(સુખ્યાત ઈંટરવ્હેંશનલ રેડિયોલોજી, સોનોલોજીના તજ્જ્ઞ, સંશોધક, ઈલા ફાઉન્ડેશનના સંસ્થાપક, લેખક, પક્ષી અભ્યાસક, છાયા ચિત્રકાર ડો. સતીશ પાંડેએ ઈલા ફાઉન્ડેશન દ્વારા મરાઠીમાં નિર્મિત, ‘પક્ષ્યાંચે સ્થળાંતર’ નામના ગ્રંથમાંથી વાચકોના લાભાર્થે ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.)

તાપમાનમાં બદલો

તાપમાનમાં ફેરફાર થવો એ પક્ષીઓના સ્થળાંતર માટે સૌથી વધારે મહત્ત્વનું કારણ છે. સ્થળાંતર એટલે શું? લેન્ડ્સબરો થોમસને સ્થળાંતર વિશે આવી વ્યાખ્યા આપી છે: ‘પોતાના નિવાસમાં બદલાવ જે કાલાંતરે થયા કરે છે, અને વિરુદ્ધ દિશાએ લઈ જાય છે. એના પાછળનું મુખ્ય કારણ છે નિયમિત રીતે અત્યંત સુયોગ્ય એવું વાતાવરણ અને કુદરતી પરિસ્થિતિ પ્રાપ્ત કરવાં.’ 

જે પક્ષીને ઉષ્ણ વાતાવરણ ગમે એ પક્ષી એવા જ વાતાવરણનો આનંદ માણવા મથતાં હોય છે. એકાએક વાતાવરણ ઠંડુ પડી જાય તો એ ઉષ્ણ વાતાવરણ ઝંખે છે. ઉત્તર ધ્રુવના વિસ્તારમાં અત્યંત ઠંડી હોય છે અને ઉષ્ણતા પ્રમાણમાં નહિવત્ હોય છે. ઠંડીની ઋતુ આવે અને ઉત્તર ધ્રુવ વિસ્તારમાં જ્યારે બરફનો વરસાદ થાય ત્યારે વિષુવવૃત્તીય પ્રદેશો અને દક્ષિણ ગોળાર્ધના વાતાવરણમાં પ્રમાણમાં ઉષ્ણતા વધારે હોય છે. ઉત્તર ગોળાર્ધમાં અતિ ઉત્તર વિસ્તારમાં રહેતાં પક્ષીઓને હીમવૃષ્ટિ વખતે અત્યંત ઠંડુ અને કષ્ટદાયી હવામાન સહન કરવું પડે છે. એટલે જે પક્ષીઓ ઉષ્ણતા પસંદ કરતાં હોય તેઓ દક્ષિણ તરફ પ્રવાસ કરવા માટે આકાશ તરફ મીટ માંડે છે. ઉત્તર ધ્રુવ વિસ્તારમાં ચકલીના આકાર જેવાં ફલોવ્હર પક્ષી વિષુવવૃત્તને ઓળંગીને દક્ષિણ ગોળાર્ધમાં પ્રવેશે છે. 

એ પક્ષીઓને ગરમીનું આકર્ષણ એટલું બધું હોય છે કે ઉત્તરધ્રુવથી માંડીને દક્ષિણ ગોળાર્ધ સુધીના આટલા સુદીર્ઘ અંતર કાપતાં પર્વત, નદી, સમુદ્ર, અરણ્યો, રણભૂમિ જેવી નૈસર્ગિક અડચણોને પાર કરીને પણ આકાશ માર્ગે ઊડીને તેઓ સફળતાપૂર્વક આ પ્રદેશોમાં પહોંચે છે.

આવા દક્ષિણ ગોળાર્ધમાં આવીને સ્થાનિક પક્ષી વૃંદ સાથે અન્નની સ્પર્ધા કરવી પડે છે. પહેલાં તો ખોરાક કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને સ્થાનિક પક્ષીઓની સરખામણીમાં આ પક્ષીઓની સંખ્યા કેટલી વધુ કે ઓછી છે એના પર પોતાના ખોરાક મેળવવાનો આધાર રહે છે. જ્યાં એમને પુષ્કળ પ્રમાણમાં ચારો-ચણ પૂરતો મળી ન રહે અને સ્પર્ધા ઓછી ન થાય ત્યાં સુધી એમનું ઉડ્ડયન દક્ષિણ તરફ ચાલુ જ રહે છે. આ પરિસ્થિતિ સંતોષજનક લાગે ત્યારે એ સ્થળાંતર પૂરું થાય છે અને ત્યાં વસવા લાગે છે. પોતાને પૂરતો ચારો-ચણ મળે અને પોતાની સલામતી પણ જળવાઈ રહે એ પૂરતું નથી; કારણ કે એણે પાછું વાતાવરણ પલટાતાં પોતાના મૂળ પ્રદેશમાં જવાનું હોય છે. ઉત્તર ધ્રુવમાં ઉષ્ણતા વધે અને હીમ પીગળવા માંડે, હવામાં ગરમી આવે એટલે તે પોતાની જગ્યાએ જવાનું આયોજન શરૂ કરી દે છે. 

સ્થળાંતરનું પ્રમાણ અને એની પદ્ધતિ પક્ષીએ પક્ષીએ અલગ હોય છે. સામાન્ય રીતે હિમાલય, એન્ડિસ, આલ્સ હીમભર્યા પહાડોમાં રહેનાર પક્ષીઓ જ્યારે હિમવર્ષાની શરૂઆત થાય ત્યારે તેઓ ક્રમશ: નીચે આવતાં રહે છે અને જરૂર જણાય તો તળેટીમાં આવીને વસે છે. ફિઝંટ, ગ્રાઉસ, સ્નોફિંઝ જેવાં પક્ષીઓ આવી રીતે સ્થળાંતર કરે છે.

આવી રીતે પ્રવાસન કરનાર અને સ્થળાંતર કરનાર પક્ષીઓના માળા તો ઊંચા પહાડોમાં જ રહે છે, તળેટીમાં નહિ. ઠંડી પૂરી થાય અને વૃક્ષોમાં નવાં પર્ણો ફૂટવાં માંડે એટલે એ વળી પાછા શિખર તરફ ઊડતાં જાય છે અને પોતાના માળામાં રહેવા માંડે છે.

(ક્રમશ:)

Total Views: 16

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.