપૉર્ટની સુવિધા પણ તેઓએ જ આપી. તેઓ ખાદીના આગ્રહી હતા અને ખાદીનો જ રાજવી પોષાક પહેરતા.

સ્વર્ગસ્થ યુવરાજશ્રી ઉદયભાણસિંહજીને ભારત સરકારે પદ્મશ્રીનો ઈલ્કાબ આપેલો. તેઓ દેના બેંકના ડાયરેક્ટર જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રથમ બિનહરીફ પ્રમુખ, લૅન્ડ મૉર્ટગેજ બેંક, ઑલ ઈન્ડિયાના પ્રમુખ, સંગીત નાટ્ય અકાદમી રાજકોટના પ્રમુખ, ઈફ્કોના પ્રમુખ જેવા ગૌરવશાળી હોદાઓ ધરાવતા હતા.

વર્તમાન પ્રિન્સ શ્રી હરેન્દ્રકુમાર બ્રિટનની બૅરિસ્ટર ઍટ લૉની પદવી ધરાવે છે. લંડનમાં અગ્રગણ્ય ઍડવોકેટ છે. ક્વીન્સ કાઉન્સિલમાં બ્રિટિશ સરકારે તેમની નિમણૂંક કરી છે. આ સ્થાન ભાગ્યે જ કોઈ એશિયનને મળે છે. તેમણે લંડનથી ઉટાકામંડસુધી મોટર સાયકલ પર પ્રવાસ કરેલો છે. દૂન સ્કૂલ દેહરાદૂનમાં તેઓ રાજીવ ગાંધીની સાથે અભ્યાસ કરતા કૅમ્બ્રિજ-લંડનમાં લૉ નો અભ્યાસ કરેલો છે.

શ્રી શંકર પાંડુરંગ પંડિત રાજ્યના દિવાન હતા. સંસ્કૃત અને વેદના પ્રકાંડ પંડિત તરીકે તેઓએ જ સ્વામી વિવેકાનંદને શિકાગો વિશ્વધર્મ પરિષદમાં જવાની પ્રેરણા આપી. આ શંકર પાંડુરંગ પંડિત મૂળ કાશ્મીરી પંડિત હતા. પંડિત શ્રી જવાહરલાલ નેહરુના બહેન શ્રીમતિ વિજ્યાલક્ષ્મી પંડિતના તેઓ કાકા થતા હતા. પં. નેહરુના બનેવી શ્રી રણજિત પંડિત એ આ શ્રી શંકર પાંડુરંગ પંડિતના ભત્રીજા. આમ નેહરુ કુટુંબ સાથે પણ પોરબંદર સંકળાયેલું છે.

વનસ્પતિના નિષ્ણાંત બાગાયતી એ અમીલાલભાઈ ઢોકો હતા. તેમના પુત્ર શ્રી મધુસુદનભાઇ ઢાંકી ઈન્ડિયન ટેમ્પલ્સ અને આર્કિટેક્ચરલ ડિઝાઈનના ઊંડા અભ્યાસી અને પ્રખર પુરાતત્ત્વવિદ્ છે. ઈન્ડો અમેરિકન રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ બનારસના તેઓ ડાયરૅક્ટર છે.

સ્થાપત્યકલાના ઉત્તમ નજરાણા સમા વર્તમાન હજુર પૅલેસનું બાંધકામ કૉન્ટ્રક્ટરશ્રી ભીમજીભાઈ હિંગળાજીયાએ કરેલું છે. પૅલેસનું આધુનિક અને કલાત્મક ફર્નિચર શ્રી મુલજી જીવનભાઈ થાનકીએ બનાવેલું છે.

પોરબંદર રાજ્યની શિંગડાની સંસ્કૃત પાઠશાળા સમગ્ર ભારતમાં મશહૂર હતી. આજે પણ તે ચાલે છે.

એક અબજથી પણ વધુ રકમનું સામ્રાજ્ય ધરાવતી સિંધિયા સ્ટીમ નૅવીગેશન કંપનીના સ્થાપક શેઠશ્રી મોરારજી ગોકળદાસ અને શેઠશ્રી નરોત્તમ મોરારજી તેમ જ શ્રીમતી સુમતિ મોરારજી પણ પોરબંદરના જ છે. સિંધિયા સ્ટીમ નૅવીગેશને પોતાનું સર્વ પ્રથમ વેપારી જહાજ ‘લૉયલ્ટી’ પોરબંદરના બંદર પરથી જ તરતું મૂકેલું.

દેના બઁકના સ્થાપક શેઠશ્રી પ્રાણલાલ દેવકરણ નાનજી પણ પોરબંદરના જ હતા.

સત્ય અને અહિંસાની અડગ પ્રતિજ્ઞા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં લીધી અને ભારતને આઝાદ બનાવવાનો દૃઢ નિર્ધાર કર્યો. શ્રી ગાંધીજીને દક્ષિણ આફ્રિકા લઈ જનાર મેમણ ઝવેરી શેઠ પણ પોરબંદરના જ છે.

ઈ. સ. ૧૯૨૩માં રાષ્ટ્રીય શાયર શ્રી રવીન્દ્રનાથ ઠાકુર શ્રી નટવસિંહજીના મહેમાન તરીકે પોરબંદર આવેલા અને ભોજેશ્વર બંગલાની મુલાકાત લીધેલી.

મહારાણાશ્રી નટવરસિંહજીના રાજકુમાર કૉલેજ રાજકોટના પ્રિય શિક્ષક મહાકવિશ્રી ન્હાનાલાલ પણ ઈ. સ. ૧૯૩૩માં પોરબંદરની મુલાકાતે આવેલા.

આફ્રિકામાં ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરનાર શ્રી નાનજી કાલિદાસ મહેતા અને શ્રી માધવાણી પણ પોરબંદરના જ છે. પોરબંદરની માધવાણી કૉલેજનો સુંદર પ્લાન અને ડિઝાઈન સૌરાષ્ટ્રભરની કૉલેજોમાં બેનમૂન છે.

પોરબંદરના શ્રી ગજ્જર પરિવારે સૌ પ્રથમ રોટલી વણવાનું મશીન બનાવ્યું. ચાંદીના કોતરકામમાં પણ આ કુટુંબ નિપુણતા ધરાવે છે. ગેટ વે ઑફ ઈન્ડિયા – મુંબઈનું બાંધકામ પોરબંદરના પથ્થ૨થી થયું છે. મુંબઈમાં દેના બૅંક, સ્ટેટ બૅંક જેવી અનેક ઈમારતો પોરબંદરના પત્થરથી બંધાયેલી છે.

એશિયાભરની ભારતીય સંસ્કૃતિની રક્ષા કરતું આર્યકન્યા ગુરુકુલ પોરબંદરની નારી શિક્ષણની એક અદ્વિતીય સંસ્થા છે. એશિયાભરનું સૌ પ્રથમ સિમેન્ટનું કારખાનું એ. સી. સી. કંપનીએ ઈ.સ. ૧૯૧૩માં પોરબંદરમાં જ શરૂ કરેલું.

સમગ્ર ભારતભરમાં નેચરલ ચૉક પાવડર એક માત્ર પોરબંદરની બાજુમાં જ મળે છે.

સમગ્ર એશિયામાં સૌથી ઉત્તમ લાઈમ સ્ટોન પણ પોરબંદરની બાજુના બરડા પ્રદેશમાંથી મળે છે. સિમેન્ટ અને સોડા એશ ઉદ્યોગોનું તેથી જ તે મોટું મથક છે.

‘એમરી’નું પ્રથમ કારખાનું પણ પોરબંદરમાં જ શરૂ થયેલું.

‘રત્નાકર’ પાસેથી વિશ્વભરમાં જાણીતી માછલીઓની પોરબંદરને કુદરતી ભેટ મળેલી છે. ‘ડાયમંડ’ મશીન પ્રૉડક્ટ અને ‘કિંગફીશ’ મશીન પ્રૉડક્ટને કારણે નિકાસક્ષેત્રે ભારતનું અગ્રિમ નામ છે.

શ્રી લાખાભાઈ શિલ્પી આબેહૂબ મૂર્તિઓના સર્જક છે.

શ્રી કેશુભાઈ અરિસિંહ રાણા તેમજ શ્રી દેવજીભાઈ રાજા, શ્રી જિતેન્દ્ર સોઢા તથા શ્રી યોગેશ જોશી – અકાદમી પારિતોષિક વિજેતા ચિત્રકારો છે.

કુમારી સવિતાબહેન નાનજીભાઈ મહેતા – મણિપુરી નૃત્યના નિષ્ણાત – નૃત્યરત્નનો ઈલ્કાબ ધરાવે છે.

ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકારોશ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી રતીલાલ છાયા, શ્રી સુધાંશુ, શ્રી દેવજીભાઈ મોઢા, શ્રી ચંદ્રકાન્ત દત્તાણી, શ્રી નરોત્તમ પલાણ, શ્રી જ્યોતિબહેન થાનકી, શ્રી હરજીવન થાનકી, શ્રી જયંત મોઢા પણ પોરબંદરના જ છે. શ્રી ગોવિંદરાયજી બાવા તથા શ્રી રસિકરાયજી બાવા સંગીતના નિષ્ણાત છે.

પુરાતત્ત્વ સંશોધનમાં શ્રી મણીભાઈ વોરાનો ફાળો નોંધપાત્ર છે.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.