સ્વામીજી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા. ત્યાં કુ. કેથરીન સેનબોર્નને તેઓ મળ્યા હતા. સ્વામીજીને સહાયરૂપ બનનાર એ સર્વપ્રથમ અમેરિકન સન્નારી હતાં. તેઓ ચેતનવંતા અને પ્રબુદ્ધ હતાં. તેઓ સારા વક્તા અને લેખિકા પણ હતાં, સ્મિથ કોલેજમાં પ્રાધ્યાપિકા રૂપે સેવાઓ આપતાં હતાં. એમણે થોડાં પુસ્તકો પણ લખ્યાં હતાં અને લોકપ્રિય હતાં. તેઓ વિચારશીલ હતાં અને પોતાના ઘરે પ્રબુદ્ધ લોકોને એકઠા કરીને વૈચારિક ગોષ્ઠિઓ યોજતાં. મેસેચ્યુસેટ્સમાં મેટકાફ ગામાં બ્રીઝી મેડોઝમાં રહેતાં હતાં. આ નિવાસ સ્થાન બોસ્ટનની નજીક હતું. ૨૫ જુલાઈ, ૧૮૯૩માં સ્વામીજી કેનેડાના વાનકુંવર ઊતર્યા. ૨૬ જુલાઈએ તેઓ શિકાગો જવા રેલગાડીમાં બેઠા. એમના જ ડબ્બામાં કેથરીન સેનબોર્ન ઉર્ફે કેટ પણ યાત્રા કરી રહ્યા હતા. સ્વામીજીનો વિશિષ્ટ પોશાક, ભગવાં અને સાફાને જોઈને તેમના તરફ કુતૂહલથી જોવાં લાગ્યાં. સ્વામીજીનું વ્યક્તિત્વ એકદમ પ્રભાવક, આકર્ષક અને તેજસ્વી હતું. એમના મુખારવિંદ તરફ તેઓ તાકીને જોવા લાગ્યાં. ગાડીમાં એમણે સ્વામીજીનાં કરેલ દર્શન વિશે તેઓ પોતાના શબ્દોમાં કહે છે: 

‘કેનેડિયન પેસેફિક રેલવેમાં યાત્રા કરતી વખતે મારા ડબ્બામાં પ્રથમવાર મેં સ્વામી વિવેકાનંદને જોયા. એમની દેહયષ્ટિએ અચાનક મારું ધ્યાન ખેંચ્યું. એમના રુઆબદાર વ્યક્તિત્વમાં ઉચ્ચતમ પુરુષાતન પ્રગટ થતું હતું. એમની ઊંચાઈ ૬ ફૂટ ૨ ઈંચ જેટલી હશે. સુખ્યાત વ્યક્તિ સેલ્વની જેવો એમનાં દેખાવ અને રૂપ હતાં. ચાલતી વખતે એમના પગલાં રૂઆબદાર રહેતાં. સમગ્ર વિશ્વના જાણે અધિરાજ હોય તેવી એમની ચાલમાં શાહી છાંટ જોવા મળતી. તેમની આંખો સ્નિગ્ધ, દૂરદૃષ્ટિ કરનારી, તેજસ્વી અને ચમકીલી હતી. એમની નજર ક્યારેક આગઝરતી લાગે અને વળી જ્યારે પ્રસન્ન ચિત્તે આનંદદાયી સંવાદ ચાલુ હોય ત્યારે એમની આંખોમાં પ્રસન્નતા ખીલી ઊઠતી. મને એમની સાથે ચર્ચા કરવાની તીવ્ર ઇચ્છા થઈ અને ભગવાધારી સાથે મેં ચર્ચા પણ શરૂ કરી દીધી. તેઓ ભારતીય હતા પણ મારા કરતાં એમનું અંગ્રેજી સારું હતું. પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનો એમને ઘણો સારો પરિચય હતો. શેક્સપિયર, ડાર્વિન, લાઁગ ફેલો, ટેનિસન, મૂલર, ટિંડોલના વિચારો એમના મુખેથી સહજ રીતે સરતા હતા. બાઈબલ પર પણ એમને જબરું પ્રભુત્વ હતું. એમનું અગાધ જ્ઞાન જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગઈ. એમનો દૃષ્ટિકોણ અત્યંત વિશાળ અને ગહનગંભીર હતો.

બધા ધર્મ અને સંપ્રદાય વિશે પણ તેઓ ઘણું જાણતા. એમના પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ સહાનુભૂતિપૂર્ણ હતો. એમનું સાંનિધ્ય પણ એક કેળવણી અને અનુભવ મેળવવા જેવું હતું. એમની પાસેથી નિત્યનવીન દૃષ્ટિ, સુયોગ્ય દિશાસૂઝ તેમજ નવીન પ્રકાશ અને સાક્ષાત્કાર મળતાં. એક ભારતીય સંન્યાસી હોવા છતાં પણ એમનું જ્ઞાન અત્યંત વિશાળ અને ઉત્તુંગ હતું. એમનું તેજસ્વી અને આકર્ષક વ્યક્તિત્વ અણછતું ન રહેતું. એમની સાથે મારે ઠીક ઠીક પ્રમાણમાં પરિચર્ચા થઈ. મારા જીવનમાં આ પ્રવાસ એક અવિસ્મરણીય પ્રવાસ બની રહ્યો. મેં એમના વિશે ઉત્સુકતાપૂર્વક પૂછપરછ કરી. તેમણે કહ્યું: ‘હું એક હિંદુ સંન્યાસી છું, ભારતમાંથી આવું છું અને અમેરિકામાં વેદાંતના વિચાર-પ્રચાર કરવા માટે આવ્યો છું.’

કેટે કહ્યું: ‘તમે મારા ઘરે પધારો. તમારા કાર્યમાં હું ઉપયોગી થાઉં એવું કંઈક બની શકે ખરું. જ્ઞાનના ક્ષેત્રમાં અનેક મોટી પ્રતિભાઓ સાથે મારે સંપર્ક છે. તેમની સાથે આપનો પરિચય કરાવવાથી મને આનંદ થશે.’ કેટે સ્વામીજીને પોતાના ઘરનું સરનામું આપ્યું અને પ્રસન્ન ચિત્તે એમની વિદાય લીધી. કેટ સાથે સ્વામીજીએ ઘણા વિષયોની ચર્ચા કરી હતી. ૫૪ વર્ષનાં પ્રૌઢ અને બુદ્ધિમાન મહિલા કેટે રેલના ડબ્બામાં રાજા જેવા દેખાવવાળા સ્વામીજીને પહેલીવાર જોયા અને એમની સાથે થયેલી પરિચર્ચા દ્વારા એમના જ્ઞાનવૈભવનો પરિચય મળ્યો. આ પહેલી જ મુલાકાતથી અનન્ય અસાધારણ અને ચિત્તાકર્ષક વ્યક્તિત્વવાળા સ્વામીજીની છબિ એમના મન પર કાયમને માટે અંકિત થઈ ગઈ. તેમણે કહ્યું: ‘આટલી પ્રભાવી વ્યક્તિ મેં પ્રથમ વખત જોઈ. બધા સંપ્રદાયો માટે તેઓ ગર્વ અનુભવતા અને એ સંપ્રદાયોના મત વિશે એમના મનની બારી ઉઘાડી હતી.’

સ્વામીજી શિકાગો આવ્યા. વિશ્વધર્મ પરિષદને હજુ વાર હતી. ત્યાંની મોંઘવારીને લીધે સ્વામીજીની આર્થિક પરિસ્થિતિ થોડી વિકટ બની ગઈ. શિકાગો કરતાં બોસ્ટનમાં રહેવું ઓછું ખર્ચાળ રહેશે અને કેટ સેનબોર્ન એ જ વિસ્તારમાં રહે છે એટલે સ્વામીજીએ નક્કી કર્યું કે ત્યાં જઈને રહેવું મારા માટે ઠીક રહેશે. તેથી એમણે કેટને આ વિશે તાર કર્યો. એમને લઈ જવા માટે કેટ નજીકના ગુસવીલ નામના રેલવે સ્ટેશને ગયાં. સ્વામીજીના આવા વિચિત્ર પોશાકથી સ્થાનિક લોકોમાં હોહા થઈ જાય અને કદાચ એમની ઠેકડી મશ્કરી પણ થાય, એવી ભીતી કેટના મનમાં હતી. પણ આવું કંઈ ન બન્યું, એમને જોઈને સૌ કોઈ મુગ્ધ બનીને જોવા લાગ્યા. ઘોડાગાડીમાં તેઓ સ્વામીજીને પોતાના મેટકાફ નજીક આવેલ બ્રીઝીમેડોઝ નામના બંગલે લઈ ગયા. કેટે અવર્ણનીય આનંદ અનુભવ્યો. એમના ઘરે સ્વામીજી સાથે ઘણી ચર્ચા થઈ. કેટ રસિક અને ઉદાર મનનાં હતાં. સ્વામીજી એને મા ગણતા. તેઓ ઘણા બુદ્ધિમાન હતાં એટલે સ્વામીજીને એમની સાથે ચર્ચા કરતાં ખ્યાલ આવ્યો કે એમને તત્ત્વજ્ઞાનમાં પણ રસરુચિ છે. આધ્યાત્મિકતાની વાતો વખતે તેઓ અત્યંત શાંત રહેતાં અને એકાગ્ર ચિત્તે બધું સાંભળતાં. એક મહાન વિભૂતિને પોતાના ઘરે અતિથિ રૂપે લાવ્યાનો આનંદ અને ઉલ્લાસ તેમણે અનુભવ્યો.

એમણે મોટા વિદ્વાનો અને ચિંતકો સાથે સ્વામીજીનો પરિચય કરાવ્યો. એમના ભાઈ ફ્રેંકલીને કેટના કહેવાથી બીજી ઘણી પ્રતિભાઓ સાથે સ્વામીજીની મુલાકાત કરાવી અને પછીથી એમનાં વ્યાખ્યાનોનું પણ આયોજન કર્યું હતું. કેટે સ્વામીજીનાં વ્યાખ્યાનો સાંભળ્યાં. એમની અદ્ભુત વક્તૃત્વ છટાથી તેઓ મંત્રમુગ્ધ બની જતાં. ગાડીના ડબ્બામાં થયેલી એમની અણચિંતવી મુલાકાત એમના માટે એક અપૂર્વ યોગ બની ગયો. કેટની સાથે રહેવાથી સ્વામીજીની આર્થિક સમસ્યા દૂર થઈ ગઈ. એમણે સ્વામીજીને આજુબાજુનાં સ્થળો બતાવ્યાં. એમને બહાર લઈ જતાં ત્યારે લોકો સ્વામીજી તરફ એક કુતૂહલની દૃષ્ટિએ તાકીને જોતા હતા. ફ્રેમિંગહેમ અને હનવેલમાં જઈને પાછા ફરતી વખતે ‘ફ્રેમિંગહેમ ટ્રિબ્યુન’ એ સમાચાર પત્રમાં આવા સમાચાર છપાયાં: ‘કેટ સેનબોર્ન પોતાના અતિથિ વિવેકાનંદને લઈને ૧૮ ઓગસ્ટના રોજ ફ્રેમિંગહેમથી હનવેલ ગયાં.’ આ સમાચારમાં સ્વામીજીનો ઉલ્લેખ આ શબ્દોમાં થયો હતો: ‘ભારતના રાજા સ્વામી વિવેકાનંદ’. એનું કારણ એ છે કે તેઓ અસલ રાજા-મહારાજા જેવા લાગતા હતા.

૨૦ ઓગસ્ટ, ૧૮૯૩, બ્રીઝીમેડોઝ, મેટકાફથી લખેલા પત્રમાં સ્વામીજી કહે છે: 

‘અત્યારે તો હું બોસ્ટન નજીકના એક ગામડામાં એક વૃદ્ધ સન્નારીના અતિથિ તરીકે રહું છું. ટ્રેનમાં મને એની અચાનક ઓળખાણ થઈ ગઈ ને એણે મને પોતાને ઘેર રહેવા આવવાનું આમંત્રણ આપ્યું. એને ઘેર રહેવામાં મને એક લાભ છે. થોડા સમય પૂરતું તો રોજનું એક પૌંડનું મારું ખર્ચ બચી જશે; અને એને લાભ છે મિત્રોને અહીં આમંત્રીને ભારતમાંથી આવેલી એક અજાયબીભરી વસ્તુ દેખાડવાનો! પરંતુ આ બધું વેઠી લેવું જ જોઈએ.’

આસપાસનાં ગામોમાં ફર્યા એટલે સ્વામીજીને અમેરિકનોના જીવનનો પરિચય મળી ગયો. એમણે અમેરિકનોના જીવનને બહુ નજીકથી નિહાળ્યું. 

હાર્વર્ડ યુનિવર્સિટીના સુપ્રસિદ્ધ પ્રાધ્યાપક અને અમેરિકાના વિદ્વત્તવર્ગમાં સુખ્યાત એવા શ્રી પ્રો. જે.એચ. રાઈટને કેટે સ્વામીજીનાં અદ્ભુત વ્યક્તિત્વ, એમની પ્રતિભા, પ્રભાવી વક્તૃત્વ, અસામાન્ય વિદ્વત્તા અને ઉચ્ચપ્રકારના જ્ઞાન વિશે બધી માહિતી આપી. એમણે પ્રો. રાઈટ સાથે સ્વામીજીની મુલાકાત પણ ગોઠવી દીધી. એમને લીધે વિશ્વધર્મ પરિષદની વ્યાસપીઠ પર સ્વામીજીનું બોલવું સુલભ બન્યું. 

પ્રો. જે.એચ. રાઈટ સાથે સ્વામીજીની મુલાકાત કરાવીને કેટે ઘણું મહાન કાર્ય કર્યું. એ એમનું મોટું ઋણ છે. અમેરિકામાં પ્રવેશ કર્યા પછી સૌ પ્રથમ એમના આશ્રયદાતા અને સહાયક હતાં. એટલે એ એક પૂજ્ય માતા સમાન હતાં. સ્વામીજીએ કહ્યું હતું: ‘અમેરિકા આવ્યા પછી પ્રથમ આશ્રય આપનાર આ માતાનો હું સદૈવ ઋણી રહીશ.’

Total Views: 12

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.