અહીં આપેલા લેખમાં, ન્યુ જર્સીના મિ. એરિક્સન નિખાલસપણે અને ભાવપૂર્વક શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદના ઉપદેશમાંથી પોતાને પ્રાપ્ત થયેલા ઊંડા અંગત લાભ વર્ણવે છે. -સં.

જગતમાં એક જ્યોતિ છે. કેટલાક એને પાવક આત્મા (Holy spirit) કહે છે; કોઈ એને મા કહે છે, કોઈ તાઓ કહે છે. અર્વાચીન જીવનની યાંત્રિક વિભાવનામાંથી મુક્ત થવા એ શરણું છે. એ માર્ગદર્શક, શાતાદાયક અને જ્ઞાનનો સ્રોત છે. એ પ્રેમ. અસ્તિત્વ, ચેતના છે.

આ જગતમાં ઘણા લોકો પ્રકાશ માટે ઝંખે છે પણ, અર્વાચીન ઢબે શિક્ષણ પામેલા ઘણાઓ માટે પ્રકાશ લગભગ સંપૂર્ણપણે અપ્રાપ્ય છે. લાખો યુવા મન માટે દરવાજો જડબેસલાક બંધ છે. પ્રકાશ નિંદ્ય ગણાયો છે. એ અતાર્કિક છે, પુરવાર થયેલો નથી અને, સૌથી ખરાબ તો એ છે કે, એ અવૈજ્ઞાનિક છે. આખરે, જગત તો ઠંડી, પરલક્ષી, યાંત્રિક જગ્યા છે: મગજમાં થતી રાસાયણિક પ્રક્રિયાથી વિશેષ મન કશું નથી. આ વિભાવનામાં ચમત્કારની કે દિવ્યતાની કશી શક્યતા નથી અને, એશઆરામની બોજ તથા કંટાળાને દૂર કરવા સિવાય એમાં કશો અર્થ નથી.

‘શિક્ષિત’ હૃદયના સૂકા રણમાં ફરિયાદની ચીસ કોઈ વાર સંભળાય છે. જરખની રાતની લાળીની માફક એ ચીસના પડઘા આખી ભોમકામાં પડે છે. એ ચીસ સહાય માટેની છે, અર્થ માટેની છે, પ્રેમ માટેની છે. સદ્ભાગ્યે આપણી મા ખૂબ અનુકંપાવાન છે. જેમને લાગે છે કે પોતે પંથ ભૂલી ગયા છે અને કડે ચડી ગયા છે તેમને માટે માએ વધારે ભોમિયાઓ રાખ્યા છે. શ્રેષ્ઠ ભોમિયો આપણાં હૃદયોમાં જ વિરાજે છે. પણ આજની દુનિયામાં કોણ એને ત્યાં ઢૂંઢશે? ઉત્તરો બહારથી શોધવાની તાલીમ જ આપણને મળેલી છે અને આપણા કાન અંતરના અવાજ માટે બહેરા છે. સદ્ભાગ્યે માએ આપણને ફરી એક વાર પણ સાચવી લીધા છે.

લાગણીપ્રધાન સ્વભાવવાળાઓ માટે નેતાઓ અને ગુરુઓનો તોટો નથી, રહસ્યના મનોવલણવાળા લોકો માટે ધ્યાન રીતિઓ અને ધ્યાન કરવા માટેનાં કોવાનો (ઝેન માર્ગ અનુસારના કોયડાઓ) છે. પરંતુ તર્કપ્રધાન મનવાળા લોકો માટે, વૈજ્ઞાનિક શિક્ષણની ખાડમાં પડેલાઓ માટે શી આશા છે?

એમને આપી શકાય તેવી એક જ વસ્તુ, કદાચ મારો સ્વાનુભવ જ, છે. દસેક વર્ષ પૂર્વે આવી એક ‘શિક્ષણ ખાડ’માં મને પડેલો મેં ભાળ્યો. એની કેટલાંક વર્ષો અગાઉ મેં કૅલિફોર્નિયા ઈન્સ્ટીટયુટ ઓફ ટૅક્નૉલૉજીમાંથી મારી તાલીમ પૂરી કરી હતી. પણ મારું ચિત્ત અશાંત હતું અને જીવનના કોઈ ઊંડેરા અર્થની ખોજમાં હતું માનવ વર્તન અને જ્ઞાનના એક રસિક અભિગમ તરફ મારી ખોજ અને મારો પ્રજ્ઞાવાદ મને લઈ ગયાં. એ અભિગમ યંત્રવાદી અને ચમત્કારી હતો. માનવ વર્તન ખૂબ યાંત્રિક લાગતું તેમ જ, બધા માનસિક વ્યાપારો પણ તેવા જ લાગતા પણ, ઈંદ્રિય સંવેદનની મૂળભૂત હકીકતને માટે બધી વસ્તુઓ અદ્ભુત રીતે અને અ-વિભાવનાત્મક રીતે સ્વયં ભાતવાળી હોવાની આવશ્યકતા હતી. તાર્કિક દલીલોની હારમાળની દોરવણીથી મને દૃઢપણે લાગ્યું કે, કઈ દરેક વસ્તુ મન છે અને, મનમાં છે તે બાબતો અગત્યની નથી પણ, જે મનમાં અને જે મન વડે એ વસ્તુઓ દેખાય છે તેવે સમયે અગત્યનું છે. મને આ જ્ઞાનની ઝાંખી થઈ તેને, મારા સમગ્ર ચેતના ક્ષેત્ર સાથે તાદાત્મ્યનો મને ક્ષણિક અનુભવ થયો, ખરે જ એ વિશુદ્ધ અનુભૂતિ હતી પણ, આવા સાથાત્કાર પછી માણસ શું કરે? પછી શું?

સદ્ભાગ્યે એક ગુરુ મળ્યા. હું એક ‘ન્યુ એય્‌જ સૅંટર’માં જઈ ચઢયો; ત્યાં ધ્યાનના વર્ગો ચાલતા હતા અને ત્યાંના એક શિક્ષકે મને સ્વામી વિવેકાનંદનાં લખાણોનો પરિચય કરાવ્યો. મારી ગધ્ધાપચ્ચીસીમાં જે દરવાજો મેં જડબેસલાક બંધ રાખ્યો હતો તે સ્વામીજીની સમર્થ મેધાએ અને પ્રેરક શબ્દોએ ઉઘાડી આપ્યો. મને જેની જરૂર હતી તે ગુરુ મને સ્વામીજીમાં સાંપડ્યા.

આજની દુનિયાના બૌદ્ધિક વિચારકો તેમના શિક્ષણની અને જાગતિક દૃષ્ટિબિંદુની ઊણપો પ્રગટ થાય તે માટે, બૌદ્ધિક દલીલો માગે છે. જે જોવાની અને ન જોવાની તાલીમ એમને મળી છે તે વિશે શંકા કરવા અને, તેમની આંખો આડેનાં પડળ, ભલે ક્ષણવાર માટે, ખસેડવાનું કામ વિવેકાનંદ જેવી વિરાટ વિભૂતિ જ કરી શકે છે. સો વર્ષના ગાળા પછીયે, રણ જેવી ઊખડ ભૂમિમાં સ્વામી વિવેકાનંદ બીજ વાવી રહ્યા છે અને, એ હૃદયોમાં રણ કુસુમો ખીલી રહ્યાં છે અને રણને લીલાછમ બનાવી રહ્યાં છે. સ્વામીજીએ પશ્ચિમને આપેલા બોધના વકતૃત્વની અને અસરકારકતાની તોલે આવી શકે એવા ગુરુઓ ભાગ્યે જ જોવા મળે છે. માના ભોમિયાની એ અનન્ય અને મૂલ્યવાન જાતને મૂર્તિમંત કરે છે.

શિક્ષિત કહેવાતા આત્માનાં પડળો સ્વામી વિવેકાનંદે ભેદ્યાં પછી જ, શ્રીરામકૃષ્ણની ખુદની પ્રભા નિરખવા આવો આત્મા ભાગ્યશાળી બને છે. તે પહેલાં, અવતારના ખ્યાલની કલ્પના પણ એને કેમ આવી શકે? પૂરા સૈકાનો ગાળો ભેદીને, આજે સુપ્રાપ્ય થાય એટલી તાજગી અને હૂંફ આપતો શ્રીરામકૃષ્ણનો સંદેશ આવે છે. માની શક્તિ દ્વારા પશ્ચિમ અને ભારત વચ્ચેના સ્થલકાલને ભેદી શ્રીરામકૃષ્ણ આપણી સમક્ષ બોલે છે :

ઉદાહરણ તરીકે, આ લેખ લખવા માટે માર્ગદર્શન માટે મેં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ખોલ્યું તો, નીચેનો ખંડ સામે આવ્યો;

ઠાકુર (વિજયને) : “ધર્મગુરુનું કાર્ય ખરે જ ખૂબ કઠિન છે. ઈશ્વરના સીધા આદેશ વિના લોકોને ઉપદેશ આપી શકાય નહીં. આવા અધિકાર વિના લોક તમને સાંભળશે નહીં. આવા બોધ પાછળ કોઈ શક્તિ નહીં હોય. આધ્યાત્મિક સાધના દ્વારા કે, બીજા માર્ગો, દ્વારા, પ્રથમ આપણે ઈશ્વર પ્રાપ્તિ કરવી જોઈએ. ઈશ્વર પાસેથી આવો અધિકાર મેળવ્યા પછી, વ્યાખ્યાનો આપી શકાય…. સંસારના બંધનમાંથી એક વ્યક્તિ બીજીને મુક્ત કરી શકે જ કેવી રીતે? જેની ભુવનમોહિની માયા છે તે ઈશ્વર જ મનુષ્યોને માયાથી બચાવી શકે. એ મહાગુરુ સચ્ચિદાનંદ સિવાય બીજો કશો આશરો નથી. જે લોકોને ઈશ્વરનો આદેશ મળ્યો નથી, જેમણે ઈશ્વર સાક્ષાત્કાર કર્યો નથી અને જેમની પાસે દિવ્ય શક્તિનું બળ નથી તે, આ સંસારની કેદમાંથી બીજાંઓને કેવી રીતે બચાવી શકે?

એક દહાડો હું પંચવટીથી ઝાઉતળા તરફ જતો હતો ત્યારે, એક મોટા દેડકાને અવાજ કરતો સાંભળ્યો. મને લાગ્યું કે તેને એક સાપે પકડ્યો છે. થોડી વાર પછી હું પાછો વળતો હતો ત્યારે પણ પેલા દેડકાનો ભયથી પીડાનો અવાજ આવતો હતો. શું છે એ જોવા મેં નજર કરી તો એક ડેંડાએ તેને પકડ્યો છે. એ નથી તો એને ગળી શકતો કે નથી એને છોડી શકતો, એટલે દેડકાની પીડાનો પાર નથી. મને થયું કે એને મોટા ભોરિંગે પકડ્યો હોત તો બહુ તો ત્રણ ડ્રાંઉમાં એ મૂંગો થઈ ગયો હોત. પણ એ ડેંડો હતો એટલે બંનેને પીડા હતી. માણસ સદ્‌ગુરુને પનારે પડે તો, માણસનો અહંકાર ત્રણ ડ્રાંઉંમાં નીકળી જાય. પણ ગુરુ કાચો હોય તો, ગુરુ અને શિષ્ય બંને અનંત ત્રાસ ભોગવે. શિષ્ય પોતાનો અહંકાર છાંડી શકે નહીં કે, સંસારનાં બંધન કાપી શકે નહીં. કાચા ગુરુના સકંજામાં પડેલો શિષ્ય મોક્ષ મેળવી શકે નહીં.”

વિજ્ઞાન કહેશે કે તેઓ આપણી વચ્ચે નથી; તેવી વિભૂતિનો આટલો તાજગીભર્યો અને અર્થસભર બોધ! શિવની માફક, શ્રીરામકૃષ્ણમાં પણ ભોરિંગ હતો જ.

શ્રીરામકૃષ્ણ મિશનની શતાબ્દીના મંગલ પ્રસંગે મારો અંગત અનુભવ કહેવા અને અનુગ્રહ વ્યક્ત કરવા સિવાય બીજું વિશેષ મારાથી ભાગ્યે જ કશું થઈ શકે. એ અનુગ્રહ શ્રીરામકૃષ્ણનો છે, સ્વામી વિવેકાનંદનો છે અને, એમના સંદેશને જીવંત રાખનાર અનેક સંન્યાસીઓ અને સાધકોનો છે. અંતમાં આપણે માનું ઋણ અદા કરીએ; એણે જ તો આ બધા પથદર્શકો પૂરા પાડ્યા છે અને બધું શક્ય બનાવ્યું છે. આભાર, મા. બધાં વ્યથિત ચિત્તને તમારી શાંતિ લાધો. શાંતિ

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા
‘પ્રબુદ્ધ ભારત’ જાન્યુ’૯૭ માંથી સાભાર

સંદર્ભ :

૧. ધ ગૉસ્પેલ ઑફ શ્રીરામકૃષ્ણ, અનુ. સ્વામી નિખિલાનંદ, (ન્યૂયોર્ક, રામકૃષ્ણ-વિવેકાનંદ સૅંટર, (૧૯૪૨), પૂ. ૨૨૫-૬)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.