વર્ધમાનનો સંસારપરિત્યાગ

વર્ધમાનવીરે દેશ-વેશને છોડીને, નગર અને નાગરિકોની અંતિમ વિદાય લઈને, રાજપાટનાં સુંવાળાં સુખો ત્યજી દીધાં અને ‘સંસારી’ મટી જઈને ‘સાધુ’ બન્યા. મોંઘેરા શણગાર ત્યજી અણગાર બન્યા. દીક્ષા લીધા પૂર્વે એક વર્ષ સુધી એમણે લાખો સોનૈયાનું – હાથી, ઘોડા, હીરા, માણેકનું – ટૂંકમાં જેને જે જોઈએ એનું – છૂટે હાથે દાન દીધું. બધું મળીને એ દાન સાડાત્રણ કરોડ સોનામહોર જેટલું થયું.

વર્ધમાન સાધુ બન્યા. સંસાર છોડ્યો, ઘરબાર, કુટુંબ-પરિવાર, સુખ-શણગાર, બેસુમાર ધન-દોલત અને માલ-મિલકતનો ત્યાગ કરીને એમણે કર્યો વનવગડાની વાટે વિહાર ! જિંદગીભર નાનામાં નાની હિંસા નહિ કરવાનું વ્રત લીધું, જૂઠ, પ્રપંચ કે માયા, ચોરી, મૈથુન ને પરિગ્રહ નહિ કરવાની પ્રતિજ્ઞા લીધી. એ પૂર્વે જ પાંચ મુઠ્ઠી વડે માથાના બધા વાળનું લુંચન કર્યું. ત્યારે ઈન્દ્ર મહારાજાએ ભગવાનના ખભે દેવહુષ્ય-દૈવી વસ્ત્ર-મૂક્યું, હૈયામાં ભક્તિના દરિયાને ભરીને ’સ્તો.

શૂલપાણિના પ્રાણઘાતક ઉપસર્ગાે

સાધુ બનેલા વર્ધમાન-સ્વામી હવે ગામોગામ વિહરવા લાગ્યા. દેશ અને દુનિયાની દિલ્લગીથી એમનું દિલ ઊઠી ગયું. વિહરતા વિભુ-વીર એક ગામમાં જઈ ચઢ્યા. ગામને પાદરે યક્ષનું મંદિર હતું. અતિક્રૂર અને કઠોર દિલનો એ શૂલપાણિ યક્ષ, ગામની પ્રજાને રંજાડવામાં પાછી પાની કરતો નહિ. પ્રભુ મહાવીર આ યક્ષના મંદિરમાં રાત્રિગુજારો કરવાની અભિલાષા સેવતા હતા. ગ્રામજનોએ પ્રભુને ખૂબ આર્દ્રભાવે અરજી કરી : ‘પ્રભો, આ દેવ મહાદુષ્ટ છે. આપને રાત્રિમાં ભયંકર દુ :ખના દાવાનળમાં ઝીંકી દેશે. આપ આ મંદિરમાં ન પધારો.’

પણ મહાવીર જેનું નામ ! એને ડરવાનું શું કામ ? વીરનું નામ સાંભળીને ભય તો બિચારો ભૂત બનીને ભાગી જતો. નીડરતા અને નિર્ભયતાના સ્વામી મહાવીરદેવે યક્ષમંદિરમાં રાત-નિવાસ કર્યો.

એક રાતમાં ઝંઝાવાત ફૂંકાઈ ગયો. બ્રહ્માંડના વિસ્ફોટ કરી નાખે એવું અટ્ટહાસ્ય શૂલપાણિએ વેરવા માંડ્યું. જાતજાતનાં જાનવરો છોડ્યાં, લાંબી લાંબી જીભવાળા સાપો છોડ્યા, ક્રૂર કદાવર કુંજરો (હાથીઓને) છૂટા મૂક્યા, પિશાચોના ભયાનક-ભીષણ ઉપદ્રવો અને આંખ, નાક, દાંત, નખ આદિ અતિકોમળ અંગઉપાંગોમાં તીવ્ર વેદનાઓ ઉત્પન્ન કરી.

પણ મહાવીરદેવ અટલ રહ્યા. દુ :ખોની ઝડીઓ ઝીંકાઈ જાય કે સુખોના સમન્દર સીમા ઓળંગે તો ય મહાવીરદેવ તો સમતાના શિખર ઉપર સંરોહણ કરતા, એમના હૃદય-તળ ઉપર સમત્વની શીતળ સરિતા ખળખળ નાદ રેલાવતી વહ્યે જતી. ઘોર દુ :ખો અને દર્દાેમાંય મહાવીરદેવની આ અડોલ દેહ-મૂર્તિ જોઈને શૂલપાણિ પાણી પાણી થઈ ગયો. એક એક ઉપસર્ગમાં મૃત્યુ અટ્ટહાસ્ય વેરી રહ્યું હતું. પણ તો ય ક્ષમામૂર્તિ મહાવીર મનથી પણ ક્રુદ્ધ ન બન્યા. મહાવીરદેવના હૃદયમાં ક્ષમાની આ સરસર વહી જતી નદીમાં નાહીને શૂલપાણિ પવિત્ર બની ગયો. એણે ભગવાનનાં ચરણોમાં પડીને પુન : પુન : માફી માગી.

ચણ્ડકૌશિકને પ્રતિબોધ

ગામ-નગરને પોતાનાં ચરણ-કમળથી પાવન કરતા દેવાધિદેવ મહાવીર એકવાર ઘોર જંગલમાં આવી ચઢ્યા જ્યાં એક ભયંકર સર્પ પોતાના રાફડામાં અડ્ડો જમાવીને બેઠો હતો. આ સર્પ તો એવો કાતીલ કે એની દૃષ્ટિ જ્યાં પડે ત્યાંની સૃષ્ટિ સંહાર થઈ જાય. એની દૃષ્ટિમાં જ એવું ઝેર પડેલું. એથી ‘દૃષ્ટિવિષ સર્પ’ તરીકે ઓળખાતો. આ સર્પ જે વનમાં રહેતો ત્યાં માનવ તો શું પશુ-પંખી કે ઢોર-ઢાંખર પણ ભૂલેચૂકે ન આવતાં ! જો આવ્યાં અને સર્પની નજરે ચઢ્યાં તો ખેલ ખતમ ! સોએ વર્ષ ત્યાં ને ત્યાં જ પૂરાં ! મનના બધા ય કોડ રહી જાય અધૂરા ! શૂરા અને પૂરા મલ્લો પણ એની પાસે બની જાય બેસૂરા !

આવા આ વન-વગડે મહવીરદેવ શું ભૂલા પડ્યા? ના… ભૂલા તો નહોતા પડ્યા, પણ ભૂલા પડેલા એક ભાવુક આત્માને ઊંઘમાંથી ઉઠાડવા જાણી જોઈને આવ્યા’તા.

સર્પનું નામ હતું ચણ્ડકૌશિક ! એ ‘ચણ્ડ’ એવા ટૂંકા નામે ય જાણીતો ! ક્ષમા અને ધૈર્યની સાક્ષાત્ જ્યોતિસમા મહાવીરદેવ જ્યાં આ સર્પના રાફડા પાસે આવી ઊભા ત્યાં તો પેલો ચંડ, પ્રચંડ બની ગયો, ભાન ભૂલીને ફુત્કાર કરવા લાગ્યો. પણ આ તે ડરે ? આ કાંઈ માનવ થોડો હતો ? આ તો મહામાનવ પણ નહિ, પરન્તુ સર્વોત્તમ કોટિનો આત્મા-તીર્થંકર પરમાત્મા હતો. ફૂંફાડાથી એ સ્હેજ પણ મૂંઝાણો નહિ, પરન્તુ સ્થિર નયનોથી સાપને નિરખી રહ્યો. મહાવીરદેવની આ સમતાને જોઈને સાપ તો ચોંકી જ ઊઠ્યો. એણે ગુસ્સાના જુસ્સામાં આવીને જોરથી મહાવીરદેવને ચરણ-અંગૂઠે ડંખ દીધો કે અંગૂઠેથી દૂધની ધવલ-ધાર જેવું લોહી નીકળ્યું. આ શું ? ચંડ તો વિચારમાં જ પડ્યો. લાલ લોહીને બદલે આ સફેદ દૂધ’ શું લોહી કેમ ? એને લાગ્યું કે આ કોઈ સામાન્ય માનવી નથી, પણ આ તો કોઈ દૈવી પુરુષ જણાય છે ! અને… સ્થિર નયને ‘ચણ્ડ’ મહાવીરદેવના મુખકમળની પરાગ પીવા માંડ્યો.

આત્માની અંદર રહેલી અફાટ શક્તિનો વિસ્ફોટ કરી બેઠેલા મહાવીરદેવે ‘બુÈઝ બુÈઝ ચણ્ડકોસિયા’ (અલ્યા ચંડકૌશિક ! હવે તો બોધ પામ, બોધ પામ !) એવા બે જ અમૃતવેણ ઉચ્ચાર્યાં અને સાપ તો સુધરી જ ગયો. એને તો આવું અમૃતથી અધિકું મીઠું વચન સાંભળવાનું આજે જ મળ્યું અને સાપને પોતાના ત્રણ ત્રણ પૂર્વભવો નજર સામે દેખાવા લાગ્યા.

એ ખરેખર બોધ પામી ગયો હતો. એણે હવે પોતાની દૃષ્ટિના ઝેરથી કોઈને કદી ન મારવાનો આખરી અને અફર નિર્ણય લઈ લીધો હતો. અંતે સાપ મરીને સદ્ગતિ પામ્યો.

કાનમાં ખીલા ઠોક્યા ગોવાળે…

એક પ્રભાતને પહોરે ભગવાન મહાવીરદેવ ધ્યાનમુદ્રામાં (કાઉસગ્ગ) ઊભા હતા… ત્યાં એક ગોવાળ આવી ચઢ્યો, સાથે બે બળદોને લઈને. ગાયોને દોહવા કાજે એને પોતાને ઘેર જવું’તું. એણે વિચાર્યું : ‘આ બળદોને સાચવવાનું કામ આ મુંડિયા સાધુને સોંપી દઉં. ઊભો શું મારું એટલુંય કામ નહિ કરે ?’ – ઘરે જતાં જતાં એણે ભગવાનને ઉદ્દેશીને ‘અરે એય મુંડિયા ! હું સાંજ સોરો ઘરે જઈને આવું છું. ત્યાં સુધી તું મારા આ બળદિયાઓને સાચવજે, હોં કે !’

ગીતાના સ્થિતપ્રજ્ઞને ય ટપી જાય એવા મહાસ્થિતપ્રજ્ઞ સ્થિર મુદ્રામાં ઊભેલા મહાવીરદેવ મૌન જ રહ્યા. એમણે તો સંસારની આધિ, વ્યાધિ અને ઉપાધિની જાળ-જંજાળ છોડીને આધ્યાત્મની અદ્‌ભુત સમાધિ લગાવી’તી. એમને ઉત્તર આપવો ક્યાં પરવડે એમ હતો ?

પેલો ગામડિયો ગોવાળ તો કહીને ચાલી નીકળ્યો. કાર્ય પતાવીને સાંજના સુમારે પાછો મહાવીરદેવની પાસે આવી પહોંચ્યો ત્યારે ત્યાં પોતાના બે બળવાન બળદો એણે ન ભાળ્યા. એથી એ એકદમ બરાડી ઊઠ્યો : ‘અલ્યા એ ધ્યાની ! સાધુડા ! મારા બળદો મેં તને સંભાળવા સોંપેલા, એ ક્યાં ગયા ?’

પરંતુ, બહુધા મૌની મહાવીરદેવ કાંઈ જ ન બોલ્યા ત્યારે આ ગામડિયા ગોવાળનો પિત્તો આસમાનને આંબી ગયો.

એ છંછેડાઈને અન્તે બળદોની શોધમાં ચાલી નીકળ્યો. શોધી શોધીને થાકી ગયો તો ય એને બળદોનો પત્તો ન લાગ્યો, એટલે એ પાછો ભગવાન મહાવીરદેવ પાસે આવી ઊભો ત્યારે તો આખી રાત ચારો ચરીને બન્ને બળદો પ્રભુનાં ચરણમાં આવીને નિરાંતે બેસી ગયા’તા. બળદોને પ્રભુનાં ચરણોમાં જ જોઈને ગોવાળ અત્યંત આક્રોશમાં આવી ગયો.

‘રે ! ઢોંગી ! ધૂતારા ! તને ખબર હતી, તો ય તેં મને આખી રાત બળદો શોધવા ભટકાવ ભટકાવ કર્યો ? હવે તો હું તને એવી સખ્ત સજા કરીશ કે આખી જિન્દગી તું આવું કરવાની ખો ભૂલી જાય.’

એટલું બોલીને એ પાસેના વૃક્ષની ડાળીઓમાંથી બે લાંબી લાંબી લાકડીઓ કાપી લાવ્યો અને ધ્યાનમગ્ન મહાવીરપ્રભુના બન્ને કાનમાં બન્ને ખીલાઓ એવા સજ્જડ ઠોકી દીધા કે બેય ખીલા અન્દર એકબીજાને અડી ગયા. ઉસ્તાદ ગોવાળે ખીલાઓનો બહારનો વધેલો ભાગ કાપી નાખ્યો… છતાં ય… પ્રભુએ પોતાના મોંમાંથી ઉંહકારો સરખો ય ન કર્યો. એટલું જ નહિ, ગોવાળનું મનથીયે બૂરું ન ચિંતવ્યું. જગત-માત્રને એકાન્ત સુખી કરવાની તીવ્ર તમન્નાનો સ્વામી, પોતાના અપકારીનું પણ બૂરું ઝંખે ખરો ? ના… એ તો શત્રુનોય મિત્ર અને મિત્રનોય મિત્ર ! વિશ્વવાત્સલ્યના પરમાણુઓથી એનું ચિત્ત સદા પવિત્ર !

એક દી’ ‘ખરક’ નામના વૈદ્યે જ્યારે પ્રભુ મહાવીરનું મુખ-કમળ નિહાળ્યું ત્યારે પ્રભુના કાનમાં ખીલા છે એ વાત એણે પકડી પાડી અને એક જૈન શ્રાવકનો સાથ લઈને એ ખીલાઓને એણે ખેંચી કાઢ્યા, ત્યારે… ! ત્યારે તો દુ :ખની ભયંકર સંવેદનાને કારણે પ્રભુના મુખમાંથી અચાનક એવી જબરી ચીસ નીકળી પડી કે બાજુમાં રહેલા પર્વતના બે ટુકડા થઈ ગયા. શરીર શરીરનો ધર્મ તો બજાવે ને ? પણ પ્રભુનો આત્મા તો ચિદાનંદની મસ્તીમાં જ ઓળઘોળ બનેલો છે. ન એને ગોવાળ પર રોષ છે, ખીલા ઠોક્યા બદલ ! ન એને વૈદ્ય પર રાગ છે, ખીલા કાઢ્યા બદલ !

આ તો નિન્દક-પ્રશંસકને સમ ગણનારી સમત્વમૂર્તિ !

કેવળજ્ઞાન-પ્રાપ્તિ

અન્તે, સાડાબાર વર્ષની ઘોર તપ :સાધનાની સિદ્ધિરૂપે ભગવાન શ્રી મહાવીરદેવને વૈશાખ સુદ દશમના પુણ્યદિને મહાન જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાનનું નામ કેવળજ્ઞાન ! આ જ્ઞાનથી દૂરસૂદૂરના, દુનિયાની પેલે પારના, કોઈના પણ તન-મન-વચન કે જીવનમાં રહેલા, બધાય પદાર્થાે અહીં બેઠા બેઠા જોઈ શકાય. તમે તમારા હાથમાં રહેલી આ પુસ્તિકાને જુઓ છો ને, એમ જ ! ભગવાન શ્રી મહાવીર ત્રણ-લોકના ગુરુ બન્યા, સર્વણ અને સર્વદર્શી (સર્વ વસ્તુને જાણનાર અને જોનાર) બન્યા.

(બાલભારતી ટ્રસ્ટ, કર્ણાવતી દ્વારા પ્રકાશિત ‘તીર્થંકર ભગવાન શ્રીમહાવીરદેવ’માંથી સાભાર)

 

**

Total Views: 581

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.