(સુખ્યાત અણુવૈજ્ઞાનિક, અણુપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ, પદ્મભૂષણ ખિતાબથી બહુમાન પામેલા ડૉ. રાજા રામન્ના સાથેની પ્રશ્નોત્તરીના મુખ્યઅંશો ‘સાધના’ માસિકના સૌજન્યથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.)

આઝાદીનાં ૫૦ વર્ષોમાં દેશે જે પ્રગતિ કરી તેનાથી આપને સંતોષ છે?

દેશે કેટલાંક ક્ષેત્રોમાં કરેલી પ્રગતિથી મને ચોક્કસ સંતોષ થયો છે. જેમ કે વિજ્ઞાન તથા ટૅક્નૉલૉજીના ક્ષેત્રમાં. ઉદ્યોગો તથા ખેતીવાડીમાં દેશે જરૂર પ્રગતિ કરી છે પરંતુ બીજાં ઘણાં ક્ષેત્રોમાં પ્રગતિ જોઈએ તેવી સંતોષકારક થઈ નથી. દા.ત. દેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જાય છે. વસતી નિયંત્રણની બાબતમાં આપણી નીતિ નબળી છે. પરિણામે આપણાં શહેરો પાયમાલ થઈ રહ્યાં છે.

શું ભારત માટે પોખરણ અણુ ધડાકાઓ કરવાની જરૂરત હતી? આ સમય યોગ્ય હતો?

પોખરણ ધડાકાઓ મુખ્ય બે કારણો તથા ત્રણ ગૌણ કારણોસર જરૂરી હતા. પહેલું કારણ દુનિયા શક્તિ કે તાકાતને પૂછે છે. એની પ્રશંસા કરે છે. હું માનું છું કે અણુશસ્ત્રો એ સારાં શસ્ત્રો નથી પરંતુ, આખી દુનિયા તેનાથી ડરે છે. અને એ કારણે અણુશસ્ત્રોમાં કોઈને હતોત્સાહ કરવાની કે ડરાવવાની શક્તિ છે. જો આપણે શક્તિશાળી બનીશું તો લોકો આપણી સાથે દોસ્તીભર્યો વ્યવહાર કરશે. પોખરણ અણુધડાકાઓ માટેનાં અન્ય કારણોમાં એક એ છે કે આપણે આપણી અણુધડાકાઓ કરવા માટેની ક્ષમતાઓ ચકાસવા માગતા હતા. અણુપ્રયોગોને લૅબોરેટરીની બહાર વાસ્તવિક ભૂમિ પર ચકાસી જોવાનો આશય હતો અને તેથી એ જરૂરી હતો. બીજું એક કારણ એ પણ છે કે અમારી પાસે આ અણુ ક્ષમતા છે એ દુનિયાને બતાવવાનું પણ એટલું જ જરૂરી હતું. અને ત્રીજું કારણ છે – પોખરણના પાંચ વિવિધ પ્રકારના ધડાકાઓ દ્વારા આપણે આ વિષયમાં પર્યાપ્ત જ્ઞાન તથા જરૂરી આંકડાઓ પ્રાપ્ત કરવા માગતા હતા, જેથી ભવિષ્યમાં આપણે ભૂગર્ભ અણુધડાકાઓ કરવાની જરૂરત ન રહે. પોખરણ ધડાકાઓથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે અને હવે ભવિષ્યમાં આપણે આ પ્રકારના અણુપ્રયોગો તથા અણુધડાકા કમ્પ્યુટરની મદદથી કરી શકીશું. જેનાથી આપણે ભવિષ્યમાં વધુ સારી તથા ઉચ્ચ ગુણવત્તાવાળી પરમાણુ બાઁબ ડિઝાઈનો તૈયાર કરી શકીશું.

અણુધડાકાઓ માટે પસંદ કરવામાં આવેલો હાલનો સમય યોગ્ય હતો ખરો?

મારી નજરમાં ‘યોગ્ય સમય’ જેવું કંઈ છે જ નહીં, આ કાર્યો જેટલાં વહેલાં થાય એટલું સારું. આપણે પ્રથમ ધડાકો ૧૯૭૪માં કર્યો હતો. અને ત્યાર પછીનાં ૨૫ વર્ષ સુધી કંઈ જ ના કર્યું. આ ખોટું હતું પણ હવે આપણે તે કર્યું છે.

આ અણુધડાકાઓથી દેશના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધ્યો છે?

જેમ દરેક જગ્યાએ હોય છે તેમ વૈજ્ઞાનિકોમાં પણ બે પ્રકારના લોકો છે. દેશના કેટલાક વૈજ્ઞાનિકોએ અણુધડાકાની ટીકા કરી છે. પરંતુ ખૂબ મોટી સંખ્યામાં દેશના વૈજ્ઞાનિકો આ અણુધડાકાઓથી ખુશ છે. સવિશેષ તો લશ્કરની ત્રણેય પાંખો ખુશ થઈ છે. કેમ કે હવે તેમના હાથ મજબૂત થયા છે. દેશની પ્રજા ખુશ થઈ છે. પરંતુ હું માનું છું કે આપણે આપણી રાજકીય કુનેહનો એ રીતે ઉપયોગ કરવો પડશે કે જેથી આપણે ક્યારેય અણુશસ્ત્રો વાપરવાની જરૂરત ઊભી ન થાય.

ભારતે કરેલા અણુપ્રયોગો પછી વૈજ્ઞાનિક સંશોધનોમાં તેજી આવી છે એવું તમે માનો છો?

 પરમાણુ ધડાકા પછી વૈજ્ઞાનિકોનો નૈતિક જુસ્સો વધ્યો છે. અને તેથી કામકાજ ઝડપી બને તે સ્વાભાવિક છે. માનવીય વર્તનમાં (human operation) જુસ્સો, ઉત્સાહ ખૂબ અગત્યની બાબત છે. નૈતિક જુસ્સાનો અભાવ હોય ત્યાં ગમે તેટલા પૈસા હોય તો પણ કશાય કામના નથી, અને તેથી ઊલટું જુસ્સાના બળે, સાધનોના અભાવમાં પણ ખૂબ સારાં પરિણામો મેળવી શકાય છે.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.