સ્વામી વિવેકાનંદજીએ પરિવ્રાજકરૂપે ભારતનું ભ્રમણ કર્યું હતું ત્યારે (ઇ.સ.૧૮૯૧-૯૨માં) તેઓ પોરબંદરમાં લગભગ ચાર માસ રહ્યા. જે ઐતિહાસિક બંગલામાં (ભોજેશ્વર બંગલામાં) તેમણે નિવાસ કર્યો, તેને ‘સ્વામી વિવેકાનંદ સ્મારક’ બનાવવા માટે ગુજરાત સરકારે ૧૨મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ, રામકૃષ્ણ મઠ અને મિશનને સોંપી દીધો છે, પોરબંદરના ઍડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિતે સ્વામી વિવેકાનંદજીને અતિથિરૂપે રાખ્યા, ‘અથર્વવેદ’નું ભાષાંતર કરવામાં તેમની સહાયતા લીધી, તેમને વિદેશ જવાની પ્રેરણા આપી અને ફ્રેંચ ભાષા શીખવાડી. તેમનાં પુત્રી પંડિતા ક્ષમા રાવ પોતાના પિતાની જેમ જ મહાન વિદુષી હતાં. તેમણે સંસ્કૃત ભાષામાં લખેલાં ૯ મહાકાવ્યો, ૫ નાટકો, ૭ નાટિકાઓ, અને ૩૫ વાર્તાઓ તેમની અદ્ભુત વિદ્વતાનો ખ્યાલ આપે છે. તેમણે પોતાના પિતાની જીવનકથા ‘શંકર જીવન આખ્યાનમ્’ નામના સંસ્કૃત પુસ્તકમાં લખી છે, જેના માટે તેમને ‘સાહિત્ય ચંદ્રિકા’ નામનું ટાઇટલ એનાયત થયું હતું. આ પુસ્તકના જે અંશોમાં સ્વામી વિવેકાનંદજી વિશે ઉલ્લેખ છે. તેનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. – સં

આમ, સિંચાઈની સારી સગવડ મળવાથી ખેડૂતોની સંપત્તિમાં વધારો થયો અને તેમણે પોતાની ઉપરનાં કરજ અને વ્યાજમાંથી છુટકારો મેળવ્યો.

જનતાના આરોગ્ય માટે કાળજી રાખતા શંકર પંડિતે પછી તરત જ જ્યાં જ્યાં જરૂર હતી ત્યાં ત્યાં રાજ્યના નજીકના તેમ જ દૂરના ભાગોમાં નિષ્કામભાવે સર્વ સાધનોથી સંપન્ન દવાખાનાં બંધાવ્યાં.

ત્યાર પછી મહિલાની કેળવણી માટે ખૂબ ઉત્સુક એવા તેમણે કન્યાઓ અને મહિલાઓ માટે બે શાળાઓ સ્થાપી.

વળી, લોકોના મનોરંજન માટે નગરનાં જુદાં જુદાં સ્થળોએ રમણીય ઉદ્યાનો અને વિહારસ્થાનોનું નિર્માણ કરાવ્યું.

ત્યારે લોકોના મનમાં એક વાતનો વસવસો હતો કે, ભલે આ રાજ્ય એક અગ્રગણ્ય રાજ્ય છે, તો પણ અહીં તાર ટેલિફોનની કશી સગવડ નથી.

એ જાણીને શંકર પંડિતે આ ખામી દૂર કરવાનો ત્વરિત નિર્ણય લીધો અને પોતાના રાજ્યમાં બધે સ્થળે તાર ઑફિસો શરૂ કરી દીધી.

આ રીતે રાજ્યહિતૈષી શંકર પંડિતે દરેક ક્ષેત્રમાં આવાં આવાં કેટલાંય ચિરસ્મરણીય લોકહિતનાં કાર્યો કર્યાં.

જ્યારે શંકર પંડિત અનેકાનેક સત્કાર્યોમાં રત રહેતા હતા ત્યારે તેમનાં દર્શન કરવા માટે હંમેશાં તેમના ‘ભોજેશ્વર’ નામના નિવાસસ્થાન પર વિદ્વાનો આવતા રહેતા.

અને કોઈ પણ સંસ્કૃતજ્ઞ વિદ્વાન તેમને ઘરેથી સારી રીતે માનપાન પામીને, આનંદિત મને તેમની ગુણગ્રાહકતાની પ્રશંસા કરતાં કરતાં જ પાછો વળતો.

તેમને ઘેર આવનારાઓમાં એક મહાન અતિથિ પણ હતા. અને એ હતા સુવિખ્યાત, સંસર્ગમાત્રથી પાવન કરનાર, મહાન યોગી સ્વામી વિવેકાનંદ!

આ યતિવર જ્યારે દ્વારકાનગરીથી પોતાના દેશ તરફ જઈ રહ્યા હતા ત્યારે નાવમાં બેઠા બેઠા તેમણે ‘ભોજેશ્વર’ મકાનની ટોચ નિહાળી.

‘આ શું છે?’ એમ તેમણે પૂછ્યું ત્યારે નૌકામાંના તેમના સાથીઓએ કહ્યું : ‘એ અહીંના સુવિખ્યાત શંકર પંડિતનું નિવાસસ્થાન છે.’

સાથીઓ પાસેથી શંકર પંડિતની વિદ્વત્તાનાં ભારે વખાણ સાંભળીને યોગીન્દ્ર સ્વામી વિવેકાનંદને શંકર પંડિતને મળવાનું મન થયું. મોતીની પરખ તો ઝવેરી જ કરી શકે ને?

પોતાની વિદ્યા અને તપઃ સમૃદ્ધિથી તેજસ્વી સ્વામી વિવેકાનંદે નાવ રોકી. અને એક વિદ્વજ્જન સાથેના સત્સંગનો વિચાર કરતાં કરતાં તેઓ આનંદપૂર્વક નીચે ઊતર્યા.

ઓચિંતાં જ ‘ભોજેશ્વર’માં પધારેલા આ અનન્ય અતિથિનું અતિથિવત્સલ શંકર પંડિતે ભક્તિપૂર્વક સ્વાગત કર્યું.

સ્નાન, પૂજા વગેરે કાર્યો પતાવ્યા પછી સ્વામીજીએ આરામ કર્યો. ત્યાર પછી શંકર પંડિત તેમને ભોજનખંડમાં લઈ ગયા. ભોજનખંડમાં સુગંધી ધૂપસળીઓ મહેકી રહી હતી. જ્યારે સ્વામીજી ભોજનખંડમાં પધાર્યા ત્યારે શંકર પંડિતના માધવ અને વામન નામના બંને પુત્રોએ હાથ જોડીને તે યતીન્દ્રની પૂજા કરી. પણ તેમની તારા, ક્ષમા અને ભ્રદ્રા નામની ત્રણ કન્યા તો તેમનાં દર્શનથી ચમત્કૃત થઈને શરમથી પોતાનાં મુખકમળોને નીચાં નમાવીને જ ઊભી રહી ગઈ! તેઓ કશું જ બોલ્યા વગર નીચે બેસી ગઈ. આ મુનીન્દ્રને વારંવાર વાતો કરતા રહેતા પેલા બે પુત્રો કરતાં આ બાલિકાઓ દ્વારા વધુ ખુશી ઉત્પન્ન થઈ.

ભોજન લીધા પછી બ્રહ્મત્તેજથી દીપતા સ્વામીજીને યજમાન શંકર પંડિતે ઘણી મનગમતી વાતોચીતોથી આનંદ આપ્યો.

બીજે દિવસે શંકર પંડિત સ્વામીજીને સાગર કાંઠે ફરવા લઈ ગયા. અને તેમને કેટલાંક દર્શનીય સ્થળ બતાવ્યા. શંકર પંડિતે શરૂ કરેલી વિવિધ સંસ્થાઓ જોઈને સ્વામીજી તેમના બુદ્ધિવૈભવથી વિસ્મિત થઈ ઊઠ્યા. પછી તેઓ સમુદ્રતટે આવ્યા. મંદ મંદ પવનથી વાતાવરણ મનોહર લાગતું હતું. ત્યાં તેમણે પાણીમાં તરી રહેલા બે કુમારો જોયા, કુમારો સાથે એમને તરવાનું શીખવનાર શિક્ષક પણ હતા. થોડે દૂર એક ધાત્રી – એકપાલી કુશળતાથી રેતીનું મંદિર બનાવી રહી હતી અને એ જોઈને ત્રણ બાલિકાઓ ખૂબ ખૂબ ખુશ થઈ રહી હતી. રેતીના બનાવેલા આ રમકડાંમંદિરની ચારે બાજુ આ બાલિકાઓ આનંદથી તાળીઓ પાડીને મધુર ગીતો ગાતી નાચી રહી હતી. તેમના એ અસ્પષ્ટ છતાં મધુર ઉત્તમ ગીત સાંભળીને મુનિવર પણ એ ક્રીડાગીતના નૃત્યમાં ભળીને નાચવા લાગ્યા. એક બાળકની પેઠે પોતાની રમતમાં ભળી ગયેલા આ યોગીને જોઈને બાળાઓ ખૂબ ખુશ થઈ ગઈ અને તેમણે તરત જ પોતાની રમતમાં તેમને ભાગીદાર બનાવી દીધા. પછી સ્વામીજીએ હસતાં હસતાં એ બાળાઓને પોતાના ખભા પર ઊંચકીને તરવાને બહાને પાણીમાં ડગ માંડ્યાં.

સ્વામીજી તો બધી વિદ્યાઓમાં પારંગત હતા. એટલે ત્યારથી માંડીને પછી શંકર પંડિતના બન્ને પુત્રોને તેમણે તરવાની કલાનાં બધાં રહસ્યો શીખવ્યાં.

એક વાર સાંજે શંકર પંડિતે અને સ્વામીજીએ ઘોડા પર સવાર થઈને લાંબો પંથ કાપ્યો અને જુદાં જુદાં ગામડાં નિહાળ્યાં.

સ્વામીજી પાકશાસ્ત્રમાં પણ પ્રવીણ હતા. એમણે ઉષાદેવીને ભાતભાતનાં શાક અને મસાલાઓ વિશેની કુશળતા શીખવી.

આ રીતે એ નગરમાં સ્વામીજી ચાર માસ રહ્યા. તે દરમિયાન તેમણે નગરને પાવન કર્યું. લોકોએ પણ એમનો ભાવભીનો સત્કાર કર્યો. ત્યાર બાદ મુનીન્દ્રએ સ્વદેશ પ્રતિ પ્રયાણ કર્યું.

‘શંકર જીવન આખ્યાનમ્’
(અધ્યાય ૧૬ : શ્લોકો ૧૮ થી ૪૯)

ભાષાંતર : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.