શ્રી હ્યુઆંગ ઝીન ચ્યુઆન બિજિંગ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રોફેસર છે અને Institute of South Asian Studies, Beijing ના ડેપ્યુટી ડાયરેક્ટર છે, તેમણે ચીની ભાષામાં સ્વામી વિવેકાનંદ પર એક પુસ્તક પણ લખ્યું છે : The Modern Indian Philosopher Vivekananda : A Study. પ્રસ્તુત લખાણ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત પુસ્તક “World Thinkers on Ramakrishna Vivekananda”માંથી સાભાર લેવામાં આવ્યું છે.

આધુનિક ચીનમાં સ્વામી વિવેકાનંદની એક અતિ પ્રસિદ્ધ દાર્શનિક તેમ જ સામાજિક વ્યક્તિ તરીકેની પ્રતિભા ઊપસેલી જોવા મળે છે. એમના તાત્ત્વિક તેમ જ સામાજિક વિચારો અને મહાન દેશભક્તિએ ફક્ત ભારતની રાજકીય ચળવળના વિકાસને જ પ્રેરિત કરેલ છે એવું નથી, પરંતુ બીજા દેશો ઉપર પણ તેની ગાઢ અસર થઈ છે. ઈ. સ. ૧૮૯૩માં સ્વામીજીએ કેન્ટોન અને તેના પડોશી વિસ્તારની મુલાકાત લીધેલી. આ મુલાકાતની તેમના પર પડેલી છાપની નોંધ તેમણે મદ્રાસના નાગરિકોને સંબોધીને લખેલા પત્રમાં કરી છે. તેમને ચીનના ઈતિહાસ અને સંસ્કૃતિનું થોડું જ્ઞાન તેમ જ સમજ હતી અને તેઓ વારંવાર પોતાનાં લખાણ તેમ જ ભાષણોમાં ચીન વિષે ઉચ્ચ અભિપ્રાય વ્યક્ત કરતા. એમણે એવી ભવિષ્યવાણી પણ ભાખેલી કે એક દિવસ ચીનની સંસ્કૃતિ ‘ફિનિક્સ’ની જેમ જ પુનર્જિવિત થઈ પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના સમન્વયનું કાર્ય કરવાની જવાબદારી હાથ ધરશે. સ્વામીજીનું જીવનચરિત્ર લખનાર રોમાં રોલાંએ આ પાસા ઉપર સ્વામીજીના વિચારોના વિકાસનું સચોટ વર્ણન કર્યું છે. જ્યારે સ્વામીજી પહેલી વાર અમેરિકા ગયા ત્યારે તેમણે એવી આશા રાખેલી કે આ કાર્ય તે દેશ પાર પાડશે પરંતુ પરદેશની તેમની બીજી મુલાકાત દરમિયાન તેમને ખ્યાલ આવ્યો કે, પોતે ‘ડોલરના સામ્રાજ્યવાદ’થી છેતરાયા છે. તેથી તેઓ એવા તારણ ઉપર આવ્યા કે અમેરિકા આ કાર્ય પાર પાડવા સમર્થ નથી, પરંતુ ચીન તે કરી શકશે.

વિવેકાનંદને સરંજામશાહી અને સામ્રાજ્યવાદના વલણ નીચે જીવતી ચીનની પ્રથા માટે ખૂબ જ સહાનુભૂતિ હતી. અને એ લોકો ઉપર ખૂબ આશા પણ હતી. તેમણે ચીનની મુલાકાત બાદ એક રસપ્રદ વિવેચન કરતાં કહેલું: “ચીનનો એક નાનો બાળક પણ તત્ત્વજ્ઞાની જેવો છે, અને જે ઉંમરે એક ભારતીય બાળક ભાગ્યે જ ભાંખોડિયાં ભરી શકે છે તે ઉંમરે તે ચીની બાળક શાંતિથી અને સહજતાથી કામે જતો હોય છે. તેણે જરૂરિયાતનું તત્ત્વજ્ઞાન ખૂબ સારી રીતે શીખેલું હોય છે.” તેમનાં આ વચનો ચીનના પ્રાચીન સમાજમાં વસતાં બાળકોનાં દુ:ખદર્દ તરફની સ્વામીજીની અપાર હમદર્દી દર્શાવે છે.

પોતાની કલ્પનાના સમાજવાદને સમજાવતાં સ્વામીજીએ એક સુંદર ‘નિર્વિવાદ સત્ય’ રજૂ કરેલ છે. તેમણે કહ્યું છે કે, “ભાવિ સમાજ ઉપર શૂદ્ર-મજૂર-લોકોનું રાજ્ય હશે, અને તેની શરૂઆત પણ સૌ પ્રથમ ચીનથી જ થશે.” ‘આધુનિક ભારત’માં પણ તેમણે કહ્યું છે, “…પરંતુ હજુ પણ આશા છે. સમયના પ્રચંડ વહેણમાં બ્રાહ્મણો અને બીજા ઊંચ વર્ણો પણ શૂદ્રોના સ્થાન પર નીચે આવી રહ્યા છે અને શુદ્રો ઉપલા સ્થાન ઉપર પહોંચવા ઊંચા જઈ રહ્યા છે. આપણી આંખો સમક્ષ જ આ શક્તિશાળી ચીનને આપણે શૂદ્રત્વ તરફ ઝડપથી નીચે ઊતરતું જતું જોઈ રહ્યા છીએ. છતાં એવો સમય આવશે કે જ્યારે શૂદ્રનો વર્ગ પોતાના શૂદ્રત્વ સાથે જ ઉપર ઊઠી રહ્યો હશે… એવો સમય પણ આવશે કે જ્યારે દરેક દેશના શૂદ્ર લોકો દરેક સમાજમાં સંપૂર્ણ આધિપત્ય મેળવશે. સમાજવાદ અરાજકતાવાદ, શૂન્યવાદ અને તેના જેવા બીજા વિભાગો (સંપ્રદાયો) આવનાર સામાજિક ક્રાંતિના સંરક્ષણ દળ તરીકે કામ કરશે.”

ઉપર બતાવેલ વિગતો અને સ્વામીજીના જીવન અને કાર્ય ઉપરથી આપણે એટલું તો જોઈ શકીએ જ છીએ કે, સ્વામીજીએ સરંજામશાહી અને સામ્રાજ્યવાદની હકૂમત નીચે જીવતા ચીનના લોકો તરફ પોતાની કૂણી લાગણી અને સહાનુભૂતિ પ્રદર્શિત કરી છે, અને સાથે સાથે તે લોકો ઉપર મહત્તમ આશાઓ પણ પ્રસ્થાપિત કરી છે.

અનુવાદ : કુ. સીમા માંડવિયા

Total Views: 150

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.