દૃશ્ય ૧લું: જગદંબાનું પ્રથમ દર્શન

શ્રીરામકૃષ્ણના હાથમાં શિવમૂર્તિ છે. ત્રિશૂલધારી, હાથમાં ડમરું, ગળે સર્પ અને સુંદર ધ્યાનસ્થ નેત્રોવાળી, અને પદ્માસનવાળી બેઠેલી મૂર્તિને ઘાટ આપી રહ્યા છે. થોડીવારે મૂર્તિને સિંહાસનમાં પધરાવી બીલીપત્ર, ચંદન, ફૂલ અને ભસ્મથી પૂજા કરી રહ્યા છે. તન્મય થઈને શ્લોકનું ગાન કરતા કરતા પૂજા કરે છે. આસપાસની દુનિયા ભૂલી જાય છે. દૂર ઊભા ઊભા મથુરબાબુ આ સઘળો પ્રકાર જુએ છે. હૃદયરામ પાસે આવે છે. તેને પૂછે છે? ‘આ મૂર્તિ ખરેખર રામકૃષ્ણે બનાવી છે?’

હૃદયરામ: ‘હા, મારા મામાએ જ આ મૂર્તિ બનાવી છે. તેમને મૂર્તિઓ બનાવવાનું અને ભાંગેલી મૂર્તિઓ સમી કરવાનું કામ ખૂબ સુંદર રીતે આવડે છે.

મથુરબાબુ: ભગવાન શિવની પૂજા થઈ જાય પછી આ મૂર્તિ મારી પાસે લઈ આવજો.

(બંને જાય છે. મથુરબાબુનો નોકર આવે છે.)

નોકર: ઠાકુર, આપને મથુરબાબુ બોલાવે છે. (જાય છે)

રામકૃષ્ણ: મારે નથી જવું બાબુ પાસે – મને ખબર છે, શું કામ બોલાવે છે. હું નહિ જાઉં.

હૃદયરામ: પણ મામા, એમાં તમને શું વાંધો છે?

રામકૃષ્ણ: હું જઈશ કે તરત જ મથુરબાબુ મને આ ઠેકાણે રહેવાનું અને નોકરી કરવાનું કહેશે.

હૃદયરામ: મામા, જુઓ આવા દેવસ્થાનમાં, મોટા માણસોના આશ્રયે કામમાં જોડાવું એ તો સારું કહેવાય. તમે શા માટે ના પાડો છો?

રામકૃષ્ણ: મારે હંમેશને માટે નોકરીના બંધનમાં બંધાઈ રહેવાનું ને? એવી મારી ઇચ્છા નથી. એવી ગુલામી હું ન કરું.

હૃદયરામ: પણ એમાં ગુલામી ક્યાં છે? બંધન જેવું શું છે. મંદિરમાં સેવા કરવી એમાં નાનપ શાની? મોટામામા સેવા નથી કરતા?

રામકૃષ્ણ: એ રીતે જિંદગી આખી બંધનમાં રહેવું નથી. કાલીમંદિરમાં નોકરી સ્વીકારવાથી માથે મોટી ગંભીર જવાબદારી લેવી પડે. કારણ કે મા કાલીનાં કિંમતી અલંકારો, વસ્ત્રો સાચવવાની જવાબદારી આવી પડે. અને મને હંમેશા તેની ચિંતા થયા કરે. મારાથી એ નહિ બને, હા, એક વાત છે. એ કામની જવાબદારી તારા માથે લે તો, અને અહિં મારી સાથે તું રહે તો, મને માત્ર પૂજા કરવામાં વાંધો નથી.

હૃદયરામ: ઓહો, એટલી જ વાત છે ને! એ જવાબદારી મારી. હવે તો મથુરબાબુ પાસે આવશો ને?

રામકૃષ્ણ: હા, હા. ચાલો જઈએ.

બંને જાય છે. દૃશ્ય ૨જું:

(રામકૃષ્ણ ઉદાસ ચહેરે બેઠા છે. થોડી થોડીવારે ઉપર આભમાં દૃષ્ટિ કરે છે. પાછા, મૂછમાં હસતા જાય છે. વળી પાછા મૌન, ગંભીર અને ઉદાસ ચહેરો બને છે.)

રામકૃષ્ણ (સ્વગત): પાંચ તત્ત્વનું આ ખોળિયું, પણ ઉપાધિ કેટલી? સ્નેહ, મમતા, દ્વેષ, ક્રોધ. પણ ખોળિયું પાંચ તત્ત્વમાં ભળી જાય પછી?

રામકૃષ્ણ: માણસને પીડે છે એ જ મમતા – લાગણી. વડીલભાઈનું અવસાન થયું? ‘શું મેળવ્યું? સ્વજનોની વિદાય, એનું દુ:ખ. બીજી બાજુ જગતનાં અનિષ્ટો એનાં પાપ. તેનો અંત છે ખરો? જ્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આ પીડા, દુ:ખો અને અનિષ્ટનો અંત નહિ આવે.

હૃદયરામ: મામા, શું ચિંતામાં પડી ગયા? આટલા બધા ઉદાસ કેમ છો?

રામકૃષ્ણ: આપણી આસપાસનું જગત નાશવંત છે. મૃત્યુ તો આવવાનું જ છે. એ જાણવા છતાં માણસ સંસારમાં કેટલો રચ્યો પચ્યો રહે છે? પણ જેવો એનો અંત આવ્યો પછી?

હૃદયરામ: હું જાણું છું. મોટા મામાના અવસાનથી તમે બહુ વ્યથિત છો, પણ એનો ઉપાય શું?

(રામકૃષ્ણ પલાંઠીવાળીને બેઠા છે, સાથળ ઉપર જોરથી થપ્પી મારીને બોલે છે)

રામકૃષ્ણ: એના ઉપાય છે, હૃદયરામ એનો ઉપાય છે! ઈશ્વરનો સાક્ષાત્કાર. મા જગદંબાનો સાક્ષાત્કાર. આ સામે જ મા કાલી હાજરા હજુર છે. એ કેવળ પથ્થરની મૂર્તિ નથી; ભવતારિણી મા જગદંબારૂપે બિરાજે છે.

હૃદયરામ: એક વાત પૂછું. મને સાચો જવાબ આપશો ને!

રામકૃષ્ણ: હા, હા. કેમ નહિ. તને જે કાંઈ શંકા હોય તેનું સમાધાન કરીશ. બોલ, શું પૂછવું છે.

હૃદયરામ: તમે રાત્રે મંદિરના ઉત્તર ભાગે, પંચવટીનું જંગલ આવેલું છે ત્યાં કેમ જાઓ છો?

રામકૃષ્ણ: માત્ર રાત્રે જ નહિ. બપોર વેળાએ પણ ત્યાં જાઉં છું. ત્યાં આંબળાનું મોટું ઝાડ છે, એની નીચે બેસીને હું મા કાલીનું ધ્યાન ધરું છું. એકાંત હોય, ચારે બાજુ શાંતિ હોય, આવી જગ્યા ધ્યાન માટે ખૂબ અનુકૂળ છે.

હૃદયરામ: મામા, મારા મનમાં ચિંતા હતી, કારણ કે એ જંગલ બહુ ગીચ છે. વળી લોકો એવું કહે છે કે એ જંગલમાં ભૂત વસે છે. એ જાણીને હું તમારી પાછળ લપાતો છુપાતો જોવા આવેલો. તમારી પીઠ મારી તરફ હતી. તમે ધ્યાનમાં લીન થઈ ગયેલા. પણ મેં દૂરથી જોયું તો એનાથી હું ચમકી ગયો.

રામકૃષ્ણ: એમાં ચમકી કેમ ગયો?

હૃદયરામ: તમારા શરીર ઉપર એકેય વસ્ત્ર નહોતું, તમે દૂર ફેંકી દીધું હતું અને શરીર ઉપર જનોઈ પણ નહોતી. એ પણ તમે કાઢી નાખી હતી. આવું કેમ?

રામકૃષ્ણ ધ્યાન મગ્ન. સમાધિમાં લીન હતા. તેથી તેમણે કાંઈ સાંભળ્યું નહિ. જવાબ પણ ન આપ્યો. જ્યારે ઠાકુર ભાવસમાધિમાંથી બહાર આવ્યા ત્યારે હૃદયરામે ફરીથી એ જ સવાલ પૂછયો.

મા જગદંબાનું પ્રથમ દર્શન

રામકૃષ્ણ: પ્રભુનું ધ્યાન એકચિત્તે ધરવું હોય તો મનુષ્યે બધાં જ બંધનોમાંથી મુક્ત થવું જોઈએ.

હૃદયરામ: બંધનો. ક્યાં ક્યાં બંધનો?

રામકૃષ્ણ: જન્મની સાથે જ આપણને આઠ બંધનો વળગ્યાં છે. ઘૃણા, લજ્જા, કુલાભિમાન, ભય, મનની એષણા, અહંકાર વગેરે જેવાં બંધનોથી બંધાયેલા છીએ. અને જનોઈનો એટલા માટે ત્યાગ કરું છું કે જનોઈ ધારણ કરવાથી આપણે ઉચ્ચ જ્ઞાતિના બ્રાહ્મણ છીએ એવું અભિમાન થાય છે. જનોઈના ત્યાગથી એ અભિમાનનો છેદ ઊડી જાય છે. પણ ધ્યાન પૂરું થાય પછી જનોઈ ધારણ કરી લઉં છું. તારી શંકાનું સમાધાન થયું હોય તો હું જાઉં? મા, કાલી રાહ જોતી હશે કે મારો પૂજારી હજી આવ્યો નહિ.

હૃદયરામ: હા, હા. જઈએ.

બંને જાય છે.

દૃશ્ય ૩જું:

સ્થળ: કાલી મંદિર. મા કાલીની મૂર્તિ. રામકૃષ્ણ હાથમાં ફૂલોની થાળી લઈને મા કાલી સામે ઊભા છે. ઠાકુર ભક્તિ પદો ગાતાં ગાતાં, માને ફૂલનો હાર પહેરાવે છે અને ફૂલો ચડાવવા જાય છે ત્યાં ઊભા રહી જાય છે. પદો ગાતાં ગાતાં વ્યાકુળ બની જાય છે અને પોકાર કરીને બોલે છે.

રામકૃષ્ણ: ઓ મા, તું ક્યાં છે? મને દર્શન આપ, રામપ્રસાદે તારો સાક્ષાત્કાર કર્યો. તારી દિવ્ય કરુણાનો પ્રસાદ પ્રાપ્ત કર્યો. હું શું એવો હીન – હલકો – છું કે તું મારી પાસે આવતી નથી. મારે મોજમજા નથી કરવી, ધન દોલત નથી જોઈતી, અરે ભોગવિલાસ પણ નથી જોઈતા. મને તો માત્ર તારાં દર્શનની લગની લાગી છે.

રડતા અવાજે, આ બધું બોલતા જાય છે. ઘડીકમાં મા પાસે આળોટવા લાગે છે અને બોલતા જાય છે. મા, એ મા, તું કેમ બોલતી નથી? ‘દયા કર ને મા, મારા પર દયા કર.’

રામકૃષ્ણ: મા, એ મા તું કેમ બોલતી નથી? દયા કરને મા, મારા પર દયા કર (બેઠા થઈને) મા, સુરજ ઊગીને આથમી ગયો. આમ એક પછી એક દિવસ જતા જાય છે. પણ તારાં દર્શન થતાં નથી. (કાલા થઈને) એ મા હું તને ખૂબ વહાલથી વિનવું છું હોં. મને તારાં દર્શન આપીશને?? તારા બાળકની સંભાળ તો લે. મા… ઓ… મા.

(બેચાર દર્શનાર્થીઓ આ જોયા કરે છે.)

૧. માણસ: બિચારો, કેટલો દુ:ખી થાય છે.

૨. બીજો માણસ: બિચારાની મા મરી ગઈ હશે.

૩. ત્રીજો માણસ: અરે રે, આવા અનાથોનું કોઈ નાથ છે? કેવો કલ્પાંત કરે છે.

(ત્રણેય જાય છે પછી પૂજા કરતાં કરતાં)

રામકૃષ્ણ: તેં સાંભળ્યું ને મા. તારાં દર્શને આવેલાને પણ મારી દયા આવી.પણ તને? ઠીક છે, જેવી તારી ઇચ્છા. પણ જો, મા, આજે નહિ તો કાલે તારા દર્શન કરવાનો છું, હોં.

રામકૃષ્ણ: (સ્વગત) જગદંબા, એ કેવળ કલ્પનાની તરંગ લીલા ન હોય! જેમણે માનાં દર્શન કર્યાં છે એવા ઘણા ભક્તો છે, તો પછી મને એમાં દર્શન કેમ થતાં નથી? દિવસો, મહિનાઓ ઝડપથી પસાર થતા જાય છે. ધીમે ધીમે હું મૃત્યુની વધુ ને વધુ નજીક જતો જાઉં છું. પણ જગદંબા, મા, મને ક્યાંય દેખાતા નથી. જીવનમાં જો પ્રાપ્ત કરવાનું હોય તો તે ઈશ્વર જ છે. પ્રભુનો સાક્ષાત્કાર થાય તો જ જીવન સાર્થક બને.

(શ્રીરામકૃષ્ણનો ભાણેજ હૃદયરામ પ્રવેશ કરે છે. રામકૃષ્ણ તેમને આવકાર આપે છે.)

હૃદયરામ: મામા, આપને શું થયું છે?

રામકૃષ્ણ: વિચાર તો એ કરું છું કે મા જગદંબાનો વિરહ મારે ક્યાં સુધી સહન કરવાનો? માનાં દર્શન માટે હું રાતદિવસ તડપું છું. વિરહની પીડા થાય એ કુદરતી છે. જેની પાસે જગતની બધી વસ્તુઓ તુચ્છ માત્ર છે, એવી પરમ આનંદમયી જગદંબા, મારી નજીક છે. આવા સંજોગોમાં મને બીજી કઈ વસ્તુથી સંતોષ મળે? મારે તો માનો સાક્ષાત્કાર કર્યે જ છૂટકો. જગદંબાનાં દર્શન પાછળ હું પાગલ બન્યો છું. ચાલો હું મા પાસે જાઉં.

(રામકૃષ્ણ ઊભા થઈને કાલી માતા પાસે આવે છે. તેમને ફૂલો ચડાવતાં, જમાડતાં વાતો કરે છે.)

લે મા, તને ગુલાબનાં ફૂલ બહુ ગમે છે ને. લે તને શિર પર મૂકું અને હાથમાં અને તારાં ચરણમાં ફૂલો ધરી તને પ્રાર્થના કરું છું. હવે મને તારાં દર્શન આપ. મને શા માટે તડપાવે છે? મારા કાલાવાલા તું કેમ સાંભળતી નથી? તારી ભક્તિભાવે પૂજા કરું. તને મનગમતાં ભજનો સંભળાવું, તો ય તારા આ બાળકની દયા નથી આવતી? મા, તારા વિના મને બધું વ્યર્થ લાગે છે. મને દર્શન આપવાની કેમ કૃપા કરતી નથી. મા, મા, હવે મને બીક લાગે છે. મારું જીવન આમ ને આમ પૂરું થઈ જશે? હું તારાં દર્શન નહિ કરી શકું? હવે મને જીવવામાં જરાય રસ રહ્યો નથી. મોત કાલ આવતું હોય તો ભલે આજે આવે. – હા, સામે જ ખડગ પડ્યું છે. હવે તો જીવનનો અંત આમ જ આવશે. લાવ, ખડગ લઈને મારો શિરચ્છેદ કરું.

(આમ બોલીને ખડગ લઈને ગળા પર ઝીંકવા જાય છે. ત્યાં એકાએક મોટો વિજળી જેવો ઝબકારો થાય છે, પ્રકાશ પથરાય છે. એકાએક જગદંબા ઠાકુરનો હાથ પકડી લે છે. તેને બચાવે છે. રામકૃષ્ણ બેભાન થઈને નીચે પટકાય છે.)

રામકૃષ્ણ: (બેભાન અવસ્થામાં) વાહ! મારી મા વાહ! મા, એ મા, ઓ હા…હા… કેવાં સુંદર તારાં દર્શન થયાં! (રડતાં રડતાં) મા, મારા ઉપર બહુ ઉપકાર કર્યો, જો, જો, કેવો હળવોફૂલ થઈ ગયો! (હસતાં હસતાં) જુઓ મા, બધી પીડા, વેદના મટી ગઈ.

હવે તું દર્શન આપતી રે જે, હો મા.

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.