સ્વામી રામતીર્થ તીર્થરામ રૂપે સ્વામી વિવેકાનંદને મળેલા અને એમણે લાહોરમાં આપેલા સુપ્રસિદ્ધ વેદાંત પરના પ્રવચનથી પ્રેરાઈને ગણિતના આ મહાન અધ્યાપકે સંન્યાસ લીધો અને દેશ-વિદેશમાં વેદાંત પ્રચારનું કાર્ય કર્યું છે. – સં.

(૧૯૦૫ની ૧૧મી સપ્ટેમ્બરે ફૈજાબાદમાં આપેલું વ્યાખ્યાન) અમેરિકામાં વેદાન્તને વર્તનમાં મૂકવામાં આવે છે, એથી એ દેશ સંપત્તિવાન છે. પોતાના આત્માને એકમાત્ર દેહમાં જ નહિ, બલ્કે સમગ્ર સંસારમાં ભિન્ન ભિન્ન સ્વરૂપે વ્યાપ્ત થયેલો છે, એમ જોવું અને એક જ શરીરમાં એને પરિચ્છિન્ન કરવો એને કારાગાર સમજવું એનું નામ વ્યાવહારિક વેદાન્ત.

પાઘડી, જોડા, ટોપી એટલું જ માત્ર મારું વર્તુળ નથી. હું સાડા ત્રણ હાથના ટાપુ (દેહ)માં કેદ નથી; પરંતુ શરીરનો આત્મા હું જ છું. અમેરિકાના લોકોએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. તલવારના ઘા ખાઈને અથવા તો પ્રકૃતિના ઊંડા પ્રભાવ વડે પણ હરેકને સ્વીકારવું પડ્યું છે કે, આત્મા વિના આનંદનું બીજું કોઈ સ્થાન છે જ નહિ. જો કોઈ આનંદનો ભંડાર હોય તો એ કેવળ પોતાનો આત્મા જ છે. એમાં જ સ્વતંત્રતાનો વાસો છે, ત્યાં જ શાંતિ અને આનંદ છે. લોકો મદ્ય પીવાનું કેમ છોડી દેતા નથી? હજારો પ્રયત્નો કરો, મદ્યપાનનિષેધક મંડળો એને હંમેશા છોડી દેવાનો ઉપદેશ કરતાં રહે, પણ એવું તે શું કારણ છે કે લાખો વ્યક્તિઓ આ સત્યાનાશિની મદિરાને છોડતા નથી? કારણ એ છે કે, એ પોતાના આત્મદેવની કંઈક ઝાંખી કરાવી આપે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ આ શરીરરૂપી કેદખાનામાંથી થોડી વારને માટે છુટકારો કરાવે છે. હાય સ્વતંત્રતા! પ્રત્યેક વ્યક્તિ એને ઇચ્છે છે, સમસ્ત જાતિઓ અને સમાજોમાં હંમેશા ‘સ્વતંત્રતા, સ્વતંત્રતાની’ જ બૂમો સાંભળવામાં આવે છે. બાળકો પણ આનાં અભિલાષી હોય છે. રવિવાર બાળકોને સૌથી વધારે વહાલો કેમ લાગે છે? એટલા જ માટે કે એ દિવસ એમને થોડી સ્વતંત્રતા આપે છે. એ દિવસે એમને રજા મળે છે. આ રજાનો દિવસ માત્ર બાળકોને જ આનંદ આપે છે એટલું જ નહિ, પણ એનું નામ સાંભળીને શાળાના શિક્ષકોના અને ઓફિસના કારકુનોના ફિક્કા પડી ગયેલા ચહેરા ઉપર પણ જરા લાલી ઝળકી ઊઠે છે.

વાત એમ છે કે પ્રત્યેકને સ્વતંત્રતાનો આનંદ વહાલો છે! કેમ ન હોય? મુક્ત સ્વભાવ તો એની પોતાની જાતિ છે અને પોતાની જાતિ પ્રત્યેકને નિઃસંદેહ વહાલામાં વહાલી લાગે છે. હા, જ્યારે કોઈ માણસ પોતાની જાતિથી તટસ્થ ઈને સાંસારિક બંધનો અને પદાર્થોમાં આ સ્વતંત્રતાને મેળવવાનો પ્રયત્ન કરે છે, તો અંતે એના હાથમાં કાંઈ આવતું નથી. એટલા માટે પ્રત્યેક અનુભવી માણસ કહે છે કે, સંસારમાં અગર સાંસારિક પદાર્થોમાં વાસ્તવિક સ્વતંત્રતા કદાપિ મળતી નથી; કારણ વાસ્તવિક સ્વતંત્રતા તો દેશ, કાળ અને અન્ય વસ્તુની મર્યાદાથી દૂર ખસી ગયા પછી પ્રાપ્ત થાય છે; એ ત્રણેયના કીચડમાં ગોંધાઈ રહેવાથી નથી મળતી. દેશ, કાળ અને વસ્તુના બંધનમાં પડીને તો સેંકડો દેશ અને જાતિઓ આ સ્વતંત્રતાને માટે લડી મરી છે. રૂસોજાપાન યુદ્ધ એટલા માટે જ થયું હતું; તો પણ સ્વતંત્રતા તો આકાશકુસુમવત્ દૂર જ રહી.

મારા વહાલા! જે માણસ પોતના આત્મામાં અવસ્થાન કરે છે એ સ્વતંત્ર છે; કેમકે આત્મા જ સ્વતંત્રતાનો ભંડાર છે. જે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર નથી કરતો, એ આ લોકમાં નથી સ્વતંત્ર થઈ શકતો, તેમજ નથી પરલોકમાં અવિનાશી આનંદ પ્રાપ્ત કરી શકતો; જ્ઞાનવાન પુરુષો આ સંસારના પદાર્થો અને બંધનો તરફ ઉદાસીન વૃત્તિ ધારણ કરીને મુક્તિના અમૃતને પ્રાપ્ત કરી શકે છે. ‘વિધ્વસ્તગ્રામ’ નામક કાવ્યના રચયિતા અંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથ અને ડૉક્ટર જૉન્સન વચ્ચે એક વાર ચર્ચા શરૂ થઈ કે, વાતચીત કરવામાં ઉપરનું જડબું હાલે છે કે નીચેનું? આ વાત હતી તો બહુ સરળ; પણ એ ગોલ્ડસ્મિથની સમજમાં આવતી નહોતી. એ બાબતનો જો કે એને અનુભવ પણ હતો; કારણ કે ઉપલું જડબું ન હાલતું હોત તો એ વાતચીત જ ન કરી શકત.

અંગ્રેજોમાં જેમ ક્રોમ્પેલ અને મુસલમાનોમાં જેમ બાદશાહ બાબર થયા છે, તેવી જ રીતે હિંદુઓમાં આ યુગમાં રણજિતસિંહ થઈ ગયા છે. આ ભારતગૌરવ, પંજાબકેસરીના વિષે એક એવી વાત પ્રચલિત છે કે, એક વખતે શત્રુસેના અટક નદીને સામે કિનારે હતી. રણજિતસિંહના માણસો નદીને ઓળંગતા અચકાતા હતા. એણે પોતાનો ઘોડો સૌથી આગળ પાણીમાં ઝંપલાવીને કહ્યું કે –

સભી ભૂમિ ગોપાલકી, વામે અટક કહાઁ?
જાકે મન મેં ખટક હૈ, સો હી અટક રહા!

એની પાછળ બધા લશ્કરે કૂદી પડીને નદી પાર કરી. શત્રુની સેના સામે આ લોકો ગણતરીમાં તો ઘણા જ થોડા હતા; પરંતુ એમની આ પ્રકારની વીરતા જોઈને શત્રુઓની સેનાનાં હૃદય કંપી ગયાં અને ભયભીત થઈને બધા રણક્ષેત્ર છોડી નાઠા. સમરભૂમિ આ ભારતીય વીરના કબજામાં આવી. આ શાનું પરિણામ હતું? એના હૃદયમાં શ્રદ્ધા અર્થાત્ ઈસ્લામનું જોશ ઊછળી રહ્યું હતું. ઈશ્વરના ધ્યાનમાં તે આખી રાત મગ્ન રહેતો હતો. એની પ્રાર્થનામાં એનું લોહી આંસુ બનીને આંખોમાંથી ટપક્યા કરતું. આને લીધે જ એનામાં એ બળ આવ્યું. આત્મબળ, વિશ્વાસબળ યા ઈસ્લામની શક્તિથી એ ચકચૂર બની ગયો અથવા એમ કહો કે, એને આત્મસાક્ષાત્કાર થયો હતો. શરીરના રોમેરોમમાંથી આનંદ ફૂટી નીકળે એનું નામ સાક્ષાત્કાર છે. કહેવાય છે કે, હનુમાનના રોમેરોમમાં રામ લખેલું હતું. એ જ પ્રમાણે રણજિતસિંહમાં વિશ્વાસનું બળ ભરેલું હતું. આવા સાક્ષાત્કારવાળાઓને નદી પણ માર્ગ આપે છે; પર્વત પણ રસ્તો કરી દે છે. સંસારમાં સફળતાનો ઉપાય પણ અંતરશક્તિ પર જ છે. મારો અંદરનો પરમેશ્વર સર્વશક્તિમાન છે અને એવી કઈ ગાંઠ છે જે એનાથી છૂટી ન શકે?

જર્મન શહેનશાહ ફ્રેડરિક ધી ગ્રેટ ફ્રાંસ સાથે યુદ્ધ કરતો હતો. એકવાર એના સૈન્યે હાર ખાધી. કેટલાક તો માર્યા ગયા અને થોડાક ફ્રેંચોના હાથમાં કેદી તરીકે પકડાઈ ગયા. આ બાદશાહ વિદ્યારસિક અને ઈશ્વરભક્ત હતો. એને આત્મસાક્ષાત્કારની કાંઈક ઝાંખી થઈ ગઈ હતી. એણે જે કોઈ પાંચ-પચીશ યોદ્ધા બચ્યા હતા એમને કહ્યું કે, ‘તમારામાંથી દશ-પંદર માણસો રણવાદ્ય વગાડતાં વગાડતાં પૂર્વમાંથી, થોડા પશ્ચિમ તરફથી અને થોડાક ઉત્તર તેમજ દક્ષિણ દિશા તરફથી આવો.’ એના કહેવા પ્રમાણે  આ માણસો ચારે દિશામાંથી જે કિલ્લો ફ્રેંચોએ લઈ લીધો હતો, તે તરફ વાજિંત્ર વગાડતાં વગાડતાં આવવા લાગ્યા.

આ વખતે આ નરવ્યાઘ્ર હથિયાર લીધા વિના કિલ્લામાં ઘૂસી ગયો અને ઉચ્ચ સ્વરે કહેવા માંડ્યું કે, ‘જેને પોતાના પ્રાણ બચાવવા હોય, એણે હથિયાર સોંપી દઈ કિલ્લામાંથી બહાર ચાલ્યા જવું; નહિ તો ચારે દિશાઓમાંથી કૂચ કરી આવતી મારી સેના બધાની કતલ કરી નાખશે.’ ચારે દિશાઓમાંથી વાજિંત્રના અવાજ સાંભળીને અને આ વીરપુરુષનું સાહસ જોઈને એ લોક ગભરાઈ ગયા અને તે જ વખતે કિલ્લો છોડી દઇને નાસી છૂટયા. આ પ્રમાણે આ વીરપુરુષે એકલા અને અસ્ત્રશસ્ત્ર વિના શત્રુઓ પર વિજય મેળવ્યો. બસ, સંસારમાં પણ એ જ આત્મબળની આવશ્કતા છે. એ સાક્ષાત્કારની જ જરૂરિયાત છે. રામ જાણીબૂજીને જ વિદેશોની વાતો તમને એટલા માટે કહે છે કે જેથી કંઈક બહારનો પણ ખ્યાલ આવે. આ અમૃત અર્થાત્ આત્માનો સાક્ષાત્કાર કરવાનું નીકળ્યું છે, તો ભારતવર્ષમાંથી પણ આજ એનો લાભ અન્ય દેશવાસીઓ ઉઠાવે છે. આ બ્રહ્મવિદ્યાની પ્રત્યેકને જરૂર છે. શું ધાર્મિક ઉન્નતિ કે શું સાંસારિક ઉન્નતિ, એ બંનેને માટે શ્રદ્ધા અથવા વેદાન્ત કે બ્રહ્મવિદ્યા કે આવા આત્મસાક્ષાત્કારની આવશ્યકતા છે. આ આત્મસાક્ષાત્કારની શું તમારે આવશ્યકતા નથી? અંદરનું આત્મબળ એ જ તમારું આચરણ છે. બહારના કલહ-કંકાસ તો તમારા આત્મબળને જોખમમાં નાખે છે. જ્યારે મનુષ્ય સીધી રીતે આત્મબળને પ્રાપ્ત કરવા પ્રયત્ન નથી કરતો, ત્યારે વિપત્તિઓ એ આત્મબળને છંછેડીને જાગૃત કરી આપે છે. વિકાસવાદનો નિયમ મુક્તકંઠે આ વાતનો ઉપદેશ આપે છે. પ્રકૃતિનો નિયમ છે કે જેનામાં બળ હશે એ જ સ્થિર રહેશે. જેનામાં સાહસ છે એનામાં જ શક્તિ છે અને જેનામાં શક્તિ છે એનામાં જ જીવન છે. સાહસ અંદરની વસ્તુ છે. જ્યાં ઈશ્વર છે ત્યાં જ સાહસ છે. ડફણાં ખાતાં ચાલવું એ તો પશુઓનું કામ છે. મનુષ્ય તો અમુક વસ્તુનો ઢંગ અમુક પ્રકારનો છે, એમ જ્ઞાનબુદ્ધિથી સમજી લઈને એને આચરણમાં મૂકે છે.

ખુદ તો મુંસિફ બાશ અહ જૉંઈં નિકોયા ઑં નિકો

અર્થાત્ હે પ્યારા પ્રાણ! તું સ્વયં ન્યાયી બને એ સારું છે કે પેલું સારું છે? પ્રકૃતિ તમને સોટા મારી મારીને શીખવે ત્યારે જ શીખો, એવો કાંઈ મેળ છે? આ જગતથી આડું જોઈને ચાલવું એટલે શું? એનો અર્થ તો એ જ કે, બહારની વસ્તુઓ કોઈ લક્ષ્યમાં ન રહે અને બીજું “મૂત કિલ્લ અંતૂ ભૂતૂ’ એટલે કે મરતાં પહેલાં જ મરી જવું અથવા તો સર્વ કંઈ ઈશ્વરને (પોતાના આત્માને) અર્પણ કરી દેવું. જ્યારે બહારની વસ્તુઓને આ પ્રમાણે હોમી દેવામાં આવે છે, ત્યારે માત્ર ત્રિલોકીનાથ જ બાકી રહે છે. જ્યાં લગી આત્મબળમાં શ્રદ્ધા નથી હોતી, ત્યાં લગી કોઈ પણ માણસ ઉન્નતિ કરી શકતો નથી. જેનામાં આ વિશ્વાસ અધિક હોય છે, એ જ આગળ વધી અન્યને પણ દોરી લઈ જાય છે.

ધન ભૂમિ ધન દેશકાલ, હૈ ધન ધન લોચન દરસ કરેં જો.

આત્મસાક્ષાત્કારવાળા જે ભૂમિ પર પગ મૂકે છે, તે ભૂમિને ધન્ય છે. જેના અંતરમાંથી પ્રેમનાં ઝરણાં વહેતાં હોય, તે જ એવા જ્ઞાની મહાત્મા છે.

૨વૉં કુન ચશ્મહા-એ-કૌસરી રા.

અર્થાત્ નદીના પ્રવાહને જારી કરો. આ સ્વર્ગની વા આત્માનંદની નદીઓના પાણીની કોને આવશ્યકતા નથી? ફળ, ફૂલ, ઘાસ, ધાન્ય, મનુષ્ય, પશુ, પક્ષી, એ સૌને આ પાણીની આવશ્યકતા છે.

સુલેમાના બિયાર અંગુશ્તરી રા.

અર્થાત્ હે સુલેમાન! વીંટી લાવ. વીંટી મળ્યા પછી ભટકવું શા માટે? ક્યાં તમારું દિલનું રાજ્ય અને ક્યાં તમે ભિખારી? ક્યાં એ આનંદધામ અને ક્યાં આ અસ્થિચર્ય!

સૂર્ય કો સોના ઔર ચંદ્રમા કો ચાંદી તો દે ચૂકો,
ફિર ભી પરિક્રમા કરતે હૈં દેખું જિધર કો મૈં.

આ યાચના નથી. વાસ્તવિક ઘટનાઓ છે. આનો અર્થ એવો થાય છે કે, તમારો આત્મા એ જ પરમેશ્વર છે. હવે જ્યારે મારો આત્મા એ જ ઈશ્વર છે, ત્યારે દુઃખી કેમ? સંસારમાં એવા પુરુષો ઉત્પન્ન થયા છે કે જેમની અંદરથી વિશ્વાસનાં ઝરણાંઓ વહી નીકળ્યાં છે અને આ જીવનદાયક જલથી દેશના દેશ સિંચાયા છે. અરબસ્તાનમાં એક માઈનો પૂત પેદા થયો, જેની અંદરથી શ્રદ્ધાની જ્વાલા ભભૂકી ઊઠી. આ શ્રદ્ધા કદી દાસોઽહમ્‌ના ભાવમાં તો કદી કદી શિવોઽહમ્‌ના ભાવમાં પ્રકટ થાય છે. એ આરબકેસરી કહે છે :

અગર સૂર્ય હો મેરી દાઈં તરફ,
ઔર હો ચાંદ ભી બાઈં જાનિબ ખડા!
કહે મુઝસે ગર દોનોં – ‘બસ, અબ રુકો’
તો ન માનું કભી કહના ઉનકા જરા!!

આત્માબળની સામે સૂર્યચંદ્ર શી વિસાતમાં છે? એકમેવાઽદ્વિતીયં નેહ નાનાસ્તિ કિંચન અર્થાત્ એક ઈશ્વરના વિના બીજું કાંઈ છે જ નહિ. વાત અતિ સરળ છે, પણ વિશ્વાસ કેમ બેસતો નથી?

વિશ્વાસ, શ્રદ્ધા, ઈમાન, યકીન બધાનો એક જ અર્થ છે. એણે વિશ્વાસ ખોયો અગર એ બેઈમાન છે, એ એક મોટી ગાળ છે; તો પછી ઈમાન, યકીન, શ્રદ્ધા કેમ ઉત્પન્ન થતાં નથી? શ્રદ્ધા કોનામાં? એ એક આત્મદેવમાં કે જે પ્રાણોનો પ્રાણ અને જીવોનો જીવ છે. જો આ શ્રદ્ધા ઉત્પન્ન થાય, તો સમગ્ર પાપનો બેડો તૂટી જાય. જો દેશમાં એક આવો નર પેદા થાય, તો દેશ પ્રફુલ્લિત થઈ જાય. બસ, તમારા અહંભાવને દૂર કરો, દ્વૈતના ભેદને ભૂલો અને આ કટોરામાં આત્મદેવનું અમૃત છે, તેનું પાન કરો. શું આ અમૃતની કોઈને જરૂર નથી? મુસલમાન, ખ્રિસ્તી, યહૂદી, હિન્દુ એ તો આ અમૃતની શોધમાં માર્યા માર્યા ફરે છે. 

એકો અલિફ તેરે દરકાર

એક ૐ કારને જાણ્યો કે આત્મબળ આવ્યું સમજો. ‘બ્રહ્મ સત્યં જગન્મિથ્યા’ બ્રહ્મ જ સત્ય છે; જગત મિથ્યા છે.

જે શ્રદ્ધા ધ્રુવ, પ્રહ્‌લાદ અને વામદેવમાં ઉત્પન્ન થઈ હતી, એ શ્રદ્ધા તમારામાં પ્રકટાવો. આ શ્રદ્ધા વડે બધી શંકાઓ, ઝઘડાટંટા અને સંદેહ સૌ દૂર થઈ જાય છે. મસ્ત મહાત્મા દત્તાત્રેય એક સમયે કોઈ ઠેકાણે જતા હતા. રાત્રિનો વખત હતો. અંધારું થઈ રહ્યું હતું. દીપકના પ્રકાશમાં એમનું તેજોમય રૂપ એક સ્ત્રીએ પોતાની અગાશીમાંથી જોયું. આ સૂર્યસ્વરૂપ મહાત્માનાં ત્રણ વાર દર્શન થતાંમાં તો પેલી સ્ત્રીના હૃદયનો અંધકાર દૂર થઈ ગયો અને દશા પલટાઈ ગઈ! મહાત્માઓના દર્શનથી પણ વિષયવાસના દૂર થઈ જાય છે. મહાત્માની ખરી અવસ્થાને પ્રાપ્ત કરનાર મનુષ્ય સમગ્ર દેશને હચમચાવી મૂકે છે. પછી ભલે તે ઉપદેશ કરે કે ન કરે. કેવળ એક દેશની જ અવસ્થા બદલાઈ જાય છે એમ નથી; પણ એમના જન્મથી આખા સંસારની દશા પણ પલટાઈ જાય છે. જેમ કોઈ સ્થળની હવા પાતળી થતાં ઊંચે ચડી જાય છે, એટલે ખાલી પડેલું સ્થાન પૂરી દેવા ચારે બાજુની હવા ત્યાં આવવા માંડે છે અને આવી રીતે સમસ્ત વાતાવરણમાં ધમાલ મચી રહે છે; તેવી જ રીતે એક મહાત્મા પણ સમગ્ર સંસારને હચમચાવી મૂકે છે. હવે જો તમે મહાત્માના અસ્તિત્વને જ ન માનતા હો, તો પછી એનો લાભ કેવી રીતે ઉઠાવી શકો? ધારો કે કોઈ માણસે તમને સોનાને ઠેકાણે કોઈક એવી જ ભળતી ચીજ પધરાવી દીધી, તો એથી શું તમે એમ જ માન્યા કરશો કે જગતમાં ક્યાંય સોનું છે જ નહિ? બધે તાંબું જ ભરાઈ પડ્યું છે? જે સોનાના અસ્તિત્વનો જ ઈન્કાર કરે છે, એ એનો લાભ ક્યાંથી મેળવી શકે? જ્યાં સત્ય છે ત્યાં જ અસત્ય પણ છે. સોનેરી ઢોળ (ગિલેટ) એ તો ખરા સોનાના ગૌરવને પ્રકટ કરે છે. એના અસ્તિત્વને નષ્ટ નથી કરતો. જગતનો ઈતિહાસ આ વાતને સિદ્ધ કરે છે. કોઈ વ્યક્તિ પ્રેમરૂપી આંખો ઉઘાડી રાખીને સંસારરૂપી બજારમાં વિચરે, તો એ સમગ્ર સંસારને પ્રેમરૂપ જોઈને પ્રસન્ન થાય છે અને જેનામાં શત્રુભાવનો જ અગ્નિ પ્રચંડ છે, એને તો સર્વત્ર શત્રુતા જ જણાવાની. એટલા માટે હે વહાલાઓ! કે આનંદનું અન્વેષણ કરનારાઓ! જરા દૃષ્ટિને બીજી બાજુએ ફેરવો.

બેગાના ગર નજર પડે તૂ આશના કો દેખ,
દુશ્મન ગર આયે સામને તો ભી ખુદા કો દેખ.
જો કુછ દીખે જગત્ મેં, સબ ઈશ્વર સે ઢાઁપ,
કરો ચૈન ઈસ ત્યાગ સે, ધન લાલચ સે કાઁપ.

જેની આવી દૃષ્ટિ થાય છે, એને માટે દુઃખ અને શોક રહેતાં નથી. એના વડે તો દેશમાં બીજાઓને પણ સાહસ અને શક્તિ આવી જાય છે. એટલા માટે કે સુધારકો! બોલો, આત્મસાક્ષાત્કાર કરવો એ કેટલો મોટો સુધારો છે? પ્રથમ તમારી જાતને સુધારો, તમારી દૃષ્ટિને વિશાળ કરો; એટલે પછી સમગ્ર દેશમાં ઉચ્ચ સંસ્કૃતિની ભાવના ફેલાશે. જગતમાંની એક મોટી યુનિવર્સિટીના પ્રૉફેસર ડૉક્ટર સતારબકનું કહેવું છે કે, શ્રદ્ધાને લીધે મગજમાં એક પ્રકારની રેખાઓ સરખું કંઈક ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ બીજો મક્કમ વિશ્વાસ મગજમાં સ્થાન લે છે, ત્યારે આ પ્રથમની રેખાઓ ભૂંસાઈ જાય છે અને નવી ઉત્પન્ન થાય છે. આવી રીતે એક પ્રકારની પહેલી રેખાઓનું ભુંસાવું અને નવીનું પેદા થવું, એને જ અંતરપરિવર્તન કહેવામાં આવે છે. આ એ જ ઈસ્લામ, વિશ્વાસ વા યકીન છે; કે જેની સહાયત વિના મનમાં પ્રથમનાં સ્વપ્નચિહ્ન અને રેખાઓ દૂર થતાં નથી, તેમજ મન પણ શુદ્ધ થતું નથી.

ઈંગ્લૅન્ડ તેમજ અમેરિકા આ વિશ્વાસના સૂત્ર પર નિર્ભર રહીને પોતાની ઉન્નતિ કરે છે. ગ્રીસ ક્યાં ગયું? એના ધર્મનું અને ગૌરવની વાત તો એ છે કે, ભારતવર્ષ પર વિપત્તિ પર વિપત્તિ પડવા છતાં યે ધર્મની ગંધ સ્થિર રહી. કેમ મહારાજ શ્રીરામચંદ્ર તો આ દેશમાં જ પેદા થયા હતા ને પ્યારા શ્રીકૃષ્ણચંદ્ર પણ ભારતની ગોદમાં ઊછર્યા હતા ને? આવો મેળ અને એકતા આવા શૂરવીરો જ સ્થિર ટકાવી શકે. જે દેશમાં વીર નથી, એ દેશ સ્થિર રહી શકતો નથી એથી જ શ્રીરામ અને શ્રીકૃષ્ણ તેમજ વેદોના શુભ નામને લીધે આ દેશ સ્થિર છે. આપણે જેટલો લાભ સ્વરાજ વડે ઉઠાવી શકીએ, એટલો જ લાભ આવા પવિત્ર મહાત્માઓ પાસેથી ઉઠાવવો જોઈએ. જ્યારે ચક્ષુઓ એક વખત શ્રીચરણે અર્પણ કરી ચૂક્યા, ત્યારે તો પછી એ આપણાં નથી રહેતાં, એ તો ઈશ્વરનાં થઈ ગયાં. એ જ મુજબ બાહુને જ્યારે તમે તમારી જાતને ઈશ્વરને અર્પણ કરી દો, ત્યારે તમે ૫રમાત્માની એક પવિત્ર જાતિ બનો છો. સાક્ષાત્ ભગવાન શ્રીરામ કે શ્રીકૃષ્ણ થઈ જાઓ છો. હવે પ્રેમની નિસ્તેજતા જ્ઞાનની લાલિમામાં પરિવર્તિત થઈ જાય છે અને અંતે જ્ઞાનની મસ્તી ટપકવા લાગે છે.

જેને ત્યાં આનંદની બાદશાહત સિવાય બીજું કશું નથી, એવા રામને તમારે ત્યાં ઝાડુ કાઢતાં કાઢતાં ત્રણ દિવસ થઈ ગયા. આજ તે ગાદી પર બેસીને ઈશ્વરના, રામના, સત્યના શપથ લઈને કહે છે કે, તમે દરેક એ પવિત્ર જાતિ, આત્મા વા શુદ્ધ ઈશ્વર છો. તમે તમારા આત્માને ઓળખો. આ દાસત્વનો ત્યાગ કરો. તમારું સામ્રાજ્ય સાચું જ છે.

વાહ! કેવું સુંદર ચિત્ર છે! આંખોનું અસ્તિત્વ પણ સફળ થયું અને એ સુંદર યુવકનું જીવવું પણ ધન્ય થયું!

Total Views: 114

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.