સ્વામી વિવેકાનંદના શિષ્યા ઓલીબુલ (ધીરામાતા)ના જીવન પર શ્રીમતી શૈલજા દાતેએ લખેલ લેખનો ડો. પ્રજ્ઞા પૈએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે. – સં.

‘ભગવાં વસ્ત્રો પહેરી ભારતથી આવેલી આ અલૌકિક વ્યક્તિ મનુષ્ય નથી, ઈશ્વર છે. તેનાં દર્શનથી મને દૈવી અનુભવ થયો. આવી ઈશ્વરીય વાણી મેં આ પૂર્વે કોઈ વાર સાંભળી નથી. એમનું વ્યક્તિત્વ એક સમ્ર્રાટ જેવું હતું. આપણા દેશમાં તેઓ સત્યનો પ્રકાશ લાવ્યા. તેમને લીધે જ તો હું જ્ઞાન તરફ વળી. વિવેકાનંદનાં પવિત્ર કાર્યો માટે મારું જીવન અર્પણ કરવાનો મેં નિર્ણય કર્યો.’ અતિશય શાંત, સૌમ્ય અને આધ્યાત્મિક વલણ ધરાવતાં અમેરિકા નિવાસી શ્રીમતી સારા ચેપમન ઓલી બુલ ઉર્ફે ધીરામાતા બોલ્યાં. 

વિવેકાનંદના સાંનિધ્યને લીધે તેમની આધ્યાત્મિકતા ઉચ્ચ સ્તરે પહોંચી અને તેઓ ‘મહાન સાધિકા’ કહેવાયાં. ‘અધ્યાત્મ’ તેમને મળેલું નૈસર્ગિક દાન હતું. તે ઉત્કૃષ્ટ પિયાનોવાદક હતાં. 

કેમ્બ્રિજમાં મહાન વિચારકો અને તત્ત્વજ્ઞો કાયમ તેમની પાસે આવતા. સારા બુલના ઘરમાં ધર્મ, નીતિ, તત્ત્વજ્ઞાન વિશે ચર્ચા કરવા વારંવાર માન્યવરોની પરિષદ યોજાતી. એક હિન્દુ સંન્યાસી વિવેકાનંદને લીધે સારા બુલનું ઘર એક પવિત્ર તીર્થક્ષેત્ર બની ગયું. તેમના ઘરમાં વિવેકાનંદના વર્ગ શરૂ થયા. વિવેકાનંદ સાથે વિવિધ વિષયો પર ચર્ચા – સંવાદ યોજનારી કેમ્બ્રિજ કોન્ફરન્સનું તેમણે સંચાલન કર્યું. શ્રોતાઓ પર વિવેકાનંદના ઉદાત્ત વિચારોનો તેમજ તેમના સાક્ષાત્કારી વ્યક્તિત્વનો અદ્ભુત પ્રભાવ પડતો. સારામાં વેદાંત જેવા ગહન તત્ત્વવિષયો – તત્ત્વવિચારોને સમજી શકાય તેવી ઉચ્ચ બુદ્ધિ હતી.

વિવેકાનંદને સમર્પિત થયેલાં પાશ્ચાત્ય શિષ્યા શ્રીમતી સારા ઓલીબુલ મૂળ અમેરિકાનાં રહેવાસી હતાં. લગ્ન પહેલાં તેમનું નામ સારા જોસેફ થોર્પ હતું. તેમના ઘરનું વાતાવરણ બુદ્ધિસભર હતું. સારાના પતિ ચેપમન નોર્વેજિયન હતા. પ્રસિદ્ધ અને લોકપ્રિય વાયોલિનવાદક હોવા ઉપરાંત તે નાટકોમાં પણ ઘણો રસ ધરાવતા હતા. ઓગણીસ વર્ષની સારા તેમની કલા પ્રત્યે આકર્ષાઈ અને અઠ્ઠાવન વર્ષના ચેપમન સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. 

ચેપમનના કાર્યક્રમોને લીધે સારાને પ્રવાસ કરવાની ઘણી તકો મળી. પતિના લહેરી સ્વભાવને લીધે અનેક દેશોમાં જવાનું થયું. સંતાનમાં સારાને એક પુત્રી હતી. લગ્નના અગિયાર વર્ષ પછી સારાના પતિનું નિધન થયું. ઈ.સ. ૧૮૯૪ની સાલમાં તા. ૬ થી ૧૫ મે દરમિયાન બોસ્ટન અને હાર્વર્ડમાં સ્વામીજીનાં વ્યાખ્યાનો યોજાયાં. અહીં સ્વામીજી સાથે સારાનો પ્રથમ મિલાપ થયો. સ્વામીજીના તેજસ્વી વ્યક્તિત્વ અને દૈવી  વાણીથી મંત્રમુગ્ધ થઈ ‘આજ સુધી મેં આવા સત્પુરુષને કયાંય જોયા નથી,’ એવું કહી તેણે સ્વામીજીનાં વ્યાખ્યાનો કાયમ શ્રવણ કરવાનો નિર્ણય કરી લીધો.

સતત પ્રવાસ અને વ્યાખ્યાનોને લીધે સ્વામીજીને શ્રમ પડયો હોવાથી તેમને વિશ્રાંતિ માટે શાંત નિવાસસ્થાનની જરૂર હતી. સારા બુલે પોતાના કેમ્બ્રિજના નિવાસસ્થાનમાં સ્વામીજી માટે રહેવાની વ્યવસ્થા કરી. 

એકવીસ દિવસના તેમના રહેવાસ દરમિયાન સારાએ સ્વામીજી સાથે અનેક વિષયો પર ચર્ચા કરી. તેમના સંવાદો પરથી સ્વામીજીને ખ્યાલ આવી ગયો કે સારા બુલ આધ્યાત્મિક વલણ ધરાવે છે. સ્વામીજીનાં વ્યાખ્યાનો સાંભળીને અને તેમની સાથે ચર્ચા કર્યા પછી સારાના મનમાં ભારત પ્રત્યે નિર્માણ થયેલો આદરભાવ વધતો જ ગયો. 

ભારતના નિવાસીઓ પ્રત્યે તેના મનમાં ભ્રાતૃભાવની લાગણી જન્મી. વયમાં સ્વામીજી સારા કરતાં પંદર વર્ષ મોટા હોવા છતાં તેમની વચ્ચે માતાપુત્ર જેવો સંબંધ હતો. સ્વામીજી તેને માતા કહીને સંબોધતા. સારાનો સ્વભાવ ધીરગંભીર, પ્રેમાળ અને શાંત હોવાથી સ્વામીજીએ તેનું નામ ‘ધીરા માતા’ પાડયું. ધીરા માતા સ્વામીજીનાં શિષ્યા બન્યાં. સ્વામીજીએ જ્યારે ત્યાંથી વિદાય લીધી ત્યારે તેમને પાંચસો ડોલર્સ આપી સારાએ કહ્યું, ‘મારા ભારતીય બાંધવો માટે આ રકમનો ઉપયોગ કરજો.’ સ્વામીજી આશ્ચર્ય પામ્યા અને સારાની આ લાગણી જોઈને તેમનું મન ભરાઈ આવ્યું. સારાના ઘરમાં પોતાના ત્રણ અઠવાડિયાનાં નિવાસ દરમિયાન સ્વામીજીએ ઉપનિષદો, ગીતા, શંકરાચાર્યની આત્મ સાક્ષાત્કાર વિષયક રચના વગેરે વિષે સંભાષણ કર્યું હોવાથી સારાને ઉત્કૃષ્ટ જ્ઞાન મળ્યું. સ્વામીજીની શૈલી ગહન બાબતોને પણ સરળ અને સહજ બનાવી દેતી. સારાએ કહ્યું, ‘તે દિવસો અવિસ્મરણીય હતા. સ્વામીજીની હાજરી અને તેમના પ્રભાવને લીધે મારું ઘર પવિત્ર બની ગયું. મને આધ્યાત્મિક દિશા સાંપડી અને મારું જીવન કૃતાર્થ બન્યું. મને સારા સદ્ગુરુનો ભેટો થઈ ગયો. હું મારું જીવન, તેમની સેવામાં જ વીતાવીશ.’

સ્વામીજીના પ્રત્યેક વ્યાખ્યાન પર તે વારી જતાં. સ્વામીજીનાં કાર્યો માટે મળતાં દાન અને માનધનના પૈસાનો કારભાર તે ઉત્તમ રીતે સંભાળતાં. ‘સ્વામીજીનું ભારત’ જોવાની તેમને તીવ્ર ઉત્કંઠા હતી. ભારત માટે કંઈક કરી છૂટવાની ઇચ્છા પણ હતી. તા. ૧૪ ફેબ્રુઆરી, ૧૮૯૮ને દિવસે સ્વામીજીના ગુરુબંધુ શારદાનંદ સાથે સારા અને જોસેફીન ભારત આવ્યાં. કોલકાતાના બેલૂર મઠમાં નાનાં ઓરડાં બાંધી સારા અને જોસફીન તેમાં અત્યંત સાદાઈપૂર્વક રહેતાં હતાં. સ્વામીજી બધાને કહ્યા કરતા, ‘ધીરા માતા (સારા) રહે છે તે ઓરડામાં પ્રેમ, માત્ર પ્રેમ જ છે, પ્રેમ સિવાય ત્યાં બીજું કંઈ નથી. ધીરામાતા પ્રેમમૂર્તિ છે, એ કુટિર એટલે સ્વર્ગ.’

સારા બુલ શ્રીરામકૃષ્ણ પરમહંસનાં સહધર્મચારિણી શારદાદેવી માતાજીનાં દર્શન માટે ગયાં. તે સારા માટે ભાગ્ય-યોગ હતો. માતાજી બોલ્યાં, ‘આવ, આવ મારી બાલિકા.’ આ પ્રેમાળ અને ભાવવિભોર શબ્દોએ સારાને પાવન કરી દીધી. માતાજીએ સારા સાથે ફળાહાર કર્યો, તેને વહાલ કર્યું, આશીર્વાદ દીધા અને પ્રશંસા કરી. બંનેની ભાષા ભાવનાત્મક હતી. સારાએ કહ્યું, ‘શ્રીમાતાજી એટલે મૂર્તિમંત પ્રેમ.’ ત્યારબાદ તે શ્રીરામકૃષ્ણનાં શિષ્યા ગોપાલમાને મળ્યાં. તેમણે પણ પ્રેમ વરસાવ્યો. સારાનું મન ભરાઈ આવ્યું. સ્વામીજીનાં માતુશ્રી ભુવનેશ્વરીદેવીને પણ તે મળ્યાં. આ મહાન માતાને જોતાં જ સારાની આંખમાંથી અશ્રુ વહેવા માંડયાં. તે નતમસ્તક ત્યાં ઉભાં રહ્યાં.

શ્રી શારદાદેવી માતાના પાવન હસ્તે નિવેદિતા શાળાનો શુભારંભ અને મઠનું ભૂમિપૂજન કરવામાં આવ્યાં. સારા અને જોસેફીન આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં. સારાએ આપેલી રકમમાંથી શાળા માટે શરૂ કરવામાં આવેલા ટ્રસ્ટને લીધે શાળાને સારો એવો આધાર મળ્યો. શાળા સારાની આર્થિક સહાય પર જ નભતી હતી. રામકૃષ્ણ મઠને જ્યારે જ્યારે આર્થિક સમસ્યાનો સામનો કરવો પડયો ત્યારે ત્યારે સારાએ આર્થિક મદદ કરી હતી. ત્યાર બાદ સારાએ કાયમી સહાયની વ્યવસ્થા પણ કરી.

શ્રીરામકૃષ્ણનાં સહધર્મચારિણી શ્રીશારદામાતાનાં દર્શને ઘણા ભક્તો આવતા. આ ભક્તોને માતાજી અન્નપ્રસાદ આપતાં. આને માટે પણ પૈસાની ખેંચ રહેતી તેથી સારાએ માતાજી માટે પણ પૈસાની વ્યવસ્થા કરી આપી.

સ્વામીજીના સહવાસને લીધે સારાનું આધ્યાત્મિક સ્તર ઊંચું બન્યું હતું. ભારત પ્રત્યેના તેનાં પ્રેમ અને નિષ્ઠાનો સ્વામીજી હંમેશ ઉલ્લેખ કરતા. સારાએ પણ સ્વામીજીને માતા જેવો ટેકો આપ્યો. વાત્સલ્યભર્યા શબ્દોમાં તે સ્વામીજીને સૂચનો કરતાં.

બ્રહ્માનંદ અને શારદાનંદ સ્વામીજીના ગુરુબંધુઓ હતા. મઠના ટ્રસ્ટી તરીકે આ બંને ભાઈઓના નામ ઉપરાંત સ્વામીજીએ સારાનું નામ પણ સૂચવ્યું હતું, પરંતુ સારાએ એ પ્રસ્તાવ નકાર્યો હતો. સ્વામીજીનાં માતુશ્રીની અને ભાંડરુંઓની આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઈ હતી તેથી સારા દર મહિને પૈસા આપતી. સિસ્ટર ક્રિસ્ટીનને તેણે છેવટ સુધી આર્થિક સહાય કરી હતી.

સ્વામીજી સાથે સંપૂર્ણ ઉત્તર ભારતનો પ્રવાસ કરતી વખતે કાશ્મીરનું બધું ખર્ચ સારાએ ઉપાડી લીધું હતું. આ પ્રવાસમાં સારા, જોસેફીન, નિવેદિતા અને બીજાં સહપ્રવાસીઓને ઉત્કૃષ્ટ જ્ઞાન મળ્યું.

ભારત આવીને સારાએ રામકૃષ્ણ મઠને સારી એવી સહાય કરી ભારત માટે મહાન યોગદાન કર્યું. જ્યારે બેલૂર મઠ માટે શાશ્વત નિધિ-ટ્રસ્ટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે સારાએ એક લાખ રૂપિયા આપ્યા. આ ઉપરાંત મઠના દૈનંદિન ખર્ચ માટે પચીસ હજાર રૂપિયા આપ્યા.

વિવેકાનંદે કહ્યું છે :-

ધીરામાતા (સારા બુલ)નું દાન ગીતામાં કહ્યું છે તેવું સાત્ત્વિક દાન છે. તેના અપાર ઔદાર્યને લીધે તેમના દાનની કોઈ સીમા નથી. બાહ્ય દેખાવ કર્યા વગર નિરપેક્ષપણે અને વિવિધ પ્રકારે પોતાની સંપત્તિનો વિનિમય કરવાનું કારણ છે તેનો ભારત દેશ પ્રત્યેનો પ્રેમ. ધીરા માતામાં કાર્ય કરવાની સહજતા, મનની ઉદારતા, વર્તનની એકાગ્રતા અને પ્રેમ ઉચ્ચ સ્તરનાં છે. તેમની ભાવના નિરામય અને નિરપેક્ષ છે. તેના મનની વિશાળતા અસામાન્ય છે. પોતાના સંતાનની જેમ તેણે મારી ખૂબ ખૂબ કાળજી લીધી. મારા મોટા ભાઈઓ શારદાનંદ, બ્રહ્માનંદ અને તુરિયાનંદ અમેરિકા આવ્યા ત્યારે તેમને પણ ધીરા માતાએ આધાર આપ્યો. તેમનું આધ્યાત્મિક સ્તર પણ બહુ ઊંચું છે. એક પત્રમાં વિવેકાનંદ લખે છે :-

આદરણીય ધીરા માતા,

મારા જીવનની દેખરેખ રાખવા માટે જ જાણે જગન્માતાએ તમને મોકલવાની યોજના કરી. આથી જ તમારી પ્રત્યે મારું વર્તન આદર અને શ્રદ્ધાથી ભર્યું છે.

તમારો પ્રેમાળ પુત્ર, વિવેકાનંદ.

અમેરિકામાં વિવેકાનંદના વિરોધીઓ હતા, નિંદા કરનારા પણ હતા. આથી સારાને બહુ દુ:ખ થતું. સારામાં નિરીક્ષણ શક્તિની સૂક્ષ્મતા, માણસને ઓળખી લેવાની પરિપક્વતા અને ગુણ પારખવાની ક્ષમતા હોવાને લીધે તેણે નિંદક – ટીકાકારો સામે સ્વામીજીનું રક્ષણ કર્યું. તેમની પવિત્રતા અને આદર જાળવવાની તકેદારી રાખી સારાએ સ્વામીજીને પીઠબળ પૂરું પાડયું. તે પત્રવ્યવહાર પણ સારા પ્રમાણમાં કરતાં. પત્રો, સંવાદ અને ચર્ચાના માધ્યમથી તે સ્વામીજીની મહત્તા જણાવતાં. તેમના દિવ્ય વિચારો પ્રગટ કરવાની સારાની ઉત્કટતાને લીધે તેણે અનેક વ્યક્તિઓને શાશ્વત સત્ય વદનારા સ્વામીજી તરફ વાળવાનું સદ્કાર્ય કર્યું.

સ્વામીજીનો કર્મયોગ – ભક્તિયોગ – જ્ઞાનયોગ – રાજયોગ. આ ગ્રંથ માટે ન્યુયોર્કની વેદાંત સોસાયટીએ એક પ્રકાશન સમિતિનું નિર્માણ કર્યું. આ સમિતિનું અધ્યક્ષપદ અને ગ્રંથનો સંપૂર્ણ અધિકાર સારાને ફાળવવામાં આવ્યાં. ન્યુયોર્ક વેદાંત સોસાયટીને કાર્યક્ષમ રાખવા સારાએ ખૂબ પ્રયત્ન કર્યો. તેનામાં વ્યવસ્થાપનનું કૌશલ્ય તો હતું જ. ત્યાં તેણે વેદાંતના વર્ગોનું આયોજન પણ કર્યું. ન્યુયોર્કમાં નિવેદિતાએ ‘ધ રામકૃષ્ણ ગિલ્ડ ઓફ હેલ્થ ઈન અમેરિકા’ સમિતિની સ્થાપના કરી. સારાએ તેનો કાર્યભાર સંભાળ્યો. સાથે સાથે તે સાધના પણ ખૂબ કરતાં.

ન્યુયોર્કથી થોડે દૂર રિજલે મેનોરના નિવાસમાં સ્વામી વિવેકાનંદે સારા અને નિવેદિતાને ભગવાં વસ્ત્રો આપ્યાં. તેઓ બોલ્યા, ‘શ્રીરામકૃષ્ણે જે મને આપ્યું છે તે હું તમને આપું છું. એક જગન્માતા પાસેથી તે મારી પાસે આવ્યાં અને તે મેં તમને આપ્યાં. એ શક્તિ તમારી પાસે કાલી માતાનાં કાર્યો કરાવી શકશે.’ ત્યારબાદ સ્વામીજીએ તેમને આશીર્વાદ આપ્યા.

રામકૃષ્ણ મઠ – મિશન અને રામકૃષ્ણ આશ્રમમાં, રામકૃષ્ણની જમણી બાજુ રાખેલો શ્રીમાતાજીનો જે ફોટો આપણે જોઈએ છીએ તે આ શ્રેષ્ઠ સાધિકા સારાએ લીધો છે. તે માતાજીનાં લાડકાં હતાં. વિવેકાનંદને સમર્પિત થયેલાં, ઉચ્ચ સાધના કરનારાં અધ્યાત્મના ઉચ્ચ સ્તરે પહોંચેલાં, બધાને શુદ્ધ પ્રેમ કરનારાં વિવેકાનંદનાં શિષ્યા શ્રીમતી સારા બુલ ઉર્ફે ધીરા માતાએ તા. ૧૮ જાન્યુઆરી, ૧૯૧૧ રોજ તૃપ્તિ અને શાંતિપૂર્વક દેહત્યાગ કર્યો.

Total Views: 10

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.