એકાંતે જે દહીં જાણે દૂધને સ્થિર રાખતાં,
પછી માખણની પ્રાપ્તિ, કંપ્યે દૂધ, ન લભ્યૈ કૈં;
સંસાર જળના જેવો, ચિત્ત આ દૂધના સમું,
ભળે જો દૂધ ને પાણી, દૂધ છૂટું પડાય ના;
દધિ જો દૂધમાંથી ને તેમાંથી નવનીત જો,
બનાવ્યું હોય તો નિત્યે જળે મૂક્યું તર્યા કરે;
તે રીતે જ્ઞાન ભક્તિનું, પ્હેલાં માખણ મેળવી,
પછી સંસારવારિમાં અલિપ્ત તરવું સુખે;
થઈ આકુલવ્યાકુલ એને બોલાવવો ઘટે,
કાંચનકામિનીથીયે વધુ ઉત્કંઠ સાદથી;
સ્ત્રી માટે, પુત્રને માટે સારે આંસુ ઘડો ભરી,
શ્રી માટે આંસુનું પૂર – પોતે વ્હૈ જાય એટલું!
કોણ એવું પ્રભુ કાજે કરે છે? કોઈયે નહીં,
કરે તો એ ઊભો થૈને સામો આવી સ્વયં મળે;
પ્રભુવ્રેહથી વ્યાકુળ ચિત્ત, તે અરુણોદય,
તે પછી સૂર્ય ઊગે છે, એમ ઈશ્વર દર્શન;
વિષયે વિષયી કેરું, સંતાને જનની તણું,
સતીકેરું પતિ પ્રત્યે, ઘટે ત્રેવડું ઈશમાં;
આવડે મ્યાઉં-મ્યાઉં જો બચ્ચાં શું-મા બિલાડી તો
આવશે જ ક્યહીંથીયે, લેશે સંભાળી શાવને;
મોંથી એ ઊંચકી લેશે, ઘેરેઘેર લઈ જશે;
ભોંયે કિંવા પથારીમાં કોની દેશે સુવાડી યે.
– ઉશનસ્

Total Views: 17

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.