સુપ્રસિદ્ધ રશિયન ચિત્રકાર પ્રો. રોરીચ શ્રીરામકૃષ્ણદેવને એક વિશાળ વટવૃક્ષની સાથે સરખાવે છે, જેની છાયાતળે સમસ્ત માનવજાત નાત, જાત, ધર્મના ભેદભાવ વગર શાંતિ પ્રાપ્ત કરી શકે. – સં.

અમે મોંગોલિયાના રણમાં છીએ. ગઈ કાલનો દિવસ ગરમ અને ધૂળિયો હતો. દૂરથી મેઘગર્જના જેવો ગડગડાટ આવી રહ્યો હતો. પવિત્ર પર્વત ‘શિરત ઓબો’ પર ચઢવાને કારણે અમારા અમુક મિત્રો થાકી ગયા હતા. મથક પર પાછા ફરતાં અમે દૂર એક ‘કારાગાચ’ એલ્મ વૃક્ષને જોયું. તે વૃક્ષ રણપ્રદેશમાં એકલું હતું. વૃક્ષના કદ અને તેની પરિચિત રૂપરેખાએ અમને તેના છાયામાં જવા માટે આકર્ષણ પૂરું પાડ્યું. વનસ્પતિશાસ્ત્રની ધારણા પ્રમાણે અમે ધાર્યું કે તે વિશાળ વૃક્ષની છાયામાં અમુક રસપ્રદ છોડ હોવા જોઈએ. બધા સાથીઓ એ વિશાળ વૃક્ષની બે મોટી શાખાઓ પાસે એકઠા થયા. એ વૃક્ષનો પડછાયો પચાસ ફૂટથી વધુ જગ્યાને આવરી લેતો હતો. તે વૃક્ષના પ્રચુર પાંદડામાં પક્ષીઓ ગાતાં હતાં અને તેની શાખાઓ ચારે બાજુ પથરાયેલી હતી. જાણે કે બધા યાત્રિકોને આશરો આપવા ઈચ્છા રાખતી હોય.

વૃક્ષના મૂળ પાસે, રેતી ઉપર, પ્રાણીઓએ પાડેલા લિસોટા જોઈ શકાતા હતા. વરુના પગની છાપ પાસે, સ્થાનિક ખચ્ચર જેવા પ્રાણીની ખરીની નિશાનીઓ હતી. એક ઘોડો પણ અહીંથી પસાર થયો હતો, અને તેની બાજુમાં બળદના પગની નિશાની હતી. બધા પ્રકારના પક્ષીઓ ત્યાં હતાં. બધા સ્થાનિક માણસો આ મહાકાય વૃક્ષની છાયામાં આશરો લેતા. આ એલ્મ-કારાગાચ વૃક્ષ જોઈને અમને ભારતના વિશાળકાય વડનાં વૃક્ષોની યાદ આવતી હતી. આવાં વૃક્ષની નીચે શાંતિ માટે માણસો એકઠા થતા. ઘણા મુસાફરો આવા વૃક્ષોની નીચે શારીરિક અને અધ્યાત્મિક શાંતિ મેળવતા. વડનાં વૃક્ષની નીચે પવિત્ર કથાઓનું ગાન કરવામાં આવતું, અને તેથી મોંગોલિયાના રણપ્રદેશમાં આવેલા આ વિશાળ કાય એકલા “કારાગાચ” વૃક્ષે અમને વડના વૃક્ષની છાયાની સ્મૃતિ તાજી કરાવી. આ “કારાગાચ’ વૃક્ષની વિશાળ શાખાઓએ અમને ભારતની બીજી મહાન સિદ્ધિઓની પણ યાદ તાજી કરાવી ભારતનો વિચાર કરતાં કેવો આનંદ!

ભારતની મહાન તેજસ્વી વિભૂતિ શ્રીરામકૃષ્ણ તરફ વિચારો વળ્યા. આ તેજસ્વી નામની આજુબાજુ ઘણી માનસભર વ્યાખ્યાઓ છે. શ્રી ભગવાન, પરમહંસ, બધી શ્રેષ્ઠ અંજલિઓ કે જેના દ્વારા લોકો પોતાનો પૂજ્યભાવ વ્યક્ત કરવા ઈચ્છે છે. રાષ્ટ્રની ચેતના એ જાણે છે કે કેવી રીતે માનસભર નામોનો ઉપયોગ કરવો. અને અંતે બધી પદવીઓથી શ્રેષ્ઠ સમગ્ર વિશ્વમાં એક નામ રહે છે – શ્રીરામકૃષ્ણ. એક અંગત નામ એક મહાન વૈશ્વિક ખ્યાલમાં બદલી ગયું છે. આ શુભ નામ કોણે નથી સાંભળ્યું? ભલમનસાઈ અને પરોપકારવૃત્તિનો ખ્યાલ એમના વ્યક્તિત્વ માટે શોભાસ્પદ છે, લાગણીહીન માણસો સિવાય કોણ ‘શુભ’નો વિરોધ કરે?

અમે યાદ કરીએ છીએ કે કેવી રીતે વિશ્વના ઘણા દેશોમાં શ્રીરામકૃષ્ણના ઉપદેશ વિશેની સમજણ વધી છે. ધિક્કારના શરમજનક શબ્દોની પેલે પાર – અરસપરસના વિનાશના અનિષ્ટની પેલે પાર પરમ સુખનો શબ્દ કે જે દરેક માણસના હૃદયની ખૂબ જ નજીક છે, વડના વૃક્ષની મોટી શાખાઓની જેમ ચારે બાજુ ફેલાય જાય છે. માણસની શોધના માર્ગ પર આ પ્રેમ અને લાગણીના શબ્દો પ્રકાશના કિરણોની જેમ ચળકતા હતા. અમે પોતે જોયું અને ઘણી વખત સાંભળ્યું છે કે કેવી અણધારી રીતે સાચા સાધકોને શ્રીરામકૃષ્ણના ઉપદેશનાં પુસ્તકો મળ્યાં. અમને પોતાને પણ ખૂબ જ અસામાન્ય રીતે પુસ્તક મળ્યું.

પરમ કૃપાળુ ભગવાનની યાદમાં લાખો યાત્રિકો એ યાદગાર દિવસે એકઠા મળે છે. હૃદયની લાગણીથી પ્રેરાઈને તેઓ મળે છે અને સુખદાયી નામનું સ્મરણ કરીને ફરી શક્તિ મેળવે છે. શું લોકોના અવાજની આ શ્રેષ્ઠ અભિવ્યક્તિ નથી? આ રાષ્ટ્રનો ચુકાદો છે, લોકોનો પૂજ્યભાવ છે, કે જેની ફરજ ન પાડી શકાય કે હુકમ ન કરી શકાય. અદ્ભુત પ્રકાશની જેમ એકમાંથી બીજામાં ફેલાય છે અને એક અખૂટ જ્યોત બનાવે છે, તેથી આ રાષ્ટ્રીય પૂજ્યભાવ ઓછો નથી થતો, પરંતુ વર્તમાન વિશ્વની ધાંધલમાં ચારે બાજુ ફેલાય છે.

અત્યારે લોકો ઘણા સંકટોની પકડમાં છે. એવું બની શકે કે લોકોની ચેતના વ્યાકુળતા અનુભવે અને આધ્યાત્મિક સત્યોથી તેઓને વિચલિત કરે. અત્યારે લોકો દુઃખ વ્યક્ત કરે છે કે આધ્યાત્મિક પાયો ભાંગી ગયો છે પરંતુ લાખો યાત્રિકો પોતાની સ્વેચ્છાએ અહીં એકઠા થયા છે, અને તે જ હકીકત શ્રેષ્ઠ સાબિતી છે કે આજની વ્યાકુળતાથી પર લોકોના હૃદયમાં એક આધ્યાત્મિકતા છે અને શુભતત્ત્વને પામવા પ્રયત્ન કરે છે. અમે આશાવાદીઓ છીએ અને સદ્ભાવનાથી અડચણો પર વિજય મેળવીએ છીએ.

જુઓ, અસહ્ય ગરમીના દિવસે, અંતરથી ગભરાયા વિના શ્રીરામકૃષ્ણ પ્રત્યે પૂજ્યભાવ વ્યક્ત કરવા માટે યાત્રિકો ઉતાવળ કરી રહ્યા છે. આ શું અદ્વિતીય પ્રસંગ નથી? એમની સરકારી ફરજને કારણે આ વિધવિધ મુસાફરો અહીં એકઠા થયા નથી. શુદ્ધ હૃદય અને પ્રમાણિક પ્રયત્ન તેઓને એ સ્થળોએ લઈ જાય છે કે જે શ્રીરામકૃષ્ણના નામથી પવિત્ર થયા છે. આવો આધ્યાત્મિક મેળાવડો આપણા સમયમાં એક સૌથી મૂલ્યવાન સાબિતી છે. એ અદ્ભુત બાબત છે કે સખત શ્રમની વચ્ચે શંકાઓની વચ્ચે, ઉદાસીનતાની વચ્ચે, કૃતજ્ઞતા અને પૂજ્યભાવની જ્યોતથી માનવ ચેતનાને જગાડી શકાય છે. તેઓના હૃદયનો ભાવ તેઓને નજીક લાવે છે. તેઓ વિનાશ માટે, ઝઘડા માટે કે અપમાન કરવા માટે એકઠા થતા નથી, પરંતુ શુભ તત્ત્વના ચિંતન માટે એકઠા થાય છે.

સંયુક્ત સારા વિચારમાં મોટી શક્તિ રહેલી છે. માનવજાતે આવા સૂક્ષ્મ આવિર્ભાવનું મૂલ્ય સમજવું જોઈએ, કારણ કે તે એકતા લાવનાર અને સર્જનાત્મક વિચારોનું મૂળ છે. શુભનો વિચાર સર્જનાત્મક છે. શુભ કદી વિનાશ નથી કરતું, તે ઉન્નતિ અને સર્જન કરે છે. સર્જનાત્મક શુભ માટેનો કૃપાળુ ભગવાનનો આદેશ કાયમ માટે માનવજાતનો આધ્યાત્મિક વારસો રહેશે.

અંધકારના સમય દરમિયાન પ્રકાશનું ખાસ મૂલ્ય છે. પ્રકાશનું અનંતકાળ સુધી જતન થવા દો! શુભ વિશેની તેઓની બોધવાર્તામાં, શ્રીરામકૃષ્ણે કોઈની પ્રતિષ્ઠા ઘટાડી નથી, પરંતુ પોતાનાં કાર્યોમાં તેઓ હલકો વર્તાવ ચલાવી લેતા નહિ. બધા ધર્મો પ્રત્યે તેઓનું પૂજ્યભાવયુક્ત વલણ આપણે યાદ રાખવું જોઈએ. આવી વિશાળ સમજણ પથ્થર જેવા દિલને પણ પીગળાવશે. તેઓના વિશાળ દૃષ્ટિકોણમાં કૃપાળુ ભગવાન (શ્રીરામકૃષ્ણ) સ્પષ્ટ વાસ્તવિક જ્ઞાન ધરાવતા હતા. તેઓની સાજા કરવાની શક્તિ (Power of healing) તેઓ મુક્ત રીતે આપતા. કંઈ પણ ઉપયોગી તેઓ કદી છુપાવતા નહિ. લોકો પર કૃપા વરસાવીને તેઓએ પોતાની શક્તિ ખરચી નાખી હતી. બીજાઓને સાજા કરવામાં તેઓ પોતાની આધ્યાત્મિક શક્તિ સતત ખરચી નાખતા હતા અને તેથી જ તેઓ બીમારી ભોગવતા હતા. આ ઉદારલક્ષીઓમાં શ્રીરામકૃષ્ણે પોતાની મહાનતા પ્રગટ કરી હતી.

વિશ્વના બધા ભાગોમાં શ્રીરામકૃષ્ણનું નામ પૂજ્યભાવથી લેવાય છે. સ્વામી વિવેકાનંદ પ્રત્યે એવો જ પૂજ્યભાવ વ્યક્ત કરવામાં આવે છે. સ્વામીજી સાચા શિષ્ય તત્ત્વનું પ્રતીક હતા. ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના ઇતિહાસમાં શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને બીજા ઘણા તેઓના તેજસ્વી અનુયાયીઓની ખાસ નોંધ લેવાય છે. ચિંતનની આશ્ચર્યજનક ગહનતા તે ભારતની લાક્ષણિકતા છે. ગુરુ-શિષ્ય સંબંધનો સુંદર આવિર્ભાવ સમગ્ર વિશ્વને પાયાના આદર્શોની યાદ કરાવે છે. યુગો પસાર થઈ જાય છે. સંસ્કૃતિઓ બદલી જાય છે, પરંતુ ગુરુ શિષ્યનો પવિત્ર સંબંધ જેમનો તેમ જળવાઈ રહે છે, કે જે અનાદિકાળથી ભારતમાં પ્રસ્થાપિત થયો હતો. યુગો પહેલાં જ્ઞાનના શબ્દોની ભારતમાં નોંધ લેવામાં આવી હતી. અને મૌખિક પ્રેષણ દ્વારા હજારો વર્ષો સુધી તે જ્ઞાનનું જતન કરવામાં આવ્યું હતું. લેખિત નોંધ કરતા મૌખિક પ્રેષણ દ્વારા એ જ્ઞાન વધુ સલામત હતું. સાચો અર્થ જાળવવાની શક્તિનો આધાર એક વિકસિત જ્ઞાનયુક્ત ચેતના પર છે, અને તેજસ્વી ભવિષ્ય માટે ભૂતકાળનું જ્ઞાન તે ચેતનામાં સમાયેલું છે.

શુભના ઉપદેશનું શાશ્વત મૂલ્ય છે અને શ્રીરામકૃષ્ણે તે સ્વીકાર્યું છે. આપણા સમયમાં પણ એ ઉપદેશની ઉપયોગિતા વિશે કોઈ શંકા નથી. ખોટાં અર્થઘટન દ્વારા જ્યારે આધ્યાત્મિકતાને નકારવામાં આવે છે ત્યારે તેની સ્પષ્ટ રચનાત્મક સ્વીકૃતિ ખાસ કરીને મૂલ્યવાન બને છે. આપણે એ યાદ રાખવાનું છે કે કેટલાં શહેરોમાં રામકૃષ્ણ મિશનની શાખાઓ છે. આ શાંત વિચાર પ્રેરે તેવાં સંમેલનોમાં કોઇ અસ્વાભાવિક માનસિક નબળાઇ કે પૂર્વ યોજના નથી હોતી. દરેક વસ્તુનો સ્વસ્થતાથી ગૂઢ અનુભવ થાય

શુભના વિચારોનો શ્રીરામકૃષ્ણે ઉપદેશ આપ્યો અને તે ઉપદેશે માનવ વ્યક્તિત્વના શ્રેષ્ઠ પાસાને જાગ્રત કરવું જોઈએ. નકારાત્મક વલણ ધરાવનારાઓ અને વિનાશની વિરુદ્ધ શ્રીરામકૃષ્ણે ઉપદેશ આપ્યો. દરેક રીતે શ્રીરામકૃષ્ણ શુભના ઘડવૈયા હતા, અને તેઓના પ્રશંસકોએ તેઓના ઉપદેશ પ્રમાણે પોતાના હૃદયની શ્રેષ્ઠતમ સંવેદનાઓને બહાર લાવવી જોઈએ. આવી ઉપકારક સર્જનશક્તિ ખૂબ સક્રિય છે. જીવનના બધા ક્ષેત્રોની શ્રેષ્ઠ સિદ્ધિઓમાં તે સર્જનશક્તિનું રૂપાંતર થાય છે. શ્રીરામકૃષ્ણની સંવત્સરીના યાદગાર દિવસે અહીં એકઠા થવા, યાત્રિકો રસ્તા પરની ધૂળનો ડર રાખતા નથી કે થકવી નાખે તેવી ગરમીનો પણ ભય રાખતા નથી. પરંતુ તેઓ શુભ તરફના પ્રયાણની ભાવનાથી ભરેલા છે. માનવજાતની સેવાની ઝંખના રાખે છે. માનવ સેવા – શ્રીરામકૃષ્ણનો આ મહાન ઉપદેશ છે.

ગુરુને પ્રણામ!

“હું એક નાના હિન્દુ બાળકને યાદ કરું છું કે જેણે પોતાના ગુરુ શોધી લીધા હતા. અમે તે બાળકને પૂછ્યું ‘એ શક્ય છે કે સૂર્ય તને પ્રકાશ આપશે, જો તું તારા ગુરુવિના સૂર્યને જો તો?’

“બાળક હસ્યો ‘સૂર્ય તો સૂર્ય જ રહેશે, પરંતુ ગુરુની હાજરીમાં બાર સૂર્યો મને પ્રકાશ આપશે!”

“ભારતના જ્ઞાનનો સૂર્ય પ્રકાશ આપશે જ કારણ કે નદીના કિનારે એક બાળક બેઠો છે કે જે ગુરુને જાણે છે.”

ભાષાંતર : શ્રી સી.એમ.દવે

(‘પ્રબુદ્ધભારત’, ફેબ્રુઆરી ૧૯૩૬માંથી)

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.