નર્મદા ભરપૂર વહી રહી છે. ખૂબ વરસાદ વરસ્યો છે આ વરસે. કહે છે કે આવો વરસાદ છેલ્લાં સો વરસોમાં નથી વરસ્યો. ચોમાસું હમણાં જ પૂરું થયું છે. નર્મદાનું પાણી હજુ પણ ડહોળું છે. અહીં નર્મદા પર લાકડાનો કાચો પુલ બને છે, પણ હજુ નથી બન્યો. પાણી ઓછું થાય ત્યારે બને.

નારિયેળ વધેરવા પૂરતોય પથ્થર નહોતો. એક હોડી પર નારિયેળ વધેર્યું અને ‘નર્મદે હર!’ના ઘોષ સાથે સાંડિયાથી નીકળી પડયા. દિવસ હતો ૧૯ ઓકટોબર ’૮૩ અને સાથી હતો ફૂલસિંહ. ફૂલસિંહ ગોંડ યુવાન છે – ઊંચો પૂરો, હટ્ટોકટ્ટો. ભાગ્યે જ બોલે છે. જાણે બોલતાં આવડતું જ ન હોય.

રાત્રિ વિરામ માછાના મંદિરમાં રહ્યો. મંદિર નર્મદાના ઊંચા કાંઠા પર છે, ગામ દૂર છે. સાંજે હું કાંઠા પર ઊભીને નર્મદાની શોભા જોઈ રહ્યો હતો. પાસેનાં વૃક્ષો પર હજારો પંખીઓ કલબલાટ કરી રહ્યાં હતાં. જોવા માટે નર્મદાનો વિસ્તૃત પ્રવાહ, સાંભળવા માટે પક્ષીઓનું સમવેત ગાન અને ચૂપચાપ ઢળતી સાંજ. બહુ સારું લાગી રહ્યું હતું. ત્યાં દૂરથી કૂતરાંઓનું ભસવું સંભળાયું. એવા જોશભેર ભસી રહ્યાં હતાં કે જાણે એકમેકને ફાડી ખાશે. મારો આનંદ ઓસરી ગયો. ખુશીની સાથે દુ:ખનું પૂંછડું લાગ્યું જ હોય છે.

સવારે ચાલ્યા. થોડી વારમાં કુબ્જા આવી. કુબ્જા અને નર્મદાના સંગમ પર છે અજેરા. એકદમ ઊભી ને ઊંચી ભેખડ પર હોવાને લીધે આ ગામ હવામહેલ જેવું જણાતું હતું. લાગતું હતું કે ફૂંક મારવાથી ગામનાં ખોરડાં નદીમાં પડશે. થોડાં કુબ્જામાં, થોડાં નર્મદામાં.

અમે કુબ્જા પાર કરવા ઇચ્છયું, પણ ન કરી શકયા. પાણી વધુ નહોતું પણ બંને કાંઠે એટલો કાદવ હતો કે પગ રાખતાં જ ખૂંપતા. નર્મદાને મળવાની ઉતાવળમાં કુબ્જા જાણે એનો અસબાબ અહીં ભૂલી ગઈ છે!

પાસે એક ખેડૂત હળ હાંકી રહ્યો હતો. એણે કહ્યું કે દૂર પેલું જે લીમડાનું ઝાડ દેખાય છે, ત્યાંથી લોકો કુબ્જા પાર કરે છે. એણે એ પણ કહ્યું કે ચોમાસામાં નર્મદા અને કુબ્જાના પ્રવાહ એક થઈ જાય છે અને આ ખેતરો પર પાણી હિલોળા લે છે. અજેરા ચોમાસામાં ટાપુ બની જાય છે. એ ખેતરોમાંથી ચાલીને, મોટો ફેરો ખાઈને કુબ્જા પાર કરી ત્યારે અજેરા આવી શકયા.

સાંજે ગજનઈ પહોંચ્યા. સામાનથી લદાયેલા હતા. ગામમાં જતાં જ એક ગ્રામીણે કહ્યું, ‘બહુ આડંબર રાખ્યો છે!’

બધો આડંબર એક કિસાનને ત્યાં રાખીને નર્મદા કાંઠે ગયા. ત્યાં સામેથી એક હોડી આવી અને એમાંથી એક ભાઈ ઊતર્યા. એમની સાથે વાતો થવા લાગી તો કહે કે ગજનઈમાં મારું સાસરું છે. ચાલો, ત્યાં તમારી વ્યવસ્થા થઈ જશે.

ખેતરોની ખેડેલી જમીન પર બનેલી કેડી પર અમે જઈ રહ્યા હતા. મેં કહ્યું, ‘ખેતરો કેટલાં સારાં લાગી રહ્યાં છે!’

એમણે કહ્યું, ‘ખેતરાં સારાં લાગી રહ્યાં છે કેમ કે એ ખેડાઈ રહ્યાં છે, વાવણી થઈ રહી છે, આળસ મરડીને ખેતરો જાગી રહ્યાં છે. હમણાં ખળાં સારાં નહીં લાગે. એ હમણાં સૂતાં છે. જ્યારે મોલ વઢાઈને ખળામાં પહોંચશે, ત્યારે એ સારાં લાગશે. ત્યારે ખેતરો ઢંગ વિનાના લાગશે.’ આટલું કહીને ઋતુવર્ણન સંબંધી એક કવિતા ધારાપ્રવાહ સંભળાવી. મેં કહ્યું, ‘તમે ભણેલા લાગો છો.’

‘ચોથી સુધી ભણ્યો છું.’

‘હજુ કંઈક સંભળાવો.’

‘પાઠ ૧ : ઈશ પ્રાર્થના’ કહીને એમણે પૂરી પ્રાર્થના સંભળાવી. ‘પાઠ ૧૪ : મૂર્ખ છોકરો’ કહીને મૂરખ છોકરાની વાર્તા સંભળાવી. ‘પાઠ ૪૪ : રામાયણનો દોહા’ અને દોહા સંભળાવ્યા. એક લાંબી કવિતાના રૂપમાં શેખચલ્લીની વાત સંભળાવી. દરેક વખતે પહેલાં પાઠનો ક્રમાંક, પછી પાઠનું શીર્ષક અને પછી પૂરો પાઠ! ચાળીસેક વરસ પહેલાં ભણેલા પાઠ એમને કેવા કડકડાટ યાદ હતા!

‘તમને તો પાઠોના ક્રમાંક સુદ્ધાં યાદ છે!’

‘શરૂમાં મેં જે ઋતુવર્ણન સંભળાવ્યું હતું એ પાઠ ૬૪ છે!’

હવે જો એ મને કહેત કે તમે તો ભણેલા છો, હવે તમે કંઈક સંભળાવો, તો હું એમને કવિ રવીન્દ્રનાથ આશ્રમમાં પાંચ વરસ રહ્યો હોવા છતાં એકે કવિતા સંભળાવી ન શકત. સારું થયું કે એમણે આવું કંઈ પૂછયું નહીં ને મારે શરમાવાની વેળા ન આવી.

મારું માનસ કંઈક એવું રહ્યું છે કે ઉતાવળે વાંચો, વાંચીને આગળનું વાંચો ને જ્યારે આ બધું વાંચવાનું પૂરું થાય, ત્યારે મગજ ખાલીનું ખાલી! હવે થાય છે કે ઘણું ઉદરસ્થ કરવા કરતાં થોડું કંઠસ્થ કરવું સારું.

જે ઘરમાં અમે સામાન મૂકીને ગયા હતા, એ જ એમનું સાસરું હતું. એમના લીધે અમારે ત્યાં રહેવાની સાથે જમવાની સગવડ પણ થઈ ગઈ.

સવારે આગળ વધ્યા. રેવાવનખેડીમાં નર્મદામાં એક નાવ જોતાં જ સદા ચૂપ રહેનાર ફૂલસિંહ બોલી ઊઠયા, ‘અરે, આમાં તો પડદો છે!’

પરદેનશીન નાવ! આ ગોંડ જુવાને કયારેય આવી નાવ નહોતી જોઈ. મેં કહ્યું, ‘આ પડદાને સઢ કહે છે. એમાં હવા ભરાય એટલે નાવ ચાલે.’

આ પછી આવ્યું ઈશ્વરપુર. ઈશ્વરપુરને રાઈન નદીએ ત્રણ બાજુએથી ઘેર્યું છે. રાઈનને બે વાર ઓળંગી. ત્રીજી વાર સંગમ પાસે ઓળંગવી હતી. પણ કાંપ જોઈને હાંજા ગગડી ગયા. થાય છે એવું કે નર્મદામાં જ્યારે પૂર આવે, ત્યારે સહાયક નદીનું પાણી થંભી જાય. આ રોકાયેલા ડહોળા પાણીની માટી ધીરે ધીરે વહેણની બંને પડખે નીચે બેસતી જાય અને પાણી ઓસરી જતાં કાદવ બનીને રહી જાય. આવું સંગમ પર વધુ થાય છે. ત્યારે લાંબો ફેરો ખાઈને નદી પાર કર્યા વિના બીજો કોઈ ઉપાય રહેતો નથી.

દેનવા પાર કરતી વેળા ત્રણ પરકમ્માવાસીઓનો સાથ થઈ ગયો. પંચોતેર વર્ષના વૃદ્ધ દાદુ, પંચાવનના આધેડ કક્કા અને અઠ્ઠાવીસનો જુવાન રમ્મું. સુખી ખેડૂતો છે. હમણાં દશેરાથી જ પરિક્રમા શરૂ કરી છે. દાદુ અને કક્કા ફોઈ – મામાના દીકરા ભાઈ છે. રમ્મુ એમનો ભત્રીજો છે.

હજુ સુધી અમે બે હતા, હવે પાંચ થયા, પાંચ પાંડવ. ત્રણ કુંતીના, બે માદ્રીના! અને બપોરે અમે જે ગામે પહોંચ્યા, એ ગામનું નામ હતું પાંડવદ્વીપ!

નર્મદા કાંઠે એક ઝાડ નીચે સામાન મૂકયો. અહીં બહુ ધમાલ હતી. અહીંથી ત્રણ વૃદ્ધો પરિક્રમા શરૂ કરી રહ્યા હતા. એમને વળાવવા સગાંવહાલાં ટોળે મળ્યાં હતાં. અમે બેઠા કે એક સ્ત્રીએ કહ્યું, ‘મહારાજ, રસોઈ તૈયાર છે, નહાઈ આવો.’

જમ્યા. પછી નીકળવાનો સમય થયો. સગાંવહાલાં રડી રડીને વિદાય આપી રહ્યાં હતાં. એક બાળકી એના દાદાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડતી હતી અને કેમેય અળગી નહોતી થતી. મેં જોયું, અમારો નૌજવાન સાથી રમ્મુ પોતાનાં છાનાં આંસુ લૂછી રહ્યો હતો.

રમ્મુ અલમસ્ત જવાન છે. લાંબો, સુગઠિત અને હસમુખો. ગજબનો વાતોડિયો, એટલો જ મળતાવડો. રસ્તામાં કહેવા લાગ્યો, ‘મારે બે બાળકો છે. સાત વરસની દીકરી, ચાર વરસનો દીકરો. એમની મા હવે નથી. બાળકોને ભાઈને ઘેર મૂકીને આવ્યો છું. એમને ઘેર છોડતી વેળા એટલું દુ:ખ નહોતું થયું જેટલું આજે થયું. તે દિવસે પહેલેથી કાળજું કઠણ કરી લીધું હતું. આજે પેલી બાળકીને પોતાના દાદાને વળગીને રડતી જોઈને મને મારાં બાળકો યાદ આવી ગયાં. હૈયું હાથ ન રહ્યું, આંસુ ઢળી પડયાં!’

અઠવાડિયાથી ખાળી રાખેલાં આંસુ લાગ મળતાં જ બહાર ધસી આવ્યાં. આંસુને કોણ કેદ કરી શકયું છે!

મારુ કયારે આવી ગઈ, કંઈ ખબરેય ન પડી. અમે હજી કાંઠા પર જ હતા ત્યાં રમ્મુ મારુમાં ઊતરી ગયો. એના કાંપમાં પગ મૂકતાંની સાથે એ જાંઘ સુધી ખૂંપી ગયો. એ ખૂબ જ ગભરાઈ ગયો. મોંમાંથી અવાજ સુદ્ધાં નહોતો નીકળતો. સારું થયું કે ખૂંપવું રોકાઈ ગયું. અમે પણ એને હામ આપતા રહ્યા. ખૂંપવું રોકાયું એટલે એનામાં હિંમત આવી. પહેલાં એણે લાઠી કાઢી. ધીમે ધીમે એક પગ બહાર કાઢયો, પછી બીજો અને આસ્તે આસ્તે પાછો આવી ગયો. કહે, ‘આજે મરતાં મરતાં બચ્યો. અંદર ને અંદર ઊતરી રહ્યો હતો. રેવામાઈએ બચાવી લીધો. નહીં તો મારું તો મને મારી જ નાખત.’

(સાભાર ‘પરિક્રમા નર્મદા મૈયાની’ પુસ્તકમાંથી પેઈજ નં. ૭૫ થી ૭૯ સુધી.)

Total Views: 27

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.