પુસ્તકનું નામ : માતૃવાણી, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. મૂલ્ય : રૂ. 1.50 (ઓર્ડીનરી) રૂ. 2.50 (ડીલક્સ)

જન્મતાંની સાથે જ બાળકની નજરે સૌ પ્રથમ મા દેખાય છે. આમ તો જન્મ પહેલાંથી મા સાથે બાળક અતૂટ બંધનથી બંધાઈ જાય છે. આ તો સામાન્ય માતાની વાત થઈ. પરંતુ જગત આખાની માતા બની ચૂકેલી સ્ત્રીની શક્તિની વાત જ અદ્‌ભુત, અનેરી છે.

શ્રીમા શારદાદેવીનું માતૃસ્વરૂપ અનન્ય છે. એમના આધ્યાત્મિક જીવનથી અનેકને પ્રેરણા મળી છે. ઈશ્વર પ્રત્યેનો એમનો પ્રેમ માનવ તરફ વળ્યો. પરિણામે જે કોઈ એમના સંપર્કમાં આવ્યું તે ધન્ય બની ગયું. “ધસ સ્પેક ધી હોલી મધર” અંગ્રેજી પુસ્તકનો ગુજરાતી અનુવાદ “માતૃવાણી”, શ્રીરામકૃષ્ણ આશ્રમ. રાજકોટ તરફથી પ્રકાશિત થયો છે. આ પુસ્તકનું આ દ્વિતીય સંસ્કરણ છે. માતાજીના અનેક તૃષાતુર ભક્તોને શ્રીશ્રીમાની વાણી સુલભ કરી આપવાના આ કાર્ય માટે ભક્તો તેમના ઋણી રહેશે.

શ્રીમાનાં સૌમ્ય રૂપથી ભગિની નિવેદિતા પણ અત્યંત પ્રભાવિત થયેલાં. ‘મા’ વિશે તેઓ લખે છે : “સૌ લોકો ઈસુની મા મેરીનું ચિંતન કરતા હતા અને અચાનક મને તમારું સ્મરણ હૈયે ચડી આવ્યું” ને પછી તેઓ શ્રીશ્રીમાનું ચિત્તાકર્ષક વર્ણન કરે છે. મા પરની અખૂટ શ્રદ્ધા આ પત્રના શબ્દેશબ્દમાં નીતરે છે. મરણપથારીએ પડેલી વ્યક્તિ પણ ‘મા’ની કૃપાથી સારી થઈ જાય, એટલી અનન્ય ભક્તિ આ પત્રમાં દૃષ્ટિગોચર થાય છે.

‘દિવ્ય કૃપા’ શીર્ષક નીચે સાધકને મનમાં ઊઠતાં સહજ પ્રશ્નોના ઉત્તર માતાજીએ સ્વાભાવિકતાથી આપ્યા છે, જે કોઈ પણ ભક્તને સહજ રીતે સમજાય એવા છે. ‘તમે મનથી ભક્તિ કરો, તેથી ઈશ્વર પ્રાપ્ત થાય જ, એવો કોઈ નિયમ નથી. ઈશ્વરની કૃપા ઊતરે નહિ ત્યાં સુધી કશું કામ આવતું નથી.” નિરાશા વ્યક્ત કરનારા ભક્તોને પણ શ્રદ્ધા પ્રેરતાં કહે છે :

“જીવન દરમ્યાન ઇષ્ટનાં દર્શન નહિ થયાં હોય તો છેવટે મૃત્યુ પહેલાંની ક્ષણે તો તેમના ઇષ્ટનાં દર્શન થશે જ થશે.”

આમ, જીવન પ્રત્યેની શ્રદ્ધા જાગૃત કરવામાં માતૃવાણી અમૃતનું કાર્ય કરે છે. બાળક પ્રભુની સૌથી નજીક છે. એટલે સરસ સરખામણી આવે છે. “એકસો વાર માગો તોપણ બાળક અમુક ચીજ કોઈને આપે નહીં. એથી ઊલટું, બીજાને તે માગતાવેંત જ આપી દે. એ જ રીતે, પ્રભુની કૃપાને કોઈ જાતનું બંધન છે જ નહિ.”

જીવનનું પરમ સત્ય કેટલી સહજતાથી, સરળતાથી વ્યક્ત થયું છે. “શ્રીરામકૃષ્ણ પ્રત્યેની ભક્તિ પણ અત્યંત ઉત્કટ છે. ઠાકુરને સંપૂર્ણ રીતે સમર્પિત થનારી વ્યક્તિને ક્યારે પણ પસ્તાવાનો વારો આવતો નથી. વધારે પડતા વાચનથી ગડબડ થાય છે. ઈશ્વર સત્ય છે, જગત મિથ્યા છે, એટલું માનવી શીખે તોયે બહુ છે.” સ્ત્રી જો પોતાની ઇચ્છાથી બ્રહ્મચારિણી રહેવા માગે તો માતાજીને કોઈ વિરોધ નથી. પરાણે સ્ત્રીને પુરુષની ગુલામી કરાવવાથી કંઈ ઊપજતું નથી. આવી દૃઢ શ્રદ્ધા સ્ત્રીશક્તિમાં માતાજી ધરાવે છે. આમ, આખા પુસ્તકમાં ઉત્સાહનો ભાવ છે. નિરાશા ક્યાંયે વર્તાતી નથી, એ પુસ્તકનું જમા પાસું છે.

‘સાધના’, ‘મન’, ‘સ્ત્રીઓને’ વગેરે વિવિધ વિષયો પર માતાજીની વાણી પુસ્તકરૂપે આકાર પામી છે. આશા છે કે, આ અનુવાદ માતાજીના અસંખ્ય ભક્તોને પ્રેરણાદાયક બની રહેશે. અંતે, એમની જ વાણીમાં શ્રદ્ધા રાખી વીરમીએ :

“એક ઈશ્વર જ સત્ય છે. બીજું-બધું ખોટુ છે. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો અને સદા તેમના વિચારોમાં મગ્ન રહેવું, એ જ જીવનનો ઉદ્દેશ છે.”

– મીનળ દીક્ષિત

કેન્દ્ર નિયામક, આકાશવાણી, રાજકોટ

Total Views: 450

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.