(નર્મદેહર અન્નક્ષેત્ર, તિલકવાડા આશ્રમવાસી આત્મકૃષ્ણ મહારાજની ‘ચાલો મા નર્મદાની પરિક્રમાએ…’ પુસ્તકમાંથી સાભાર.  – સંપાદક)

नर्मदा शर्मदा लोके पुरारिपददा मता।
ये सेवन्ते नरा भक्त्या ते न यान्ति पुनर्भवम्‌॥

(અક્ષર ગીતા – રંગ અવધૂત)

નર્મદાતટવાસી પૂ. શ્રી રંગ અવધૂત મહારાજે સ્વપ્રણીત ગ્રંથ ‘અક્ષરગીતા’માં સાચું કહ્યું છે કે મા નર્મદા આ લોકમાં શાંતિ તથા પરલોકમાં શિવલોક દેનારી મનાય છે. જે મનુષ્યો ભક્તિપૂર્વક તેનું સેવન કરે છે, તેમનો પુનર્જન્મ થતો નથી.

મા નર્મદા પરમ મહિમામયી અને સર્વતીર્થ શિરોમણિ છે. તેના અપૂર્વ મહિમાનું ગાન કરતા પ્રાચીન – અર્વાચીન અનેક ગ્રંથો ઉપલબ્ધ છે. ઋષિમુનિપ્રણીત અનેક પુરાણોમાંથી સ્કંદ પુરાણ તથા વાયુપુરાણમાં તેના ‘રેવાખંડ’ નામે અલગ વિભાગ છે. આમ તો મા નર્મદાની યશોગાથા શતપથ બ્રાહ્મણ, વશિષ્ઠ સંહિતા, બૃહત્ સંહિતા, રામાયણ, મહાભારત ઉપરાંત સ્કંદ, વિષ્ણુ, મત્સ્ય, વરાહ, પદ્મ, કૂર્મ, બ્રહ્મ, વાયુ, અગ્નિ, માર્કંડેય, બૃહન્નારદીય, શિવ, વામન, કલ્કિ, શ્રીમદ્ ભાગવત, દેવી આદિ પુરાણોમાં ઓછા- વત્તા પ્રમાણમાં વર્ણવેલી જોવા મળે છે. નર્મદાની ઉત્પત્તિ વિશે કલ્પભેદથી અનેક કથાઓ પુરાણોમાંથી મળી આવે છે.

૧. પ્રાચીન કથાનુસાર સૃષ્ટિના આરંભે શિવજીએ કરેલા તાંડવ નૃત્ય સમયે તેમને થયેલા પ્રસ્વેદ – પરસેવામાંથી નર્મદા ઉત્પન્ન થઈ અને તે બ્રહ્મલોકમાં રહેવા માંડી. પૃથ્વીલોકમાં તે સમયે કોઈ નદી ન હતી. દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી કે નર્મદાને સર્વલોકના કલ્યાણ માટે પૃથ્વી પર મોકલો. શિવજીએ સંમતિ આપીને પૂછયું: બ્રહ્મલોકમાંથી પૃથ્વીલોક પર ધસી રહેલા નર્મદાના વેગીલા પ્રવાહને ઝીલશે કોણ? ત્યારે વિન્ધ્યપર્વતના પુત્ર મેકલપર્વતે નર્મદાને ધારણ કરવા તૈયારી બતાવી. ભગવાન શિવની આજ્ઞાથી નર્મદાએ મેકલપર્વત પર અવતરણ કર્યું. આથી જ તેનું એક નામ ‘મેકલકન્યા’ તરીકે પ્રસિદ્ધ છે. આ મેકલ પર્વતને જ ત્રિકુટાચળ, ઋક્ષ આદિ કહેવામાં આવે છે. હાલ પણ નર્મદા ઉત્પત્તિસ્થાન મેકલપર્વત પર સ્થિત અમરકંટકમાં જ છે.

૨.  અન્ય કથા પ્રમાણે વનવાસ સમયે પાંડવો અમરકંટક આવ્યા અને માર્કંડેય આશ્રમમાં મહામુનિનાં દર્શન-વંદન કરી ભગવતી નર્મદાની ઉત્પત્તિ વિશે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછયો. માર્કંડેય ઋષિએ આ વિશે વાયુપુરાણમાં વર્ણવાયેલા શિવજી અને વાયુદેવના સંવાદનું સ્મરણ કરતાં જે કથા વર્ણવી તે આ પ્રમાણે છે.

આદિ સત્યયુગમાં ભગવાન શિવે સર્વે પ્રાણીઓથી અદૃશ્ય રહીને ઋક્ષ પર્વત વિન્ધ્યાચલ પર દશહજાર વર્ષ સુધી ઘોર તપસ્યા કરી. તે સમયે શિવજીના દેહમાંથી શ્વેતરંગનો સ્વેદ નીકળવા માંડયો, અને પર્વત પર વહેવા માંડયો. તેમાંથી એક સર્વાંગ સુંદર કન્યા ઉત્પન્ન થઈ. એ કન્યાએ શિવજીની સામે જ એક પગ પર ઊભા રહી ઘોર તપશ્ચર્યા આદરી. આ તપથી પ્રસન્ન થયેલા શિવજીએ તેને વરદાન માંગવા કહ્યું. પરમ તપસ્વિની તે કન્યાએ ભગવાન શંકરને વંદન કરી વરદાન માંગ્યાં-

૧. પૃથ્વીલોક પર હું અમર થાઉં.

૨. મારા જલમાં સ્નાન કરનાર જીવોનાં સમસ્ત પાપો નાશ પામે.

૩. ભારતના ઉત્તરભાગમાં વહેતી ભાગીરથી ગંગાની જેમ હું દક્ષિણ ભાગની પરમ પવિત્ર નદી બનું.

૪. પૃથ્વીનાં સમસ્ત તીર્થોના સ્નાનનું ફળ મારા જળમાં સ્નાનમાત્રથી જીવોને પ્રાપ્ત થાય.

૫. મારાં દર્શન માત્રથી પ્રાણી મુક્ત થાય, અને

૬. મારા જળનો સ્પર્શ થવાથી જ કંકર શંકર થાય.

આશુતોષ ભગવાન શંકરે ‘તથાસ્તુ’ કહી ઉપરોક્ત વરદાનો ઉપરાંત એક વધુ વરદાન આપતાં કહ્યું: તારા ઉત્તરતટે વસતા સત્કર્મશીલ મનુષ્યો મારા લોકને અને દક્ષિણતટે રહેનારા પિતૃલોકને પ્રાપ્ત થશે. હવે તું વિન્ધ્યાચલ પર પ્રગટ થઈ સમસ્ત લોકનું કલ્યાણ કર. પછી તે કન્યા વિન્ધ્યપર્વત પર જઈ પ્રગટ થઈ. તેનું પરમ સુંદર સ્વરૂપ તથા ગતિ અદ્ભુત હતાં. આથી સર્વ દેવો તથા દાનવો મોહ પામ્યા તથા તેની સાથે લગ્ન કરવા ઉત્સુક થયા. ભગવાન શિવજીને પ્રાર્થના કરતાં તેમણે કહ્યું: તમારામાં જે શક્તિશાળી હોય તે તેની સાથે લગ્ન કરે. પરંતુ તે પહેલાં તેને શોધી લાવો. અનેક રૂપોમાં અહીં – તહીં ઘડીમાં દેખાતી, ઘડીમાં અદૃશ્ય થઈ જતી તેને કોઈ શોધી શકયું નહીં. આમ એક હજાર દિવ્ય વર્ષો સુધી ક્રીડા કરવાને કારણે તે કન્યાનું નામ ‘नर्म क्रीडा ददाति ईति नर्मदा’ પડયું. નર્મદાની આ લીલા જોઈને શિવજીએ પાર્વતીને કહ્યું: ‘આ દેવ – દાનવો મૂર્ખ છે તેઓ આદિશક્તિને પ્રાપ્ત કરવા ઇચ્છે છે. શિવજીના કથનથી પ્રસન્ન થયેલી નર્મદા શિવ સન્મુખ પ્રગટ થઈ. ભગવાન શિવે તેને અનેક વરદાનો આપી સમુદ્રને અર્પણ કરી. નર્મદા શિવકન્યા હોવાથી તેના પિતાના નામ સાથે જ તેના નામનો ઉચ્ચાર મહામંત્રની જેમ કરવામાં આવે છે. નર્મદે હર, નર્મદે હર.

નર્મદા પરિક્રમા – પદ્ધતિ, પ્રકાર અને અન્ય માહિતી

नर्मदायै नम: प्रात: नर्मदायै नमो निशि।
नमस्‍ते नर्मदे देवी! त्राहि मां भवसागरात्‌॥

માનવજીવનનું ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ અથવા જન્મ – મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવવી તે છે. શાસ્ત્રો અને સંતોએ તે માટે જપ – તપ, યોગ યાગાદિ અનેક સાધનો પ્રબોધ્યાં છે. ઉપનિષદોમાં તપને બ્રહ્મ કહેલ છે. ‘तपो ब्रह्म’ તપશ્ચર્યાથી સર્વ કાંઈ સિદ્ધ કરી શકાય છે. મા નર્મદા ભગવાન શિવની દ્રવિભૂત સાક્ષાત્ કૃપા છે. પ્રાચીનકાળથી તેના ઉભયતટે અનેક દેવી-દેવતાઓ તથા સાધુ-સંતોએ તપ કર્યાં છે. નર્મદાના ઉત્તર અને દક્ષિણતટ પર આવેલાં સમસ્ત તીર્થો આ રીતે તપ:સ્થલીઓ છે. તપનો સામાન્ય અર્થ છે – સહન  કરવું તે. મનુષ્યજીવનમાં અનુભવાતાં અનેક દ્વન્દ્વો સુખ-દુ:ખ, માન-અપમાન, હર્ષ-શોક, હાનિ-લાભ, ઠંડી – ગરમી, ભૂખ – તરસ આદિની ચિંતા કે વિલાપ કર્યા સિવાય મનની સમતા જાળવી આત્મકલ્યાણની ભાવનાથી સહન કરવાં તે તપશ્ચર્યા છે.

નર્મદા પરિક્રમા તપશ્ચર્યા છે. તે કોઈ સાહસયાત્રા નથી કે નથી પર્યટન યા સહેલગાહ. પરિક્રમા દરમિયાન ડગલે ને પગલે ઉપર દર્શાવેલાં અનેક દ્વંદ્વોનો સામનો યાત્રિકને કરવો પડે છે. આ સર્વ સમયે એક માત્ર મા નર્મદાનું અવલંબન જ યાત્રિકના ધ્યેયની સિદ્ધિનું કારક છે. પરિક્રમા સાધકના જીવન ઘડતરનો અમૂલ્ય અવસર તથા ઈશ્વરાનુભૂતિનું પ્રબળ સાધન છે. આથી જ પૂ. શ્રી રંગઅવધૂત મહારાજ ઘણીવાર કહેતા કે ‘ભગવાનમાં શ્રદ્ધા ન બેસતી હોય અને છતાં પરમાત્માની ઝાંખી કરવાની લગની લાગી હોય તો નીકળી પડો પૂર્ણ જિજ્ઞાસાની શ્રદ્ધાવંત હેસિયતથી મા નર્મદાની પરિક્રમાએ; અને જુઓ શું અનુભવ થાય છે!!’ સાચે જ, પરિક્રમા એક એવો કીમિયો છે જેનાથી ભૌતિક રીતે દુ:ખી જીવનરૂપી લોઢું આધ્યાત્મિક આનંદનું સુવર્ણ બની જાય છે.

પરિક્રમા ઉપાસનાનું એક અંગ છે તથા અનુષ્ઠાનની સમાપ્તિનું પણ સૂચક છે. મંદિરોમાં આરતી તથા સ્તુતિ – વંદના કરી લીધા પછી પરિક્રમા કરીને પ્રસાદ ગ્રહણ કરવાનો વિધિ છે. પરિક્રમાથી જન્મજન્માંતરોમાં થયેલાં પાપો નાશ પામે છે.

यानि कानि च पापानि जन्मान्तरकृतानि च।
तानि तानि प्रणश्यन्तु प्रदक्षिणा पदे पदे॥

ભારત દેશની સમસ્ત નદીઓમાં સાત નદીઓ ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીને પવિત્રતમ ગણવામાં આવી છે. પરંતુ પરિક્રમા માત્ર મા નર્મદાજીની જ કરવામાં આવે છે, જે તેમની વિશેષ મહત્તાની સૂચક છે. માતા-પિતા, દેવમંદિર, યજ્ઞભૂમિ, તીર્થક્ષેત્ર, ગ્રામ, નગર આદિની પરિક્રમાનું શાસ્ત્રોમાં વિધાન છે.  આ સર્વમાં નર્મદા પરિક્રમા સહુથી મોટી અને વિકટ છે. મનુષ્યની સર્વ પ્રકારની સહનશક્તિની તેમાં કસોટી થાય છે જે એક રીતે તપશ્ચર્યા જ છે. કહ્યું પણ છે ‘नर्मदा तटे तप: कर्यात्‌’ નર્મદાતટે કરેલું તપ તત્કાળ સિદ્ધ થાય છે કારણ કે આગળ જણાવ્યું તેમ મા નર્મદા સ્વયં સાક્ષાત્ કૃપા છે. કૃપાનો કિનારો એટલે જ કલ્પવલ્લી.

પરિક્રમા અને તેના પ્રકાર:

આપણે જેની પરિક્રમા કરવાની હોય તેને આપણા જમણા હાથ તરફ રાખી તેની આજુબાજુ ગોળ – ગોળ ફરવાની ક્રિયાને પરિક્રમા અથવા પ્રદક્ષિણા કહેવાય. પ્રદક્ષિણા સમાહિત ચિત્તે મંત્રજપ અથવા ભગવાનનું નામ લેતાં – લેતાં ધીમે ધીમે કરવી જોઈએ. સગર્ભા સ્ત્રી જેમ ગર્ભસ્થ શિશુનું ધ્યાન રાખી ઝડપથી ચાલતી કે દોડતી નથી તેમ પરિક્રમામાં પણ અંતર્યામી ઈશ્વરનું સતત સ્મરણ કરતાં સાધારણ ગતિથી ચાલવું જોઈએ. આમ ઈષ્ટદેવનાં ધ્યાન-ચિંતન સહિત શાંતભાવથી થતી પરિક્રમા જ સાધના છે.

પરિક્રમા અનેક રીતે કરી શકાય છે. પગે ચાલીને, દંડવત્ કરતાં કરતાં, આળોટતાં આળોટતાં અને વાહન દ્વારા. આ સર્વમાં ખુલ્લા પગે ચાલીને કરવામાં આવતી પરિક્રમા જ શ્રેષ્ઠ છે; કારણ કે તેમાં બંને તટનાં સમગ્ર તીર્થો-સંગમોમાં યાત્રી જઈ શકે છે અને સ્નાન, દર્શન, પૂજન કરી શકે છે.

દંડવતી પરિક્રમા કે આળોટતાં આળોટતાં થતી પરિક્રમા વિકટ તપશ્ચર્યા જરૂર છે. પરંતુ તેમાં મા નર્મદાનું સાંનિધ્ય છોડીને ઉપરના માર્ગે જવું પડતું હોવાથી નિત્ય નર્મદા સ્નાન, તીર્થ દર્શન આદિ થઈ શકતાં નથી.

વાહન દ્વારા થતી પરિક્રમામાં પણ માત્ર મુખ્ય મુખ્ય તીર્થોનાં દર્શન આદિ કરી શકાય છે. વૃદ્ધ, રોગી, અશક્ત જે ચાલીને પરિક્રમા ન કરી શકે તે વાહન દ્વારા પણ કરે તો પરિક્રમા ન કરવા કરતાં ચઢિયાતું જરૂર છે જ.

સમય:

પતિતપાવની મા નર્મદાના બંને તટ પર અનેક તીર્થો, દેવ મંદિરો, અને નદી સંગમો આવેલાં છે. પરિક્રમાને ઉપાસના તરીકે સ્વીકારીને  સાધક નિષ્ઠાપૂર્વક નિત્ય નર્મદા સ્નાન, દેવપૂજન, જપ-તપ કરતાં પરિક્રમા કરે તે જ સર્વોત્તમ છે. શાસ્ત્રાનુસાર કેટલા દિવસ કયા તીર્થોમાં નિવાસ કરવો, વર્ષાઋતુના ચાર મહિના કોઈ એક સ્થળે સ્થિર થવું આદિને ધ્યાનમાં રાખી સમગ્ર પરિક્રમા ત્રણ વર્ષ, ત્રણ મહિના અને તેર દિવસમાં પૂર્ણ કરવી જોઈએ.

પોતાની માન્યતાની પૂર્તિ અર્થે સકામભાવથી પરિક્રમા કરનારા પોતાની અનુકૂળતા મુજબ તેથી ઓછા સમયમાં પણ પરિક્રમા કરી શકે છે. કવચિત્ કોઈ વીર સાધક પોતાના જપ-તપ અનુષ્ઠાનની સિદ્ધિ અર્થે માત્ર એકસો આઠ દિવસમાં પણ પરિક્રમા કરતા હોય છે. કોઈ કોઈ સાધક બારવર્ષ પરિક્રમા કરવાનું વ્રત પણ લેતા હોય છે. તેઓ નર્મદા તટના પ્રસિદ્ધ પવિત્રતમ સ્થાનોની સિદ્ધભૂમિમાં જપ – તપ – ધ્યાન માટે લાંબો સમય નિવાસ કરતાં કરતાં શાંતિથી આગળ વધતા હોય છે.

માર્ગ:

સામાન્ય રીતે નર્મદાના કિનારે કિનારે જ સાધકે ચાલવાનું છે. કિનારાનો માર્ગ કવચિત્ એકદમ સરળ અને લીલા ઘાસથી છવાયેલો મખમલી હોય છે,  તો કવચિત્ પથ્થરો, ખડકો, કાંકરા – કાંકરીથી ભરપૂર; અને રેતીનાં લાંબા લાંબા ભાઠાં તો અનેક ઓળંગવા પડે જ. માર્ગમાં અનેક ઝરણાં તથા નાની મોટી નદીઓ અને નાળાં પાર ઉતારવાનાં હોય છે. ઊંચા ઊંચા ટેકરાઓની ચઢ-ઉતર પણ ખરી જ. જ્યારે કિનારાનો માર્ગ જંગલ – ઝાડીથી દુર્ગંમ બની જાય યા કિનારે ચાલી શકાય તેવી પગદંડી પણ ન હોય ત્યારે ઉપરના માર્ગે આગળ વધવાનું હોય છે. જેમાં કાચી – પાકી સડકોનો માર્ગ અનુકૂળ રહે છે. છતાં આ માર્ગ પણ સરળ તો નથી જ. જંગલ – ઝાડીમાં ભૂલા પડવાનો સંભવ ખરો જ. અલબત્ત, મા નર્મદા સર્વ સ્થળે, સર્વ સમયે તેના આશ્રિતની અચૂક સંભાળ રાખે છે. એવો પ્રત્યેક પરિક્રમા કરનારનો અનુભવ છે. માર્ગમાં ગોખરું – કાંટા વગેરેથી તથા નદી-નાળામાં ચીકણા કાદવથી બચીને સાવધાનીપૂર્વક ચાલવાનું હોય છે. લક્કડકોટનું જંગલ અને શૂલપાણિની ઝાડીની યાત્રા ખરેખર વિકટ છે. આ સમગ્ર પરિક્રમા કોઈ પણ પ્રકારના વાહનના ઉપયોગ કર્યા સિવાય ખુલ્લા પગે માત્ર ચાલીને જ કરવામાં ખરી કસોટી તથા સાચી તપશ્ચર્યા છે.

ધર્મશાળા – સદાવ્રત:

નર્મદા પરિક્રમા સેંકડો વર્ષોથી ચાલતી આવી છે અને હજારો વ્યક્તિઓ તે કરતા રહ્યા છે. તેમની સુવિધા માટે બંને તટનાં અનેક ગામો-નગરોમાં સુખી – દાતા- ગૃહસ્થો તરફથી તથા સંત-સાધુઓના આશ્રમોમાં નિવાસ અને ભિક્ષાનો પ્રબંધ કરવામાં આવેલો છે. લગભગ પ્રત્યેક સ્થળે મુકામ માટે કાચી યા પાકી ધર્મશાળા બાંધેલી છે. મધ્યપ્રદેશનાં ગામોમાં કિનારા પર કવચિત્ પાકી ધર્મશાળા જોવા મળે છે. સામાન્ય રીતે માટી-કરાંઠાની બનાવેલી કુટિ જ હોય છે અથવા કયાંક ઉપર પતરાં છાયેલી ઓરડી હોય છે. તેમાં અન્ય કોઈ સુવિધા – પાણી કે પ્રકાશની હોતી નથી. જ્યાં તે પણ ન હોય ત્યાં કોઈ મંદિરમાં યા તેના ઓટલા પર અથવા ગામના સરપંચ – પટેલ કે બ્રાહ્મણના ઘેર નિવાસ કરવાનો હોય છે. જંગલપ્રદેશમાં ભીલોની ટાપરી અથવા ખુલ્લામાં રહેવું પડે. કવચિત્ નર્મદાતટે રેતીના ભાઠામાં ખુલ્લા આકાશ નીચે પણ પરમાનંદ માણી શકાય. અલબત્ત, નદી તટે મગર કે પાણી પીવા આવતાં વન્ય પશુઓથી સાવધાન રહેવું પડે. તદ્દન નિર્જન અને એકાંત સ્થળે નિવાસ કરવો હિતાવહ નથી.

જ્યાં સદાવ્રત હોય છે ત્યાંથી ‘નર્મદે હર’ કહી ભિક્ષા માંગતા સામાન્ય રીતે કાચી ભિક્ષાસામગ્રી મળે છે. મોટે ભાગે ઘઉં, બાજરી, જુવાર કે મકાઈનો લોટ તથા તુવેર, મગ, ચણા કે મસુરની દાળ તથા મીઠાનો ગાંગડો ને આખાં સૂકાં મરચાં મળતાં હોય છે. કવચિત્ ચોખા, ગોળ પણ મળી શકે. કિનારાનાં ગામોમાં આવતી દુકાનોમાંથી ચા, ખાંડ, અગરબત્તી, ચણા, ગોળ જેવી વસ્તુઓ પણ અપાય છે. જે સ્થળે મોટા આશ્રમ કે મંદિર હોય ત્યાં અન્નક્ષેત્રમાંથી ભોજન પણ મળી જાય. ક્વચિત્ ગામના કોઈ સદ્ગૃહસ્થ આદરપૂર્વક પોતાના ઘેર લઈ જઈને જમાડે પણ ખરા. ટૂંકમાં, નર્મદામૈયા ક્યારેય કોઈ પણ યાત્રિકને ભૂખ્યો રાખતી નથી. સ્વયં ભિક્ષા ન રાંધનાર સંન્યાસીને સર્વત્ર તૈયાર ભિક્ષા પણ મળી જાય છે. મધ્યપ્રદેશમાં નર્મદાતટનાં ગામડાઓની વસ્તી ગરીબ જરૂર છે પણ તેમના હૃદય વિશાળ છે.

પરિક્રમાનું સ્વરૂપ

સામાન્ય રીતે નર્મદાતટના કોઈ પણ સ્થળેથી પરિક્રમાનો આરંભ થઈ શકે છે. મા નર્મદાને જમણા હાથે રાખીને આગળ વધી સમગ્ર પ્રવાહની ચારેબાજુ ગોળ ફરીને જ્યાંથી પરિક્રમા શરૂ કરી હોય ત્યાં આવતાં પરિક્રમા પૂર્ણ થઈ ગણાય. માર્ગમાં ક્યાંય મા નર્મદાના પ્રવાહનું ઉલ્લંઘન થવું ન જોઈએ. જો નર્મદાપ્રવાહ ઓળંગી જવાય તો પરિક્રમા ખંડિત થઈ ગણાય. સામાન્ય રીતે છેક ઉપરના પ્રદેશમાં ખાસ કરીને ભીમકુંડીથી અમરકંટક સુધીમાં મા નર્મદાનો પ્રવાહપટ ક્ષીણ થઈ જતો હોવાથી તેને અન્ય નદી યા નાળુ સમજી ઓળંગી જવાનો ડર રહે છે માટે તે પ્રદેશમાં સાવધાન રહેવું જરૂરી છે.

સકામ પરિક્રમા

કેટલાક માણસો આર્થિક ઉન્નતિ, સંતાનપ્રાપ્તિ, રોગમુક્તિ અથવા અન્ય કોઈ કામનાની પૂર્તિ અર્થે પરિક્રમાની માન્યતા રાખતા હોય છે. કામના પૂર્તિ અર્થે અથવા કામના પૂર્ણ થયા બાદ પરિક્રમા કરવામાં આવે છે. આ પ્રકારના યાત્રિકો માત્ર પરિક્રમા કરતા હોય છે. તીર્થોનાં દર્શન, સંગમ સ્નાન કરતા નથી કે અન્ય વિધિ-નિષેધો પાળતા હોતા નથી. ક્વચિત્ રેલવે યા મોટર જેવા વાહનનો ઉપયોગ પણ કરી લેતા હોય છે. પરિક્રમામાં સકામ યાત્રીઓ વિશેષ હોય છે.

નિષ્કામ પરિક્રમા

મા નર્મદાની પ્રસન્નતા અને કૃપાપ્રાપ્તિ અર્થે નિષ્કામ ભાવે પરિક્રમા કરનારાઓમાં મુખ્યત્વે વીતરાગી સાધુઓ, સંન્યાસીઓ અથવા કોઈક સાધક યા સત્પુરુષો હોય છે. તેઓ મા નર્મદાની સાથે સાથે સમસ્ત તીર્થોની યાત્રા, દર્શન-પૂજન-જપ-તપ આદિ કરતા હોય છે. જો કે તેઓની સંખ્યા અલ્પ હોય છે.

નર્મદા પરિક્રમાની સામાન્ય પદ્ધતિ એવી છે કે મા નર્મદાના સમગ્ર પ્રવાહની આજુબાજુ ગોળાકારે ફરવું. દા.ત. અમરકંટકથી પરિક્રમા આરંભ કરી પ્રથમ દક્ષિણતટે ચાલીને રેવા-સાગરસંગમે પહોંચવું. નાવ દ્વારા સાગર પાર કરી ઉત્તરતટનો માર્ગ પકડીને અમરકંટક પહોંચી પરિક્રમા પૂર્ણ કરવી. જે સ્થાનો પ્રવાહમાં બેટ સ્વરૂપે હોય ત્યાં જઈ શકાય નહિ. ૐકારેશ્વરનું સ્થાન બેટરૂપે હોવાથી પરિક્રમા પૂર્ણ થયા પછી ત્યાં જઈને દર્શન-પૂજન આદિ કરતાં પરિક્રમા સંપૂર્ણ થઈ ગણાય. (પરિક્રમા દરમિયાન ઓમકારેશ્વર મંદિરનાં દર્શન કરવા જઈ શકાતું નથી.)

કેટલાક યાત્રીઓ રેવા-સાગરસંગમેથી પાર ઉતરતા નથી. જેમ શિવમંદિરમાં પરિક્રમા કરતાં શિવનિર્માલ્ય જલધારાને ઓળંગાય નહિ તેમ મા નર્મદાના પ્રવાહને અહીં રેવા-સાગરસંગમે પણ ન ઓળંગતાં ત્યાંથી પાછા વળે છે. આ પરિક્રમા બે રીતે થાય છે –

(૧) રેવા-સાગરસંગમ ઉત્તરતટેથી પરિક્રમા આરંભી અમરકંટક થઈને દક્ષિણતટે રેવા-સાગરસંગમે પહોંચી પૂર્ણ કરવી.

(૨) અમરકંટકથી પરિક્રમા આરંભી દક્ષિણતટે રેવા-સાગરસંગમે પહોંચી ત્યાંથી પાછા વળી અમરકંટક આવવું. અહીંથી આગળ વધી ઉત્તરતટે રેવા-સાગરસંગમે પહોંચી, ત્યાંથી પાછા વળીને મૂળ આરંભસ્થાન અમરકંટકે આવતાં પરિક્રમા પૂર્ણ થાય. આમાં બેવડી પરિક્રમા થાય છે. પરંતુ એક રીતે આ ‘પ્રદક્ષિણા’ ન કહેવાય. કારણ કે મા નર્મદા સમગ્ર પરિક્રમા દરમિયાન દક્ષિણ હસ્તે (જમણા હાથે) રહેતાં નથી. રેવા-સાગરસંગમથી પાછા વળતાં મા નર્મદા ડાબા હાથે રહે છે. ક્વચિત્ કોઈ આ પ્રકારની પરિક્રમા કરતા હોય છે ખરા.

મા નર્મદાના એક જ તટ પર સળંગ ન ચાલતાં ક્યારેક સામા તટે પણ જઈને તીર્થદર્શન યા સંગમસ્નાન કરવાની પદ્ધતિથી થતી પરિક્રમા હનુમત્ પરિક્રમા છે. પરંતુ પરિક્રમાની જે વ્યાખ્યા છે તે અનુસાર આને પરિક્રમા જ ન કહેવાય. 

પરિક્રમાના મુખ્ય નિયમ- મા નર્મદાના પ્રવાહનું ક્યાંયે ઉલ્લંઘન ન કરવું -નું જ તેમાં પાલન થતું નથી. સહેલાણીઓ આ રીતે યાત્રા કરી શકે છે. મા નર્મદાના ઉત્તર કે દક્ષિણતટના કોઈ પણ સ્થળેથી પરિક્રમા શરૂ કરી શકાય છે. પરંતુ ઉદ્ગમસ્થાન અમરકંટક, રેવા-સાગરસંગમ, કટિસ્થાન નેમાવર અને નાભિસ્થાન ૐકારેશ્વરથી પરિક્રમાનો આરંભ ઉત્તમ મનાય છે. (કેટલાકના મતે નેમાવર નાભિસ્થાન છે.)

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.