( સાધુ ટી. એલ. વાસવાણીના લેખ: ‘Sri Ramakrishna: A child of the eternal’ અનુવાદક: શ્રી ચંદુભાઈ ઠકરાલ)

ઘણાં વર્ષો પહેલાં, મારી યુવાનીના દિવસો દરમિયાન શ્રીરામકૃષ્ણના જીવનના રહસ્યાત્મક સૌંદર્યે મને આકર્ષ્યો હતો. ચંડીદાસ કહે છે કે ‘પ્રથમ પ્રેમનો કદી અંત આવતો નથી.’ અને વર્ષો જેમ જેમ પસાર થતાં ગયાં છે, તેમ તેમ શ્રીરામકૃષ્ણ પ્રત્યેના પ્રેમ તથા આદર વધતા ગયા છે.

શ્રીરામકૃષ્ણની વાર્તા ખરેખર આંતરિક જીવનની વાર્તા છે. આત્માના આંતરિક સામ્ર્રાજ્યનાં હતાં તેમનાં સાહસો. તેમનું શૌર્ય આત્મ-જયમાં હતું. મહમ્મદ પયગંબર કહે છે કે અનેક શહીદીઓ કરતાં એ ચડિયાતો હોય છે. આજકાલ આપણી આટલી બધી ઉર્જા સંસ્થાઓના સંચાલનમાં ખર્ચાઈ જાય છે. શ્રીરામકૃષ્ણે આત્મ-સાક્ષાત્કાર કરવામાં રેડી દીધી હતી. આપણી સંસ્થાઓ અને સંગઠનો – ભલે તે બધાં મોટામાં મોટાં હોય – પણ હું નમ્ર્રતાપૂર્વક સ્વીકારું છું કે, તેઓ માત્ર કામચલાઉ હેતુ સારે છે. હું માનું છું કે આત્મ સાક્ષાત્કારી અને આત્મ-સામ્ર્રાજ્યના સંદેશવાહક આ માનવના જીવનનું કાયમી મૂલ્ય છે. કારણ કે પયગંબરો અને સંતોનાં જીવનમાં જેમ બને છે તે રીતે શાશ્વત પ્રકાશ તેમના જીવનમાં ઝળહળી ઊઠયો છે. આધ્યાત્મિક પ્રતિભાશાળી શ્રીરામકૃષ્ણમાં રહસ્યવાદી, પયગંબર અને સંત એકત્ર થયેલા હતા. આ આંતરિક રામકૃષ્ણની વાતમાં તેમના જીવનની સંમોહકતા રહેલી છે.

આત્માની સર્વોપરિતા માટે દાવો કરતા સાચા ભારતના પ્રતીક તરીકે હું તેમને માનું છું, જેમ આજનું પશ્ચિમ દાવો કરે છે અત્યંત તીવ્ર વૈયક્તિક બુદ્ધિમત્તાની સર્વોપરિતાનો. આજકાલ સંગઠન આપણું ધ્યાન આકર્ષે છે. અને આજના સમયમાં આ વધારે પડતું ગણાય. વધારે પડતું ધ્યાન! આત્માની દિવ્ય જ્યોતિ ધરાવતાં મહાન જીવનો પાસેથી આપણે પ્રેરણા મેળવવાની જરૂર છે. શાળાકીય શિક્ષણની દૃષ્ટિએ કહીએ તો અશિક્ષિત શ્રીરામકૃષ્ણે આત્માની શાળામાં શિક્ષણ મેળવેલું હતું અને ઈશ્વરના નશામાં મસ્ત સંત બન્યા હતા.

વિવેકાનંદે તેમને પૂછેલું: ‘તમે ભગવાનને જોયા છે?’ રામકૃષ્ણે જવાબ આપેલો, ‘હા, હું તને જે રીતે જોઉં છું, તે રીતે ઈશ્વરને જોઉં છું, માત્ર વધારે અસરકારક રીતે!’

સાદાસીધા, પારદર્શક એવા આ મહાપુરુષને કહેવાતા ‘મહાન્’નો અહંકાર ન હતો. એમના હૃદયમાં બાળકની મૃદુતા હતી. 

તેઓ કહેતા: ‘બટેટા અથવા રીંગણાને જ્યારે બાફવામાં આવે ત્યારે તે નરમ પડી જાય છે તેવી રીતે માણસ જ્યારે સિદ્ધિ મેળવે છે, ત્યારે પોચો પડી જાય છે, એનો અહંકાર ચાલ્યો જાય છે.’ સિદ્ધ માણસ એ સિદ્ધ બાળક છે, એમ હું જ્યારે કહું છું ત્યારે શું હું ખોટો છું?  ઈસુ કહેતા: સ્વર્ગનું રાજ્ય આવવાનું છે. તે બાળકોનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણના અવસાન પહેલાં તેમણે ફૂલો સાથે બાળકની જેમ રમવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું: મારા પર બાલ-ભાવ પ્રવર્તી રહ્યો છે. અંદર અને બહાર હું ઈશ્વરનું જ દર્શન કરું છું.’

જર્મનીના ધર્મતત્ત્વજ્ઞ રુએ મેરે સાચી રીતે કહેલું: ‘સંતોનું મોટું રહસ્ય’ એમની નમ્ર્રતામાં રહેલું છે. શ્રી પરમહંસના જીવનનું પણ આ જ રહસ્ય હતું. તેઓ પોતાની ‘સાદાઈ અને નિરક્ષરતા’ વિષે વાતો કરતા રહેતા. તેમની નિરક્ષરતા તેમના પ્રબુદ્ધ હૃદયને વધારે ને વધારે પારદર્શક બનાવતી હતી. તેમની સાદાઈ સંત ફ્રાન્સિસની સાદાઈ જેવી હતી. શ્રીકૃષ્ણની જેમ શ્રીરામકૃષ્ણ બાળકોને પ્રેમ કરતા હતા. ઈસુની જેમ શ્રીરામકૃષ્ણ તેમને આશીર્વાદ આપતા હતા. ફ્રાન્સિસની જેમ રામકૃષ્ણ પક્ષીઓ અને કુદરતની સાથે સંવાદપૂર્ણ (Command) વ્યવહાર કરતા હતા. તેમની પાસે બાળકની અનાસક્તિ હતી, તેમની પાસે બાળકની ભલમનસાઈ હતી, બાળકની મધુર અભાનતા, બાળકની પ્રેમાળ પ્રાકૃતિકતા અને ઉચ્ચ પ્રકારની અપરંપરાપ્રિયતા હતી. (unconvertionality)

અને તેમના હૈયામાં ગરીબો માટે કેવો મૃદુ પ્રેમ હતો! મંદિરમાં તેઓ ભિખારીઓએ છાંડી દીધેલ વધારાની વસ્તુ ખાઈ લેતા. સફાઈ કામદારની જેમ, ગંદામાં ગંદી જગ્યા પણ, તેઓ સાફ કરી નાખતા. એક દિવસ પોતાના પૈસાદાર શિષ્ય મથુરાબાબુ સાથે કાશીનો પ્રવાસ કરી રહ્યા હતા. રસ્તામાં એક દિવસ માટે તેઓ એક ગામડામાં રોકાયા. રામકૃષ્ણે ત્યાંના ગરીબ માણસોને જોયા. તેમનું હૃદય દુ:ખથી ભરાઈ ગયું. તેમણે પોતાના શિષ્યને કહ્યું: ‘તમે માના કારભારી છો. આ ગરીબ લોકોને આજે જમાડો અને દરેકને કાપડનો એક-એક ટુકડો આપો.’ મથુરાબાબુએ ગણતરી કરી અને અવઢવમાં પડી ગયા. એમાં ખૂબ પૈસા જોઈએ! શ્રીરામકૃષ્ણ રડવા માંડયા અને કહ્યું: ‘મારે કાશી નથી જવું. મને અહીં ગરીબ લોકો સાથે રહેવા દો.’ તેઓ તેમની વચ્ચે બેસવા માટે ચાલ્યા ગયા. શિષ્ય હલબલી ઊઠયા. તેમણે ગરીબ લોકોને જમાડયા, અને તેમના માટે કાપડ ખરીદવાની આજ્ઞા આપી દીધી. પછી તેમણે તથા શ્રીરામકૃષ્ણે કાશીનો પ્રવાસ ચાલુ કર્યો!

આધુનિક સંસ્કૃતિની સૌથી મોટી આવશ્યકતા સાદાઈની છે. આપણું મોટાભાગનું જીવન ક્ષુદ્રતાઓ અને ઉપરછલ્લાપણા, સ્થૂળ મોજમજાઓ અને સંવેદનશીલતાઓનો નાચ બની ગયું છે. આ બધું મૃત્યુનો નાચ છે. બાલસહજ વૃત્તિનો અભાવ છે. ગણતરીબાજ વૃત્તિ વિશેની સભાનતા વિકસી રહી છે. આગળ પડતા બની રહેવાનોઅ ને મહાન ગણાવાનો રોગ ફેલાઈ રહ્યો છે. મહત્ત્વાકાંક્ષાનો મતાગ્રહ રાષ્ટ્રના યૌવન સાથે વધારે ને વધારે લોકપ્રિય થતો જાય છે. તેથી હું તેમને અનુરોધ કરું છું કે તેઓ શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશનો નવેસરથી અભ્યાસ કરે. એક દિવસ દક્ષિણેશ્વરમાં સાંજના સમયે જ્યારે ઘંટારવ થઈ રહ્યો હતો અને શંખો ફૂંકાઈ રહ્યા હતા. ત્યારે મંદિરના છાપરા પર ઊભા રહીને આર્તસ્વરે પુકારી ઊઠયા: ‘દીકરાઓ, તમે ક્યાં છો? મારી પાસે આવો! ઓ યુવાનો હું તમારા વિના જીવી શકતો નથી.’ એક પવિત્ર હૃદયની વ્યથા તેમના શબ્દોમાં પ્રગટ થતી હતી. શું તે અવાજ શાંત પડી ગયો છે? મને ખબર છે કે કેટલાંક હૃદયોમાં તે ગુંજી રહ્યો છે. લાખો હૃદયોમાં તે ગુંજી ઊઠો! અને એવા કેટલાક યુવકો આગળ આવો જેઓ આજે એવી મહત્ત્વાકાંક્ષા સેવો અને જીવો કે જેથી ભવિષ્યમાં જ્યારે તેઓ પુખ્ત બને ત્યારે વિવેકાનંદની જેમ રામકૃષ્ણનો સંદેશો રાષ્ટ્રો સુધી લઈ જાય! આજકાલ વાતાવરણ વધારે ને વધારે અંધકારભર્યું થતું જાય છે. ભારત વ્યથાગ્રસ્ત બની ગયું છે. થોડા સમય પહેલાં એક સુપ્રસિદ્ધ મહાપુરુષે ‘વિજ્ઞાનના દેવાળા’ વિષે વાત કરેલી: ‘સંસ્કૃતિના દેવાળા’થી તો આજે ઘણા બધા વ્યથિત છે. દુનિયાની સૌથી મોટી આવશ્યકતા છે ઈશ્વર – સભાનતાની, ઈશ્વર ભાવનાની, ઉષ:કાળની પ્રજાઓનું પ્રથમ સંતાન છે ભારત. તેણે યુગોથી એક સત્યના પાઠ ભણાવ્યા છે કે સંસ્કૃતિનો આત્મા ઈશ્વર છે. ભારતના આ પ્રાચીન સંદેશને અનુસરીને શ્રીરામકૃષ્ણ તમને ‘યુવાન’ કહીને ઉદ્બોધે છે, ‘મારી પાસે આવો.’ તેઓશ્રી કહે છે: ‘હું તમારા વિના જીવી શકતો નથી.’ આ સંદેશને કેટલા ધ્યાનપૂર્વક સાંભળશે? કેટલા એ સંદેશ પ્રમાણે જીવશે? એને કેટલા રાજકારણમાં અને રાષ્ટ્રના જીવનમાં લઈ જશે? હું એક વસ્તુ જાણું છું કે ભારતના પ્રાચીન શાણપણના પ્રકાશ વિના આજની સમસ્યાઓનો ઉકેલ નહીં આવે. તે શાણપણ બધા ધર્મોમાં એક જ શાશ્વત આત્માનું દર્શન કરે છે અને બધાં રાષ્ટ્રોમાં દિવ્ય માનવતાના તત્ત્વને જુએ છે.

Total Views: 23

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.