રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨-૨૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ મુંબઈ આશ્રમમાં યોજાયેલ પરિસંવાદમાં ઉદ્‌ઘાટન સંભાષણમાં ભારત સરકારના વિજ્ઞાન વિભાગના મુખ્ય સલાહકાર અને હોમી ભાભા ઇન્સ્ટિટ્યૂટના પ્રાધ્યાપક ડો. આર. ચિદંબરમે આપેલ અંગ્રેજી વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.

પ્રવેશક

છેલ્લાં સોએક વર્ષથી વિજ્ઞાનમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ક્વોન્ટમ મિકેનિક્સ દ્વારા રજૂ થયેલ ‘વેવ પાર્ટિકલ ડ્યૂઆલિટિ’ની સંકલ્પના અને ૨૦મી સદીના પ્રારંભના વિભાગમાં વિશેષ સાપેક્ષતાના સિદ્ધાંતની અને ઊર્જાના જથ્થા વિશેની ચર્ચામાં ગહન તત્ત્વજ્ઞાનનો પ્રભાવ જોવા મળે છે. ડબલ હેલિકલ સ્ટ્રકચર ઓફ ડી. એન.એ.ના ગઈ શતાબ્દીના મધ્યમાં થયેલા સંશોધને તાજેતરમાં માનવનાં રંગસૂત્રોના રહસ્યને સંપૂર્ણપણે ઉકેલ્યું છે અને એને લીધે જીવન ચિંતન પર જબરી અસર પડી છે. અત્યારના કમ્પ્યુટરમાં એક ઘનસેમી. માઈક્રો ચિપમાં જેટલી માહિતીનો ઢગલો પૂરાય છે તેના કરતાં પણ રંગસૂત્રના પ્રવાહીમાં લાખોગણો માહિતીનો સ્રોત રહેલો છે. આવા વૈજ્ઞાનિક પ્રગતિશીલ સંશોધનોની વચ્ચે મારી દૃષ્ટિએ વિજ્ઞાન અને આધ્યાત્મિકતા વચ્ચે કહેવાતા સંઘર્ષની આતુરતાને લગભગ શમાવી દીધી છે.

વેદાંત અને વિજ્ઞાન

આપણા વાસ્તવિક જીવનમાં કોઈ પણ વ્યક્તિ દિવસમાં ચોવીસે કલાક વૈજ્ઞાનિક નથી. અલબત્ત વૈજ્ઞાનિક પોતાના વિજ્ઞાનનાં સંશોધનો વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને જ કરે છે. એ સિવાયની પોતાના જીવનની પ્રવૃત્તિઓ બીજી વ્યક્તિની જેમ પોતાના સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક પર્યાવરણમાં જ કરતી રહે છે. આપણા આધુનિક ભારતના સુખ્યાત વૈજ્ઞાનિકો ડો. સી.વી.રામન્‌, ડો. રામાનુજન, ડો. ચંદ્રશેખર જેવાના જીવન પરથી આ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

૧૮૮૭ના ધ જર્નલ ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વિશેષાંકના પૃષ્ઠ નં.૩માં એમ. એસ. રંગાચારી કહે છે :

‘વૈદિક કાળથી પ્રણાલીગત રીતે શીખવવામાં આવતું ગણિતશાસ્ત્ર વૈદિકકાળનાં સૂત્રો પર આધારિત છે. રામાનુજને પણ પોતાના આ પૂર્વજોની પ્રણાલી પ્રમાણે કાર્ય કર્યું છે. રામનની જીવનકથા લખનાર જી. વેંકટરામને કહ્યું છે : ‘આમ જોઈએ તો સી.વી. રામને ધર્મના ક્રિયાકાંડો કે ધાર્મિક સંસ્થાઓની જરાય દરકાર કરી ન હતી. એમણે જે કંઈ પણ કર્યું તે શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાને અનુસરીને જ કર્યું. તેઓ પ્રત્યેક આત્માની દિવ્યતામાં શ્રદ્ધા ધરાવતા હતા અને તેઓ માનતા કે પ્રકૃતિ ઈશ્વરની અભિવ્યક્તિ છે.’

ડો. એસ. ચંદ્રશેખર જેઓ મોટે ભાગે અમેરિકામાં જ રહ્યા હતા, તેઓ કહે છે: ‘સૌંદર્ય માટેની શોધના વિજ્ઞાનમાં છે.’ તેઓ પોતાની જાતને નાસ્તિક ગણે છે. આમ છતાં પણ એમને ભગવદ્‌ ગીતામાંથી માનસિક સમતુલન માટેનાં માર્ગદર્શનનો મોટો સ્રોત મળ્યો છે, એમ તેઓ કહે છે. આમ જોઈએ તો રામાનુજન્‌, સી.વી. રામન અને ચંદ્રશેખરના આધ્યાત્મિક અભિગમ કે વિચારણામાં સમાનતાનું સૂત્ર જોવા મળે છે. અને એ સ્રોત છે, ભારતનો મહાન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો. ઈર્વિન શ્રોડિંજર અને રોબર્ટ શોપનહેમર જેવા વિદેશના ઘણા વૈજ્ઞાનિકોની વિચારધારા પર ગીતાનો પ્રભાવ જોવા મળે છે. મારા પોતાના પર અમારા કૌટુંબિક વાતાવરણમાં શૈવધર્મનો પ્રભાવ પડ્યો છે. અદ્વૈત વેદાંતમાંથી મને મહાન બૌદ્ધિક શક્તિ પણ પ્રાપ્ત થઈ છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસના માર્ગદર્શન હેઠળ હિંદુધર્મના સૌથી મહાન આધુનિક વ્યાખ્યાકાર, એક સદૈવ પ્રશ્ન કરનાર અને સાશંક દૃષ્ટિ રાખનાર સ્વામી વિવેકાનંદની ઉત્ક્રાંતિ એ આજના યુવાનો માટે એક નોંધનીય ઐતિહાસિક ઘટના છે. ભારતીય સંસ્કૃતિમાં એમનાં મૂળિયાં હતાં, પરંતુ તેઓ જૂનવાણી જડવાદથી દૂર હતા, એવા સ્વામી વિવેકાનંદની ભાષા આધુનિક ભારત માટે સમજવી સરળ છે. સો એક વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે આજના વિજ્ઞાન સાથે સુસંગત ન હોય એવું કંઈ વેદાંતમાં નથી. જો કે એ વાત આજે પણ સાચી છે કે હિંદુધર્મ શાસ્ત્રનાં સૂત્રોને ભૌતિક શાસ્ત્રની સંકલ્પના પ્રમાણે રજૂ કરવાના પ્રયત્નો થયા છે, છતાં પણ પ્રયોગમાં નિરીક્ષક તરીકે મને એ બધું કૃત્રિમ અને બીનજરૂરી લાગ્યું છે.

સાચા વૈજ્ઞાનિકનું વલણ

વિજ્ઞાનના નિયમો વૈશ્વિક છે. મેક્સવેલના ઈલેક્ટ્રો મેગ્નેટિઝમના સમીકરણની પ્રમાણભૂતતા કે ક્વોન્ટમ મિકેનિક્સમાં સ્રોડિંજરનું સમીકરણ કે સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતની વાત કોઈ રાજ્ય કે રાષ્ટ્રની ભૌગોલિક સીમામાં બંધાઈ રહેતું નથી. વિશ્વના બધા દેશ-પ્રદેશમાંના વૈજ્ઞાનિકોમાં વહેંચાયેલી આ પ્રમાણભૂતતા એને ઉન્નત કરે છે. વાસ્તવિક રીતે એક વૈશ્વિક ચેતના ઊભી કરે છે, આવી વાત સામાન્ય રીતે સમાજ વિજ્ઞાનનો અભ્યાસ કરતા એટલે કે અર્થશાસ્ત્ર કે રાજનીતિના પ્રબોધકોમાં જોવા મળતી નથી. ભગવદ્‌ ગીતાના ૧૦મા અધ્યાયના ૪૧મા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે :

यद्यद्विभूतिमत्सत्त्वं श्रीमदूर्जितमेव वा।
तत्तदेवावगच्छ त्वं मम तेजोंऽशसंभवम्॥

જે જે વસ્તુ ઐશ્વર્યવાળી, શોભાવાળી અથવા બલશાલી -શક્તિયુક્ત- હોય, તે તે મારા તેજના અંશથી જ ઉત્પન્ન થયેલી છે, એમ તું જાણ.

મોટા ભાગના વૈજ્ઞાનિકોમાં આ વિધાન સંગીતના અનુનાદ કરતાં રણકાર જેવું છે. મોટા ભાગના વૈજ્ઞાનિકોમાં પ્રકૃતિના નિયમોની અટલતા અને એ નિયમોનું વિવિધ પ્રાકૃતિક પર્યાવરણમાં આવિષ્કરણ એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. આજે પણ આપણે ગઈકાલની જેમ ગુરુત્વાકર્ષણના નિયમને પ્રમાણભૂત માનીએ છીએ. આવતી કાલે પણ એમ જ થવાનું. સ્રોડિંજરના સમીકરણને પણ ગયા વર્ષની જેમ જ આપણે માન્ય ગણવાના જ. ધર્મની સંકલ્પનાઓ કે તેમનો અભાવ એ વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. વળી જે વાતાવરણ અને સંસ્કૃતિમાં ઊછરેલ છે એના પ્રમાણે પણ ભેદભાવ જોવા મળે છે. ગીતાના બીજા અધ્યાયના ૫૭મા શ્લોકમાં છે :

यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशुभम्।
नाभिनन्दति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता॥

જે વ્યકિત સર્વત્ર અનાસકત થઈને આવી મળેલ તે તે શુભ  કે અશુભને પામીને એને આવકારતો નથી કે એનો દ્વેષ પણ કરતો નથી તેની બુદ્ધિ સ્થિર છે.

આ સાચા વૈજ્ઞાનિકનું લક્ષણ છે. એટલે કે સાચો વૈજ્ઞાનિક સ્થિતપ્રજ્ઞ છે. પોતાના વ્યક્તિગત રાગારાગથી રંગાયા વિના ખુલ્લા દિલની તે એક વ્યક્તિ છે. પ્રયોગોના કે નિરીક્ષણ-પરીક્ષણના કે સૈદ્ધાંતિક ગણતરીનાં જે પરિણામો આવે છે તે વૈજ્ઞાનિક સ્વીકારી લે છે, પછી ભલે એ ગમે તેવા હોય કે અણગમતા હોય. તે કોઈ હતાશાની લાગણીથી આમતેમ ખેંચાઈ જતો નથી, તે સ્થિરધીર રહે છે અને પોતાના સત્યનાં સંશોધનમાં જરાય બાંધછોડ કરતો નથી.

આ છે વૈજ્ઞાનિકની કાર્યનિષ્ઠાની વાત. પરંતુ એક વૈજ્ઞાનિક તરીકે એની સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે પણ પ્રતિબદ્ધતા હોય છે. સાથે ને સાથે સામાજિક એકતા ન્યાયિકતા પ્રત્યે પણ બીજા નાગરિકના જેવી જ પ્રતિબદ્ધતા તે ધરાવે છે.

પ્રૌદ્યોગિકી વિકાસની આવશ્યકતા

અદ્વૈત વેદાંતના સર્વોત્કૃષ્ટ કક્ષાનાં દર્શનશાસ્ત્રના વિચારોની પ્રાપ્તિ કરી હોવા છતાં પણ ભારતે સદીઓ સુધી સંસ્થાનવાદ નીચે કચડાવું પડ્યું, અપમાનીત થવું પડ્યું અને શાસિત બનવું પડ્યું. તત્કાલ યુગના સ્વાતંત્ર્ય વીરો કે સ્વદેશ પ્રેમીઓ માટે સ્વામી વિવેકાનંદનો આ સંદેશ હતો : ‘આપણા બધા અધ:પતન માટે આપણે પોતે જ જવાબદાર છીએ.’ વળી એમણે પૂછ્યું, ‘તમે શું એમ માનો છો કે આ અજ્ઞાનનાં અંધારાં કાળાં વાદળાંની જેમ આવ્યાં છે? એનાથી તમે અધીર બની જાઓ છો ખરા? શું તે તમારી ઊંઘ ઉડાવી દે છે?’  સ્વામીજીના જીવનકાળ દરમિયાન ભારત આઝાદ થયું ન હતું. આજે આઝાદી મેળવ્યા પછી ૬૦ વર્ષથી પણ વધુ સમય વીતી ગયો છે. આપણે ઘણી પ્રગતિ પણ કરી છે, આમ છતાં પણ હજુ ઘણું ઘણું કરવાનું બાકી છે. બધા ભારતીયો ભણેલ-ગણેલ બનવા જોઈએ. મેં કહ્યું છે કે ઘણાં વર્ષોથી સ્ત્રીકેળવણી એ વિકાસશીલ દેશના વિકાસની મુખ્ય સમસ્યા છે અને બીજી છે વ્યક્તિદીઠ વિદ્યુત ઊર્જાનો ઉપયોગ. પ્રૌદ્યોગિકી વિકાસનો વિસ્તૃત અને વિસ્તૃત વિસ્તારોમાં વિકાસ થાય તેની આવશ્યકતા છે. પ્રૌદ્યોગિકીએ રાષ્ટ્રિય સંપત્તિ નિષ્પન્ન કરવી જોઈએ. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં જીવનધોરણની ગુણવત્તા પણ સુધારવી જોઈએ. અને રાષ્ટ્રિય સલામતીમાં એણે વૃદ્ધિ કરવી જોઈએ.

એલ્વિન ટોફલરના શબ્દોમાં કહીએ તો ઇતિહાસના કોઈપણ કાળ કરતાં આજે ‘પ્રૌદ્યોગિકી એક ઊર્જા છે’. બૌદ્ધિક સંપત્તિ અધિકારના સંસાધનો તેમજ પ્રૌદ્યોગિકીની નિયંત્રણ શાસનપદ્ધતિ દ્વારા પ્રૌદ્યોગિકીની પ્રભાવકતા જાહેર સાહસવાળી કંપનીઓનાં વિવિધ ઉત્પાદનો, દેશોમાં માનવીય ગુણસૂત્રો તેમજ વ્યુહાત્મક શસ્ત્રાસ્ત્રોનાં વિવિધ ક્ષેત્રોમાં જોવા મળે છે.

એટલે જ આ પરિસ્થિતિ ભારતીય વિજ્ઞાનોની સમક્ષ સ્પષ્ટપણે એક માગ કે અપેક્ષા ઊભી કરે છે; અને તે એ છે કે દેશના હિતો પર કોઈ બીજી પ્રૌદ્યોગિકતાની પ્રભાવકતાની અસરને રોકવી પડશે. આના માટે પ્રૌદ્યોગિકીય આત્મવિશ્વાસની આવશ્યકતા રહે છે. આ આત્મવિશ્વાસને ઊભો કરવો પડે અને સતત સફળતા દ્વારા એને પુન: પુન: ઊર્જિત કરવો પડે. ડોક્ટર સી. એ. શાહે હમણાં પોતાના એક લેખમાં કહ્યું છે તેમ આપણા વૈજ્ઞાનિકોએ આપણા મહાન સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને જાળવી રાખીને આપણા દેશને પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં સાત્ત્વિક રજોગુણથી આગળ લઈ જવો જોઈએ.

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.