રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂરના વરિષ્ઠ સંન્યાસી અને જાણીતા લેખક સ્વામી અચ્યુતાનંદજી મહારાજના શ્રીરામકૃષ્ણ સારદા સંઘ દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘પુરુષોત્તમ’માંથી બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સામાન્ય માણસની ધારણા એવી હોય છે કે જે સંન્યાસી હોય કે ભક્ત હોય તેઓ સ્વભાવે ગંભીર હોય છે. જગત અને સાધારણ મનુષ્યના જીવન વિશે તેઓ નિર્લિપ્ત, ઉદાસીન હોય છે. પરંતુ આપણા દેશમાં આ યુગમાં એક એવા અનન્ય દેવમાનવનો આવિર્ભાવ થયો કે જેમણે રસસ્વરૂપ ભગવાનની અનંત રસમાધુરીનું આકંઠ પાન કરીને એ જ રસમાધુર્ય જગતમાં વિતરિત કર્યું હતું. આ રસમાધુર્ય અનવદ્ય, સાહજિક, સરસ ભાવવ્યંજનાવાળું હતું. અને એણે પોતાના નિત્ય કથોપકથનના માધ્યમથી એ ભાવિકોને પીરસ્યું હતું. એમની પ્રજ્ઞાભરી દૃષ્ટિના આલોકમાં જગતનું વાસ્તવિક ચિત્ર પોતાનાં ખૂબીખામી, ભલાઈ-બુરાઈ, સુખ-દુ:ખ, હાસ્યરુદન સાથે એક સરસ ચિત્રના રૂપે પ્રસ્તુત થતું હતું.

આ દેવમાનવ હતા શ્રીરામકૃષ્ણદેવ – નિત્ય આનંદરસમાં નિમગ્ન એક દેવશિશુ. પોતાના બાળપણથી જ કામારપુકુર ગામના પાડોશી સ્ત્રીપુરુષ, આબાલવૃદ્ધ બધાં માટે તેઓ હતા એક આનંદ રસનો સ્વયંભૂ ફુવારો. ગીતમાં, વાર્તાઓમાં, અભિનયમાં બધાને આનંદના તરંગમાં વહાવી દેનાર વ્યક્તિ તરીકે તેઓ અતુલ્ય હતા.

દક્ષિણેશ્વર લીલાના સાધનાપર્વ પછી જ્યારે એમનો દિવ્યમહિમા ચોતરફ પ્રસરી ગયો હતો – ત્યારે ચોતરફથી મધુગંધલુબ્ધ મધુકરની જેમ ભક્ત શ્રોતાઓ, સમાજના વિવિધ વર્ણના લોકો ધીમે ધીમે દક્ષિણેશ્વરમાં આવતા થયા હતા. કેટલાક કુતૂહલથી આવ્યા હતા તો વળી કેટલાક આત્માના આકર્ષણથી આવ્યા. વળી ક્યારેક તેઓ પોતે પણ એક સહજ શિશુભાવથી સમાજના માની ગુણી લોકો કેવા છે એ જોવા જતા હતા. આ જ સમયે આપણને જોવા મળે છે કે આ કહેવાતા ગામડાના માનવની કેવી અસાધારણ વાક્છટા! સામાન્ય રીતે નિરક્ષર ગણી શકાય તેવા અખ્યાત આ માનવની ભીતર કેવી અદ્ભુત આકર્ષણ શક્તિ! કેવું અસાધારણ, સરળ, મધુર વ્યક્તિત્વ! અને કેવી અવર્ણનીય સ્વભાવ સહજ વાગ્વિભૂતિ! સાધના દ્વારા મળેલી પ્રજ્ઞા સાથે અપૂર્વ સાહજિક રસબોધ એમના પ્રત્યેક શબ્દમાં કેવા અનન્ય રસનું પ્રગટીકરણ દર્શાવે છે! આ બધું પ્રગટ થાય છે ભક્તો સન્મુખ એમના પોતાના કથામૃતને પીરસતી વખતે. એમના એ ભાવજગતનાં વિવિધ સરસ મંતવ્યો ક્યારેક ક્યારેક વિવિધ અંગભંગ સાથે દૃશ્ય કાવ્ય બનીને મહાપંડિતો અને વિદ્વાનોને પણ અભિભૂત કરી દેતા.

આ બધી કંઈ એમની પહેલાંથી તૈયાર કરેલી વાતો ન હતી. એ બધી વાતો તો એમનાં આનંદમયી માનું સતત વહેતું રહેતું આપૂરતીવાળું પૂરણ છે. રસસ્વરૂપ ભગવાન કે રંગમયી જગજ્જનનીની વિચિત્ર રંગક્રીડા એમના પોતાના પ્રિય સંતાનનાં કંઠ અને આચરણનું વાઙ્મય બની જાય છે.

સ્વામીજી પોતાના ‘મારા ગુરુદેવ’ નામના વક્તવ્યમાં કહે છે: ‘શ્રીઠાકુર દરરોજ ૨૦ કલાક વાતચીત કરતા. એ દિવ્ય ભાષણના પ્રભાવનો સામાન્ય અંશમાત્ર શ્રી મ.એ એમના કથામૃતમાં સંકલિત કર્યો છે. એ પણ શનિ-રવિ અને રજાના દિવસોના અવકાશ સમયના મિલન વખતે. વળી, શ્રીઠાકુરના જીવનનાં અંતિમ ૫ વર્ષોના ૧૭૯ દિવસના સંગ્રહ દ્વારા. એ સમયની બધી વાતો તો શ્રી મ.એ પ્રકાશિત પણ કરી નથી. ઘણી ઘણી રંગરસિક વાતો એમણે પોતે છોડી પણ દીધી છે. આ બધું એમની રોજનીશીમાં એક સંકેત રૂપે રહી ગયું છે.

પુસ્તકીયું જ્ઞાન ન મેળવવા છતાં પૂર્ણ જ્ઞાની કે જ્ઞાનસ્વરૂપ શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યેક શબ્દમાં એક ઈશભાવ પ્રકાશિત થતો હતો. વિવિધ કથા-ઉપમા દ્વારા રંગરસના માધ્યમથી ભિન્ન ભિન્ન રૂપે તેઓ જીવના ચેતનાના દ્વાર પર ટકોરા મારતા હતા. જીવોના મિથ્યા પરિચયને દૂર હટાવીને એમના અસલ સ્વરૂપને પ્રગટ કરવાનો સાચો ઉદ્દેશ્ય એમની કથાપ્રસંગની પાછળ હતો.

પોતાનાં સર્વકર્મોની પ્રેરણા, નિર્દેશિકા, જનની, ભવતારિણી, આનંદમયી મા કાલીની પાસે તેમણે પોતે પ્રાર્થના કરી હતી: ‘મા, હું લૂખો-સૂકો સાધુ નહિ બનું. હું રસમાં રહીશ પણ એના વશમાં નહિ રહું.’ 

રસને પોતાના વશમાં રાખીને જગતમાં એમનું વિચરણ ક્ષેત્ર પણ હતું વિશાળ.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને મળવા માટે તેઓ પોતે જ ગયા હતા. પ્રથમ મુલાકાતમાં જ કહ્યું હતું: ‘આજ તો સાગરમાં આવીને મળ્યો. આટલા દિવસો સુધી તો નહેર, તળાવ, વધુમાં વધુ નદી જોઈ છે; આ વખતે તો સાગર જોઉં છું.’ એમનું ગૌરવભર્યું નામ ‘વિદ્યાસાગર’ હતું. શબ્દોની કેવી અદ્ભુત સંરચના! એના પ્રત્યુત્તર રૂપે જ્યારે વિદ્યાસાગરે કહ્યું: ‘થોડું ખારું પાણી પણ લઈ જાઓ.’ સાંભળીને હસતાં હસતાં શ્રીરામકૃષ્ણ બોલી ઊઠ્યા: ‘ના રે! ખારું પાણી શાનું! તમે તો અવિદ્યાના સાગર નથી, તમે તો વિદ્યાના સાગર! તમે તો ક્ષીર સમુદ્ર.’ દર વખતે ‘સાગર’ શબ્દના ઉચ્ચાર દ્વારા અર્થનો વિસ્તાર જોવા જેવો છે. એ શબ્દની ભીતર રહેલો મહિમા અહીં કેટલો અદ્ભુત રીતે પ્રગટ થાય છે? એ દિવસે ભિન્ન ભિન્ન પ્રસંગે ત્યાં હાસ્યની લહેરો ઊઠી હતી. વળી એક બીજે દિવસે સાહિત્ય સમ્રાટ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય સાથે ભક્ત અધરચંદ્ર સેનના ઘરે મુલાકાત થઈ હતી. બંકિમ નામ સાંભળીને રસિક શ્રીરામકૃષ્ણે પ્રશ્ન પૂછ્યો: ‘બંકિમ? તમે વળી કોના ભાવમાં બંકિમ – વાંકા થયા છો?’ બંકિમે હસતાં હસતાં કહ્યું: ‘અરે મહાશય! જોડાના ગોદાથી; સાહેબોના જોડાના ગોદાથી.’ 

શ્રીરામકૃષ્ણ આ ઉત્તરથી ખુશ ન થયા. આ રસિકતાના પ્રસંગને વળાંક આપીને અધ્યાત્મ ચેતનાના અવનવા ભાવે કહ્યું: ‘ના રે! શ્રીકૃષ્ણ શ્રીમતી (રાધાના) પ્રેમમાં બંકિમ બન્યા હતા.’ બંનેની દૃષ્ટિભંગીની વિભિન્નતા સાથે ‘બંકિમ’ શબ્દ બે પ્રકારની અર્થવ્યંજનાથી મધુર લાગે છે. જ્યારે એ દિવસે બંકિમચંદ્રે અંગ્રેજીમાં કોઈકને કહ્યું ત્યારે શ્રીરામકૃષ્ણે પૂછી નાખ્યું: ‘અરે! આપ આ અંગ્રેજીમાં શું કહો છો?’ એમ કહીને વાળંદની વાત કહી. એમાં ‘ડેમ’ શબ્દ જો ખરેખર સારા અર્થવાળો હોય તો હું, મારો બાપ અને મારી ચૌદ પેઢી બધા ‘ડેમ’ છે; અને જો એનો અર્થ ખરાબ થતો હોય તો તું, તારો બાપ અને ચૌદ પેઢીના બધા લોકો ડેમ છે, માત્ર ડેમ નહિ પણ ડેમ, ડેમ, ડેમ, ડેડમ ડેમ.’ આ રીતે ઠાકુરે બે બાજુએ તલવાર વીંઝી.

બ્રહ્માસમાજના અગ્રણી કેશવચંદ્ર સેનને જ્યારે તેઓ પહેલીવાર મળ્યા ત્યારે જ મજાક સાથે તેમણે કહ્યું: ‘આની પૂંછડી ખરી ગઈ છે.’ અર્થાત્ તેઓ દેડકાના બચ્ચા જેવા છે. જેમ તે જળ અને સ્થળમાં રહી શકે છે તેમ સંસારમાં અને ઈશ્વરચિંતનમાં રત રહી શકે છે. પહેલા દિવસનો આ રહસ્યાલાપ પછીના દિવસોમાં વધુ ગહન બન્યો. પછી બંને વચ્ચે કેટકેટલીય મજાકભરી વાતો થઈ. એક દિવસ ઠાકુર લાલ કિનારવાળું ધોતિયું પહેરીને આવ્યા તો કેશવે કહ્યું: ‘આજ તો કપડાની ઘણી સારી સજાવટ છે.’ સાંભળીને શ્રીઠાકુરે હસતાં હસતાં કહ્યું: ‘આજે કેશવના મનને જરા મઠારવું પડશે.’ વળી એક દિવસે વિજયકૃષ્ણ ગોસ્વામી અને કેશવચંદ્ર સેન વચ્ચેના મતભેદ વિશે કહેતાં શિવ અને રામના યુદ્ધ અને તેમના ભૂત, વેતાળ અને વાનર સૈન્યના ક્યારેય પૂરી ન થનાર કલબલાટની વાત કરીને સૌને હસાવી દીધા. 

દૈનંદિન વાતચીતમાં પણ હાસ્યરસની સૂક્ષ્મ નિપુણતાની તુલના ન થઈ શકે. આ બધું નાના વાર્તાલાપોમાં પણ અધ્યાત્મ ચેતનાનો સ્પર્શ સહજ રૂપે આવી જતો. મહાકવિ નાટ્યાચાર્ય ગિરીશચંદ્ર ઘોષે પણ કહેવું પડ્યું હતું: ‘મહાશય, હાસ્યવિનોદમાં પણ હું મારી જાતને તમારી સાથે સરખાવી ન શકું.’

હાસ્ય, હાસ્ય, હાસ્ય – ઘૃણા કે તિરસ્કારમાં હાસ્ય, પ્રશંસામાં હાસ્ય, શાસનમાં હાસ્ય, ઉપદેશમાં પણ હાસ્ય, જાગરણમાં હસવું અને સમાધિભાવમાં પણ હસવું; જાણે કે આ હાસ્યના સ્વયંભૂ ફુવારા. હંમેશાં પોતે જ હાસ્યના પ્રવાહમાં વહેવું અને બીજાને પણ એ પ્રવાહમાં વહેતા કરવા.

સંસારમાં કેટકેટલા પ્રકારની સ્વાર્થ ભાવના, નકલખોરી છે, એ બધું તેઓ વાસ્તવિક અભિનય સાથે બતાવી દેતા – તાજેતરમાં વિધવા બનેલી સ્ત્રી નાકની ચૂંક વગેરે કાઢીને ભૂમિ પર પડીને, રડીને લોકો સમક્ષ પોતાના શોકનું પ્રદર્શન કરે છે. પછી તેઓ એક વાત કહે છે: શિષ્ય ગુરુના ઔષધિના ગુણને કારણે અચાનક મૃત:પ્રાય થઈ ગયો. ઘરનો દરવાજો તોડીને પતિના શબને બહાર કાઢવું પડશે એવું વિચારીને એની પત્ની વિલાપ કરી કરીને કહે છે કે એના પતિના દેહના ટુકડા કરી કરીને શબને બહાર કઢાય એ વધારે સારું રહેશે. સાંસારિક સ્વાર્થબુદ્ધિની આટલી સરસ ઉપમાની શું ક્યાંય જોડ મળે ખરી!

સંધ્યાદિ કરતા ઘરના મોભી કેવી રીતે ઈશારાથી વાતો કરતા રહે છે, બજારમાં માછણ માછલી વેંચતી વખતે ખરીદનારને પોતાના હાથની વીંટી અને બીજા અલંકારોનો દેખાડો કરે છે, કીર્તનિયા કીર્તન કરતાં કરતાં નથડીને હડસેલીને નાક સાફ કરે છે, આ બધાની હૂબહૂ નકલ કરીને ઉપસ્થિત ભક્તોના મનને આનંદથી ભરી દેતા. 

માછણને ફૂલની સુગંધથી ઊંઘ ન આવવાથી માછલી રાખવાની ટોપલી એના નાકની પાસે રાખીને પરમાનંદમાં સૂઈ જવાની વાત કરીને, માનવનો સ્વભાવ બદલવો કેટલું કઠિન છે આ વાત તેઓ સમજાવી દે છે. વિષયી લોકોના આચરણ અને ઈશ્વર વિશેની એમના મનોભાવો બરાબર પકડીને શ્રીઠાકુર કહે છે: ‘ફીટ બાબુ પાન ચાવતાં ચાવતાં, હાથમાં લાકડી લઈને બગીચામાં ફરતાં ફરતાં એક ફૂલ ચૂંટીને કહે છે: ‘જુઓ, ભગવાને કેવું બ્યુટીફૂલ ફૂલ બનાવ્યું!’ તેઓ કહેતા: ‘લોકો જ્યારે કોટ, પેન્ટ, બૂટ પહેરે છે કે તરત ઇટ, મિટ, કિટ કહીને વાતો કરવાનો આરંભ કરે છે અને સિસોટી પણ વગાડે છે.’

ડોક્ટર મહેન્દ્રલાલ સરકારને કહ્યું હતું: ‘ઈશ્વર છે કે નહિ, એ કંઈ સાયન્સમાં તો નથી. તો પછી મહેન્દ્રલાલ માને કઈ રીતે?’ આમ કહીને એમણે એક વાર્તા કહી. એ વાર્તામાં આવે છે કે એક મહોલ્લામાં એક ઘર હડડડ કરતું પડી ગયું. પણ બીજા લોકો એ વાત કેમ માને? કારણ કે સમાચાર પત્રમાં તો એ વાત આવી નથી. કહેવાતું શિક્ષણ લોકોને કેવી રીતે વિભ્રાંત બનાવી દે છે, એ વાત ઠાકુરે હસતાં હસતાં કેવી સરસ રીતે સમજાવી દીધી.

ચાર પરીક્ષા પાસ કરીને જ્ઞાનબાબુ એમની પાસે આવ્યા, એટલે શ્રીઠાકુરે હસીને કહ્યું: ‘આજે જ્ઞાનોદય થયો!’ રામબાબુના ગીતમાં તાલ ન મળવાથી કહેતા: ‘તે બેતાલ સિદ્ધ છે!’ કોઈ પરીક્ષામાં સફળ ન થાય તો એમને આશ્વાસન આપતાં કહેતા: ‘જે જેટલો થાય પાસ, એના બંધાય પાશ.’ ડોક્ટર મધુસૂદન શ્રીઠાકુરના ભાંગેલા હાથમાં ખપાટ બાંધવા માટે કહે છે, એટલે એમણે કહ્યું: ‘ઐહિક અને પારમાર્થિકના ત્રાતા મધુસૂદન!’

કોઈ એક વ્યક્તિનું પહાડ પર ઘર હતું. તોફાનમાં જ્યારે એ ઘર ઉડવા માંડ્યું ત્યારે ઘરવાળાએ પહેલાં પવનદેવને, પવનપુત્ર હનુમાનજીને, હનુમાનજીના ઈષ્ટદેવ શ્રીરામચંદ્રને પ્રાર્થના કરી, પણ સફળ ન થતાં ‘જા સાલું ઘર!’ કહીને તે નીચે ઊતરી ગયો. સ્વાર્થી મનુષ્ય કેવા કેવા હિસાબ કરીને ચાલે છે, આ વાત એમણે મજાકમાં જ સમજાવી દીધી. છાનામાના બેસી રહેનાર વૃદ્ધો વિશે તેઓ કહે છે: ‘એ બધા છે કોળાકાપુ અદા.’ માનવના મનના સંસ્કાર કેટલા દૃઢમૂળ હોય છે એ વિશે મજાક મજાકમાં એમણે કહ્યું: ‘એક હિંદુને પકડીને મુસલમાન બનાવી દીધો. તે અલ્લાહ કહેતાં કહેતાં વચ્ચે વચ્ચે કાલી બોલતો હતો. એને પકડ્યો તો એણે કહ્યું: ‘કાલી, તો મારા ગળા સુધી છે. તમારા અલ્લાહને એ ધક્કો મારીને બહાર કાઢે છે.’

એમના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ ઘણો હાસ્યવિનોદભર્યો હતો. પંડિત શશધર તર્કચૂડામણિને કહ્યું: ‘ફેલોસોફી (ફિલસૂફી), દુનિયાનાં શાસ્ત્રો વાંચીને શું થવાનું?’ કોઈકનો તન્મય ભાવ જોઈને કહ્યું: ‘એ એકદમ ‘ડાઈલ્યૂટ’ થઈ ગયા!’ ગાયક નીલકંઠને એમની દક્ષિણા વિશે કહ્યું: ‘અહીં ‘ઓનરરી’!’ ભક્ત રામચંદ્ર દત્તને કહ્યું: ‘તમે તો મને અવતાર કહીને ‘લેકચર’ દો છો. હવે આ અવતારનો હાથ કેમ ભાંગ્યો એ વિષય સાથે ઊભા થઈને એક લેકચર આપો.’ એક દિવસ શ્રી મ.એ કહ્યું: ‘ઠાકુરની એ દિવસની વાત એમને ઘણી મજાની લાગી.’ ત્યારે તેમણે કહ્યું: ‘તો પછી મને ‘થેંક્યુ’ કહો.’ આવી રીતે ઘણા અંગ્રેજી શબ્દોના વ્યંગવિનોદ ભર્યા પ્રયોગો જોવા મળે છે.

સંસારિક લોકોની માનસિકતાને એકેએક ચિત્રની પરિપૂર્ણતા સાથે પ્રસ્થાપિત કરી છે. એક વઢકણી સાસુ વહુને માટીના પવાલામાં માપી માપીને ચોખા કાઢી દેતી. એક દિવસ એ પવાલું તૂટી ગયું. એટલે ખુશહાલ વહુઓને સાસુએ કહ્યું: ‘બહુ નાચો ગાઓ નહિ, હે વહુઆરુઓ, માપ તો મારા હાથમાં જ છે!’ મોટાને માખણ મારતા લોકો માટે વ્યંગપૂર્વક કહેતા: ‘એ લોકો કહે છે, જો બાબુઓએ આમળાની ચટણી ખાધી હોય તો અમને પણ સારી જ લાગશે.’

દક્ષિણેશ્વરમાં હાજરાનું વિચિત્ર સંસ્કૃત સાંભળીને કહ્યું: ‘કોઈએ કહ્યું છે – માતરં ભાતરં ખાતરં. એટલે કે મા ભાત ખાય છે!’ બ્રાહ્મભક્ત સામાધ્યાયીએ કહ્યું: ‘ઈશ્વર નિરસ છે, આપણાં પ્રેમભક્તિથી એમને સરસ બનાવવા પડશે.’ એ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું: ‘કેવી આ વાત કરો છો? વેદમાં જેમને રસસ્વરૂપ કહ્યા છે, એને નિરસ કહો છો?’ પછી એક સરસમજાનું મંતવ્ય આપે છે: ‘એ કેવા છે એ ખબર છે? કોઈકે કહ્યું હતું – અમારા મામાના ઘરની ગૌશાળામાં ઘણા ઘોડા છે!’ અર્થાત્ જાણ્યા-કર્યા વગર વાત કરે છે. ઈશ્વર વિશેની કોઈ ધારણા જ નથી.

પોતાને માટે પણ આવી રસિકતાનો અંત નથી. એમાં પણ તેઓ સમાન રૂપે સરસ! પોતાના લગ્નમાં ભાભીની ઇચ્છા પ્રમાણે કોઈ વાજા-બાજાની વ્યવસ્થા ન થઈ તો પોતે જ પોતાના કૂલા બજાવીને મોંએથી વાજાનો અવાજ કાઢીને નાચવા લાગ્યા. 

વળી નરેન્દ્રનાથને એક દિવસ કહ્યું: ‘લોરેન, તું મને જેટલો મૂરખ સમજે છે એટલો મૂરખ નથી. મને અક્ષરનું જ્ઞાન છે.’ મજાકમાં કહેલી આ મંતવ્યમાં ‘અક્ષર’ શબ્દનો એક ગહન-ગંભીર અર્થ પણ વ્યક્ત થાય છે. યુવકો સાથે ઈશ્વરની આલોચના કરતી વખતે કહેતા: ‘હું એને માત્ર શાકાહાર નથી પીરસતો, ક્યારેક ક્યારેક થોડું ઘણું માછલી ધોયાનું પાણી પણ આપું છું. તો જ એ લોકો આનંદમાં રહે ને!’

નાની ઉંમરના યુવકો જ્યારે એમની ટીખળ ભરેલી વાતો સાંભળીને હસીને લોટપોટ થઈ જતા ત્યારે કહેતા: ‘હું કંઈ એક રાગી નથી, હું તળેલું, વઘારેલું, બાફેલું બધું ખાઈશ.’

પાણિહાટિના ઉત્સવમાં શ્રીશ્રીમાના ત્યાં ન જવા વિશે કહ્યું: ‘ત્યાં ન જઈને સારું કર્યું. વળી લોકો કહેત હંસ-હંસી આવ્યાં છે.’ પોતાના ભક્તોને સાથે જ્યારે રસ્તે નીકળતા ત્યારે લોકોનાં મંતવ્યો યાદ કરીને કહ્યું: ‘લોકો શું કહે છે રે! પરમહંસની ફોજ આવી છે!’

શ્યામપુકુરમાં રહેતા હતા ત્યારે ઉધરસ થઈ. પછી ડોક્ટરે કહ્યું: ‘હવે વળી પાછી ખાંસી (ઉધરસ) કેમ થઈ?’ એટલે ઠાકુર મજાક કરતાં બોલ્યા: ‘કાશીમાં મરવું સારું. એમાં જ મુક્તિ.’ ખાંશી શબ્દની સાથે એમણે કેવી સરસ મજાની રસિક વાત કરી.

કાશીપુરમાં રહેતા હતા ત્યારે શ્રીમા ખાવાનું લઈને ઉપર જતી વખતે સીડી પરથી પડી ગયાં. પગમાં લાગ્યું અને પથારીવશ થવું પડ્યું. ત્યારે બાબુરામ મહારાજને મજાક સાથે શ્રીમાની નાકની નથડી બતાવીને ઈશારામાં કહ્યું: ‘એ છે ને! એને ટોપલીમાં લઈને ઉપર લાવી શકે?’

દક્ષિણેશ્વરમાં એક વખત વહેલી સવારે ગંગામાં ભરતીનું પૂર આવ્યું. બધા લોકો ઊઠીને એ જોવા ઊમટવા લાગ્યા. પોતાનાં વસ્ત્રો સંભાળતાં સંભાળતાં કેટલાક લોકો ગંગા કિનારે પહોંચ્યા. ત્યાં સુધીમાં તો ભરતી ઊતરી ગઈ. પણ ઠાકુર તો કપડાં એકબાજુએ નાખીને એમ ને એમ દોડી ગયા! પછી બધાને કહ્યું: ‘જ્યારે ભગવાનનો પોકાર થશે આ બધું છોડીને જવું પડશે. કોઈ પણ વસ્તુ માટેનો મોહ રાખવાથી વાત બનવાથી નથી.’

ગંભીર તત્ત્વની વચ્ચે પણ વહેતું હતું રંગરસનું ઝરણું. બ્રાહ્મભક્તો જ્યારે પ્રાર્થના કરતા હતા: ‘હે ઈશ્વર! અમે ભક્તિ-નદીમાં ડૂબકી મારીને સચ્ચિદાનંદ સાગરમાં પહોંચી જઈએ.’ એ સાંભળીને શ્રીઠાકુર હસી પડ્યા અને પડદાની પાછળ રહેલ મહિલા ભક્તોને ઉદ્દેશીને કહ્યું: ‘બધાં એકી સાથે ડૂબકી મારશો તો પડદાની પાછળ જે છે એમનું શું થશે? એક-એક વાર કિનારે આવવું પછી વળી ડૂબકી મારવી અને વળી પાછા કિનારે આવવું!’ સૂક્ષ્મ રસિકતા દ્વારા કેવી રીતે એમણે એ લોકોના દંભ પ્રત્યે ઈશારો કર્યો છે. હવે વાત આવે છે – મનમાં ગમે ને મુંડકી હલાવે, જેવાની. એ વિશે એમણે કહ્યું: ‘એક માણસ ખોટું બોલતો હતો. કોઈ એને જૂઠાબોલો કહે તો કહેતો કે આ જગત પણ સ્વપ્નવત્ મિથ્યા છે. જો બધું જ મિથ્યા હોય તો સત્ય પણ બરાબર હશે ખરું. મિથ્યા પણ મિથ્યા છે અને સત્ય પણ મિથ્યા છે.’

આ બધા શબ્દો શ્રીઠાકુરે કોઈના મનહૃદયને આઘાત પહોંચાડવા કહ્યા નથી. ભૂલ સુધારવા માટે માનવ પ્રત્યેની પ્રેમ દૃષ્ટિથી એમને સાવધાન કરવા આવા બધા ઉપદેશ આપતા હતા. આ બધી રસિકતા જાણે કે સંસાર જીવનના તમાશાઓ સામે મોહમુદ્‌ગર. મા જગદંબા પાસે પણ એમની આવી જ પ્રાર્થના હતી: ‘મા, બ્રહ્મજ્ઞાન આપીને તું મને બેહોશ ન કરી દેતી, મા. મા, હું આનંદ કરીશ, ઉલ્લાસ કરીશ, જગતને આનંદમય જોઈને હાસ્યમજાક, કૌતૂકના માધ્યમથી જીવના સ્વભાવને ઉચ્ચતર ઉદ્દેશ્ય તરફ મોં ફેરવવા માટે આ રસયુક્ત વાતો પીરસવાનો એમનો મુખ્ય હેતુ હતો. દુ:ખભર્યા આ સંસારમાં આનંમમયી માને સર્વત્ર, સર્વભાવમાં પુન: પ્રતિષ્ઠિત કરીને જીવનાં દુ:ખોનો ભાર હળવો કરવા માટે જ શ્રીશ્રીઠાકુર બધી બાબતોમાં આનંદરસનાં છાંટણાં છાંટી દેતા હતા. એટલે જ એમના શબ્દો ‘સ્વાદુ સ્વાદુ પદે પદે’, કથા નહિ – કથામૃત.

Total Views: 30

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.