વિવેકાનંદ રથ : સ્વામી વિવેકાનંદના માનવ ઘડતર અને રાષ્ટ્રનાં નવનિર્માણનો સંદેશ ગુજરાતના દૂરસુદૂરના ખૂણે ભગવાનનાં નામ સ્મરણ અને ભજન કરતાં કરતાં સંયમ પોતાની મેળે જ આવશે. એમના નામમાં એટલી બધી શક્તિ છે કે જેથી આંતરિક અને બાહ્ય ઈન્દ્રિયો બધી જ કાબૂમાં આવી જાય છે. છતાં ખૂબ પ્રેમપૂર્વક નામસ્મરણ કરવું પડે. – સ્વામી શિવાનંદ

ગતાંકથી આગળ…

હું વિષ્ણુદેવાનંદજી પાસે ગીતા પર સ્પષ્ટતા મેળવવા જતો. મહારાજ એમના સેવક સ્વામી ધર્માનંદજીને કહેતા, ‘આણે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કરવો જોઈએ.’ હું બી.એ.ના અભ્યાસમાં સંસ્કૃત ભણ્યો હતો. પણ મેં ઔપચારિક રીતે પાણિનિના ‘સિદ્ધાંત કૌમુદી’નો અભ્યાસ કર્યો ન હતો. મેં ધર્માનંદજીને કહ્યું કે જો મહારાજ સંસ્કૃત વ્યાકરણ શીખવવા રાજી થાય તો હું શીખીશ. જ્યારે મહારાજે આ વાત સાંભળી ત્યારે તેમણે કહ્યું,‘જો મારે એને સંસ્કૃત વ્યાકરણ શીખવવાનું હોય તો તેણે પણ એક વચન આપવું પડશે કે આ અભ્યાસ પૂરો ર્ક્યા પહેલાં તે અહીંથી જઈ નહીં શકે.’ મેં વચન આપ્યું. તેમણે કહ્યું, ‘જો ભાઈ, આ ઉત્તરાખંડ છે એટલે આપણે પુસ્તકના ઉત્તરાર્ધથી શરૂ કરીશું.’ તેઓ વીસ વર્ષ પછી મને ‘લઘુસિદ્ધાંત કૌમુદી’ શીખવતા હતા. એકી સાથે બે કે અઢી કલાક સુધી તેઓ વર્ગ લેતા અને સૂત્રો અંગેની ઘણી વિગતો સાથે સમજાવતા. તેઓ અમારી પાસે એકી સાથે ત્રીસથી ચાલીસ ધાતુનાં રૂપાખ્યાન મોઢેથી બોલાવતા અને આ બધું તેઓ બધા મૂળધાતુ સાથે કરાવતા. એક વિદ્યાર્થી માટે આટલો સખત પરિશ્રમ ઉઠાવનાર કોઈ વ્યક્તિને મેં નથી જોઈ. એમનું આ વિશેનું જ્ઞાન સર્વાંગ – સંપૂર્ણ હતું. આમ છતાં પણ તેઓ ખૂબ મહેનત કરતા. કોઈપણ વિદ્યાર્થીને આ વિષય શીખવવાની ક્ષમતા એમની બુદ્ધિપ્રતિભાનું પ્રમાણ હતું. એમની મારા પર અસીમ કૃપા હતી. હું તો આટલી સખત મહેનત ભાગ્યે જ કરી શકતો. પરંતુ એમની કૃપાથી મેં આ વિષય પર પ્રાવીણ્ય મેળવ્યું. મારે એ વાત દુ :ખ સાથે કહેવી પડે કે તેમણે આ વિષય શીખવવા માટે જે કંઈ કર્યું તેના કરતાં મેં એ વિષય શીખવામાં ઓછું કર્યું છે.

હું મહારાજની ઘણી નિકટ હતો. એમની નોંધવા જેવી વાત એ હતી કે એમની આટલી નજીક રહેવા છતાં પણ મેં તેમને કોઈની નિંદા કરતા સાંભળ્યા નથી. બીજા પાસે તમે આવી થોડી ઘણી નિંદા સાંભળી શકો પણ આમની પાસેથી જરાય નહીં. આવું હતું એમનું આકર્ષક ગાંભીર્ય !

મારા માટે આ બધા સાધુઓની સ્મૃતિ એક શક્તિનું સ્રોત છે. પણ હું કહું છું, તમે પણ આવા મહાત્માઓને જોતા હશો, તો પછી તમે એમને કેમ ઓળખી શકતા નથી ?

‘જગત તીન કાલ મેં હૈ હી નાહિ’

ઉત્તરકાશીમાં બીજા એક વૃદ્ધ સંન્યાસી હતા. તેઓ બહુ ભણેલા ન હતા પણ યોગવાસિષ્ઠ રામાયણના જબરા ચાહક હતા અને જુદાં જુદાં ઘરેથી ભિક્ષા માગતા. એમાંથી બે રોટલીનો ભૂક્ો કરીને તેઓ પક્ષીઓને ખવડાવી દેતા. બાકીની રોટલી અને દાળ ભેગાં કરીને ધીમે તાપે ચૂલે મૂકતા અને પછી યોગવાસિષ્ઠ રામાયણમાં લાગી જતા. જ્યારે જમવાનો સમય થતો ત્યારે પક્ષીઓ એમની આસપાસ આવી જતાં. કેટલાંક એમના માથા પર બેસી જતાં અને વળી કેટલાંક શરીર પર ગમે ત્યાં બેસી જાય. એમને તો એવી આશા કે એમના ભોજનમાંથી ભાગ મળી જાય. પક્ષીઓને ઉડાડવા માટે એમના હાથમાં લાકડી રહેતી. પણ આ પક્ષીઓ પણ જાણી ગયાં હતાં કે એ લાકડી માત્ર એમને ડરાવવા માટે છે. તેઓ પક્ષીઓને ઈજા પહોંચાડી શકે તેમ નથી.

એક વખત આ સાધુ માંદા પડ્યા અને પેશાબ ઊતરતો બંધ થયો. મેં એક ડોક્ટરને તપાસવા માટે બોલાવ્યા. પણ આ સાધુ તો ખુલ્લા ચોતરા પર સૂતા હતા. ડોક્ટરે એમને તપાસ્યા, મારા તરફ ફર્યા અને જોયું અને પૂછયું, ‘આ વૃદ્ધ માણસ કરાંજતો કેમ નથી?’ મેં પ્રત્યુત્તરમાં કહ્યું, ‘તમે શું કહેવા માગો છો ? તે એક સાધુ છે. પછી એ પીડાને કારણે શા માટે રાડો પાડે ?’ ડોક્ટરે કહ્યું, ‘ભાઈ, એમની પેશાબની કોથળીમાં ત્રણ લિટર પેશાબ એકઠો થઈ ગયો છે ! અને એને ચોક્કસ ઘણી પીડા થતી હશે. તો પછી એ રાડારાડ કેમ નથી કરતા ?’ મેં કહ્યું, ‘સાહેબ, એ મહાત્મા છે !’ આ સમય દરમિયાન ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા. અવધૂતજી પણ ગંગાસ્નાન કરીને ત્યાંથી પસાર થયા. તેઓ ત્યાં આવ્યા અને માંદા સાધુને સંબોધીને કહ્યું, ‘વીર ગિરિજી, વશિષ્ઠજી શું કહે છે ?’ વીર ગિરિજીએ જવાબ આપ્યો, ‘વશિષ્ઠજી કહે છે, હે રામ, ‘‘જગત તીન કાલ મેં હૈ હી નાહિ’’ ભૂત, વર્તમાન કે ભવિષ્યમાં જગતનું અસ્તિત્વ સાચું નથી.’ શાસ્ત્રના સત્યમાં કેટલી મહાન શ્રદ્ધાભક્તિ !

મારા ગુરુએ પ્રાણાયામને લગતી સમસ્યાનો સામનો કરવો પડ્યો. તેમને વારે વારે પેટશૂળની કષ્ટદાયી પીડા ઊપડતી અને આવા હુમલા બે કલાક સુધી રહેતા અને પીડા એટલી ભયંકર હતી કે પરસેવે રેબઝેબ થઈ જતા. આમ છતાં પણ તેઓ ફરિયાદ ન કરતા પણ જોનારાઓને ઘણું દુ :ખ થતું. એક સાધુએ તેમને પૂછ્યું, ‘સ્વામીજી, તમને જ્યારે આ પેટશૂળ ઊપડે છે ત્યારે તમારી દશા જોઈને અમને પણ દુ :ખ થાય છે. આ વખતે તમારો કેવો ભાવ હોય છે ? તેમણે કહ્યું, ‘એક પેટશૂળ વખતની વાત સમજાવવા હું તમને એક ઉદાહરણ આપું છું :

એક ખેડૂત હતો. પોતાના પાકનું પ્રાણીઓથી રક્ષણ કરવા એણે ખેતરની નજીક એક ઝાડ પર માંચડો બાંધ્યો અને એક વૃદ્ધ સ્ત્રી એ માંચડા ઉપર બેસીને ઢોલકી વગાડીને પક્ષીઓને – પ્રાણીઓને ભગાડી દેતી. એક દિવસ એ ખેતરમાં એક ઊંટ આવી ગયું. જ્યારે પેલી સ્ત્રીએ જોરથી ઢોલકી વગાડી એટલે ઊંટે ક્હ્યું, ‘અરે માજી, આવી રીતે તમે તમારી જાતને નકામાં થકવી કેમ નાખો છો ? મારી આ પીઠ પર તો મોટાં મોટાં ઢોલ ઢબુકતાં રહે છે ! જો એ મને ન ભગાડી શક્યાં તો પછી તમારી આ ઢોલકડી મને શું ભગાડવાની હતી ?

એટલે જ્યારે જ્યારે આ પેટશૂળની ઢોલકડી વાગવા માંડે ત્યારે હું મારા અસલ નિયંતા-મૂળતત્ત્વને નિહાળતો રહું છું અને આવું તો ઓગાળી નાખનાર વિસર્જન તો અનેકવાર મારા પર થતું રહે છે. જો આ વિનાશ પણ મને ન ભગાડી શકે તો આ ઢોલકડી (પેટશૂળની પીડા) મારું શું બગાડવાની ?’ (ક્રમશ 🙂

Total Views: 332

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.