સ્વામી યોગાત્માનંદજી શ્રીરામકૃષ્ણ આશ્રમ, શિલોંગમાં અધ્યક્ષ હતા. તેઓ યુ.એસ,એના પ્રૉવિડન્સના ‘વેદાંત સોસાયટી કેન્દ્રનાં અધ્યક્ષ તરીકે નીમાયા છે. – સં

અદ્વૈત વેદાંતે ઉચ્ચારેલ સર્વોચ્ચ સત્ય વિશે લગભગ દરેક હિંદુએ સાંભળ્યું હશે. એક નાના બાળકે પણ ઈશ્વર સર્વવ્યાપી છે’ એ પરમ સત્ય અચૂક સાંભળ્યુ હશે. સર્વ પ્રાણીઓના હૃદયમાં તેમજ વિશ્વના ખૂણે ખૂણે એ ઈશ્વર વસે છે’ આ વાત હિંદુ શાસ્ત્રોનાં ઘણાં સ્તોત્રોમાંથી પ્રગટ થાય છે, પરંતુ આપણે આપણા દૈનંદિન જીવનમાં આ સત્યને જોવાનો પ્રયત્ન કરીએ તો ચિત્ર કંઈક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેવું દૂરનું અને વિરોધી લાગે છે. આપણા દૈનંદિન જીવનમાં રાગદ્વેષભર્યા બહુત્વના અનુભવ પરથી એવી તારવણી થાય છે કે ઈશ્વરનું એકત્વ કે સર્વવ્યાપકત્વ ભક્તિભાવથી પ્રેરિત કાલ્પનિક મહિમામય રૂપ સિવાય બીજું કશું નથી. કેટલાક નાસ્તિકો તો ત્યાં સુધી કહે છે કે ઈશ્વર વિશેની આ બધી બડબડ મદોન્મત કે નશામાં ચૂર માનવીના મિથ્યા બકવાસ સિવાય બીજું કંઈ નથી. પોતાના પૂર્વાશ્રમના દિવસોમાં સ્વામી વિવેકાનંદે પણ એક વાર શ્રીરામકૃષ્ણદેવના ઈશ્વરની સર્વ વ્યાપકતા વિશેના સંદેશ પર સંદેહ વ્યક્ત કર્યો હતો. પરથી આપણે એવું તારણ કાઢીએ છીએ કે આ સિદ્ધાંતો દૈનંદિન જીવનમાં જીવી શકાય તેવા નથી પછી ભલે તે ગમે તેટલા સાચા હોય. આપણા ઋષિઓ આ બાબતમાં ખૂબ સ્પષ્ટ અને દૃઢ વિચાર ધરાવતા હતા કે આ બધાં સત્યો જીવન વ્યવહારમાં મૂકી શકાય એવાં છે. એટલું જ નહિ પણ આ બધાં સત્યો આ લોકમાં અને પરલોકમાં તો ઉપયોગી છે જ પરંતુ એ સર્વ કાળ માટે પણ ઉપયોગી અને વ્યવહારુ રહેશે. આ બધા ઋષિઓ અદ્‌ભુત ચારિત્ર્યશીલ, મહિમાવાન, પરમસત્યનિષ્ઠ અને અનન્ય ગુણસમૃદ્ધિ ધરાવતા આનંદમય માનવો હતા. એટલે આ સત્યોને એક વિકૃત મનના ઉચ્ચારણ કે બડબડાટ ગણીને ફગાવી ન શકાય. આ બંને મતવાદો વચ્ચેનો રસ્તો શોધીને માનવી એમ કહે છે કે, આ વેદાંતિક સત્યો સાચાં છે, પણ એ અલ્પ સંખ્યક સર્વોચ્ચ આત્માઓ માટે એ વ્યવહારુ છે અને આપણા જેવા સામાન્ય માનવી માટે એ વ્યવહારુ નથી. આપણા ઋષિઓ આવી માન્યતા ધરાવતા નથી. તેઓ કહે છે : ‘આ સત્યો તો જીવનમાં ભૌતિક વિજ્ઞાનના નિયમોની જેમ ચકાસણી કરીને ઉપયોગમાં લાવી શકાય તેવી છે. આ કાર્ય માટે કઠોપનિષદ કહે છે. નચિકેતાની પેઠે બીજો કોઈ પણ એને જાણીને પાપરિહત તેમજ મૃત્યુરહિત બનીને બ્રહ્મ પ્રાપ્તિ કરે છે.” માનવજાતની ઇતિહાસમાં આવ્યું પર્ણા દાંતો મળશે કે જે બતાવે છે કે આ વેદાંતિક સત્યોની અનુભૂતિનાં દ્વાર એ પથે ચાલવાની તીવ્ર ઇચ્છા ધરાવતા સર્વ કોઈ માટે ખુલ્લાં છે.

આમ વેદાંત અદ્વૈતનાં સર્વોચ્ચ રાત્યોનાં આચરણ અને વ્યવહારતાની વાત ભારપૂર્વક કહે છે. એટલું જ નહિ એ એમ પણ કહે છે કે જે કોઈ માનવ નિષ્ઠાપૂર્વક ઇચ્છા કરે તો તેને માટે એ એક અધિકારપત્ર જેવો, એની વૈજ્ઞાનિક સમજૂતી આપી શકાય તેવો અને જેની આરપાર જઈ શકાય તેવો એક પથ પણ છે. વળી આ સત્યોને પામવાનો માર્ગ બધા માનવો માટે ખુલ્લો છે.

અદ્વૈત વેદાંત બતાવેલ આ પથ શું છે? એ છે શ્રવણ, મનન, નિદિધ્યાસન (બૃહદારણ્યક), અદ્વૈત વેદાંત કહે છેઃ સદા મુક્ત અનંત આત્માના દેખાતા આભાસી બંધનનું મૂળ કારણ માત્ર અજ્ઞાન છે. એટલે માત્ર જ્ઞાન જ આ બંધનથી મુક્ત કરી શકે. અંતે તો આ બંધન કેવળ દેખાવનું જ છે. મુક્ત બનવું એટલે ‘હું સદા મુક્ત સચ્ચિદાનંદ છું’ એ વિશે જાણવું અને એ સાથે જ્ઞાનના સત્યની સંકલ્પના સ્પષ્ટ કરવી. સત્યની આ સંકલ્પના સ્પષ્ટ થયા પછી વેદાંત કહે છેઃ અનુભૂતિશીલ મહર્ષિઓ પાસેથી એ બધું શ્રવણ કરો, સાંભળો. આ ‘શ્રવણ’નો અર્થ એ નથી કે માત્ર સ્વર શબ્દ અક્ષરના ધ્વનિઓ જ કાને ધરવા, પરંતુ એ ઋષિઓના અધિકૃત સત્યને તાર્કિક કે બૌદ્ધિક રીતે બરાબર સમજવાનું પણ છે. ‘મનન’ એટલે ચિંતન દ્વારા સુયોગ્ય વિવેકબુદ્ધિથી અદ્વૈતના સત્યની આડેના તર્કાતર્કને દૂર કરીને તે સત્યની પ્રતીતિ કરવી, ‘નિદિધ્યાસન’ એટલે બધી વાસના – ઇચ્છાઓને નિર્મૂળ કરીને જીવનના પરમસત્યની અનુભૂતિ માટે હૃદય અને પૂર્ણ નિષ્ઠા સાથેની ઝંખના સેવવી.

આમ શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી અજ્ઞાન દૂર થાય છે અને તરત જ પ્રત્યક્ષ રૂપે અદ્વૈત આત્માની સ્પષ્ટ અનુભૂતિ થાય છે. સાથોસાથ બધાં દુઃખકષ્ટોનો તેમ જ બંધનોનો કાયમી અને પૂર્ણનાશ થાય છે. આવી રીતે શ્રવણ મનન-નિદિધ્યાસન એ અદ્વૈત વેદાંતે સૂચવેલો સત્યપ્રાપ્તિનો પથ છે. આને લીધે કેટલાક લોકોમાં એવો ખોટો ખ્યાલ ઊભો. થાય છે કે અદ્વૈત વેદાંતમાં કર્મયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ કે રાજયોગને સ્થાન નથી, પણ વાસ્તવિક રીતે આવું નથી. અદ્વૈતની સર્વોચ્ચ અનુભૂતિ માટેના વિવિધ માર્ગોનો અદ્વૈત વેદાંત ક્યારેય વિરોધ તો નથી કર્યો પણ ઊલટાનું મુમુક્ષુત્વનાં વિવિધ પ્રસ્થાનો માટે અદ્વૈત વેદાંત એ બધા પથના ઉપયોગની શાણી સલાહ પણ આપે છે. બાહ્ય પૂજાવિધિઓ પણ જો શ્રવણ-મનન-નિદિધ્યાસન માટેના પ્રાથમિક સાધનરૂપે ઉપકારક હોય તો વેદાંતે પણ એમનો ગૌણ અને ઉપકારક સાધન તરીકે સ્વીકાર કર્યો છે. મુમુક્ષુને શ્રવણ-મનન- નિદિધ્યાસનમાં લાવવા માટે વિધિ-વિધાનો પણ ઘણો ભાગ ભજવે છે. આપણે આ લેખમાં એ બધાની સંક્ષેપમાં ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું.

લોકોનાં મન અને વિષયેન્દ્રિયો સામાન્ય રીતે અવિરતપણે બાહ્ય પદાર્થો કે વિષયો તરફ દોરવાયેલાં રહે છે. આપણું સમગ્ર વ્યક્તિત્વ આ ‘નામરૂપ’માં વ્યસ્ત છે ગુંચવાયેલું રહે છે. સામાન્ય લોકોમાં શ્રવણ-મનન-નિદિધ્યાસન પણ ‘નામરૂપ’ વિષે જ હોય છે. બધી વાત ચર્ચા-શ્રવણ પણ એમને માટે છે, મનન પણ એ માટે જ છે, ઝંખના અને આકાંક્ષા પણ એ માટે જ હોય છે, આ ઈન્કાર ન કરી શકાય તેવી વાત હોય છે. બધાં ‘નામરૂપ’થી પર છતાંય બધાંથી અને બધાંમાં વ્યાપ્ત એવા પરમ અદ્વૈત-શાશ્વત વાસ્તવિકતા-સત્યની દિશા તરફ શ્રવણ-મનન-નિદિધ્યાસનને વાળવા માટે વેદાંત ‘નામરૂપ’ની સહાય લેવાનું પણ સૂચવે છે. કેટલાક આધ્યાત્મિક મર્મ સાથેનાં વિવિધ કર્મોને એકસાથે જોડીને વેદાંત એમને શ્રવણ-મનન-નિદિધ્યાસનનો સાધનરૂપે ઉપયોગ કરે છે, એમાં સમાવિષ્ટ બધાં કર્મો અને પદાર્થો પોતાની રીતે મહત્ત્વનાં નથી પરંતુ અદ્વૈતસત્ય પર મનને એકાગ્ર કરવા માટે આ એક મહત્ત્વના સાધનરૂપે છે.

વેદાંત મુમુક્ષુ માટે પહેલા અને મહત્ત્વના વિધિ-વિધાનરૂપે ભક્તિભાવ પૂર્ણભાવે અધ્યાત્મ ગુરુની પાસે જવાનું સૂચન કરે છે. એમાં મુમુક્ષુએ આધ્યાત્મિક ગુરુની પાસે ભક્તિભાવ પૂર્ણ હૃદયે, સમિત્પાણિ લઈને જવું. સમિત્‌માં ગુરુના રોજબરોજના યજ્ઞની આહુતિ માટેનાં દ્રવ્યોનો સમાવેશ થાય છે. કેટલીક વખત એ પ્રકૃતિનાં વિવિધ તત્ત્વો, શક્તિરૂપોનો પણ નિર્દેશ કરે છે. આ શક્તિરૂપોના આપણે ઘણા ઋણી છીએ. વળી કોઈકવાર તે સ્વાર્પણ અને શરણાગતિના ભાવનો નિર્દેશ કરે છે. જ્ઞાન માટેનાં અનિવાર્ય ઉપકરણ નમ્રતા, વિનય, બલિદાન અને સેવાનો પણ નિર્દેશ કરે છે. આ વિધિ-વિધાનો સાથે કોઈ ભાવક એનું અનુસરણ કરે તો ધીમે ધીમે એમનામાં આ ભાવ આવવાની સંભાવના રહે છે.

પછી આવે છે ‘ઉપનયન’ સંસ્કાર. ઔપચારિક શિક્ષણ આપતાં પહેલાં આ વિધિ થાય છે. એનાથી સાધકની જીવનરીતિમાં ધરખમ પરિવર્તન આવે છે. મા-બાપનો લાડકોડભર્યો ઉછેર ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિમાં અને ઉમદા ગુણોની કેળવણીમાં બાધક નીવડે છે. ગુરુગૃહે તેમનું જીવન નિયમોના અનુશાસનની પરંપરામાં વહેતું થાય છે. આ વિધિમાં કેટલીક પ્રતિજ્ઞાઓ લેવડાવાય છે અને કેટલાક વિધિઓ અને નિષેધો તેમજ પ્રાર્થનાઓનો સમાવેશ થાય છે. એમને પવિત્ર ગાયત્રીમંત્ર આપવામાં આવે છે. આ ગાયત્રીમંત્રથી એની ભીતરની ભવ્યતા વિકસે છે.

પછી આવે છે વિધિપૂર્વકનો ત્યાગવિધિ-સંન્યાસવિધિ. બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્ય બાહુલને દર્શાવ્યું છે તે પ્રમાણે આ વિધિને ‘વિવિદિશા સંન્યાસ’ કહે છે. આ વિધિ શ્રાદ્ધવિધિથી શરૂ થાય છે. તે પોતાનાં માતાપિતા, પૂર્વજો, સંબંધીઓ અને પોતા સહિત બધાં પ્રત્યેની મરણોત્તર ફરજ પૂરી કરે છે. આ શ્રાદ્ધવિધિ પછી પોતાના પિતૃઓનાં બધાં ઋણ ચૂકવીને એમની સાથેના સંબંધોથી મુક્ત થવા માટે પાત્ર બને છે. પછી શિખાસૂત્રને હોમી દેવાની વિધિ આવે છે. સામાજિક માન-મોભો, શારીરિક સૌંદર્યના ત્યાગનું આ વિધિ સૂચન કરે છે. અગ્નિની સાક્ષીએ પવિત્રતા, શુચિતા, અકિંચનપણાને લગતી કેટલીક પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવે છે.

બહુધા એવું માનવામાં આવે છે કે વેદાંતમાં બાહ્ય વિધિ-વિધાનોને કોઈ સ્થાન નથી પણ એ વાત સાચી નથી કારણ કે સાધકોની મનોભૂમિકા જુદા જુદા સ્તરની હોય છે અને તે માટે પૂજાના જુદાં જુદાં પગથિયાં દર્શાવ્યાં છે :

ઉત્તમો બ્રહ્મ સદ્‌ભાવો ધ્યાનભાવસ્તુ મધ્યમઃ ।
સ્તુતિર્જપોઽધમોભાવો બાહ્યપૂજાઽધમાધમાઃ ॥

– બ્રહ્મના સદ્‌ભાવનો સાક્ષાત્કાર તે ઉત્તમ પૂજા ધ્યાન કરવું એ મધ્યમ પ્રકારની પૂજા છે, સ્તુતિ અને જપ એ અધમ પૂજા ભાવ છે અને બાહ્યપૂજા અધમાધમ પૂજાભાવ છે. આ શ્લોક પરથી એવી તારવણી ન કરવી જોઈએ કે બાહ્યપૂજાને અધમમાં અધમ માનીને એનો નિરાદર કરવો, કારણ કે એ પૂજા નિમ્નિતમ ભૂમિકાએ રહેલા લોકોને ઉચ્ચતર માર્ગે ચડાવવાનો એકમાત્ર ઉપાય છે અને મોટાભાગના લોકો માટે સીધો બ્રહ્મનો સાક્ષાત્કાર શક્ય નથી. ‘નામરૂપ’માં આસક્ત વ્યક્તિ માટે ધ્યાનજપ પણ અશક્ય બને છે. બાહ્યપૂજા દ્વારા અનેક સાર્થક પ્રતીકો અને મૂર્તિઓ દ્વારા સાધકનો પ્રભુ સાથે ધીમે ધીમે સંપર્ક વધતો જાય છે. શરૂઆતમાં આ સંબંધ કાલ્પનિક હોય છે પણ નિયમિત અને નિષ્ઠાપૂર્વકના આચરણથી આ સંબંધ વધુ વાસ્તવિક બને છે અને સાધક ભગવાનમાં ભળી જાય છે. અને તેથી ઈશ્વરના સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકે છે. અને સાધક ભગવાનમાં ભળી જાય છે.

ઉપનિષદોમાં આપણે આવા દેવદેવીઓની-ઈન્દ્ર, વરુણ અને રુદ્રની વિવિધ પૂજાવિધિઓ જોવા મળે છે. પણ એની ઝીણી વિગતો અને નાનાં નાનાં વિધિ-વિધાનોનો વિગતપૂર્ણ ઉલ્લેખ ઉપનિષદોમાંથી સાંપડતો નથી. ઈશ્વર એક હોવા છતાં વિવિધ વલણોને કારણે માનવોને વિવિધ ફળ મળે છે. ઉપનિષદોમાં સાધકના વિકાસની સાથે ઈશ્વરના સ્વરૂપનો પણ વિકાસ થાય છે એવું જોવા મળે છે. ઈશ્વરનાં સ્થૂળ સ્વરૂપ ક્રમશઃ સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર બનતો જાય છે. પ્રાર્થના એ બીજું કશું નહીં પણ મનની શુદ્ધિ અને એકાગ્રતાનું સાધન છે. આમ મન ક્રમશઃ પૂર્ણપણે એકાગ્ર થયા પછી જ મૂર્તિ પાછળનું સત્ બ્રહ્મ પ્રગટ થાય છે. આપણા સમયના પ્રચલિત દેવદેવીઓનાં લગભગ બધાં સ્વરૂપોનું ધ્યાન આદ્ય શંકરાચાર્યે પોતે જ કર્યું છે કે જેઓ અદ્વૈત વેદાંતના પ્રખર પુરસ્કર્તા હતા! શંકરાચાર્યના જીવનમાં એવા કેટલાય પ્રસંગો જોવા મળશે કે જેમાં તેઓ સ્વયં અનેક દેવદેવીઓની વિધિપૂર્વક પૂજા કરે છે. વિવિધ દેવોમાં પરસ્પરના ભેદભાવના ભેદો ભૂંસીને દયામય આદ્ય શંકરાચાર્યે નિમ્નતમ લોકોને પણ ઉચ્ચતર માર્ગ ચડાવવા માટે પંચદેવપૂજાની પરંપરા સ્થાપીને એક સુંદર દાખલો બેસાડ્યો છે. એક બાજુએ તેઓ ભક્તિપ્રવણ હતા તો બીજી બાજુએ અદ્વૈત વેદાંતના કેસરી હતા. આ ભાવે શિવ ગણેશ, વિષ્ણુ, ભવાની અને અન્નપૂર્ણાનાં કેટલાંક ભાવપૂર્ણ અને જ્ઞાનપૂર્ણ સ્રોતો રચ્યાં છે.

આધુનિક યુગના અદ્વૈત વેદાંતના પ્રખર પંડિત પયગંબર સ્વામી વિવેકાનંદે પણ અદ્વૈતના સત્યની સર્વોચ્ચ અનુભૂતિ માટે વિધિ-વિધાનોવાળી સાધનાને પણ એક મહત્વનું પગથિયું ગણ્યું છે. તેઓ કહે છે

પ્રતિમાઓની બાહ્ય પૂજા આપણાં બધાં શાસ્ત્રોમાં નીચામાં નીચી કોટિની કહેવાય છે; પણ એનો અર્થ એવો નથી કે એ પૂજા કરવી એ ખોટું છે. અત્યારની પ્રચલિત પ્રકારની પ્રતિમાપૂજા કરવામાં કેટલીયે વિસંગતિઓ હોવા છતાં હું તેનો તિરસ્કાર કરતો નથી. અરે, પેલા આચારનિષ્ઠ પ્રતિમાપૂજક બ્રાહ્મણ (શ્રીરામકૃષ્ણ)ની પવિત્ર ચરણરજથી જો હું ધન્ય થયો ન હોત તો હું ક્યાં હોત? (સ્વા. વિવે. ગ્રંથમાળા ભાગ-૪, પૃ. ૩૦૬)

અલબત્ત, આપણને એમના જીવન અને સંદેશમાંથી એવાં ઉદાહરણો સાંપડશે કે જે મૂર્તિપૂજાની મજાક કરતા હોય, પરંતુ એમને એના વિરોધરૂપે ન ગણવા જોઈએ. આપણી વિધિ-વિધાનો પ્રત્યેની અતિઆસક્તિને કારણે જે નિરાકાર સત્ સ્વરૂપ છે તેને ભૂલી ન જઈએ કે વિસારે ન પાડી દઈએ તે તરફ આપણું ધ્યાન દોરવાનો સ્વામી વિવેકાનંદનો પ્રયત્ન છે. એમનાં જીવન અને સંદેશનો સુવ્યવસ્થિત અભ્યાસ કરવાથી આપણને એ વસ્તુની ખાતરી થાય છે કે પ્રાચીન ઋષિઓની જેમ એમણે પણ ઉચ્ચતર પથે આરોહણ કરવા વિધિ-વિધાનોવાળી પૂજાવિધિ પણ એક ઉપયોગી ઉપકરણ જેવી ગણી છે.

વેદાંતનો સાવચેત કરતો શબ્દ છે: ‘આગળ ધપો’. જો તમે સર્વોચ્ચ સત્યની પ્રાપ્તિની દિશામાં આગળ વધવામાં તેમનો ઉપયોગ કરી શકો તો વિવિધ પદ્ધતિઓ અને બધાં સિદ્ધાંતો સારાં જ છે. પરંતુ એ તમને ગુંચવણમાં મૂકી દે તો એ બધાં એટલાં જ ખરાબ પણ છે. એટલે અદ્વૈત વેદાંત કોઈપણ પ્રકારની પૂજાવિધિને કે વિધિ-વિધાનોનો અસ્વીકાર કરતું નથી કે ધિક્કારતું નથી. કોઈપણ વ્યક્તિને ઉચ્ચતર પથે લઈ જવામાં ઉપયોગી થતી કોઈપણ વિધિ કે મૂર્તિ કે પ્રતીકપૂજાનું તે જરાય વિરોધ કરતું નથી. સ્વામી વિવેકાનંદે અદ્વૈત વેદાંતના આ વલણને બહુ સુંદર શબ્દોમાં આ રીતે કહ્યું છે : ‘માનવની યાત્રા ભૂલોમાંથી સત્ તરફની નથી હોતી, પરંતુ તે એક સત્‌માંથી બીજા સત્ તરફ એટલે કે નિમ્ન કક્ષાના સત્ પરથી ઉચ્ચતર કક્ષાના સત્ તરફ એનું પ્રયાણ હોય છે.’

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.