(સ્વામી ભાસ્કરાનંદ કૃત ‘લાઈફ ઈન ઈંડિયન મોનેસ્ટ્રિઝ – રેમિનન્સિસ એબાઉટ મન્ક્સ ઓફ રામકૃષ્ણ ઓર્ડર’માંથી વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)

ફિઝિના નાદી શહેરમાં ચેન્નઈયા ગોંદલનું ઘર હતું. ચેન્નઈયાના ઘરે એક રાત્રે એક વિશેષ મહેમાન આવ્યા હતા. તેઓ હતા – રામકૃષ્ણ મિશન સેન્ટર, નાદીના અધ્યક્ષ સ્વામી રુદ્રાનંદજી. મધ્યરાત્રી થઈ હતી છેલ્લા ત્રણ કલાકથી ચેન્નઈયા ઊંઘ વિના પથારીમાં આમતેમ પડખાં ફેરવતા હતા. એક દિવસ પહેલાં રામકૃષ્ણ મિશનના કેન્દ્ર પર આવી પડેલી અણધારી આપત્તિથી ચિંતામાં ડૂબ્યા હતા. મિશનનું નિવાસીભવન આગમાં બળી ગયું હતું. રાત્રીની નિરવ શાંતિમાં ચેન્નઈયા બીજા જ રૂમમાં ગાઢ અને શાંત નિદ્રામાં શ્વાસોચ્છ્‌વાસ લેતા સ્વામી રુદ્રાનંદને સાંભળતા રહ્યા. સ્વામીજીને ચેન્નઈયાના ઘરે આવવું પડ્યું હતું, કારણ કે આશ્રમમાં લાગેલી આગને લીધે તેઓ આશ્રયવિહોણા બન્યા હતા. ઘણાં વર્ષો પહેલાં ભારતના એક ફિઝિ નિવાસીના આમંત્રણથી સ્વામી રુદ્રાનંદ ફિઝિ આવ્યા અને એમણે નાદીમાં એક માધ્યમિક શાળા શરૂ કરી. આ શાળા અંગ્રેજોની માલિકીના શેરડીના ખેતરોમાં કામ કરતા ભારતીય મજૂરોના બાળકો માટે હતી. મજૂરોના બાળકો આ રીતે શિક્ષણ મેળવે તે જોઈને શેરડીના ખેતરના માલિકોને જરા આંચકો લાગ્યો. એમને ભય એ હતો કે મજૂરોના બાળકો આવી રીતે કેળવણી મેળવે તો તેઓ બીજો કામધંધો શોધવાના અને ભવિષ્યમાં એમને મજૂરોની ખેંચ પડવાની. એટલે એમણે અને એમના સહસાથીઓએ ભેદભરમથી સ્વામીજી માટે વર્ષો સુધી અનેક સમસ્યાઓ ઊભી કરી. આશ્રમના મકાનમાં લાગેલી આગ પણ આ જ ઈરાદાથી લાગી હતી, એમ માની શકાય ખરું.

ઊંઘ વિના પોતાની પથારીમાં આમતેમ પડખાં ફરતાં ચેન્નઈયાને સ્વામીજીએ વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કરીને કેવી રીતે આશ્રમ બાંધ્યો અને સ્કૂલને ચાલતી કરી, એ બધું યાદ આવ્યું. ચેન્નઈયા હંમેશાં સ્વામી રુદ્રનાથના પ્રશંસક અને હૃદયપૂર્વકની સહાય આપનારા રહ્યા હતા. જ્યારે સ્વામીજીએ બાંધેલો આ સુંદર આશ્રમ આગમાં બળી ગયો ત્યારે તેમણે સ્વામીજીને એક સન્માનનીય અતિથિ રૂપે આવવા અને રહેવા આમંત્રણ આપ્યું. ચેન્નઈયાના મનની મોટી ચિંતા તો એ હતી કે હવે સ્વામીજીને આ આશ્રમ બાંધવામાં કેટલો લાંબો સમય વીતી જશે.

સ્વામીજીની આ ચિંતા કરતાં કરતાં એ આખી રાત ઊંઘી ન શક્યા. અને વળી સ્વામીજી બીજા જ રૂમમાં શાંતિથી ઘસઘસાટ ઊંઘી રહ્યા છે એ જોઈને એમના આશ્ચર્યનો પાર ન રહ્યો. આશ્રમના મકાનોના વિનાશની વાત હતી, સ્વામીજીએ આટઆટલાં વર્ષો સુધી કેટલી મહેનતે એ બધું કાર્ય કર્યું, છતાંયે એની અસર એમના પર જરાય નથી! ચેન્નઈયાએ વાંચ્યું હતું કે સાચા કર્મયોગીને શેમાંય આસક્તિ નથી હોતી. કોઈ પણ ફળની અપેક્ષા રાખ્યા વિના જ તે કાર્ય કર્યે જાય છે. હવે ચેન્નઈયાને ખાતરી થઈ કે સ્વામી રુદ્રાનંદજી ખરેખર સાચા  કર્મયોગી જ છે!

સવાર થતાં સ્વામી રુદ્રાનંદજી દરરોજની જેમ પથારીમાંથી ઊઠ્યા. હાથ-મોં ધોઈને ધ્યાનમાં બેઠા અને પછી પોતાના ઓરડામાંથી ચા-નાસ્તા માટે આવ્યા. તેઓ તાજામાજા અને પૂરેપૂરો આરામ મળી ગયો હોય એવા લાગતા હતા. ચેન્નઈયાને જોઈને એમણે ઉત્સાહપૂર્વક પૂછ્યું: ‘ભાઈ ચેન્નઈયા, હવે આપણી સામે ઘણું ભગીરથ કાર્ય આવીને ઊભું છે. આપણે વળી આશ્રમનાં મકાનો બાંધવાનું કામ શરૂ કરવું પડશે. મને ખાતરી છે કે ભગવાન શ્રીરામકૃષ્ણ આપણને જરૂર સહાય કરશે.’ આશ્રમનાં મકાનો ફરીથી બાંધવા પોતાના શુભેચ્છક અને મિત્રોની સ્વામી રુદ્રાનંદજીને આર્થિક સહાય મળી. નવું ભવન તો જૂના કરતાં પણ ઘણું વધારે સારું બન્યું. સિમેન્ટ-કોંક્રેટથી બંધાયેલ આ ભવન અગ્નિ સામે પણ રક્ષા મેળવી શકે તેવું હતું. આશ્રમ દ્વારા ચાલતી શાળા ફિઝિમાં અત્યારે શ્રેષ્ઠ શાળાઓમાંની એક ગણાય છે.

Total Views: 22

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.