(લેખક પરિચય: શ્રી કિરણભાઈ ન. શીંગ્લોત બાળરોગ વિશેષજ્ઞ અને ફેમિલી ફિઝિશિયન તથા સ્વાસ્થ્ય, યોગ અને માનસિક સ્વાસ્થ્ય પ્રશિક્ષક છે.)

કુટુંબમાં બાળક જન્મે એ એક દિવ્ય અવસર છે. ગુજરાતની ખ્યાતનામ લેખક બેલડી જ્યોતીન્દ્ર દવે અને જયંતિ દલાલે સંયુક્તપણે લખેલા હાસ્યરસથી સભર પુસ્તક ‘અમે બધાં’ માં લખેલું કે બાળકનો જન્મ એટલે પરમ શક્તિનો એક અંશ છૂટો પડીને પૃથ્વી પર અવતરવાની અદ્‌ભુત ઘટના. બાળકનો જન્મ થાય એટલે કુટુંબમાં ખુશીનો માહોલ છવાઈ જાય. સ્વજનોમાં મીઠાઈ વહેંચાય. માતાના ગર્ભમાં કુદરતે પૂરી માવજત કરીને નવ નવ માસ સુધી પોષેલું બાળક જન્મે એટલે કુદરત એને પૂરા વિશ્વાસ સાથે માતા-પિતાનાં હાથમાં સોંપી દે છે, પછી એના ઉછેરની જવાબદારી માબાપની બને છે. બાળકનો જન્મ એ એમનાં જીવનની કદી ન પૂરી થનારી અને વણથંભી યાત્રા છે. આ જવાબદારી પડકારોથી ભરેલી છે. માબાપ બનવું એ લાગે તેટલું સહેલું નથી.

જન્મથી આઠ વર્ષ સુધીનો ગાળો બાળકના જીવનઘડતરની દૃષ્ટિએ અતિ મહત્ત્વનો છે. આ વર્ષો દરમિયાન બાળક તેનાં માબાપ અને કુટુંબના વડીલો પાસેથી વિવિધ પ્રકારના અનુભવો પ્રાપ્ત કરે છે. આ અનુભવો એના અજ્ઞાત માનસમાં કાયમ માટે અંકિત થઈ જાય છે અને તેના ભાવિ વર્તન અને વ્યક્તિત્વનો આધાર બને છે. સારા અનુભવો તેના ચિત્તમાં પોતાના અને અન્યના વિશે સારાપણાની લાગણીને પોષે છે, જ્યારે કડવા અનુભવોથી એનો પોતાના પ્રત્યેનો અને અન્ય વિશેનો વિશ્વાસ તૂટે છે અને એ પોતાને તેમ જ જગતને કાયમ માટે તિરસ્કારતું થાય છે.

મોટાભાગનાં માબાપ એમ માને છે કે બાળક નાનું હોય ત્યારે એને માટે ભાતભાતના ખોરાકનો પ્રબંધ કરી દઈએ, ઢગલાબંધ રમકડાં અને કપડાં લાવી આપીએ, મોટું થાય ત્યારે એને સારામાં સારી શાળામાં દાખલ કરી દેવામાં આવે તથા પાસે પૂરતાં પ્રમાણમાં પૈસા હોય તો સારા ટયુશનનો પ્રબંધ કરી દેવામાં આવે એટલે માતા-પિતા તરીકેની એમની જવાબદારી પૂરી થઈ!

પણ આ તો બાળકને પાળવાની વાત થઈ; ઉછેરવાની નહીં!

જન્મથી લગભગ ચાર વર્ષનું થતાં સુધી બાળક પોતાની બધી જ જરૂરિયાતો માટે એનાં માબાપ પર આધાર રાખે છે. એને માબાપ અને કુટુંબ પાસેથી પ્રેમ, વાત્સલ્યસભર સ્પર્શ, સ્વીકાર, પ્રોત્સાહન, માનસિક સલામતી અને સુમેળભર્યાં વાતાવરણની ઝંખના હોય છે. દરેક બાળક એમ ઇચ્છે કે એના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે, એના વ્યક્તિત્વની કદર થાય, એના વર્તન અને નાની નાની સિદ્ધિઓને માન્યતા મળે. આપણાં જીવનમાં એનું મહત્ત્વનું સ્થાન છે, એવું એ અનુભવે અને એની ઉપસ્થિતિની નોંધ લેવામાં આવે. માબાપ અને કુટુંબે એનાં પોષણ, રસીકરણ તેમજ સ્વચ્છતા દ્વારા રોગો સામે રક્ષણ તથા યોગ્ય દેખરેખ દ્વારા અકસ્માત-ઈજાઓ સામે એની સલામતી અને સુરક્ષાનો પણ પ્રબંધ કરવો રહ્યો.

બાળક એ જીવનરૂપી બાગમાં ખીલેલું એક અદ્‌ભુત ફૂલ છે. એની માવજતમાં માબાપે માળી-કાર્ય કરવાનું છે; નહિ કે કઠિયારાનું. આવકારને બદલે બાળકને અવહેલના અને જાકારો મળે, શંકા અને ટીકા મળે, હતાશા અને ડર મળે, તેમજ એના આત્મવિશ્વાસની દીવાલને વારંવાર તોડી પાડવામાં આવે તો પછી એનું જીવન શી રીતે પાંગરે?

બાળકનું બીજું નામ ‘આજ’ છે. પુખ્ત વ્યક્તિઓની ઘણી જરૂરિયાતોમાં વિલંબ પરવડી શકે, પરંતુ બાળક પોતાની જરૂરિયાતો માટે રાહ ન જોઈ શકે. એને આપણે ‘આવતીકાલે’ એવો જવાબ ન આપી શકીએ. એને જીવવું છે માટે એના જીવવાનો સઘળો પ્રબંધ કરો. એને એનું બાળપણ માણવા દો. છોકરો જન્મે કે છોકરી; એનો સ્વીકાર કરો. એની તંદુરસ્તીનું જતન કરો. એને એની લાગણીઓનો મુક્તપણે અનુભવ કરવા દો અને મોકળાશથી વ્યક્ત કરવા દો. એને મોટું થવા દો અને સ્વતંત્ર બનવા દો. એને એની જિંદગીમાં કંઈક કરી બતાવવું છે; એની શક્તિઓમાં વિશ્વાસ કરો.

બાળકની નબળી માનસિકતાનાં મૂળ માબાપનાં વલણમાં રહેલાં છે. દુ:ખ, હતાશા, નિષ્ફળતા, દરિદ્રતા, ડર અને રોગનાં બીજ માતા-પિતા જ એનાં માનસમાં રોપતાં હોય છે. એને શારીરિક શિક્ષા કરીએ, એની જરૂરિયાત પૂરી કરવામાં વિલંબ કરીએ, એની પાસે આપણાં જીવનનાં અધૂરાં રહી ગયેલાં સપનાં પૂરાં કરાવવાની જિદ્દ કરીએ, એને પરાવલંબી રાખીએ, પુત્ર-પુત્રીના ઉછેરમાં ભેદ રાખીએ, એને ધાકધમકી અને બૂમબરાડા પાડીને ડાહ્યુંડમરું બનાવીએ, ડરપોક અને દબાયેલું બનાવીએ, એની ટીકા કરી અન્યની ઉપસ્થિતિમાં એને ઉતારી પાડીએ તેમજ એના આત્મવિશ્વાસની દીવાલને તોડી પાડીએ તો એની વ્યક્તિત્વરૂપી ઇમારતનાં ઘડતર અને ચણતરમાં ખામી રહી જાય છે અને આની સજા એણે આખી જિંદગી વેઠવી પડે છે. ભૂલ આપણી અને દંડ એને ભોગવવો પડે! એ ક્યાંનો ન્યાય?

આપણે એની નાની નાની શારીરિક તકલીફો અને પીડાઓની વધારે પડતી ચિંતા કરીએ, તેમજ એની બધી જ માગણીઓ પૂરી કરીને, એને ફટવી મૂકીએ તે પણ ન ચાલે.

માબાપ તરીકે આપણું એ પરમ કર્તવ્ય છે કે આપણે એના હૃદયને ડંખ વગરનું રાખીએ. એની નિર્દોષતાને જાળવી રાખીએ. એને સમયસર શાબાશી, પ્રશંસા અને પ્રોત્સાહન આપીએ. પુસ્તકો સાથે એની પ્રીતિ જોડી આપીએ તથા ટી.વી. વીડીયો ગેમ્સ, કૉમ્પ્યૂટર અને ઇન્ટરનેટ જોવાના સમય પર અંકુશ રાખતાં શીખવીએ.

દરેક માબાપે એમના હૃદયમાં મઢી રાખવા જેવું છે કે ૧ થી ૩ વર્ષના બાળકનો ઉછેર એને ભગવાન માનીને કરો, ૩ થી ૬ વર્ષના બાળકને રાજા સમાન ગણો, ૭ થી ૧૬ વર્ષ સુધી એને ગુલામ માનીને એની પાસે એનાં ભાવિ જીવનના કપરા સમય માટે સખત પરિશ્રમ કરવાની આદત પાડો અને ૧૬ વર્ષ પછી એને મિત્ર માનીને ચાલો.

Total Views: 160

One Comment

  1. રસેન્દ્ર અધ્વર્યુ March 4, 2023 at 10:55 am - Reply

    જ્યોતીન્દ્ર દવે અને સહ લેખક હતા ધનસુખલાલ મહેતા, જયંતિ દલાલ નહિ સુધારવા વિનંતી.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.