શ્રી એકનાથજી રાનાડે દ્વારા સ્થાપિત વિવેકાનંદ કેન્દ્ર દ્વારા કન્યાકુમારી તેમ જ દેશના વિભિન્ન ભાગોમાં જે વિવિધ સેવાપ્રવૃત્તિઓ ચાલે છે તેની ઝલક અહીં આપેલ છે. – સં.

વિવેકાનંદ કેન્દ્ર-પરિચય

સન ૧૯૬૩-૬૪નું વર્ષ આખા દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ શતાબ્દીના રૂપમાં ઉજવાયું હતું. આ અવસરે સ્થપાયેલી ‘વિવેકાનંદ શિલા સ્મારક સમિતિ’ એ કન્યાકુમારીમાં સમુદ્ર જલસ્થિત શિલા પર જ્યાં ધ્યાન લગાવ્યા પછી ‘માનવતાની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે.’ આ મહાન સત્યની સ્વામીજીને પ્રાપ્તિ થઈ હતી. ત્યાં એક ભવ્ય શિલા સ્મારક નિર્માણ કરવાની યોજના બનાવી. સ્મારકની સ્થાપના બાદ સેવાના સંદેશને વ્યાવહારિક રૂપ માટે ‘વિવેકાનંદ કેન્દ્ર’ની સ્થાપના થઈ.

કેન્દ્રનો મુખ્ય હેતુ ‘માનવ ઘડતર અને રાષ્ટ્રનું નવનિર્માણ’ તથા ‘ત્યાગ અને સેવા’ના માધ્યમથી ‘માનવસેવા એ જ ઈશ્વર સેવા છે’ ને ચરિતાર્થ કરવાનો છે. આધુનિક વિચારધારા પ્રમાણે સ્વામીજીના વિચારો અને હેતુને સાકાર કરવાનો સંપૂર્ણ યશ કેન્દ્રના સંસ્થાપક સ્વર્ગસ્થ શ્રી એકનાથજી રાનડેના દૂરંદેશી અને ગતિશીલ નેતૃત્ત્વને જાય છે

જીવનવ્રતી કાર્યકર્તાઓની શૃંખલા

ધ્યેયનિષ્ઠ જીવનવ્રતી કાર્યકર્તાઓની એક પરંપરાના નિર્માણની અંતર્ગત એક એવી શૃંખલાનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં સમર્પિત, નિષ્ઠાવાન અને પ્રતિભા-સંપન્ન જીવનવ્રતધારી સ્ત્રી અને પુરુષની પસંદગી કરવામાં આવે છે.

આ કાર્યકર્તાઓ સંન્યાસેતર પરંપરામાં રહીને આજીવન સેવાનું વ્રત ધારણ કરે છે. શરૂઆતમાં પાંચ વર્ષનું પ્રશિક્ષણ લઈને દેશના આર્થિક દૃષ્ટિથી અવિકસિત તથા દૂર દૂરના વનવાસી વિસ્તારોમાં જનહિતના કાર્યક્રમોના સંચાલન માટે મોકલવામાં આવે છે. પસંદગી વખતે કાર્યકર્તા માટે એ જરૂરી છે કે તે સ્નાતક હોય અને એની ઉંમર ૩૦ વર્ષથી ઓછી તથા અવિવાહિત, તંદુરસ્ત, કૌટુંબિક અને આર્થિક જવાબદારીઓથી સંપૂર્ણ મુક્ત હોય, એમને ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી સંગઠનમાં કાર્ય કરવાનો સંકલ્પ કરવાનો રહેશે. આવા કાર્યકર્તાઓના સમગ્ર સાદગીપૂર્ણ જીવનવ્યવહાર તથા આજીવિકાની જવાબદારી વિવેકાનંદ કેન્દ્ર લેશે.

કેન્દ્ર એવા સ્ત્રી પુરુષોનું પણ સ્વાગત કરે છે જેમણે પોતાની નોકરી અથવા વ્યવસાય અવધિ પહેલાં અને સામાન્ય કૌટુંબિક જીવન છોડી, જીવન સમાજના નવનિર્માણમાં અર્પણ કરવા ચાહતા હોય.

કેન્દ્રની મુખ્ય પાંચ યોજનાઓ

શિક્ષણનો ફેલાવો

સ્વામી વિવેકાનંદના મતાનુસાર ‘જ્ઞાન મનુષ્યમાં સ્વાભાવિક છે. કોઈ પણ જ્ઞાન બહારથી નથી આવતું બધું જ્ઞાન અંદર જ છે. બહારનો શિક્ષક એને પ્રગટ કરવામાં માત્ર સહાયક છે.’ આ વાક્યોને ધ્યાનમાં લઈને ‘સર્વાંગીણ વ્યક્તિત્વ વિકાસ’ના શિક્ષણમાં આસ્થા છે, વિશ્વાસ છે.

ભારતીય સમાજની અનેક સમસ્યાઓનું મુખ્ય કારણ સમાજને યોગ્ય શિક્ષણ ન મળવામાં છે. આ માટે કેન્દ્રે શિક્ષણને પ્રાથમિક્તા દેતા અરુણાચલ પ્રદેશમાં ‘૧૪’ આવાસીય વિદ્યાલય વનવાસી બાળકો માટે સ્થાપિત કર્યાં છે સાથે જ તીનસુખિયા, ડિબ્રૂગઢ, ગોલાઘાટ, ગૌહાટી (આસામ) પોર્ટબ્લેયર (આંદામાન નીકોબાર) અને કન્યાકુમારીમાં પણ એક એક વિદ્યાલય સ્થાપિત કર્યાં છે.

ગ્રામવિકાસ યોજના

‘ઉપેક્ષિત ગ્રામીણ જનસમુદાયની જાગૃતિ દ્વારા જ નૂતન ભારતનો જન્મ થશે.’ એમ સ્વામીજી કહ્યા કરતા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને સામાજિક અને આર્થિક સ્થિતિમાં પ્રગતિ લાવવાના હેતુથી તામીલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલ્લી, ચિદમ્બરમ્ અને રામનાથપુરમ જિલ્લાઓમાં કેન્દ્ર દ્વારા ગ્રામવિકાસ કાર્યક્રમ ચાલી રહ્યો છે.

સામાજિક જાગરણ અને સાંસ્કૃતિક ચેતના જાગૃત કરવા અનેક કાર્યક્રમો અપનાવવામાં આવ્યા છે. જેવા કે તંદુરસ્ત આહારયુક્ત બાલવાડીઓ, યુવક પ્રેરણા શિબિર, ગ્રામીણ પુસ્તકાલય, ચિકિત્સા સેવા, સાંસ્કૃતિક વર્ગ અને સ્પર્ધા, બાલ સંસ્કાર વર્ગ, મહિલાઓમાં નવજાગૃતિ માટે દીપપૂજા, પ્રૌઢ તથા આંખના દર્દીઓનો ઉપચાર, અમૃત સુરભિ વગેરે. આંધ્રપ્રદેશના મહેબુબ નગર જિલ્લામાં, કેરલ પ્રદેશના તિરુસનન્તપુરમ્ જિલ્લામાં, બિહારનાં સિંહભૂમિ જિલ્લામાં, કર્ણાટકના બેંગલોર જિલ્લામાં તથા મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાં ગ્રામ વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે.

નૈસર્ગિક સંસાધન વિકાસ (નારડેપ)

આપણો દેશ પ્રાકૃતિક સંપત્તિથી સમૃદ્ધ હોવા છતાં પણ સાધનોનો આંધળો ઉપયોગ અને અવ્યવસ્થાને કારણે ઊર્જાના સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. સમયની માગણી છે કે ઊર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ, રક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે તથા એ માટે વૈકલ્પિક સાધનોની શોધ કરવામાં આવે. પરિસ્થિતિની ગંભીરતાને સમજીને કેન્દ્ર પણ ઊર્જાના વૈકલ્પિક અન્વેષણ માટે તૈયાર થયું છે.

આપણા પૂર્વજોની ઘોષણા ‘પ્રકૃતિની સાથે હળી મળીને રહો’ ને સાકાર કરવા માટે ‘પ્રાકૃતિક સંસાધન વિકાસ પ્રકલ્પ’નો આરંભ કરવામાં આવ્યો છે. આ પ્રકલ્પનો મૂળ હેતુ છે – એક એવી કાર્ય પદ્ધતિનું નિર્માણ કરવું જેથી ગરીબ દુઃખી માણસ શાસકીય અને બીજા અશાસકીય માધ્યમો દ્વારા લાભ લઈને પોતાનું આર્થિક અને સામાજિક સ્તર વધારી શકે. ઓછા ખર્ચે બનાવેલાં મકાન, સૂર્ય ઊર્જા, બાયોગેસ, નિસર્ગચેતના મંચ અને અન્ય કુદરતી સાધન પ્રવાહોનો ઉપયોગ અને વિસ્તારને લોકપ્રિય બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામડાનાં યુવક-યુવતીઓને શિક્ષિત કરી એમને સ્વાવલંબી બનાવવામાં મદદ કરી શકાય એ માટે લઘુ ઉદ્યોગ અને હસ્તશિલ્પનાં કાર્યો પણ શરૂ કરવામાં આવ્યાં છે.

યોગિક જીવન પદ્ધતિનો પ્રસાર તથા પ્રચાર

વર્તમાન જીવનમાં યોગના મહત્ત્વને ઉવેખી શકાય એમ નથી. વિવેકાનંદ કેન્દ્રનો યોગ વિભાગ યોગના સમસ્ત પ્રચાર – પ્રસારમાં ઉપયોગી સહાય કરી રહ્યો છે. નિયમિત યોગ પ્રશિક્ષણ શિબિર અને આધ્યાત્મિક સાધના શિબિરનું આયોજન કરવામાં આવે છે. યોગની વિભિન્ન પદ્ધતિઓ સમાજના બધા વર્ગોને શારીરિક અને માનસિક દૃષ્ટિએ તંદુરસ્ત રાખવામાં ઉપયોગી સાબિત થઈ છે. યોગથી વિદ્યાર્થીઓમાં બહુવિધ ક્ષમતાનો વિકાસ થાય છે. એનાથી કલા સાધકોની સર્જન શક્તિનો વિકાસ થાય છે. વ્યવસાયી વ્યક્તિ પણ પોતાની કાર્ય શક્તિ અને સ્ફૂર્તિમાં વૃદ્ધિ કરી શકે છે.

કેન્દ્રના બેંગલોર સ્થિત ‘યોગ ચિકિત્સા અનુસંધાન’ વિભાગ મનોદૈહિક વિકારોના ઉપચાર માટે આ પદ્ધતિના વિકાસમાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. ત્યાં દમ, મધુપ્રમેહ, ઉચ્ચમાનસિક દબાણ, ઉચ્ચરક્ત દબાવ વગેરે માનસિક તનાવથી ઉત્પન્ન થતા વિકારોનો આ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ઉપચાર કરવામાં આવે છે.

કેન્દ્રની વૈજ્ઞાનિક પદ્ધતિ પર આધારિત યોગ ચિકિત્સા પદ્ધતિ એ સંપૂર્ણ વિશ્વને પોતાના તરફ આકર્ષિત કર્યું છે. બેંગલો૨થી ૩૦ કી.મી. દૂર ‘પ્રશાંતિકુટિરમ્’માં ૧૫૦ ખાટલાઓથી સુવ્યવસ્થિત યોગ ચિકિત્સાલયની સુવિધા ઉપલબ્ધ છે. કેન્દ્ર દ્વારા પ્રશિક્ષણની દૃષ્ટિથી વિભિન્ન યોગ શિબિરોનું આયોજન દેશનાં અનેક નગરોમાં કરવામાં આવે છે.

પ્રકાશન

હવે સમય આવી ગયો છે, વર્તમાન પરિસ્થિતિની માગણી છે કે દેશનો બુદ્ધિશાળી વર્ગ આદર્શનો અંગીકાર કરે તથા જનચેતનાને રાષ્ટ્રીય પુનર્નિર્માણ માટે સતત પ્રયત્ન કરવાની પ્રેરણા આપે. પત્રિકાઓ અને પુસ્તકો વિચારો તેમજ આદર્શોના પ્રચાર અને પ્રસારનાં શક્તિશાળી સાધનો છે. કેન્દ્રનાં નીચે દર્શાવેલાં પ્રકાશનોનો સુજ્ઞ પાઠકોને ઉચ્ચ જીવનદર્શન તરફ આકર્ષિત કરવા તથા એના આદર્શ વિચારોને સુદૃઢ કરવામાં સહાયક થાય છે. કેન્દ્ર દ્વારા ભારતીય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વિષયો પર અનેક ભાષાઓમાં સમયે સમયે પુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે.

યુવાભારતી (અંગ્રેજી માસિક), યોગસુધા (ત્રૈમાસિક), વિવેકાનંદ કેન્દ્ર પત્રિકા (વિશિષ્ટ અંગ્રેજી અર્ધવાર્ષિક), વિવેકવાણી (તામીલ માસિક), વિવેકસુધા (ગુજરાતી ત્રિ માસિક), વિવેક વિચાર (મરાઠી ચાતુર્માસિક) જાગૃતિ (અસામિયા ત્રૈમાસિક), કેન્દ્ર ભારતી (હિન્દી માસિક), નિવેદિતા ધ ડેડીકેટેડ (હિન્દી વાર્ષિક પત્રિકા)નું પ્રકાશન કરવામાં આવે છે.

વિવેકાનંદ કેન્દ્ર શાખાઓ

સ્વામી વિવેકાનંદનો સંદેશ ‘મનુષ્ય નિર્માણ’ અથાત્ ચિરત્ર નિર્માણનો સંદેશ જનમાનસમાં પ્રસારિત કરવા ભારતભરમાં ૧૨૫ શાખા કેન્દ્રો પ્રયત્ન કરે છે.

કેન્દ્ર શાખાઓના માધ્યમથી રાષ્ટ્રીય એકતા, નિસર્ગ ચેતના, વ્યક્તિત્વ વિકાસ, વગેરેની પૂર્તિ માટે અલગ અલગ પ્રકારની શિબિરો આયોજીત કરવામાં આવે છે. યુવકો માટે ચિંતન વર્ગ, બાળકો માટે સંસ્કાર વર્ગ અને સામાન્ય માણસો માટે યોગ વર્ગ વગેરે કેન્દ્રની નિયમિત પ્રવૃત્તિઓ છે.

વિવકાનંદ કેન્દ્રનું અરુણાચલમાં કાર્ય

વિવેકાનંદ કેન્દ્ર છેલ્લાં ૨૨ વર્ષોથી અરુણાચલમાં કાર્ય કરી રહ્યું છે. તેની ભૂમિકા આ રાજ્યમાં મૂલ્યવાન છે. અરુણાચલને કેન્દ્રે આગામી પાંચ વર્ષો માટે મુખ્ય પ્રવૃત્તિ-કેન્દ્ર બનાવ્યું છે. અરુણાચલની પરિસ્થિતિથી લોકોમાં જાગૃતિ આવે તે માટે કેન્દ્ર ‘અરુણાચલ બંધુ પરિવાર’ બનાવવા માટે દૃઢ નિશ્ચયી છે. કેન્દ્ર ભારતમાં રાષ્ટ્રવાદી મિત્રોને ‘અરુણાચલ બંધુ પરિવાર’માં જોડાવાનું આહ્વાન કરે છે. અરુણાચલ માટે મદદ કરવાના કાર્યક્રમો અહીં પ્રમાણે છે આ કાર્યને સફળ બનાવવા માટે અમે તમારી મદદ ઇચ્છીએ છીએ.

અરુણાચલ-સહાય કાર્યક્રમો

  • અરુણાચલવાસીઓ માટે સંપૂર્ણ સાક્ષરતા આગામી દશ વર્ષોમાં લાવવી.
  • મહિલા ચેતના શિબિર દ્વારા મહિલાઓને બાળકોની સુરક્ષા, શિબિરોનું આયોજન કરવું. સ્વાસ્થ્ય, અને સ્વાસ્થ્ય વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં તૈયાર કરવા. જેથી તેઓ પારંપરિક મૂલ્યોનું જતન સ્વયંભૂ કરી શકે.
  • બાળકોની સુરક્ષા તેમજ કલ્યાણના હેતુ અર્થે આંગણવાડીના શિક્ષકોને પ્રશિક્ષણ આપવું.
  • યુવાનોના વ્યક્તિત્વ વિકાસને માટે ખેલકૂદ સાંસ્કૃતિક કાર્યક્રમના હેતુથી એક સંગઠન ઊભું કરવું.
  • પ્રકૃતિ પવિત્ર છે તે કોઈ સંપત્તિ નથી તે માટેની જાગૃતિ લાવવા પર્યાવરણ શિબિરનું આયોજન કરવું.
  • લોકોમાં રાષ્ટ્રીય ભાવના પ્રબળ બનાવવા રાષ્ટ્રીય અખંડતા શિબિરોનું આયોજન કરવું.
  • ભારત દર્શન ભ્રમણ દ્વારા બાકીના ભારતીય લોકોના સંપર્કમાં આવવું અને સાંસ્કૃતિક તેમજ સભ્યતાને વ્યક્તિગત અનુભવથી જાણવા માટે પ્રયત્ન કરવા.
  • લોકોમાં વાચનની ટેવ વિકસે તે માટે ગ્રામીણ ક્ષેત્રમાં પુસ્તકાલય બનાવવાં.
  • પરંપરાગત કુશળતાનું મહત્ત્વ જાળવી રાખવા માટે સ્થાનિક હસ્તશિલ્પકલાઓનો વિકાસ કરવો.
  • સ્થાનિક નૃત્ય, નાટક, સંગીત અને ઉત્સવોને પ્રોત્સાહન આપવું જેથી સંસ્કૃતિની રક્ષા થઈ શકે.
  • પરંપરાગત જ્ઞાનને જાળવી રાખવા અને રોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્વદેશી ઔષધિનું ઉત્પાદન કરવું.
  • રાજ્યના બધા જિલ્લા સુધી પહોંચવા માટે ૩૦૦ શિક્ષક વિદ્યાલય (એક શિક્ષક એક વિદ્યાલય) સ્થાપવી જેથી બધા જ ગામડાંનો સર્વાંગી વિકાસ થઈ શકે.
Total Views: 100

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.