જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. એન.સી.પટેલ અને એમના સાથી મિત્રોએ સૌરાષ્ટ્ર વિસ્તારની ખેતીવાડીના સાર્વત્રિક વિકાસ માટે અનેક સંશોધનકાર્યો કર્યાં છે. કૃષિ યુનિવર્સિટીના લોકાભિમુખ કાર્યની એક ઝલક આ લેખમાં સાંપડે છે. – સં.

છેલ્લા એક દાયકામાં ગુજરાતે કૃષિ ક્ષેત્રે બેનમૂન સિદ્ધિ હાંસલ કરી છે. તેનો યશ કૃષિ વૈજ્ઞાનિકો, વિસ્તરણ કાર્યકરો અને આપણા સાહસિક કૃષિકારોને જાય છે. ખેતીની નવીન ભલામણો ખેડૂતો સુધી પહોંચે તો જ વૈજ્ઞાનિકોએ કરેલી મહેનત લેખે જાય. આ ભલામણોને ખેડૂતો સુધી પહોંચાડવામાં રાજ્ય સરકારનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. રાજ્યની પ્રથમ કૃષિ મહાવિદ્યાલય આઝાદી પછી ૧૯૪૯માં આણંદ ખાતે શરૂ થઈ. ત્યારથી રાજ્યમાં કૃષિ વિકાસના પગરણ મંડાયા. સૌરાષ્ટ્રની પ્રથમ અને રાજ્યની બીજી કૃષિ મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે ૧૯૬૦માં શરૂ કરાઈ. ત્યારથી સૌરાષ્ટ્રમાં કૃષિ શિક્ષણ અને સંશોધનની પ્રવૃત્તિનો પ્રારંભ થયો. રાજ્યમાં કૃષિ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણની સાચી શરૂઆત ૧૯૭૨માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પછી થઈ. રાજ્યની પ્રથમ કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ જૂનાગઢ ખાતે ૧૯૮૪માં શરૂ થઈ. આજે આ કોલેજમાં અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીના અભ્યાસક્રમની સુવિધા ઉપલબ્ધ છે. રાજ્યની પ્રથમ મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય ૧૯૯૧માં વેરાવળ ખાતે શરૂ થઈ. તેને લીધે મત્સ્ય વિજ્ઞાનના શિક્ષણને વેગ મળ્યો. જેનાથી સાગર ખેડૂતોના વ્યવસાયને ઉપયોગી થવાયું.

રાજ્ય સરકારે ૨૦૦૪માં ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું ચાર કૃષિ યુનિવર્સિટીમાં વિભાજન કર્યું. તેને લીધે હવામાન આધારિત વિસ્તારવાર સંશોધન પર વધુ ભાર મૂક્યો છે. ગ્રીન હાઉસ, પોલી હાઉસ અને નેટ હાઉસમાં થતા પાકો પર વધુ ધ્યાન અપાયું છે. ખેડૂતોએ સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ અપનાવવા માંડી છે. જૈવિક નિયંત્રણ અને જૈવ તજ્‌જ્ઞતાને પ્રાધાન્ય અપાયું છે. ખેડૂતોને મૂલ્યવર્ધનનું મહત્ત્વ સમજાવી તેઓ જાતે જ ગ્રામ્ય સ્તરે ખેતી પાકોનું પ્રોસેસિંગ કરતા થાય તેવો રાજ્ય સરકારે અભિગમ અપનાવ્યો છે. ખેતી સાથે ગિર ગાય અને જાફરાબાદી ભેંસનું સંવર્ધન અને મત્સ્ય સંશોધનને પણ અગ્રિમતા આપી છે. કૃષિ સંશોધનના વિકાસની સાથે – સાથે તેને સંલગ્ન વિદ્યાશાખાઓનો પણ વિકાસ થયો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પછી સૌરાષ્ટ્રની પ્રથમ પશુચિકિત્સા મહાવિદ્યાલય જૂનાગઢ ખાતે શરૂ કરાઈ. તે જ વર્ષમાં જૂનાગઢ ખાતે એગ્રિ બિઝનેસ મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ પણ શરૂ કરવામાં આવેલ. ઉચ્ચ શિક્ષણના વિકાસની સાથે ડિપ્લોમા અને પ્રમાણપત્ર અભ્યાસક્રમોને પણ અદ્યતન બનાવાયા. જૂનાગઢ અને ધારી ખાતે ચાલતા બે વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમને પોલિટેકનિકમાં પરિવર્તિત કરવામાં આવ્યો. તે ઉપરાંત જૂનાગઢ ખાતે એગ્રો પ્રોસેસિંગ તથા બાગાયત પોલિટેકનિક અને અમરેલી ખાતે ગૃહ વિજ્ઞાન પોલિટેકનિકના અભ્યાસક્રમો શરૂ થયા. આમ, કૃષિ શિક્ષણના સર્વાંગી વિકાસમાં પૂરતું ધ્યાન અપાવા લાગ્યું.

છેલ્લાં પાંચ વર્ષોમાં કૃષિ ક્ષેત્રે રાજ્યના કૃષિકારોમાં ખૂબ જ જાગૃતિ આવી છે. તેનો યશ રાજ્યમાં પ્રતિ વર્ષ ઉજવાતા કૃષિ મહોત્સવને જાય છે. કૃષિ મહોત્સવને લીધે ખેડૂતો અને વૈજ્ઞાનિકો ખૂબ જ નજીક આવ્યા છે. તેને લીધે આજે ખેડૂતો ખેતરે બેઠા બેઠા તેમની ખેતી વિષયક સમસ્યાનો ઉકેલ મોબાઈલ દ્વારા કૃષિ વૈજ્ઞાનિકો પાસેથી મેળવતા થયા છે. કૃષિ યુનિવર્સિટીની સ્થાપના પછી વિવિધ પાકની વધુ ઉત્પાદન આપતી જાતો શોધાઈ છે. નવી શોધાયેલી ૨૪ જાતો પૈકી ૧૨ જાતો રાષ્ટ્રિય સ્તરે પણ નામના પામી છે. ખેડૂતોના હિતમાં કૃષિ યુનિવર્સિટીએ લગભગ ૨૦૭ જેટલી નવી ટેકનોલોજી / પાક પદ્ધતિઓ વિકસાવેલ છે. કૃષિ સંશોધન અને શિક્ષણના વિકાસની ફલશ્રુતિ રાજ્યની આવકમાં કૃષિ ક્ષેત્રનો સિંહ ફાળો રહ્યો છે. વર્ષ ૨૦૦૬-૦૭માં કુલ ખેતીની આવક રૂ. ૯૮૮૭ કરોડ હતી, તે આજે ૨૦૦૯-૧૦માં વધીને પાંચ ગણી થઈ છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સ્થાપના બાદ સંશોધન કેન્દ્રોની સુધારણા અને વિકાસનાં કામોને અગ્રિમતા અપાઈ છે. તે ઉપરાંત ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ સ્ટેશન, મેગા સીડ પ્રોજેક્ટ, સેન્ટર ઓફ એક્સેલન્સ ઓન સોઈલ એન્ડ વોટર મેનેજમેન્ટ અને WTO સેલ, બાયોટેકનોલોજી, ફુડ ક્વોલિટી ટેસ્ટિંગ લેબ, ટીસ્યુકલ્ચર લેબ, ફાર્મ મશિનરી ટેસ્ટિંગ જેવાં નોંધપાત્ર કેન્દ્રોનો ઉમેરો કરાયો છે. આ ઉપરાંત સીડ પ્રોસેસિંગ યુનિટ, ગ્રીન હાઉસ અને પોલીહાઉસ, મ્યુઝિયમ, બોટનીકલ ગાર્ડન વગેરેની વિદ્યાર્થીઓ તથા ખેડૂતો મુલાકાત લે છે તથા વાતાનુકૂલિત ઓડિટોરિયમ, સુવિધાસભર સેમિનાર હોલ, કોન્ફરન્સ હોલ અને કોમ્યુનિટિ હોલ વગેરેની સવલતો વિકસાવાઈ છે.

વિસ્તરણની વાત કરીએ તો હાલમાં પશુધન નિરીક્ષક તાલીમ કેન્દ્ર, બેકરી તાલીમ કેન્દ્ર, માળી તાલીમ કેન્દ્ર અને તાલીમ મુલાકાત યોજના, સરદાર સ્મૃતિ કેન્દ્ર, ખેત સેવા સલાહ યોજના, પાંચ નવાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, મત્સ્ય માટે વિસ્તરણ કાર્યક્રમ, એગ્રિકલ્ચર ટેકનોલોજી ઈન્ફર્મેશન સેન્ટર, સેન્ટર ઓફ કોમ્યુનિકેશન નેટવર્ક, ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી સેન્ટર, વગેરે કાર્યરત છે.

ગુજરાત રાજ્ય કપાસ, મગફળી અને દિવેલાની ઉત્પાદકતામાં આજે દેશમાં પ્રથમ સ્થાને છે. જ્યારે રાયડો અને બાજરીમાં બીજા સ્થાને છે. મસાલા પાકો જેવા કે જીરુ, વરિયાળી, સૂવા, ઈસબગુલ, અજમામાં પણ શ્રેષ્ઠ ઉત્પાદકતા સાથે ગુજરાત નંબર વન છે. અરે! જીરુ અને વરિયાળીમાં તો વિશ્વની શ્રેષ્ઠ ઉત્પાદકતા ગુજરાત ધરાવે છે. લસણ, ડુંગળી અને બટાટાની ઉત્પાદકતામાં પણ ગુજરાત અવ્વલ સ્થાને છે. ગુજરાતે ખારેક, ચીકુ, કાગદી લીંબુ, કેરી, બોર અને પપૈયામાં અન્ય રાજ્યોની મોનોપોલી તોડી છે. લીંબુ અને કેળામાં તો આપણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. કૃષિ ક્ષેત્રની ૩૦ જેટલી પેદાશમાં ગુણવત્તાભર્યું ઉત્પાદન કરી ગુજરાત ભારતમાં ટોચ ઉપર રહ્યું છે. આને લીધે કૃષિ ઉત્પાદનના નિકાસની ઉત્તમ તકો ઊભી થઈ છે.

સૌરાષ્ટ્રના ખેડૂતોને વાવેતર માટે પૂરતા પ્રમાણમાં વિવિધ પાકોના પ્રમાણિત કરેલ બિયારણ મળી રહે તે માટે જરૂરી આયોજન કરવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલ સુધારેલ સંકર જાતોનું સંવર્ધન બીજ તૈયાર કરવા માટે પદ્ધતિસરના કાર્યક્રમો લેવામાં આવે છે. આ પાકોનું બિયારણ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ અને રાજ્ય / કેન્દ્ર સરકારે નક્કી કરેલ પદ્ધતિ પ્રમાણે વિતરણ કરવામાં આવે છે.

*કોષ્ટક – ૧માં દર્શાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના ખેડૂતો – વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાથી તેમના પાકની ઉત્પાદકતા રાષ્ટ્રિય અને રાજ્ય સ્તરની ઉત્પાદકતા વધારવામાં સફળ થયા છે. ગુજરાત રાજ્યમાંથી કપાસની નિકાસ વધવામાં મુખ્ય ફાળો સૌરાષ્ટ્ર વિસ્તારનો રહેલ છે. કપાસની રાષ્ટ્રિય ઉત્પાદકતા કરતાં ગુજરાત રાજ્યની ઉત્પાદકતા લગભગ ૭% વધુ છે. જ્યારે રાષ્ટ્રિય ઉત્પાદકતા કરતાં સૌરાષ્ટ્રની ઉત્પાદકતા લગભગ ૪૫% વધુ છે. જે કૃષિ વિકાસમાં વૈજ્ઞાનિકોનું અનેરું યોગદાન પુરવાર કરે છે. આ જ પ્રમાણે અન્ય મુખ્ય પાકોમાં પણ સૌરાષ્ટ્ર વિસ્તારની ઉત્પાદકતા રાજ્ય અને રાષ્ટ્રિય સ્તર કરતાં વધુ નોંધપાત્ર રહેવા પામેલ છે.

 

પાક છેલ્લા પાંચ વર્ષની સરેરાશ ઉત્પાદકતા (કિગ્રા / હેક્ટર)
સૌરાષ્ટ્ર (જૂ.કૃ.યુ. કાર્યક્ષેત્ર) ગુજરાત ભારત
કપાસ ૭૩૭ (૪૫.૧%) ૫૪૫(૭.૩%) ૫૦૮
મગફળી ૧૪૪૩ ૧૩૬૨ ૧૧૪૨
ચણા ૧૧૮૪ ૯૪૯ ૮૨૩
બાજરી ૧૬૭૩ ૧૨૫૭ ૯૨૦
ઘઉં ૩૩૩૬ ૨૬૩૫ ૨૭૬૨

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એ માત્ર રાજ્ય કે દેશ નહિ પરંતુ વિશ્વમાં પણ નોંધપાત્ર બનતી જાય છે. છેલ્લાં એક વર્ષના ગાળા દરમિયાન ઈંડોનેશિયા, ઈઝરાયેલ, તાન્ઝાનિયા અને દક્ષિણ આફ્રિકાનાં પ્રતિનિધિ મંડળોએ આ યુનિવર્સિટીની મુલાકાત લીધી છે. તેઓ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા થઈ રહેલા શિક્ષણ, સંશોધન અને વિસ્તરણનાં કામોથી પ્રભાવિત થયા છે અને કેટલીક બાબતો અંગે કરારો કરવાની તત્પરતા દર્શાવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેનાથી આકર્ષાઈ અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ અને વિદેશના વિદ્યાર્થીઓ પણ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવવા આવતા થયા છે. અત્યારે વેરાવળ ખાતેની મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલયમાં ૭ તાન્ઝાનિયાના વિદ્યાર્થીઓ અને જૂનાગઢ ખાતે કૃષિ મહાવિદ્યાલયમાં અફઘાનિસ્તાનનો એક વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ લઈ રહેલ છે. રાજ્ય સરકાર દ્વારા ઉજવાતા કૃષિ મહોત્સવ અંગે રાષ્ટ્રિય કક્ષાના પરિસંવાદોમાં અને અમારા તાજેતરના દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કરેલા પ્રેઝન્ટેશનથી તેઓ સર્વે પણ પ્રભાવિત થયા. તેની ફલશ્રુતિ સ્વરૂપે અન્ય રાજ્યોના કૃષિ તજ્‌જ્ઞો જૂનાગઢ ખાતે કૃષિ મહોત્સવનો અભ્યાસ કરવા આવતા થયા છે. તે જ રીતે દક્ષિણ આફ્રિકાનું ડેલિગેશન પણ આવતા દિવસોમાં કૃષિ મહોત્સવની જાણકારી મેળવવા ગુજરાતની મુલાકાતે આવવા આતુર છે. આમ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની શિક્ષણ સંશોધન અને વિસ્તરણની પ્રવૃત્તિની સુવાસ દેશ-વિદેશમાં ફેલાઈ છે. ગુજરાત હવે ખરા અર્થમાં વાઈબ્રન્ટ (ધબકતું) બની રહ્યું છે. આજનો યુગ એ કમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક સાધનોનો યુગ છે. તેને લીધે સંદેશા વ્યવહાર ઝડપી બન્યો છે. ખેડૂતો તેમની ખેત વિષયક સમસ્યાનું નિરાકરણ ટેલિફોન કે મોબાઈલ દ્વારા વૈજ્ઞાનિકો પાસેથી મેળવતા થયા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેની વેબ સાઈટ સમયાંતરે અદ્યતન બનાવે છે. ખેડૂતો માટે તૈયાર કરેલ લગભગ ૪૦૦ પાનાંનું ખેડૂત માર્ગદર્શિકા પુસ્તક ઉપરાંત મૂંઝવતા પ્રશ્નો અને જવાબો તેમજ હવામાનની માહિતી અને સલાહની વિગતો ખેડૂતો વેબસાઈટ ખોલી વાંચી શકે છે. આમ, કોમ્પ્યુટરના માધ્યમ દ્વારા ખેડૂતો વિષયક સમસ્યાનું નિરાકરણ ઘેર બેઠા મેળવતા થયા છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબ સાઈટ દુનિયાના ૧૦૨ દેશો જોતા થયા છે. છેલ્લા પાંચ માસના ટૂંકાગાળા દરમિયાન ૧.૫૪ લાખથી પણ વધુ લોકોએ વેબસાઈટની મુલાકાત લીધી છે. આમ કૃષિ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અગ્રેસર રહેવા પ્રયત્નશીલ છે.

Total Views: 27

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.