એક સમય એવો હતો જ્યારે સમાજના અમુક ખૂણા સમાજનું જ અંગ હોવા છતાં અસ્પૃશ્ય હતા. સમય બદલાયો છે. પૃથ્વી પટે અવતરિત મહાન સ્ત્રીપુરુષોનાં જીવનકવનને લીધે સામાજિક દૃષ્ટિકોણમાં માનવીયતાએ પ્રવેશ કર્યો છે. પહેલાં જેવી જડતા હવે રહી નથી. છતાં સૂગ સાવ ગઈ પણ નથી.

શ્રીરામકૃષ્ણ આશ્રમ વતી જેલમાં સત્સંગ અર્થે જવા કહેવામાં આવ્યું ત્યારે ઠાકુરની આજ્ઞા છે તેમ માન્યું છતાં માનસપટલ પર વિચાર તરંગોએ કોલાહલ મચાવ્યો. શા માટે? શું વળશે? સામાજિક મનુષ્યો પણ સત્સંગને દર્શન – શ્રવણ અને દૈનિક ક્રિયાના ભાગરૂપ જ જુએ છે. એથી વિશેષ કોઈ ખાસ બદલાવ હજુ સુધી જોવામાં આવ્યો નથી. મંદિરમાં બેઠેલો અને મંદિરમાંથી બહાર આવેલો બંને.. માનવ એક હોવા છતાં અલગ વ્યક્તિત્વ ધરાવે છે.

ત્યારે જેમની સામાજિકતાની આગળ ‘અ’ લાગેલો છે તેમના ભીતરને ભીંજવતું ઈશ્વરભક્તિનું કોઈ સ્પંદન જગાડવું શકય છે ખરું? શું એમના ‘અ’ને ભૂંસી શકે તેવી કોઈ બદલાવની ભૂમિકા સત્સંગ દ્વારા તેમનામાં ઊભી કરી શકાશે ખરી? અરે! ખુદ મારામાં જ ઈશ્વરભક્તિનું પ્રેમ કરુણામય સ્પંદન હશે તેવી ખાતરીમાં હું નથી તો પછી કયા સામર્થ્ય વડે એમને બદલવાની ભૂમિકા પૂરી પાડતી પ્રવૃત્તિમાં એમને પ્રવૃત્ત કરી શકીશ? આવા અનેકાનેક નકારાત્મક તરંગની વચ્ચે થઈને એક હકારાત્મક તરંગ ઉદ્ભવ્યો, જેણે યાદ અપાવી ‘સત્સંગના ફળની વાત’ જેનો સાર છે – બે ઘડીના સત્સંગમાં પૃથ્વીને ધારણ કરવાની શક્તિ છે. યાદ આવી મેઘાણી લિખિત ‘વલોપાત’; જેનો સાર છે – ‘ખૂંખાર માનવીના હૃદયમાં પણ આધ્યાત્મિકતા રહેલી છે.’

દીવાની જેમ સ્પષ્ટ થવા લાગ્યું કે માનવીને ઘડવામાં સંજોગો જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જીવનમાં આવેલી કોઈ નબળી અકલ્પનીય, અજાણી, નબળી ક્ષણ માનવ જીવનને સમાજથી અલગ દિશામાં ઘસડી જાય છે. બસ… બધા જ વિચાર તરંગો ખરી પડયા. મન સાફ થયું, કાર્યસજ્જતા માટે કટિબદ્ધ થયું. આવા કઠિન અને અસમંજસભર્યા કાર્ય માટે બીજા સ્વયંસેવકો પણ સાથે હતાં જ. સૌના સહિયારા પ્રયાસ વડે સત્સંગને દીપાવવાનો હતો.

જેલમાં ગયા; અને જતાં જ સમજાઈ ગયું કે આપણા જેવા જ સામાન્ય, પ્રેમાળ, પરિવારપ્રેમ, સહૃદય, માયાળુ, ઈશ્વર પરાયણ જીવો. પછી તો જતા જ ગયા, જતા જ ગયા, બુધવાર સાંજના ચાર… સૌ બહેનો અમારી રાહ જુએ… અમે પણ જવા તત્પર… કોઈ જાતનો બદલાવ લાવવાના અભરખા કે પરિવર્તનની અપેક્ષા સિવાય ‘શિવ જ્ઞાને જીવ સેવા’ના આદેશને માથે ચડાવ્યો.

સમાજના આ ઉપેક્ષિત સંતાનોને, સ્વામીજીના શબ્દોમાં કહીએ તો અમૃતનાં સંતાનોને આનંદમાં રાખવાના પ્રયત્નો શરૂ થયા. આ માટે સ્વામીજી, મા-ઠાકુર અન્ય સંત મહાપુરુષોનાં જીવન કવન – સામાજિક વાર્તાઓ, રમૂજી પ્રસંગો, બોધકથાઓ અને બાળવાર્તાઓ – ભજન – કીર્તન – ધૂન, શ્લોકો, ૐ કાર ધ્યાન, રમતગમત વગેરે પદ્ધતિઓનો સમાવેશ થયો.

તેઓ આનંદિત થતા જતા હતા. તેમના વિલાયેલા ચહેરા ખીલતા જતા હતા. તેઓ પણ ઊલટભેર પોતામાં રહેલી શક્તિઓને પ્રદર્શિત કરતા ખુશ થતા હતા. અને તે જોઈ જોઈને અમે પણ હરખાતા. મા – ઠાકુરને આ સદ્ભાગ્યના અમને સહભાગી બનાવવા બદલ આભાર માનતા, જાતને કૃતાર્થ સમજતા જતા હતા. તેઓ આવી પડેલી આ પરિસ્થિતિથી અત્યંત વ્યથિત છે. પરિવારથી અલગ રહેવાની અસહ્ય પીડાથી પીડાતા આ જીવોનું થોડીકવાર માટે પણ દુ:ખ ભૂલાવી શકીએ તો એ અમારું અહોભાગ્ય જ ગણાય.

સાંત્વના અને શાતા મેળવવા ઝંખતા પરિસ્થિતિ સામે ઝૂઝતા, ઝઝૂમતા, આક્રોશ અને પસ્તાવાથી ભરેલા આ પિંજરે પૂરાયેલા પંખીની માફક છૂટવા મથતા જીવો. વિષમય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે કરુણામયી કોમલ હૃદયા મા શારદાથી કેમ જોવાય? અને એને વળી કયાં ભેદ હતા? ડાકુ અમઝદ અને સંન્યાસી શરત બંને એમનાં વહાલાં બાળકોથી વિશેષ કંઈ જ નહોતા. અને તેથી જ તેમણે પોતાનો દિવ્ય સંદેશ આ તપ્ત હૃદયો સુધી પહોંચાડવા અમને વાહક બનાવ્યા હતા. 

‘પુલ નીચેના પાણીની માફક આફત જતી રહેશે, ડરશો નહિ!’ આ વાકય જ્યારે અમે કહીએ છીએ ત્યારે તેમની બધી જ વ્યથાઓ, આક્રોશ શાંત પડે છે. તે જોઈ અમને પણ સારું લાગે છે. એમની બધી જ વ્યથાઓ મા – ઠાકુર સાંભળશે; નબળી ક્ષણોની વાત બિલકુલ રંજ રાખ્યા વગર કે કંઈ પણ છુપાવ્યા વગર તેમની સમક્ષ સાચું બોલવાથી તેઓ તમને જરૂર મદદ કરશે; તેવું આશ્વાસન પણ આપીએ છીએ. સમજ પણ આપીએ છીએ કે મા-ઠાકુર સમક્ષ કરાયેલું નિવેદન પ્રાર્થના જ છે, પ્રાર્થના જાહેર કરવાથી શક્તિ ગુમાવે છે.

વળી તેમને સ્વાભાવિક રાખવા, સરળ રાખવા, રમતોપણ રમાડીએ. જેમાં તેઓ વિશેષ આનંદ મેળવે. ચહેરા હસી ઊઠે: મન ખીલી ઊઠે. રમતમાં ગોટાળા થાય ત્યારે હાસ્યના ફુવારા છૂટે. જાણે કંઈ બન્યું જ નથી… પોતાની સહજ, એ જ રોજની દુનિયામાં છીએ તેવો આનંદ તેમને પ્રાપ્ત થાય. અમે પણ હરખાઈએ કે ચાલો આટલી ખુશી તો તેમને આપી શકયા. મળેલી સજાથી વ્યથિત, પરિવારથી અલગ, મળવાની ઝંખનાએ ઝૂરતાં આ જીવોને સત્સંગ દ્વારા ‘શાંતિની પ્રાપ્તિના ઉપાયો’ દ્વારા સાંત્વના પહોંચાડવાના આ અમારા નમ્ર્ર પ્રયાસો છે. આભારી છીએ રામકૃષ્ણ આશ્રમના જેણે અમને આ કાર્ય માટે લાયક ગણ્યા.

શ્રીઠાકુરને ચરણે અર્પણ કરેલ આ સેવાપુષ્પ ભક્તિની સફળતા તરફનું એક પગલું જ હશે. તેઓની ઇચ્છા, તેઓ જ જાણે; આવાં સેવાપુષ્પો તેમનાં શ્રીચરણે અર્પણ કરવાનું કાર્ય તેઓ અમારા દ્વારા કરાવતા રહે એ જ પ્રાર્થના.

Total Views: 15

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.