અમેરિકામાં નિવાસ કરતા ડૉ. દીપક ચોપરાનું પુસ્તક ‘The Seven Spiritual Laws of Success’ બહોળી પ્રસિદ્ધિ પામ્યું છે. ડૉ. દીપક ચૉપરાએ વર્ણવેલ આ નિયમો કાંઇ નવા નથી. ઉપનિષદ, ગીતા, તેમ જ શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યમાં જે અખૂટ ખજાનો છે તેનો અલ્પ અંશ જ અહીં આપવામાં આવેલ છે. તેમ છતાં આ પુસ્તકની લાખો પ્રતો ટૂંક સમયમાં દેશ-વિદેશમાં વેચાઇ ગઇ તે પુરવાર કરે છે કે આધુનિક માનવ હવે મનની શાંતિ માટે ભારતીય આધ્યાત્મિક સંપદાને ઝંખી રહ્યો છે. આ વાતથી વાચકોને માહિતગાર કરવા માટે આ પુસ્તકનો સારસંક્ષેપ પ્રસ્તુત છે. – સં.

વૈશ્વિક મન સુંદર, ચોક્કસ અને સ્થિર બુદ્ધિને ધારણ કરે છે. આવી સુવિકસિત બુદ્ધિ એ જ અંતિમ અને સર્વોચ્ચ છે જે અસ્તિત્વના સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ અણુઓ સુધી પ્રસરી શકે છે. અને તેથી જ તે જીવંત હોય છે, ચેતનાશીલ હોય છે. આવી બુદ્ધિ વડે પ્રત્યેક માનવ જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થઈ શકે છે. સંકલ્પબળ વડે ગમે તેવા પ્રચંડ ધ્યેયને પાર પાડી શકે છે, તેના માટેના સાત આધ્યાત્મિક નિયમો દીપક ચૉપરાએ તેમના પુસ્તક ‘The Seven Spiritual Laws of Success’ માં વર્ણવ્યા છે. જે નીચે મુજબ છે :

(1) The Law of Potentiality – શુદ્ધ ચૈતન્ય અને ઊર્જા અર્થાત્ શક્તિનો નિયમ

(2) To give and to take – આપીને પામવું

(3) The Law of Karma, Cause and Effect – કર્મ, કારણ અને અસરકારકતાનો નિયમ

(4) The Law of Least Effort – સ્વલ્પ પ્રયત્નો દ્વારા કાર્યસિદ્ધિ

(5) The Law of Desire and Intention – ઇચ્છા અને હેતુનો નિયમ

(6) The Law of Detachment – અનાસક્તિનો નિયમ

(7) The Law of ‘Dharma’ and Purpose – ધર્મ અથવા ધ્યેયનો નિયમ

શુદ્ધ ચૈતન્ય અને ઊર્જા : પ્રત્યેક સર્જનનો સ્રોત શુદ્ધ ચૈતન્ય હોય છે. આ શુદ્ધ ચેતના અપ્રગટ વસ્તુઓને પ્રગટ કરે છે. અને જ્યારે આપણે આપણા મૂળ સ્વરૂપને એક શુદ્ધ ચૈતન્યના સ્વરૂપે નિહાળીએ છીએ ત્યારે આપણે સમગ્ર બ્રહ્માંડમાં તે ચૈતન્યને કાર્ય કરતી જોઈએ છીએ, અને એટલે જ આપણાં કેન્દ્રો અને સંદર્ભો એ કોઈ બાહ્ય પરિબળો નહીં પરંતુ આંતરિક પરિબળો પર જ નિર્ભર હોવાં જોઈએ. જ્યારે તે બાહ્ય પરિબળો જેવા કે ધનસંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા કે પદ પર નિર્ભર હોય છે ત્યારે ક્યારેય શાશ્વત શાંતિની અનુભૂતિ થઈ શકતી નથી. માનવચિત્ત વ્યગ્ર બને છે. આ વ્યગ્રતા કાર્યશક્તિમાં અવરોધ પેદા કરે છે, જ્યારે સ્વસ્થચિત્ત કાર્યની ઝડપ અને વેગ વધારે છે. અપરિવર્તનશીલ, શાંત અને સ્થિર ચેતના સર્જકતાના પરિમાણ ખેડી આપે છે, જે દિવ્યતાની અનુભૂતિ કરાવે છે. રોજિંદા અને વાસ્તવિક જીવનમાં જે કાંઈ ઘટનાઓ બને તેના પ્રત્યે સાક્ષીભાવ જાગવાને કારણે આપણે કોઈ પણ ઘટનાઓ માટે જવાબદાર નથી રહેતા. અને તેથી નિર્ભિક અને પ્રસન્ન રહી શકાય છે.

આપીને પામો : સૃષ્ટિનો નિયમ છે એક હાથેથી આપી બીજા હાથે લેવું. ગુલાબ આપી ગુલાબ પ્રાપ્ત કરીશું. જે કાંઈ આપીએ છીએ તે બમણું થઈને મળે છે. આપવાથી ઘટતું નથી, વધે છે. આપવામાં જે પ્રસન્નતા છે તે મેળવવા કે આંચકવામાં નથી. પ્રેમ, સ્નેહ અને કાળજી જેવી ઉત્તમોત્તમ લાગણીઓ આપીને આપણે વધુ ઉદાત્ત બનીએ છીએ. એકાદ ફૂલ કે પુસ્તકની કે પછી એકાદ સારા વિચારની ભેટ મનુષ્ય-મનુષ્ય વચ્ચે આત્મીયતાનો સેતુ બનવાનું કામ કરે છે. પ્રાર્થના અને શુભેચ્છાથી આપણે આપણી આજુબાજુ પ્રભાવક અને વિધાયક વાતાવરણ ખડું કરી શકીએ છીએ. જીવનને સાચા અર્થમાં પામી શકીએ છીએ.

કર્મનો સિદ્ધાંત : કુદરતનો નિયમ છે ‘જેવું વાવીશું તેવું લણીશું! શુભકાર્યોનું ફળ શુભ હોય છે. અને અશુભ કાર્યનું ફળ અશુભ જ હોય છે. અર્થાત્‌ આપણા સુખ અને દુ:ખ એ આપણાં જ સારા અને નરસાં કર્મોનું પ્રતિબિંબ છે; એટલું જ નહીં કર્મ પાછળની ભાવના અને તેનો હેતુ. તપાસવામાં આવે છે. સારું કાર્ય પણ બદઈરાદાથી કરવામાં આવે તો તેનું ફળ સારું આવતું નથી. માનવે જાગૃત રહી તેના ઈરાદાઓ પર અંકુશ કેળવી કર્મ કરવાં જોઈએ.

સ્વલ્પ પ્રયત્નો દ્વારા કાર્યસિદ્ધિ : જ્યારે આપણે અરસપરસ સંવાદિતાથી કાર્ય કરીએ છીએ, પ્રેમ અને આનંદથી કોઈ કાર્ય કરીએ છીએ ત્યારે સ્વલ્પ પ્રયત્ને અથવા તો વિના પ્રયત્ને આપણે સફળતા અને સોનેરી ભાવિના હક્કદાર બનતા હોઈએ છીએ. કાર્ય જેટલું સહજ તેટલો તે વધુ આનંદ આપી શકે. જેમ કે માછલીનું વિના પ્રયોજને સરોવરમાં તરવું, ફૂલનું સહજ ભાવે ખીલવું, સૂર્યનું નિષ્પ્રયોજન ઊગવું.

કોઈપણ ઘટનાનો સાહજિકતાથી સ્વીકાર કરી લેવાથી આપણે તેના હાર્દને પિછાની શકીએ છીએ. તેને પૂર્ણપણે આત્મસાત્ કરી શકીએ છીએ, આ પૂર્ણતા અને નિઃશેષતા જ આનંદ આપવાને સમર્થ છે. જરા જેટલી ય અપૂર્ણતા કદી ય આનંદ ન આપી શકે. તેનાથી તો હર્ષ-શોક, સુખ-દુઃખના દ્વંદ્વમાં ભીંસાવું જ પડે. આ ભીંસ અને વ્યથાથી છૂટવા આપણે બીજાના પર દોષનો ટોપલો ઢોળી દેતા હોઈએ છીએ. એના બદલે સંજોગો અને પરિસ્થિતિને સ્વીકારી લેવાથી અન્યને દોષિત ઠરાવવાને કોઈ કારણ રહેતું નથી. અન્યને ખુલાસા આપવા પણ બંધાવું પડતું નથી. કેવળ સજાગતા, કેવળ જાગરુકતા જ આપણને સ્વ બચાવમાંથી મુક્તિ આપી શકે. અને આ મુક્તિ જ સાચો અને શ્રેષ્ઠ, શાશ્વત આનંદ છે.

ઇચ્છાઓ અને હેતુઓ : અનેક પ્રકારની ઇચ્છાઓ અને હેતુઓધી આપણું ચિત્ત ગ્રસ્ત હોય છે માટે શક્તિ બહારની મહત્ત્વાકાંક્ષાઓની પાછળ દોટ લગાવવાનું બંધ કરીને જે કાંઈ કાર્યો કરવાં ઉચિત અને જરૂરી હોય તે જ કરવાથી વ્યર્થ દોટ બંધ થઈ જશે. અહમ્ અને અપેક્ષાનો ત્યાગ જ સર્વ ઇચ્છાઓથી મુક્ત થવાનો રાજમાર્ગ છે. ભાવિની કલ્પનાઓ ઘડવાને બદલે વર્તમાનની પ્રત્યેક ક્ષણને પામવી અને જીવવી જોઈએ. વર્તમાન ક્ષણ પ્રત્યે સભાન બનવાથી કાર્યમાં કુશળતા આવશે. ‘યોગઃ કર્મસુ કૌશલમ્’ આ સભાનતા વડે કરાયેલું પ્રત્યેક કર્મ એ યોગ છે. આ યોગની ભૂમિકાએ પહોંચવાથી ચિત્ત આપોઆપ જ સ્વસ્થ અને પ્રસન્ન બને છે.

અનાસક્તિનો નિયમ : આસક્તિના વળગણમાંથી મુક્ત બનવા પર ભાર મૂકતાં ડૉ. ચૉપરા કહે છે આસક્તિના મૂળમાં ભય અને અસલામતી હોય છે. માનવ આ ભય અને અસલામતીની પીડામાંથી મુક્ત બનવા વધુને વધુ અર્થોપાર્જન કરે છે. પણ તે તેને કદી ય સાચી શાંતિ આપી શકે નહીં. સાચી શાંતિ તો નિર્ભય બનવાથી આવે છે. આ નિર્ભયતા અનાસક્તિ અને નિઃસ્પૃહીપણામાંથી પ્રાપ્ત થાય છે. આનિર્ણાયાત્મકતામાં જ કદાચ નિર્ણાયકતા અને સલામતી રહેલાં છે. પસંદગીરહિત અવસ્થા એટલે જ મૂળ અવસ્થા. આ મૂળ અવસ્થા જ શાશ્વત શાંતિનો સ્ત્રોત છે. જ્યાં અહંતા, મમતા કે આસક્તિ હોતાં નથી ત્યાં કેવળ પ્રેમ હોય છે. બસ આ ‘છે’ અથવા તો ‘હોવાપણું’ એ જ જીવન છે. આ જ મુક્તાવસ્થા છે, જે વાસ્તવિક જીવનમાં પણ સ્વાતંત્ર્યનો અનુભવ કરાવે છે. મૂળ અવસ્થાએ પહોંચતાં યથાર્થ પણ ખરી પડે છે. કેવળ સત્ય રહે છે. આ જ જીવનનું રહસ્ય છે.

ધર્મ અને ધ્યેયનો નિયમ : પોતાની પાસે જે કાંઈ શ્રેષ્ઠ છે તેને જગત સમક્ષ રજૂ કરવું તે ધર્મ છે. બુદ્ધિ અર્થાત્ ડહાપણ, જીવન જીવવાની કલા અને શક્તિ તે જ ધર્મ છે. ધર્મના કાયદાના મૂળમાં ત્રણ ઘટકો છે. પોતાની જાતને ઓળખવી તે સર્વ પ્રથમ ઘટક છે. ‘સ્વ’ને પિછાનો. આ ‘સ્વ’ એ જ ચેતના છે. દિવ્યતા છે. આ ચેતના અને દિવ્યતાને મૂર્ત સ્વરૂપ આપવું તે જ ધર્મ છે. બીજું ઘટક છે અસાધારણ પ્રતિભા. પ્રત્યેક માનવની અંદર એક વિશિષ્ટ શક્તિ છે, જે તેની પાસે જ છે. અન્ય પાસે નથી. આ અસાધારણતા માનવને સમયાતીત, કાળનિરપેક્ષ સ્થિતિની અનુભૂતિ કરાવે છે. પોતાની આ અસાધારણતાને સમજી તેના વડે કર્મો કરવાં તે જ માનવજીવનનું ધ્યેય હોવું ઘટે. આ કર્મો કાળનિરપેક્ષ હોવાથી બાંધતા નથી. બાંધતા ન હોવાથી અહંકારથી મુક્ત રહી શકાય છે. આ અહમ્ – શૂન્યતા એ ધર્મ છે. અને ત્રીજું ઘટક નિઃસ્વાર્થ સેવા. સમગ્ર માનવજાતને ચાહવી તે જ સૌથી મોટો ધર્મ છે. ‘મારા માટે શું’ કે પછી ‘મને શું મળશે’ તેવા પ્રશ્નો પૂછવાને બદલે ‘માનવજાતને હું કઈ રીતે ઉપયોગી બની શકું?’ તે પ્રમાણે વિચારવાથી મનુષ્ય સમગ્ર સૃષ્ટિને ચાહી શકે છે અને સેવા કરી શકે છે. આ ધર્મને પિછાની, સમજી અને જીવનમાં ધારણ કરવા માટેની આ ત્રણ શરતો છે :

(૧) હું મારી વધુ ને વધુ શ્રેષ્ઠતમ સ્થિતિને પામવા માગું છું જે અહંકારથી મુક્ત છે. આધ્યાત્મિક સ્પંદનોથી હું મારી જાતની શ્રેષ્ઠ ભૂમિકાએ પહોંચી શકીશ.

(૨) મારી અસાધારણતા, અને પ્રતિભાને શોધીને હું નિજાનંદમાં મસ્ત બનીશ. સુખ પોતાની અંદર ખોળવું તે જ સુખ પામવાનો સાચો માર્ગ છે.

(૩) માનવજાતને કઈ રીતે વધુ ને વધુ ઉપયોગી બની શકાય એ જ મારો પુરુષાર્થ હોવો જોઈએ.

આ સાત આધ્યાત્મિક નિયમોનુસાર ‘સ્વ’ને પિછાની, શુદ્ધ ચૈતન્યને જીવનમાં કાર્યરત કરવાથી જીવન આનંદનો સમુદ્ર બની લહેરાશે, પુષ્પ બની ખીલશે અને સુગંધ પ્રસરાવશે. અસ્તુ.

સંકલન : કાલિન્દી પરીખ

Total Views: 245

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.