અપવાદરૂપ દર્દીઓની વાત મેડિકલ કાૅલેજમાં શીખવાતી નથી; મારા વ્યવસાયમાં લાંબા સમયનાં દુ :ખ અને આત્મશોધ બાદ મને એ જાણવા મળ્યું. મને પ્રેમ અને રૂઝ લાવવાની પ્રક્રિયા વિશે કંઈ શીખવ્યું ન હતું. એક મિકેનિકની જેમ લોકોને સારા કરવાનું અને તેમનું જીવન બચાવવાનું શીખવ્યું હતું. આ જ રીતે યાંત્રિક કાર્ય કરીને ડાૅક્ટરની સફળતાની વ્યાખ્યા કરવામાં આવી હતી. યાંત્રિક રીતે પ્રયત્ન કરવા છતાં દર્દીઓને સારા કરી શકાતા નથી અને અંતે તો બધા જ મૃત્યુને શરણે જાય છે. એટલે વારંવાર એક નિષ્ફળ ડાૅક્ટર હોવાનો મને અહેસાસ થતો.

મારા અંત :કરણમાં લાગણી થતી કે આશાવિહીન દર્દીને પણ મારી મિકેનિકની ભૂમિકાની પેલે પાર જઈને મદદ કરી શકું એવું કંઈક હોવું જોઈએ. પરંતુ આ વાત હું સમજી શકું તેને માટે મારે ઘણાં મુશ્કેલીભર્યાં વરસો વિતાવવાં પડ્યાં. મેં આ પ્રકારનું કાર્ય શરૂ કર્યું અને નિતનવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ રોમાંચક પડકારે મારી તબીબી પ્રેક્ટિસને નિરાશાજનક બનતી અટકાવી.

સર્જન સંપૂર્ણ નથી હોતું. અમે શ્રેષ્ઠ સારવાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. દર્દીની સારવારમાં જટીલ સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓ અમારા હૃદયમાં પીડા ઊભી કરે છે છતાં અમારા પગ જમીન ઉપર રાખવાનો અમને સંદેશ આપે છે. પરિણામે અમારી જાતને ભગવાન માનવાની ભ્રમણામાંથી બહાર આવીએ છીએ. એક કિસ્સાએ મારી અંદરની શ્રદ્ધાને હચમચાવી નાખી. એક યુવાન છોકરીનું ઓપરેશન મેં કર્યું હતું. મારો આ શરૂઆતનો તબક્કો હતો. ઓપરેશન પછી છોકરીને ચહેરાની ચેતામાં ઇજા થવાથી ચહેરા પર લકવાની અસર થઈ ગઈ. એ જોઈને મને સદાને માટે મારો ચહેરો સંતાડવાની ઇચ્છા થતી. મારી આત્મશ્રદ્ધાને એણે અંદરથી હચમચાવી નાખી. કોઈને મદદરૂપ થવા સર્જન થવું અને આ રીતે ભયંકર નુકસાન કરવું તે અંદરથી તોડી નાખતો અનુભવ છે. સામાન્ય ડાૅક્ટરની જેમ હું આવી બાબતમાં પ્રતિભાવ આપવાનું હજી સુધી શીખી શક્યો નથી. દર્દીને જ્યારે દુ :ખ થાય છે, નુકસાન થાય છે ત્યારે મને થતી પીડાને હું છુપાવી શકતો નથી. મારી ડાૅક્ટર તરીકેની ફરજ બજાવતી વખતે આ દબાણ ક્યારેય ઓછું ન થયું. એના કેટલાક કિસ્સાઓ હું અહીં નોંધવાનું ઉચિત સમજું છું.

એક વખત સખત રક્તસ્ત્રાવ સાથે દર્દીને ઓપરેશન થિયેટરમાં લાવ્યા. સર્જન થિયેટરમાં દાખલ થાય તે પહેલાં કર્મચારીઓ ભયાનક તણાવ, ભયભીત સ્થિતિમાં હતા. હવે મારા પેટમાં ચૂક આવતી હતી અને બીજા બધા હળવાશ અનુભવી રહ્યા હતા. મારો તણાવ કોઈને આપી શકું તેવું ત્યાં બીજું કોઈ ન હતું. હું જ મારો સહારો બની શકું તેમ હતો. હિંમત કેળવવા મારા આત્મબળ ઉપર આધાર રાખી શકાય તેવું હતું. દરેક ઓપરેશનમાં બને છે તેમ મને પરસેવો થવા લાગ્યો અને પ્રકાશ-ગરમીનું પ્રમાણ થિયેટરમાં પહેલાં જેટલું જ હતું છતાં જેમ જેમ દર્દીની પરિસ્થિતિ મારા નિયંત્રણમાં આવતી ગઈ તેમ તેમ હું હળવાશ અનુભવવા લાગ્યો. આવી પરિસ્થિતિમાં હું એકલતા અનુભવતો અને મારી જાત પાસેથી સંપૂર્ણતાની અપેક્ષા રાખતો હતો. આ તણાવ ભરેલી પરિસ્થિતિ હું ઘરે જતો ત્યારે પણ રહેતી. જટિલ અને મુશ્કેલ ઓપરેશનના આગલા દિવસે ભયાનક તણાવ અનુભવતો. સફળતાપૂર્વક ઓપરેશન પૂર્ણ થાય તે માટે હું મનમાં પ્રભુને પ્રાર્થના કરતો. ઓપરેશન સફળ થઈ ગયું છે તેનું મનોચિત્રણ કરતો. ઓપરેશન પૂર્ણ થયા પછી હું રાત્રે ઊંઘમાંથી જાગી જતો અને મારા નિર્ણય વિશે અનેક પ્રશ્નો થતા. આટલા અનુભવ પછી, મારા દર્દીઓ પાસેથી શીખ્યા પછી હું મારા નિર્ણયો મક્કમતાથી શીખ્યો, તેની સાથે જીવતાં શીખ્યો અને મળનાર પરિણામને સ્વીકારતાં શીખ્યો છું. અંતે એટલું કહી શકું કે મારાથી બનતું શ્રેષ્ઠ કર્યું છે. જેમ એક પાદરી ભગવાન સાથે વાત કરવાનું શીખ્યો નથી, અને એકલતા અનુભવે છે, તેમ જે ડાૅક્ટર પોતાના દર્દીઓ સાથે વાતચીત કરવાનું શીખ્યો નથી તે હંમેશાં એકલતા અનુભવે છે.

ડાૅક્ટરને પોતાના કુટુંબ સાથે ગાળવા નહિવત્ સમય મળે છે, એ સૌથી વધારે ભયાનક અને દુ :ખદ સમસ્યા છે. રમતવીરો રમત પૂરી થયા પછી સ્નાન કરીને પોતાના ઘરે જાય છે. ડાૅક્ટરના કામના દિવસનો ક્યારેય અંત નથી હોતો, તે અનંત હોય છે. અઠવાડિયા પછી કુટુંબ સાથે રહેવાનું મળે તેને હું બોનસ માનતો, પણ એ ચોક્કસ મળે એનો ભરોસો નહીં. બન્ને બાજુએ ગુનો કર્યાની લાગણી થતી. ઘરે હોઉં ત્યારે જાણે કે મેં મારા દર્દીઓની સેવા કરવામાંથી ચોરી કરી છે અને સોળ કલાક હોસ્પિટલમાં હોઉં ત્યારે હું મારાં પત્ની અને બાળકોને અન્યાય કરતો હોઉં એમ લાગે. આ બન્નેને હું એક સરખો ન્યાય કેવી રીતે આપી શકું, એ મને સમજાતું નથી. ઘણી વાર એટલો થાકી જતો કે ઘરે આવીને મારા કુટુંબ સાથે હળવાશની પળો માણવાનું ચૂકી જતો.

જે સમય હું ઘરે વિતાવતો તેમાં પણ સતત ખલેલ પડ્યા કરતી. બાળકો હંમેશાં પૂછતાં રહેતાં, ‘પપ્પા, આજે તમે કોલ પર છો ?’ હું કોલ પર હોઉં ત્યારે બધાં જ તણાવમાં રહેતાં. તેમને લાગતું કે કોઈક આપણી આ સુંદર ક્ષણોને છિન્નભિન્ન કરી નાખશે. મોટા ભાગના લોકો માટે ટેલિફોનની ઘંટડીનો સૂર આનંદવર્ધક હોય છે. અમારા માટે એ ચિંતા અને વિરહની સૂચક બનતી.

એક ડાૅક્ટર હંમેશાં એવું કહેતા કે મૃત્યુ હંમેશાં મધ્યરાત્રીએ જ આવે છે. જ્યારે ડાૅક્ટર અને એના પરિવારને મધ્યરાત્રીએ બે વાગ્યે કોઈક દર્દીના મૃત્યુના સમાચાર આપવા જગાડવામાં આવે, ત્યારે ગુસ્સાની એક લહેરખી આવ્યા વગર રહેતી નથી. આ અફસોસ ક્યારેક શબ્દો દ્વારા વ્યક્ત નથી કરતા, પરંતુ અમને થાય છે કે જે દર્દી છેલ્લા બે માસથી કોમાની હાલતમાં હતો તેને મૃત્યુ માટે રાત્રે બે વાગ્યાનો જ સમય કેમ ઉચિત લાગ્યો? અને વળી ફરીથી સવારે સાત વાગ્યે સ્વસ્થ સંતુલિત, અને સ્ફૂર્તિલા થઈને ઓપરેશન થિયેટરમાં જવાની ફરજ તો ખરી જ. ઘરની સમસ્યા હોય, રાત્રીના બે-ત્રણ

દર્દીઓના ફોન હોય એવા સંજોગોમાં વહેલી સવારે ફરજ પર પહોંચવાનું ખૂબ જ કપરું હોય છે.

 

Total Views: 312

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.